ભારતમાં કોવિડ સહાય : વિદેશથી આવેલી રાહતસામગ્રી જરૂરિયાતવાળા લોકો સુધી ખરેખર પહોંચી રહી છે?

    • લેેખક, જેક હન્ટર
    • પદ, બીબીસી ન્યૂઝ

બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાંથી જંગી પ્રમાણમાં વૅન્ટિલેટરો, દવાઓ અને ઓક્સિજન ઉપકરણો ભારતમાં આવવાનું ગયા સપ્તાહના પ્રારંભે શરૂ થયું હતું.

રવિવાર સુધીમાં તો લગભગ 300 ટન રાહતસામગ્રી લઈને 25 વિમાનો દિલ્હી ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર આવી ગયાં હતાં.

જોકે, દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા વિક્રમસર્જક સ્તરે પહોંચી રહી છે ત્યારે જરૂરતમંદ લોકો સુધી રાહતસામગ્રી પહોંચડવામાં થતા વિલંબ સંબંધિત ચિંતામાં વધારો થયો છે.

સરકારી અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે વિદેશથી આવેલી રાહતસામગ્રી દિવસો સુધી ઍરપૉર્ટના હૅન્ગરમાં પડી રહી હતી, કારણ કે હૉસ્પિટલોએ વધુ મદદની માગણી કરી હતી.

ઇમરજન્સી સહાયનો પહેલો જથ્થો આવી પહોંચ્યાના એક સપ્તાહથી વધુ સમય સુધી એટલે કે સોમવારે સાંજ સુધી રાહતસામગ્રીના વિતરણનું કામ શરૂ થઈ શક્યું ન હતું.

ભારત સરકારે કોઈ વિલંબ થયાનું ભારપૂર્વક નકારી કાઢ્યું હતું.

મંગળવારે સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં સરકારે જણાવ્યું હતું કે રાહતસામગ્રીના વ્યવસ્થિત વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "રાહત સામગ્રીના ઝડપભેર વિતરણ માટે 24 કલાક કામ ચાલી રહ્યું છે."

અલબત, દેશમાં કોવિડ-19 મહામારીના સૌથી વધુ માઠા પ્રભાવવાળાં કેટલાંક રાજ્યોમાં કાર્યરત અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને કોઈ સહાયસામગ્રી મળી નથી.

કેરળમાં આ સપ્તાહની શરૂઆતમાં કોવિડ-19ના નવા 37,190 કેસ નોંધાયા હતા, પણ કેરળને બુધવારે સાંજ સુધી કોઈ સહાયસામગ્રી મળી ન હોવાનું રાજ્યના આરોગ્યસચિવ ડૉ. રાજન ખોબ્રાગડેએ બીબીસીને જણાવ્યું હતું.

દેશમાં આયાત કરવામાં આવેલા ઓક્સિજનમાંથી થોડોક હિસ્સો કેરળને "તત્કાળ" પહોંચાડવા રાજ્યના મુખ્ય મંત્રી પિનરાયી વિજયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને જણાવ્યું હતું.

તેમણે વડાપ્રધાનને લખેલા એક ખુલ્લા પત્રમાં બુધવારે જણાવ્યું હતું કે "દેશમાં સૌથી વધુ કેસ ધરાવતાં રાજ્યોમાં કેરળ એક છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યને ઉપકરણો અગ્રતાના ધોરણે ફાળવવામાં આવે."

'શું ચાલી રહ્યું છે?'

કેટલાક આરોગ્યઅધિકારીઓ દાવો કરી રહ્યા છે કે તેમને સહાયસામગ્રી કેટલી અને ક્યારે મળશે એ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

દેશની કેટલીક સૌથી મોટી ખાનગી હૉસ્પિટલોના પ્રતિનિધિ સંગઠન 'ધ હેલ્થકેર ફેડરેશન ઑફ ઇન્ડિયા'ના પ્રમુખ ડૉ. હર્ષ મહાજને કહ્યું હતું કે "સહાયસામગ્રીનું વિતરણ ક્યાં કરવામાં આવશે એ વિશે કોઈ માહિતી નથી."

તેમણે ઉમેર્યું હતું કે "લોકો કશું જાણતા ન હોય એવું લાગે છે. મેં બે-ત્રણ જગ્યાએ પૃચ્છા કરી હતી, પણ કોઈ માહિતી મેળવી શક્યો નથી. હજુ બધું અસ્પષ્ટ છે."

કોવિડ-19 મહામારીમાં રાહત કામગીરી કરી રહેલાં કેટલાંક બિન-સરકારી જૂથો પણ જણાવે છે કે માહિતીના અભાવે તેઓ નિરાશ છે.

ઑક્સફામ ઇન્ડિયાના પ્રોગ્રામ ઍન્ડ ઍડવોકસી વિભાગના ડિરેક્ટર પંકજ આનંદે બીબીસીને કહ્યું હતું કે "સહાયસામગ્રી ક્યાં પહોંચાડવામાં આવી રહી છે તેની કોઈ પાસે સ્પષ્ટ માહિતી હોય એવું મને લાગતું નથી."

"સવાલનો જવાબ મેળવી શકાય એવી કોઈ વ્યવસ્થા વેબસાઇટ પર પણ નથી."

રાહતસામગ્રીના વિતરણ સંબંધી માહિતીના કથિત અભાવને કારણે વિશ્વના દાતા દેશોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે.

અમેરિકાના વિદેશવિભાગની શુક્રવારની પત્રકારપરિષદમાં આ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો.

એક સંવાદદાતાએ ભારત મોકલવામાં આવી રહેલા "અમેરિકાના કરદાતાનાં નાણાંના ઉપયોગ" બાબતે સ્પષ્ટતા માગી હતી અને સવાલ કર્યો હતો કે અમેરિકા જે રાહતસહાય મોકલે છે તેના પર નજર રાખી રહ્યું છે કે કેમ?

એ સવાલના જવાબમાં વિદેશવિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે "ભારતના આપણા સહયોગીઓની આ કટોકટીમાં પૂરતી સંભાળ લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા અમેરિકા પ્રતિબદ્ધ છે."

બ્રિટન દ્વારા ભારત મોકલવામાં આવેલી 1,000થી વધુ વેન્ટિલેટર સહિતની રાહતસહાયનું વિતરણ ભારતમાં કોને કરવામાં આવી રહ્યું છે એ વિશે બીબીસીએ બ્રિટનના વિદેશ, કૉમનવેલ્થ અને ડૅવલપમૅન્ટ વિભાગ(એફસીડીઓ)ને પણ પૃચ્છા કરી હતી.

બીબીસીની પૃચ્છાના જવાબમાં એફસીડીઓએ જણાવ્યું હતું કે "બ્રિટન દ્વારા મોકલવામાં આવેલાં તબીબી ઉપકરણોના કાર્યક્ષમ વિતરણ માટે અમે ભારત સરકાર તથા રેડક્રોસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

એફસીડીઓએ ઉમેર્યું હતું કે "બ્રિટને મોકલાવેલી સહાયસામગ્રીના વિતરણની પ્રક્રિયા તથા એ અંગેના નિર્ણય ભારત સરકારે લેવાના છે."

દેશમાં સરકાર દ્વારા કરવામાં આવતા રાહતના પ્રયાસો બાબતે વધારે માહિતી આપવાની માગણી પણ ભારતના વિરોધપક્ષો કરી રહ્યા છે.

કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું,"સહાયસામગ્રી ક્યાંથી મળી રહી છે અને કોને પહોંચાડવામાં આવી રહી છે તેની માહિતી દરેક ભારતીયને આપવાની વિનતી અને માગણી અમે સરકાર પાસે કરીએ છીએ. એ લોકોને જણાવવાની સરકારની ફરજ છે."

'વ્યવસ્થિત વિતરણ'

ભારતમાં વિનાશકારી કોવિડ-19 મહામારીએ ગયા મહિને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું પછી દુનિયાભરના દેશોએ ઇમરજન્સી મેડિકલ સામગ્રી મોકલવાનું શરૂ કર્યું હતું.

આરોગ્યમંત્રાલયના જણાવ્યા મુજબ, સહાયસામગ્રીનું વિતરણ રાજ્યોને કરવાનું 'વ્યવસ્થિત વિતરણ' માળખું તૈયાર કરવામાં ભારત સરકારને સાત દિવસ લાગ્યા હતા.

આરોગ્યમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આયોજનનું કામ 26 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું અને સહાયસામગ્રીના વિતરણની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ગાઇડલાઇન બીજી મેએ બહાર પાડવામાં આવી હતી.

સહાયસામગ્રીનું વિતરણ ક્યારથી શરૂ થયું તેની કોઈ માહિતી આરોગ્યમંત્રાલયે આપી ન હતી.

વિદેશથી સહાયસામગ્રીનાં શિપમૅન્ટ ભારતમાં આવી જાય પછી પણ તેના વિતરણની વ્યવસ્થા ગૂંચવાડાભરી છે.

તેમાં વિવિધ તબક્કા, વિવિધ મંત્રાલયો અને બહારની એજન્સીઓ સંકળાયેલાં હોય છે.

સરકારના નિવેદનમાં જણાવ્યા અનુસાર, વિદેશથી આવેલી સહાયસામગ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્વીકારે છે.

કસ્ટમ્સની તમામ મંજૂરીની જવાબદારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની છે.

એ પછી સહાયસામગ્રી એચઆઈએલ લાઈફકૅર નામની બીજી એજન્સીને હવાલે કરવામાં આવે છે.

સહાયસામગ્રીની વ્યવસ્થા અને તેને સમગ્ર દેશમાં પહોંચાડવાની જવાબદારી એચઆઈએલ લાઈફકૅરની છે.

સરકારે સ્વીકાર્યું હતું કે સહાયસામગ્રી વિવિધ સ્વરૂપે આવતી હોવાથી સત્તાવાળાઓએ એ જથ્થાને છૂટો પાડીને જરૂરિયાત અનુસાર ફરી પેક કરવો પડે છે.

એ પછી તેનું વિતરણ કરવામાં આવે છે. તેને કારણે વિતરણની પ્રક્રિયા વધુ ધીમી પડે છે.

સરકારે જણાવ્યું હતું કે "વિદેશથી સહાયસામગ્રી અલગ-અલગ પ્રમાણમાં, સ્વરૂપમાં અને અલગ-અલગ સમયે આવી રહી છે. "

"ઘણીવાર એવું બને છે કે સહાયસામગ્રી જણાવ્યા અનુસારની હોતી નથી કે તેનું પ્રમાણ ઓછું હોય છે. "

"તેનો તાળો પણ ઍરપૉર્ટ પર મેળવવો પડે છે."

સહાયસામગ્રીનું રિપેકિંગ થઈ જાય પછી દર્દીઓની સંખ્યા જ્યાં સૌથી વધારે હોય અને જ્યાં સૌથી વધારે જરૂર હોય ત્યાં એ મોકલી આપવામાં આવે છે.

'24 કલાક ચાલતું રહે છે કામ'

સહાયસામગ્રીને એક સ્થળેથી મુશ્કેલીગ્રસ્ત સ્થળે પહોંચાડવાની કામમાં સંખ્યાબંધ પડકારો હોવા છતાં ભારત સરકાર કહે છે કે "એ કામગીરી સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાક ચાલતી રહે છે."

સરકારે જણાવ્યું હતું કે મંગળવારે સાંજ સુધીમાં 31 રાજ્યોમાંની 38 સંસ્થાઓને સહાયસામગ્રી મોકલી આપવામાં આવી હતી.

સૌથી માઠી અસર પામેલાં રાજ્યો પૈકીનાં એક પંજાબને 100 ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સ અને જીવનરક્ષક દવા રેમડેસિવિરના મળ્યાં હોવાનું રાજ્યના એક અધિકારીએ બીબીસીને બુધવારે જણાવ્યું હતું.

બ્રિટને મોકલેલાં 450 ઓક્સિજન સિલિન્ડરની પહેલી ખેપ ભારતીય હવાઈ દળના વિમાન મારફત મંગળવારે ચેન્નાઈ પહોંચાડવામાં આવી હોવાનું ચેન્નાઈના કસ્ટમ્સવિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું.

હૉંગકૉંગથી આવેલાં કુલ 1088 ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સ પૈકીનાં 738 દિલ્હીમાં રાખવામાં આવ્યાં છે, જ્યારે 350 મુંબઈ મોકલવામાં આવ્યાં છે, એવું એક મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું.

દિલ્હીની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછતના નિવારણ માટે 'ઓક્સિજન એક્સપ્રેસ' તરીકે ઓળખાતી ટ્રેનો મારફત ઓક્સિજનનો જંગી જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.

'ઓક્સિજન આવશ્યક છે'

ભારત સરકારના આટલા બધા પ્રયાસ છતાં દેશની હૉસ્પિટલોમાં વધુ મેડિકલ સામગ્રીની અને સૌથી વધારે તો ઓક્સિજનની ખેંચ વર્તાઈ રહી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે દેશમાં કોરોનાવાઇરસના 4,12,262 નવા કેસ નોંધાયા હતા અને વાઇરસને કારણે 3,980 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, વિશ્વના કુલ પૈકીના કોવિડ-19 સંક્રમણના લગભગ 50 ટકા કેસ અને કુલ પૈકીનાં 25 ટકા મૃત્યુ ભારતમાં ગયા સપ્તાહે નોંધાયા હતાં.

તેમ છતાં કેટલાક હેલ્થકેર પ્રોફેશનલ કહે છે કે અત્યારે ભારતને વિદેશી દાનની જરૂર નથી.

અત્યારે દેશની હૉસ્પિટલોમાં જ વધારે ઓન-સાઈટ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે એ જરૂરી છે.

ડૉ. મહાજને કહ્યું હતું કે "અત્યારે ઓક્સિજન એકમાત્ર સમસ્યા છે. વિદેશથી સહાય ન મળે તો પણ તેનાથી ખાસ કોઈ ફરક નહીં પડે એવું હું માનું છું. ઓક્સિજન જનરેટરથી જરૂર ફરક પડશે. અત્યારે ઓક્સિજન સૌથી વધારે જરૂરી છે."

આરોગ્યમંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં કોવિડ-19ના દર્દીઓ માટે પ્રતિ મિનિટ 1,000 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરતા બે નવા મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ બુધવારે સાંજથી કાર્યરત થઈ ગયા છે.

બીજી તરફ હેલ્થકેર ઇમરજન્સીમાં મોખરે રહીને કામ કરતા કર્મચારીઓ જરૂરી સહાય માટે રાહ જોઈ રહ્યા છે.

ડૉ. મહાજને કહ્યું હતું કે "આ હતાશાજનક છે. અમે ઘેરાઈ ગયા છીએ...કોઈ જેટ પ્લેન આકાશગમન કરતું હોય એવી ગતિ અને શક્તિથી આ લહેરે અમને ફટકો માર્યો છે."

(દિલ્હીથી સૌતિક બિસ્વાસ અને એન્ડ્ર્યુ ક્લેરન્સના રિપોર્ટ્સ સમાહિત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો