You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના રસીકરણ : વિજય રૂપાણીએ યુવાનોને રસી અંગે શું કહ્યું? - BBC TOP NEWS
ગુજરાતમાં રસીકરણના ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે અને આ અંગેની ઓનલાઇન નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ ગઈ હોવાની માહિતી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપી છે.
18 વર્ષની વધુ વયના યુવાનો રસી મુકાવે એવી ભલામણ રૂપાણીએ પોતાના રાજ્યજોગ સંદેશમાં આપી છે.
તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારે કોરોનાની રસીના અઢી કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો છે, જેમાંથી સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીના બે કરોડ જ્યારે ભારત બાયૉટેકની કોવેક્સિન રસીના 50 લાખ ડોઝનો સમાવેશ થાય છે.
હાલમાં બે રસી ઉપબલ્ધ છે અને ત્રીજી રસી ટૂંક સમયમાં આવી જશે એવી જાણકારી આપતાં તેમણે 18 વર્ષથી વધુ ઉંમરની સૌ વ્યક્તિઓને કોરોનાની રસી લેવા ભલામણ કરી છે.
મનમોહન સિંહ કોરોનાથી સાજા થયા, હૉસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા
ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોનાના ચેપથી સાજા થઈ ગયા છે અને ગુરુવારે હૉસ્પિટલમાંથી તેમને રજા આપી દેવાઈ છે.
દિલ્હીસ્થિત ઍમ્સ હૉસ્પિટલના અધિકારીઓએ સમાચાર સંસ્થા એએનઆઈને આ અંગેની જાણકારી આપી. જોકે, સિંહના સ્વાસ્થ્ય અંગે જોડાયેલી જાણકારી હજુ નથી અપાઈ.
19 એપ્રિલે કોરોનાથી પૉઝિટિવ થયા બાદ પૂર્વ વડા પ્રધાનને ઍમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
'તાત્કાલિક ભારત છોડી દો', અમેરિકાએ તેમના નાગરિકોને ચેતવણી આપી
અમેરિકાએ તેમના નાગરિકોને કહ્યું છે કે તેઓ જલદીથી જલદી ભારત છોડી દે. ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ અંગે અમેરિકાએ એક ઍડ્વાઇઝરી જાહેર કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ કહ્યું છે કે ભારતમાં કોરોના સંકટ એટલું ઘેરું બન્યું છે કે મેડિકલ સુવિધાઓની ખોટ વર્તાઈ રહી છે.
અમેરિકાએ લેવલ 4 ટ્રાવલ હેલ્થ નોટિસ જાહેર કરી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની મદદ કરવાની જાહેરાત કરી છે, એવામાં આ ઍલર્ટ જાહેર કરાઈ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે હેલ્થ ઍલર્ટ જાહેર કરતા કહ્યું છે, "ભારતમાં કોરોનાના નવા કેસ અને એના કારણે થતાં મૃત્યુના આંકડા દરરોજ નવા રેકર્ડ તોડી રહ્યા છે."
"કોવિડ19 ટેસ્ટિંગની સુવિધાઓ પણ મર્યાદિત છે. હૉસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખાલી નથી."
અમેરિકન ઍડ્વાઇઝરીમાં કહેવાયું છે કે કોવિડના વધતા કેસ મામલે મેડિકલ સુવિધાઓ ધ્વસ્ત થઈ ગઈ છે.
આમાં કહેવાયું છે કે અમેરિકન નાગરિક ભારતથી આવનારી ફ્લાઇટથી સીધા આવશે.
ભારતમાં કોરોનાનો વધતો કેર : 24 કલાકમાં 3.79 લાખ નવા કેસ, 3645 મૃત્યુ
ભારતમાં ગુરુવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોના સંક્રમણના 3,79,257 નાવ કેસ સામે આવ્યા છે અને 3645 લોકોનાં મૃત્યુ થયાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 2,69,507 લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ભારતમાં કુલ સંક્રમણના કેસ 1,83,76,524 થઈ ચૂક્યા છે અને મૃતકોની કુલ સંખ્યા 2,04,832 છે.
અત્યાર સુધી દેશમાં 15,00,20,648 લોકોને રસી આપી દેવાઈ છે.
108માં હૉસ્પિટલ આવતા કોરોના દર્દીઓને જ દાખલ કરવાનો નિયમ હાઇકોર્ટની ફટકાર બાદ બદલાયો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ડોટકૉમના એક અહેવાલ અનુસાર બુધવારે રાજ્યમાં કોરોનાના કુલ 14,120 કેસો જોવા મળ્યા હતા. બુધવારે નોંધાયેલા કેસોમાં મંગળવારની સરખામણીએ 232 કેસો ઓછા નોંધાયા હતા.
આમ, રાજ્યમાં પાછલા 27 દિવસ બાદ પ્રથમ વખત કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. જોકે આ ફેરફાર મૂળ વધારાની સંખ્યામાં ક્ષુલ્લક ગણાવી શકાય.
અહેવાલ અનુસાર બુધવારે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 61 ટકા રિકવરી રેટ નોંધાયો હતો. નોંધનીય છે કે 23 એપ્રિલના રોજ આ દર 41 ટકા હતો.
હવે હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને હૉસ્પિટલમાં દાખલ થવા માટે 108માં જ ફરજિયાત આવવાની વ્યવસ્થા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.
હવેથી આ રાજ્યની તમામ હૉસ્પિટલોમાં 108 સિવાય આપમેળે આવનારી વ્યક્તિઓને પણ દાખલ કરવામાં આવશે.
નોંધનીય છે કે અગાઉ દર્દીઓને 108ની સેવા મેળવવા માટે આઠથી 48 કલાકની રાહ જોવી પડતી હતી.
વિજય રૂપાણી સરકારના મંત્રીઓ હવે જિલ્લાની મુલાકાત લેશે
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બુધવારે કોરોનાની પરિસ્થિતિ તપાસવા માટે સરકારના મંત્રીઓને આગામી ચાર દિવસ સુધી જિલ્લાઓની મુલાકાત લેવાની સૂચના આપી છે.
આ અંગે માહિતી આપતાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે "આજની કૅબિનેટ મિટિંગમાં મુખ્ય મંત્રીએ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનો જાયજો લીધો હતો અને તેમણે જિલ્લાના પ્રભારી મંત્રીઓને જે તે જિલ્લાની મુલકાત લેવા માટે કહ્યું હતું."
"આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ સ્થાનિક ચૂંટાયેલા આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક તંત્ર સાથે મિટિંગ ગોઠવી કોરોનાની સ્થિતિ તપાસવા માટે સૂચના આપી હતી."
"આ મુલાકાત દરમિયાન નજરે પડતી તમામ મુશ્કેલીઓનું જે-તે મંત્રીએ નિરાકરણ લાવવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે."
આ સાથે જ પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે "ગામડાંમાં કોરોનાના પ્રસારને અટકાવવા માટે જે-તે મંત્રીઓએ કોરોનાના દર્દીઓની તપાસ અને તેમના આઇસોલેશન માટે સરપંચ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા જણાવવામાં આવ્યું છે. તમામ મંત્રીઓએ ચાર દિવસમાં આ કામ પૂરું કરવાનું રહેશે."
ગુજરાત : બધી ડેરીઓને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સૂચના
ધ હિંદુ બિઝનેસ લાઇન ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યનાં તમામ ડેરી યુનિયનોને તેમના જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની સૂચના અપાઈ છે.
નોંધનીય છે કે અમુક દિવસો પહેલાં ઉત્તર ગુજરાતની બનાસ ડેરી દ્વારા પાલનપુર મેડિકલ કૉલેજના કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાયો હતો.
બુધવારે ગુજરાતના રજિસ્ટ્રાર ઑફ કૉ-ઓપરેટિવ્સે એક પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા દૂધ ઉત્પાદક યુનિયનોને પોતાનાં ક્ષેત્રમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે થઈ રહેલી સુઓમોટો સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં બનાસ ડેરીનું ઉદાહરણ અપાયું હતું.
આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર સુધી પહોંચેલા અવકાશયાત્રી કોલિંસનું નિધન
અવકાશમાં મનુષ્યના સૌથી મોટા અને સફળ અભિયાનો પૈકી એક અપોલો 11 મિશન ક્રૂના સભ્ય રહેલા અવકાશયાત્રી માઇકલ કોલિંસનું નિધન થયું હતું, તેઓ 90 વર્ષના હતા.
આ મિશન દરમિયાન મનુષ્યે પ્રથમ વખત ચંદ્ર પર કદમ મૂક્યાં હતાં. ત્રણ સભ્યોવાળા ક્રૂમાં નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ઊતર્યા હતા. જ્યારે માઇકલ કોલિંસ ચંદ્રની કક્ષા પર જ અવકાશયાનમાં રોકાયા હતા.
કોલિંસના મૃત્યુ બાદ 91 વર્ષીય એલ્ડ્રિન હવે આ મિશનના એકમાત્ર જીવિત ક્રૂ મેમ્બર બચ્યા છે.
કોલિંસને શ્રદ્ધાંજલિ આપતાં એલ્ડ્રિને ટ્વીટ કર્યું, "પ્રિય માઇક, તમે જ્યાં પણ હશો અને રહેશો તમારી ઊર્જા અમને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રેરિત કરશે. તમે ખૂબ યાદ આવશો. ઇશ્વર તમને શાંતિ આપે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો