કોરોનામાં લીંબુનાં ટીપાં નાકમાં નાખવાથી ઓક્સિજનનું સ્તર વધારી શકાય? બીબીસી રિયાલિટી ચેક

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી

આખું ભારત અત્યારે કોરોના મહામારીની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશનું આરોગ્યતંત્ર ભારે દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તેવા લોકો ગમે તે રસ્તા અપનાવવા લાચાર બન્યા છે.

કોરોનાની સારવાર અંગે ખોટી ઑનલાઈન માહિતીના કારણે ઘણા લોકો ગેરમાર્ગે દોરાય છે. ખાસ કરીને ઘરેલુ ઉપચારો દ્વારા ઓક્સિજન સેચ્યુરેશન લેવલ વધારવાના દાવા તેનું ઉદાહરણ છે.

નેબ્યુલાઇઝરથી ઓક્સિજન સપ્લાય ન મળી શકે

દેશભરમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના પુરવઠાની ભારે અછત છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં પોતાને ડૉક્ટર ગણાવતી એક વ્યક્તિ ઓક્સિજન સિલિન્ડરની જગ્યાએ નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરવાનો દાવો કરે છે.

નેબ્યુલાઇઝર એ નાનકડું તબીબી સાધન છે જેનો ઉપયોગ દર્દીને દવાનો સ્પ્રે આપવા માટે થાય છે.

ફેસબૂક, ટ્વિટર અને વૉટ્સઍપ પર મૂકવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ હિંદીમાં નેબ્યુલાઇઝરનો ઉપયોગ સમજાવે છે.

તેઓ દાવો કરે છે કે "આપણા વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે અને આ સાધન (નેબ્યુલાઇઝર) તે આપી શકે છે."

તેઓ દાવો કરે છે, "તમને માત્ર એક નેબ્યુલાઇઝરની જરૂર છે. તેની મદદથી તમે ઓક્સિજન ખેંચી શકશો."

આ સોશિયલ મીડિયા પોસ્ટમાં દિલ્હી નજીકની જે હૉસ્પિટલનું નામ આપવામાં આવ્યું છે તેણે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાથી પોતાની જાતને અલગ કરી છે.

તેણે કહ્યું છે કે નેબ્યુલાઇઝરના ઉપયોગને "પુરાવા કે વૈજ્ઞાનિક અભ્યાસનો" કોઈ ટેકો નથી.

અન્ય તબીબી નિષ્ણાતોએ પણ જણાવ્યું છે કે આ વીડિયોમાં દર્શાવેલી ટેકનિક દર્દીને વધારાનું ઓક્સિજન આપવામાં બિલકુલ બિનઅસરકારક છે.

આ વીડિયોમાં જોવા મળેલા ડૉક્ટરે પોતાની ટીકાનો જવાબ આપવા બીજો એક વીડિયો બહાર પાડ્યો છે.

તેમાં તેણે જણાવ્યું છે કે તેના મૅસેજ અંગે "ગેરસમજણ" થઈ છે અને તેનો કહેવાનો અર્થ એવો ન હતો કે નેબ્યુલાઇઝરનો ઑક્સિજન સિલિન્ડર તરીકે ઉપયોગ થઈ શકે છે.

જોકે, આ વાઇરલ વીડિયો ઑનલાઈન મોટા પ્રમાણમાં સર્ક્યુલેટ થયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના તાજેતરના એક વક્તવ્યમાં આ વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કર્યો હતો.

મોદીએ જ્યારે જણાવ્યું કે, "ઘણા ડૉક્ટરો સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપે છે, ફોન અને વૉટ્સઍપ દ્વારા કન્સલ્ટિંગ કરે છે," ત્યારે આ સ્ક્રીનશોટ દર્શાવાયો હતો. જોકે, તેના ઓડિયોનો ઉપયોગ નહોતો કરાયો.

દેશી ઓસડિયાંથી પણ ઓક્સિજનનું સ્તર વધતું નથી

ભારતમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એવા અઢળક મૅસેજ ફરતા થયા છે જેમાં વિવિધ દેશી ઉપાયોથી ઓક્સિજનનો સ્તર વધારી શકાતો હોવાના અને કોવિડ-19ની બીજી તકલીફોમાં રાહત મળતી હોવાનો દાવો કરાય છે.

એક બહુ પ્રચલિત મૅસેજમાં દાવો કરાયો છે કે કપૂર, લવિંગ, અજમા અને યુકેલિપ્ટસના તેલનું મિશ્રણ કોવિડ-19ના દર્દીમાં ઓક્સિજનનું લેવલ જાળવવામાં અસરકારક હોય છે.

જોકે, ચેપગ્રસ્ત વ્યક્તિને આવા ઉપચારથી કોઈ ફાયદો થતો હોવાના કોઈ પુરાવા નથી.

આ મિશ્રણનો પ્રચાર કરતો એક વીડિયો ભારતીય પરંપરાગત આયુર્વેદિક દવાઓના ડૉક્ટર દ્વારા રજૂ કરાયો છે.

ફેસબુક પર તે 23,000થી વધુ વખત શૅર કરાયો છે અને વૉટ્સઍપ પર પણ તે બહુ સર્ક્યુલેટ થયો છે.

વાસ્તવમાં કપૂરના તેલનો ઉપયોગ સ્કીન ક્રીમમાં તથા ઑઇન્ટમૅન્ટમાં થાય છે અને શરીરની અંદર તેને દાખલ કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

અમેરિકાના સેન્ટર ફૉર ડિસિઝ કન્ટ્રોલે ચેતવણી આપી છે કે કપૂરની બાષ્પ શ્વાસમાં લેવાથી ઝેરી અસર થઈ શકે છે.

લીબુંનાં ટીપાંથી પણ ઓક્સિજનનું લેવલ વધતું નથી

ભારતના એક વરિષ્ઠ રાજકારણી અને ઉદ્યોગપતિએ તાજેતરમાં દાવો કર્યો હતો કે નાકમાં લીંબુના રસનાં બે ટીપાં નાખવાથી ઓક્સિજન સેચ્યુરેશન લેવલ વધે છે.

વિજય સંકેશ્વરે જણાવ્યું કે તેમના એક સાથીદારનું ઓક્સિજનનું લેવલ એકદમ ઘટી ગયું ત્યારે તેમણે આ રસ્તો સૂચવ્યો હતો.

તેનાથી માત્ર અડધા કલાકમાં તેમનું ઓક્સિજનનું લેવલ 88 ટકાથી વધીને 96 ટકા થઈ ગયું.

તેમણે એવો દાવો કર્યો હતો કે આ પદ્ધતિ વાપરવામાં આવે તો ભારતમાં ઓક્સિજનની 80 ટકા જેટલી અછતનો ઉકેલ આવી શકે છે.

આ પ્રકારની સારવારથી ઓક્સિજનના સેચ્યુરેશન લેવલ પર કોઈ અસર થતી હોવાની કોઈ સાબિતી મળી નથી.

ઓક્સિજન વધારવાની કોઈ જાદુઈ સારવાર નથી

ભારતના સૌથી લોકપ્રિય યોગગુરુ બાબા રામદેવે ઘરે રહીને ઓક્સિજન લેવલ કઈ રીતે વધારી શકાય તેના વિશે ન્યૂઝ ચેનલો પર તથા પોતાની યુટ્યૂબ ચેનલના વીડિયોમાં દાવા કર્યા છે.

તેઓ પોતાના વીડિયોમાં જણાવે છે કે "સમગ્ર દેશમાં અત્યારે ઓક્સિજનની અછત સર્જાઈ છે પરંતુ હું તમને જાદુ દેખાડીશ." તેઓ પોતાની આંગળીઓ પર ઓક્સિજન લેવલ માપવાનું સાધન લગાવીને આ પ્રદર્શન કરે છે.

યુટ્યૂબ પર આ વીડિયો ત્રણ લાખથી વધુ વખત જોવાયો છે.

તેમાં તેઓ શ્વાસ લેવાની એક કસરત દર્શાવે છે જેમાં તેઓ બેઠાં બેઠાં પોતાનો શ્વાસ રોકી રાખે છે અને તેમના લોહીમાં ઓક્સિજનનું લેવલ જોખમી સ્તરે નીચે ઊતરી જાય છે.

ત્યાર પછી તેઓ કહે છે, "ઓક્સિજન સ્તરને નીચે ઊતરતા 20 સેકન્ડ લાગી. હવે બે ઊંડા શ્વાસ લો. (તમારા લોહીમાં) ઓક્સિજન ફરી પાછું આવી જશે. તે (વાતાવરણમાં) પુષ્કળ પ્રમાણમાં છે."

યોગાસનો કરવા એ આરોગ્ય માટે સારાં છે, પરંતુ કોવિડ-19 જેવી તબીબી સમસ્યાના કારણે જ્યારે લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘટી જાય ત્યારે બહારથી પૂરક મેડિકલ ઓક્સિજન લેવું જોઈએ તેમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) જણાવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ડૉ. જૅનેટ ડિયાઝ જણાવે છે કે, "ઓક્સિજનનું લેવલ ઘટી જાય, લાંબા સમય સુધી ઘટેલું રહે અને તમે સારવાર ન કરાવો તો કોષ પોતાની જાતે જ કામ કરવાનું બંધ કરી દે છે. આવામાં મેડિકલ ઓક્સિજન જ જીવન બચાવી શકતી સારવાર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો