પશ્ચિમ બંગાળ ચૂંટણી : એક તરફ દેશમાં કોરોનાથી રેકર્ડ મોત, બીજી તરફ છેલ્લા તબક્કાનું મતદાન

એક તરફ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા દરરોજ પાછલા રેકર્ડ તોડી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં ગુરુવારે છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરાયેલી રેલીઓ અને તેમાં ભેગી થયેલી ભીડના કારણે નિષ્ણાતો ફરી એક વાર કોરોના વિસ્ફોટ થવાની વાત કરતા હતા.

હવે સમગ્ર ભારતમાં જ્યારે કેસ વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં લોકો રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવે છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ઉપપ્રમુખ નવજોત ડાહિયાએ કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીવાળાં રાજ્યોમાં ફરીને વડા પ્રધાન દ્વારા કરાયેલા પ્રચારની પ્રવૃત્તિને જવાબદાર ગણાવી હતી.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કાના મતદાનની વાત કરીએ તો મતદાનમથકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનવાની શક્યતાઓ સેવાઈ રહી હતી.

નિષ્ણાતો પહેલાંથી જ શક્યતા વ્યક્ત કરે છે કે પશ્ચિમ બંગાળ વાઇરસનું નવું કેન્દ્ર બનીને સામે આવી શકે છે. કારણ કે રાજ્યમાં ઘણા સમય સુધી ચૂંટણીપ્રચારમાં ભારે ભીડ જોવા મળી હતી.

પશ્ચિમ બંગાળમાં પાછલા 24 કલાકમાં 17 હજાર કરતાં વધુ કેસો આવી રહ્યા છે. જે દૈનિક કેસોની બાબતમાં અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલા સૌથી વધુ કેસો છે.

નોંધનીય છે રાજ્યમાં પહેલાંથી જ સાત તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ અમુક એવાં રાજ્યો પૈકી એક છે જ્યાં વડા પ્રધાનના પક્ષ ભાજપને બહુમતી હાંસલ નથી.

કોરોના વાઇરસની બગડતી પરસ્થિતિ છતાં સતત રાજ્યમાં રેલીઓ યોજવાના કારણે રાજકીય પક્ષોની ઘણી ટીકા થઈ હતી.

અમારા સંવાદદાતા અમિતાભા ભટ્ટાસાલીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીવાળી કેટલીક મોટી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા દેખાયા હતા.

ભારતમાં અત્યારે શું થઈ રહ્યું છે?

ભારતમાં મોટા ભાગનાં શહેરોમાં હૉસ્પિટલોની ભારે અછત જોવા મળી રહી છે. તેમજ કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુના કારણે એવું કહેવાઈ રહ્યું છે કે મોટા ભાગનાં સ્મશાનોની ચિતાનો અગ્નિ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

બુધવારે ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બે લાખને પાર કરી ગઈ હતી. ગુરુવારે સમગ્ર ભારતમાં કુલ 3,79,257 કોરોના વાઇરસના નવા કેસો સામે આવ્યા હતા.

માત્ર ભારત જ નહીં વિશ્વના કોઈ પણ દેશમાં એક જ દિવસમાં ક્યારેય આટલા બધા કેસો નોંધાયા નથી.

ભારતમાં પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકે તો કોરોના વાઇરસની આગેકૂચને અટકાવવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં નવા પ્રતિબંધો પણ લાદી દીધા છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટક વગેરે રાજ્યોમાં હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને ઉપયોગી દવાઓની ભારે અછત હોવાની ફરિયાદો ઊઠી રહી છે.

સોશિયલ મીડિયા પર પણ જાણે મદદ માગી રહેલા લોકોનું પૂર આવ્યું છે. લોકો પોતાના સ્વજનોને બચાવવા માટે એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે.

ક્યાંક સ્મશાનોમાં તો ક્યાંક હૉસ્પિટલની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. આ તમામ દૃશ્યો હાલ દેશમાં પરિસ્થિતિ કેટલી નાજુક છે, એ વાતની સાક્ષી પૂરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો