You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૅક ફંગસ : ગુજરાતમાં કોરોનાકાળમાં ચિંતા જગાવી રહેલો આ જોખમી રોગ શું છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના મહામારી દરમિયાન દર્દીઓમાં મ્યુકરમાઇકૉસિસ એટલે 'બ્લૅક ફંગસ'ના કેસ પણ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં મ્યુકરમાઇકૉસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં એપિડેમિક ડિસીઝ ઍક્ટ 1857 હેઠળ મ્યુકરમાઇકૉસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવ્યો છે.
આની પહેલા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને બ્લૅક ફંગસને મહામારી જાહેર કરવાના નિર્દેશ આપ્યા હતા.
મ્યુકરમાઇકૉસિસને મહામારી જાહેર કર્યા બાદ હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજોએ સ્ક્રિનિગ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઈસીએમઆર દ્વારા રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.
તેમજ આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો પણ ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.
શું છે 'મ્યુકરમાઇકૉસિસ'?
છેલ્લા લગભગ 13 મહિનાથી કોરોના વાઇરસે ગુજરાતની આરોગ્ય-વ્યવસ્થા માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે, તો બીજી બાજુ 'મ્યુકરમાઇકૉસિસ' નામની બીમારીએ પણ માથું ઊંચક્યું છે.
આમ તો આ ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.
મ્યુકરમાઇકૉસિસ એ કોરોનાની સારવાર-પદ્ધતિની 'આડપેદાશ' જેવી છે. આ બીમારીએ મોરબી, રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં દેખા દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારોના કહેવા પ્રમાણે, મ્યુકરમાઇકોસિસ દરદીનાં નાક, મોં, ગળા, આંખ અને મગજને અસર કરે છે અને જો તાત્કાલિક તેની સારવાર હાથ ધરવામાં ન આવે તો દરદીના જીવની પર જોખમ ઊભું થઈ શકે છે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તો તાજેતરમાં બીમારીમાંથી બેઠા થયા હોય, તેમને આ બીમારી રીતે અસર કરી શકે છે.
ગુજરાત સરકારના અનુમાન પ્રમાણે, આ બીમારીમાં મૃત્યુદર 50 ટકા જેટલો ઊંચો હોઈ શકે છે. મતલબ કે દર બેમાંથી એક બીમારનું મૃત્યુ થઈ શકે છે.
દરદીઓ લક્ષણ મુજબ અલગ-અલગ નિપુણતા ધરાવતા તબીબો પાસે સારવાર કરાવતા હોવાથી તથા વહીવટી આંટીઘૂંટીને કારણે મ્યુકરમાઇકૉસિસની બીમારીના રાજ્યમાં કેટલા ઍક્ટિવ કેસ છે, તેના અંગે અસમંજસભરી સ્થિતિ પ્રવર્તે છે.
'મૃત્યુનું મુખ' મ્યુકરમાઇકૉસિસ
ગુજરાત સરકારની કોવિડ ટાસ્કફૉર્સના સભ્ય તથા ડાયાબિટીસની સારવારમાં નિપુણતા ધરાવનારા ડૉ. વીએન શાહના કહેવા પ્રમાણે, "ટાઇપ-વન ડાયાબિટીસના દરદીઓ કે જેમનું બ્લડશુગર લેવલ અનિયંત્રિત અને અનિયમિત રહેતું હોય તેમનામાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે."
"આ સિવાય જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે તેવા કે તાજેતરમાં કોરોનાની બીમારીથી રિકવર થયેલા દરદીઓમાં આ બીમારી જોવા મળે છે. જે નાક, મોં, ગળું કે આંખને અસર કરે છે."
જેમ લાકડાનાં એક ભાગમાં ઊધઈ થાય અને તે સમગ્ર ફર્નિચરમાં ફેલાઈ જાય તેમ આ ફૂગ શરીરના એક ભાગમાંથી પ્રવેશ કરીને તે સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે.
ડૉ. શાહના કહેવા પ્રમાણે, "35 વર્ષની મારી તબીબી કારકિર્દીમાં મેં જેટલા મ્યુકરમાઇકૉસિસના કેસ નહોતા જોયા, એટલા કેસ ગત ત્રણ મહિનામાં જોયા છે. જેની સંખ્યા સેંકડોમાં છે."
તેઓ ઉમેરે છે કે કોરોનાને કારણે મોટી સંખ્યામાં થઈ રહેલાં મૃત્યુ માટે મ્યુકરમાઇકૉસિસ પણ જવાબદાર હોઈ શકે છે.
બ્લૅક ફંગસનો રોગ મ્યુકરમાઇકૉસિસ શું છે?
મ્યુકરમાઇકૉસિસ એ એક ફૂગજન્ય રોગ છે, જે તબીબીજગત માટે નવો નથી અને અગાઉ તે ઝિગોમિકૉસિસ તરીકે ઓળખાતો હતો. મ્યુકરમાઇસેટ્સ ફૂગસમૂહને કારણે થાય છે. તેને બોલચાલની ભાષામાં 'કાળી ફૂગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ફૂગ 'તકવાદી' છે, તે આપણા પર્યાવરણમાં મોજૂદ હોય છે, સડેલાં પાંદડાં, પશુઓનાં મળ, સડેલી શાકભાજી અને ફળોમાં આ ફૂગ ઉત્પન્ન થાય છે.
નસકોરાં મારફત ફૂગના બીજકણ; ચામડી પરના ઘા, ઈજા, વાઢિયા, દાઝેલા ભાગ કે અલસર મારફત શરીરમાં પ્રવેશી શકે છે. તે શરીરના કોઈ પણ ભાગેથી પ્રવેશી શકે છે.
પરંતુ જ્યારે કોઈની રોગપ્રતિકારક શક્તિ ઓછી કે નબળી હોય તો તેના ઉપર અસર કરી દે છે, સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવનારને આ ફૂગ ખાસ નુકસાન નથી પહોંચાડી શકતી.
કોરોનામાંથી તાજેતરમાં બેઠા થયેલા દરદીની રોગપ્રતિકારક શક્તિ ઘટી હોય છે, જેમણે તાજેતરમાં અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય, જેમની કિડની કે કૅન્સરની સારવાર ચાલતી હોય, કિમો થેરપી ચાલતી હોય, ડાયાબિટીસ અનિયંત્રિત રહેતું હોય, તેમની ઉપર આ બીમારી અસર કરી શકે છે.
જેમના લોહીમાં શ્વેતકણ ખૂબ જ ઓછા હોય (ન્યૂટ્રૉપેનિયા), જેમની લાંબા સમયથી સ્ટિરૉઇડવાળી ચામડીના રોગની દવા ચાલુ હોય, જેમના શરીરમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોય કે (હિમોક્રૉમાટોસિસ) હોય, જે બાળકનો સમય કરતાં વહેલો જન્મ થયો હોય અથવા જન્મસમયે ઓછું વજન હોય તેમને પણ આ ચેપ લાગવાનો ભય રહે છે.
ઇન્જેકશન દ્વારા નશાકારક પદાર્થો લેવાના વ્યસની, HIV (હ્યુમન ઇમ્યુનો ડેફિસન્સી વાઇરસ) કે AIDS (ઍક્વાયર્ડ ઇમ્યુનોડેફિસન્સી સિન્ડ્રૉમ)ની સારવાર ચાલતી હોય, તેઓ ચેપગ્રસ્ત થાય તેની શક્યતા વધી જતી હોય છે.
આ રોગની પ્રમાણમાં એક રાહતજનક બાબત એ છે કે તે ચેપી નથી અને માણસથી માણસમાં કે માણસથી પ્રાણીમાં ફેલાતો નથી. અસરના આધારે તેને અલગ-અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
રિનોસેલેબ્રલ મ્યુકરમાઇકૉસિસ
આ પ્રકારમાં નસકોરાં તથા મગજને અસર કરે છે. નાક વાટે તે શરીરમાં પ્રવેશીને આંખ અને મગજને અસર કરી શકે છે.
જેમનું ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેતું હોય અથવા તો જેમણે તાજેતરમાં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હોય તેમનામાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
નિષ્ણાતો દ્વારા કોરોનાની સારવાર દરમિયાન ડાયાબિટીસના દરદીઓનું બ્લડશુગર દિવસમાં ચાર વખત તથા અન્ય દરદીઓમાં નિયમિત રીતે પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે અને જો શુગર લેવલ વધે તો ઇન્સ્યુલિન દ્વારા નિયમન કરવાની હિમાયત કરવામાં આવે છે.
એક અનુમાન મુજબ, ભારતમાં ડાયાબિટીસના દરદીઓની સંખ્યા સાત કરોડ 70 લાખ જેટલી છે અને વિશ્વમાં તે બીજા ક્રમે છે.
લગભગ 11 કરોડ 60 લાખ દરદીઓ સાથે ચીન પ્રથમ ક્રમે છે. આગામી 25 વર્ષ દરમિયાન ભારતમાં ડાયાબિટીસના દરદીઓની સંખ્યા 13 કરોડ 40 લાખ પર પહોંચી જશે એવું અનુમાન મૂકવામાં આવે છે.
પલ્મૉનરી મ્યુકરમાઇકૉસિસ
આ પ્રકાર ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. જે દરદીઓને કૅન્સર થયું હોય, જેમની કિમૉ થેરપી ચાલતી હોય, જેમનું અંગપ્રત્યારોપણ થયું હોય કે સ્ટૅમસેલ ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેમને આની અસર થઈ શકે છે.
આમાં ખાંસી, છાતીમાં દુખાવો, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણ જોવાં મળી શકે છે.
ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનાઇનલ મ્યુકરમાઇકૉસિસ
બીમારીનો આ પ્રકાર પુખ્ત વ્યક્તિ કરતાં સગીરો અને બાળકોમાં વધુ જોવા મળે છે.
જે બાળકોનો જન્મ પ્રિ-મેચ્યૉર (અધૂરા મહિને) થયો હોય કે જેનું જન્મસમયે ઓછું વજન હોય, તેમનામાં આ બીમારી જોવા મળી શકે છે.
જેમના પર સર્જરી થઈ હોય, બીમારી કે જીવાણુ સામે લડતી શરીરની સંરક્ષણપ્રણાલી નબળી હોય (કે તેને વિપરીત અસર કરે તેવી કોઈ દવાઓ આપવામાં આવતી હોય), સર્જરી થઈ હોય તો આ બીમારી થઈ શકે છે.
તેમાં આંતરિક રક્તસ્રાવ, ઊલટી જેવું થવું, ઊલટી થવી કે પેટમાં દુખાવો જેવાં લક્ષણ જોવાં મળી શકે છે.
ક્યુટેનસ મ્યુકરમાઇકૉસિસ
સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવનારી વ્યક્તિને પણ તે વિપરીત અસર કરી શકે છે. ઘા, ઈજા, ચીરા, વાઢિયા, કાપા વગેરે માર્ગે તે શરીરમાં પ્રવેશી શકે છે.
ડિસેમિનેટેડ મ્યુકરમાઇકૉસિસ
આ પ્રકારમાં બીમારી લોહી મારફત શરીરમાં ફેલાઈ શકે છે. તે મગજ ઉપરાંત ચામડી, હૃદય કે બરોળને અસર કરી શકે છે.
મ્યુકરમાઇકૉસિસનાં લક્ષણ શું છે?
ડૉ. શાહના કહેવા પ્રમાણે, "કોરોનામાંથી તાજેતરમાં બેઠા થયેલા દરદીને માથામાં દુખાવો થાય, તાવ વારંવાર આવે, દાંતમાં દુખાવો થતો હોય, સુગંધ જતી રહી હોય, ગળામાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી લોહી પડે અથવા તો નાકમાંથી સ્રાવ ઝરે, વાસ આવતી હોય, અવાજ બદલી જાય એટલે સતર્ક થઈ જવું હોય અને નિષ્ણાત તબીબને દેખાડવું જોઈએ."
ડૉ. શાહ ઉમેરે છે કે આ બીમારીનું આર્થિક-શારીરિક અને માનસિક ભારણ ખૂબ જ મોટું હોય છે. તેની સારવાર મહિનાઓ સુધી ચાલી શકે છે અને તેમાં હૉસ્પિટલાઇઝેશન પણ જરૂરી બને છે.
કેટલાક સંજોગોમાં પાછળથી ચહેરાને થયેલા નુકસાનને ઢાંકવા માટે પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે છે, જે ખર્ચાળ બની રહે છે.
એટલે કોરોના બાદ કોઈ પણ નાની બીમારીની અવગણના ન કરવી અને તેનું તાત્કાલિક નિદાન કરાવવું જોઈએ, કારણ અને 'સારવાર કરતાં સાવધાની' યોગ્ય છે, એવી નીતિ રાખવી જોઈએ.
મોરબીના ઑપ્થેમૉલૉજિસ્ટ (આંખના નિષ્ણાત) ડૉ. શૈલેશ પટેલના કહેવા પ્રમાણે, "દરદીમાં આંખો લાલ થઈ જવી, ડોળા બહાર આવી જતાં લાગે, આંખની ઉપર કે આસપાસના ભાગમાં અસહ્ય દુખાવો થવો, માથામાં સખત દુખાવો થવો, આંખની પાંપણ ખોલબંધ કરવામાં મુશ્કેલી થવી, એકના બદલે બે-બે દેખાવું જેવાં લક્ષણ દેખાય અને જો તેની કોવિડ-19ની હિસ્ટ્રી હોય તો તરત જ મ્યુકરમાઇકૉસિસની દિશામાં પરીક્ષણ હાથ ધરાવવામાં આવે છે."
"જો સમયસર સારવાર લેવામાં આવે અને જરૂરી સર્જરી કરાવી લેવામાં આવે તો આ બીમારીથી થતાં મોટા નુકસાનથી બચી શકાય છે."
ડૉ. પટેલ ઉમેરે છે કે અગાઉ ન જોવા મળ્યા હોય, એટલી સંખ્યામાં મ્યુકરમાઇકૉસિસના કેસ તાજેતરના સમયમાં જોવા મળ્યા છે. દૈનિક સરેરાશ એક કેસ ઓપીડીમાં આવે છે.
આ સિવાય ચહેરાનો એક ભાગ ફૂલી જાય, નાક કે ચામડી પર કાળાં ચકામાં થઈ જાય, જેવાં લક્ષણ પણ જોવાં મળે છે.
આ બીમારી જડબાં સુધી ફેલાઈ જાય તો દાંત કાઢી નાખવા પડે છે. જો આંખ સુધી ચેપ પહોંચ્યો હોય તો આંખ કાઢી નાખવી પડે છે અને જો પરિવારજનો તેના માટે તૈયાર ન થાય તો ચેપ મગજ તથા શરીરના અન્ય ભાગો સુધી ફેલાઈ શકે છે અને તે જીવલેણ પણ બની શકે છે.
સાવધાની એ જ સલામતી
નાક તથા મોંને ઢાંકે એ રીતે એન-95 માસ્ક પહેરવો. પાણીથી નુકસાન થયું હોય, કુદરતી હોનારતથી નુકસાન થયું હોય કે નિર્માણસ્થળની ધૂળ-રજ સાથે સીધા સંપર્કમાં આવવાનું ટાળવું.
બહારની પ્રવૃત્તિ કરતી વખતે બૂટમોજાં પહેરવાં, શૉર્ટ્સને બદલે લાંબા પૅન્ટ પહેરવા, લાંબી બાંયના શર્ટ પહેરવા તથા ટૂંકી બાંયનાં વસ્ત્રો ન પહેરવાં.
ખેતીકામ કે બાગકામ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી તથા કામ પતાવ્યાં બાદ સારી રીતે સાબુથી હાથ ધોવા.
ભેજવાળી પોચી જમીન, કળણ, લીલ કે શેવાળની સફાઈ (કે કામગીરી) સમયે હાથમોજાં પહેરી રાખવાં.
ચામડી પર ઈજા થઈ હોય અને તે જગ્યા માટી, ધૂળ કે રજકણના સંપર્કમાં આવી હોય તો તેને સાબુ, એન્ટિસૅપ્ટિક કે આલ્કોહૉલવાળા દ્રાવણથી સાફ કરવી જોઈએ, જેથી કરીને તે જગ્યા જંતુમુક્ત થઈ જાય.
ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર-2020માં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં ઉપરોક્ત ઉપાય જણાવવામાં આવ્યા છે.
સાથે જ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તે 'ભલામણમાત્ર' છે અને તેનાથી મ્યુકરમાઇકૉસિસ ફેલાતો અટકાવી જ શકાય છે એવું નિશ્ચિતપણે કહી ન શકાય.
નિદાન અને સારવાર
નિષ્ણાતો દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી તથા ખોરાકની ભલામણ કરવામાં આવે છે.
જ્યારે દરદીના ચોક્કસ ભાગ પર (મોટા ભાગે નાક, ચહેરા, દાંત કે મગજ) મ્યુકરમાઇકૉસિસનાં લક્ષણ જોવા મળે, ત્યારે અસરગ્રસ્ત ભાગનો સિટી (કૉમ્યુટેડ ટૉમૉગ્રાફી) સ્કૅનિંગ કરવામાં આવે છે.
આ સિવાય MRI (મૅગ્નેટિક રિસૉનાન્સ ઇમેજિંગ) કરવામાં આવે છે, જેથી કરીને તેના ફેલાવાનું આકલન કરી શકાય.
જો દરદી તાજેતરમાં કોવિડ-19માંથી બેઠો થયો હોય તો વિશેષ સાવધાની રાખવામાં આવે છે.
શરીરના જે ભાગના કોષોને અસર થઈ હોય, તેનું ઍન્ડૉસ્કૉપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે.
અસરગ્રસ્ત ભાગનો નમૂનો લઈને તેનું લૅબોરેટરીમાં વિશ્લેષણ કરવામાં આવે છે, જે મ્યુકરમાઇકૉસિસની હાજરીને પ્રતિપાદિત કરી શકે છે.
જો તેનો વ્યાપક ફેલાવો ન થયો હોય અને તે પ્રારંભિક તબક્કામાં જ હોય તો સર્જરી દ્વારા અસરગ્રસ્ત ભાગને કાઢી નાખવામાં આવે છે, જો ચેપ વ્યાપક રીતે ફેલાઈ ગયો હોય તો દરદીના જીવને બચાવવા અસરગ્રસ્ત અંગ પણ કાઢી નાખવાની જરૂર પડી શકે છે.
આ બીમારીમાં 50 ટકા જેટલો ઊંચો મૃત્યુદર જોવા મળતો હોઈ નિષ્ણાતો દ્વારા સાવચેતી રાખવા વિશેષ ભલામણ કરવામાં આવે છે.
કોરોનાની 'આડપેદાશ'
કોરોનાની સારવાર માટે જે ઇન્જેકશન કે ડિક્સામૅથાસોન નામનું સ્ટિરૉઇડ આપવામાં આવે છે, જે ખૂબ જ સસ્તું છે અને તેની અછત સર્જાય એમ નથી, પરંતુ તેનાથી થતી આડઅસર આ બીમારીને શરીરમાં વિકસવા માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે.
ડૉ. શાહના કહેવા પ્રમાણે : "આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ) તથા ગુજરાત સરકારની કોરોનાની સારવાર સંબંધિત માર્ગદર્શિકામાં ડિક્સામૅથાસોન નામના સ્ટિરૉઇડને સામેલ કરવામાં આવ્યું છે."
"કોરોનાને શરીરની સુરક્ષાપ્રણાલી સૌ પહેલાં લડત આપે છે અને તો પણ સારું ન થાય તો ચોથા કે પાંચમા દિવસે સ્ટિરૉઇડનું ઇન્જેકશન આપવામાં આવે છે, પરંતુ ઘણા કિસ્સામાં તબીબો દ્વારા પહેલા દિવસથી જ સ્ટિરૉઇડ આપી દે છે, જેના કારણે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સક્રિય નથી થતી."
"સામાન્ય રીતે ટાઇપ-વન ડાયાબિટીસ ધરાવનાર દર્દીનું શુગર લેવલ અનિયંત્રિત થઈ જતું હોય છે. જેનું શુગર દવા કે ઇન્જેકશનની મદદથી 100-150ની આસપાસ કે બૉર્ડરલાઇન પર રહેતું હોય તે વધી 400-500 પર પહોંચી જતું હોય છે."
ડૉ. શાહ ઉમેરે છે, "આજે હજારો-લાખોની સંખ્યામાં કોરોનાના દરદીઓની ઘરે સારવાર લઈ રહ્યા છે."
"સારવાર કરનાર તબીબે પ્રારંભિક તબક્કે જ સ્ટિરૉઇડ આપ્યું હોય તેની શક્યતા નકારી શકાય નહીં, જેના કારણે આ બીમારી આગામી સમયમાં વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે અને અત્યારે જે કેસ જોવા મળી રહ્યા છે, તે 'હિમશિલાની ટોચમાત્ર' હોય તેવી શક્યતા નકારી ન શકાય."
જાણકારોના કહેવા પ્રમાણે, જ્યારે દરદીઓને સ્ટિરૉઇડ આપવામાં આવે છે, ત્યારે આ ફૂગને વિકસવા માટે પુષ્કળ પ્રમાણમાં શુગર મળે છે, જેના કારણે તેનો ઝડપભેર વિકાસ થાય છે.
અગાઉ 15-20 દિવસે જેટલો ફેલાવો થતો હતો, એટલો હવે ચાર-પાંચ દિવસમાં જ થઈ જાય છે.
માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ સામાન્ય દરદીઓમાં પણ શુગરનું પ્રમાણ વધી શકે છે, જે ફૂગને વિકસવા માટે સાનુકૂળ સ્થિતિ પૂરી પાડે છે.
મ્યુકરમાઇકૉસિસના કેટલા દરદી?
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના એક અધિકારીના કહેવા પ્રમાણે, "આ બીમારી મોરબી, રાજકોટ કે અમદાવાદ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રાજ્યવ્યાપી છે. તેના અંગે તંત્ર વાકેફ છે, પરંતુ અત્યારે કોઈ તેની ચર્ચા કરવા નથી માગતું."
"કોરોનાને માત કરનારા દરદીઓમાં મ્યુકરમાઇકૉસિસનું સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે, પરંતુ તેને કોરોનાના હેઠળ ક્લાસિફાય કરી શકાય તેમ નથી."
"તે ચેપી નથી તથા તેને 'મહામારી' તરીકે વ્યાખ્યાયિત કરવામાં નથી આવતી. તેની અસર આંખ, ગળા, નાક કે દાંત પર જોવા મળે છે, એટલે દરદીઓ અલગ-અલગ નિષ્ણાત પાસેથી સારવાર મેળવે છે."
"અન્ય કેટલીક બીમારીની જેમ મ્યુકરમાઇકૉસિસ કેસોના આંકડા સંબંધિત આરોગ્ય કચેરીમાં નોંધાવવા માટે કહેવામાં નથી આવતું, જેના કારણે ગુજરાતમાં કેટલા દરદી પીડાય છે, તેનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે."
"મ્યુકરમાઇકૉસિસની જેમ જ ગુલિયન-બારી સિન્ડ્રૉમના દરદીઓની પણ વ્યવસ્થિત નોંધ નથી થતી."
તેઓ ઉમેરે છે કે આ બીમારીની સારવાર માટે મલ્ટિ-સ્પેશિયાલિટી તબીબોની જરૂર પડે છે. કોરોનાની સામે ઝઝૂમતી જાહેર આરોગ્ય-વ્યવસ્થામાં અન્ય બીમારી માટે પથારીઓ ઘટાડી દેવામાં આવી છે, ત્યારે તબીબી અભ્યાસક્રમોમાં જ નોંધાયેલી, પરંતુ વાસ્તવમાં જ્વલ્લે જ જોવા મળતી 'તકવાદી બીમારીઓ' સમગ્ર વ્યવસ્થા પર વધારાનું ભારણ ઊભું કરી શકે છે.
ડિસેમ્બર મહિનામાં આ અંગે રાજ્ય સરકારના અધિક નિયામક ડૉ. દિનકર રાવલ દ્વારા તમામ જિલ્લા તથા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી, તથા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને 'જાણવાજોગ પરિપત્ર' કાઢવામાં આવ્યો હતો.
એ પછી કોરોનાની સારવારપદ્ધતિમાં સુધાર, મ્યુકરમાઇકૉસિસની સારવારપદ્ધતિ પ્રસ્થાપિત કરવામાં, કે જાગૃતિ લાવવાની દિશામાં ખાસ કોઈ પ્રગતિ નથી થઈ.
ઉપરોક્ત અધિકારીએ ઉમેર્યું કે કોરોનાની પહેલી લહેર દરમિયાન બેડ, હાઇડ્રોક્સિક્લૉરોક્વિન, આલ્કોહૉલયુક્ત હેન્ડ સૅનિટાઇઝર, માસ્ક તથા પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ) કિટની અછત સર્જાઈ હતી. બીજી લહેર દરમિયાન બેડ, ઓક્સિજન, ઓક્સિજન સિલિન્ડર, રેમડેસિવિર વગેરેની અછત સર્જાઈ હતી.
હવે, મ્યુકરમાઇકૉસિસ પણ 'લહેર'નું સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેની એન્ટિબાયૉટિક દવાઓ પોસાકોનાઝોલ, વૉરિકોનાઝોલ કે આઇસાવુકોનાઝોલનું મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને તે ખૂબ જ મોંઘી હોય છે.
સંગ્રહખોરી તથા કાળાબજારીને કારણે તેની પણ અછત સર્જાઈ શકે છે, તેવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો