You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Exit Poll Results : પશ્ચિમ બંગાળમાં કોની સરકાર? ઍક્ઝિટ પોલ પાંચ રાજ્યોનાં પરિણામો અંગે શું કહે છે?
પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ અલગ-અલગ ન્યૂઝ ચેનલ તથા સર્વે એજન્સીના ઍક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.
જેનાં મુખ્ય તારણો ઉપર નજર કરીએ તો તામિલનાડુમાં ડીએમકે તથા આસામમાં ભાજપ સરકાર બનાવી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ કરતાં મમતા બેનરજી આગળ છે અને તેઓ સત્તા ઉપર પુનરાગમન કરે તેવી સંભાવના છે.
કેરળમાં સત્તાધારી ડાબેરી મોરચો ફરી બહુમતી મેળવે તેવી સંભાવના છે તથા દર વખતે પરિવર્તનનું તાજેતરનું વલણ બદલાઈ શકે છે.
અત્રે એ વાત યાદ અપાવી દઈએ કે બીબીસી સ્વતંત્ર રીતે કોઈ ઍક્ઝિટ પોલ કે ઑપિનિયન પોલ કરતું નથી કે કોઈ સંસ્થા દ્વારા કરાવતું નથી. આ પ્રકારના સરવે સાચા જ હોય તેવું નથી હોતું.
બીજી મેના દિવસે ચૂંટણીપરિણામ જાહેર થશે. ચૂંટણીપંચે ઉજવણી નહીં કરવાના આદેશ આપ્યા છે તથા આરટીપીસીઆર ટેસ્ટ નૅગેટિવ હોય તો જ મતદાનગણતરી કેન્દ્રમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.
ઍક્ઝિટ પોલના અંદાજ
રિપબ્લિક ટીવી તથા સીએનએક્સના સર્વે પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં ભાજપને 128થી 138 બેઠક મળી શકે છે, જ્યારે ટીએમસીને 128થી 148 બેઠક મળી શકે છે.
આવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપને (150-162), ટીએમસીને (118-134) તથા કૉંગ્રેસ ડાબેરી યુતિને 14 જેટલી બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
સીએનએન ન્યૂઝ 18ના ઍક્ઝિટ પોલ પ્રમાણે, 162 બેઠક જીતીને મમતા બેનરજી સ્પષ્ટ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામમાં ભાજપની જ સરકાર?
જનકી બાતના સરવે પ્રમાણે, આસામમાં મુસ્લિમ મતો સંગઠિત થવાને કારણે એનડીએને સાતથી લઈને 17 બેઠકનું નુકસાન થઈ શકે છે. છતાં તે સત્તા પર પરત આવવામાં સફળ રહેશે. એનડીએને (70-81), યુપીએને (55-45) તથા અન્યોને એક બેઠક મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ટાઇમ્સનાઉ તથા સી-વોટરનું આકલન છે કે આસામમાં એનડીએને 65 તથા યુપીએને 59 તથા અન્યોને બેઠક મળી શકે છે. આમનું આકલન છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 115 તથા મમતા બેનરજીને 158 બેઠક મળશે.
ઇન્ડિયા ટુડે- માય ઍક્સિસનું આકલન છે કે આસામમાં ભાજપને 75થી 85 બેઠક મળી શકે છે. જ્યારે કૉંગ્રેસને 40થી 50 બેઠક મળી શકે છે.
કેરળમાં પરંપરા તૂટશે?
કેરળમાં એક વખત ડાબેરી મોરચો તથા બીજી વખત કૉંગ્રેસ મોરચો સત્તા મેળવે, એવો ટ્રૅન્ડ રહ્યો છે, પરંતુ આ વખતે પરંપરા તૂટતી જણાય રહી છે. ઇન્ડિયા ટુડે-માય ઍક્સિસના અનુમાન મુજબ ડાબેરી ગઠબંધનને 104થી 120 બેઠક મળી શકે છે, જ્યારે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને 20થી 36 બેઠકથી સંતોષ માનવો પડશે.
રિપબ્લિક તથા સીએનએક્સના અનુમાન પ્રમાણે, એલડીએફને 72-80, જ્યારે યુડીએફને 58-64 બેઠક મળી શકે છે.
તામિલનાડુમાં ડીએમકે?
અલગ-અલગ ઍક્ઝિટ પોલના અનુમાન પ્રમાણે, સ્ટાલિન પહેલી વખત તામિલનાડુના મુખ્ય મંત્રી બની શકે છે. ઇન્ડિયા ટુડે-માય ઍક્સિસના અનુમાન પ્રમાણે, ડીએમકેને 175થી 195 બેઠક મળી શકે છે.
પી-એમએઆરક્યૂના પોલ પ્રમાણે, ડીએમકે ગઠબંધનને 165થી 190 બેઠક મળી શકે છે. જ્યારે એઆઈએડીએમકે તથા ભાજપના ગઠબંધનનો રકાસ થશે. તેમને 40થી 65 બેઠક મળી શકે છે.
રિપબ્લિક ટીવી તથા સીએનએક્સના અનુમાન પ્રમાણે, ડીએમકેને 165, એઆઈએડીએમકેને 62 બેઠક મળી શકે છે.
કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?
દેશની મુખ્ય સર્વે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજય કુમારે બીબીસીને જણાવ્યું હતું, મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે ઍક્ઝિટ પોલમાં તેમને પ્રશ્નો પૂછવામાં આવે છે.
સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં અપ્રત્યક્ષ રીતે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો હશે.
હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.
ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત અને લાંબી પ્રક્રિયા હોય છે.
એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું એક ઉદાહરણ છે 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણી. 2015ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.
ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? એવો સવાલ પણ થાય છે.
આ સવાલના જવાબમાં સંજય કહે છે, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."
"સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય."
"આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."
જોકે, સંજયને તેનાથી આશ્ચર્ય થતું નથી. તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય.
મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.
સંજય કહે છે કે જો તમે છેલ્લાં 10-15 વર્ષના ઍક્ઝિટ પોલ જોશો તો પરિણામો આ સર્વેની આજુબાજુ જ આવ્યાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો