તુર્કીમાં લૉકડાઉન : એ દેશ જ્યાં કોરોના 'કાબૂમાં આવી ગયા' બાદ લૉકડાઉનની નોબત આવી

    • લેેખક, મહમૂત હામસિકી
    • પદ, બીબીસી તુર્કી, ઇસ્તંબૂલ

રસ્તાઓ પર લોકોની ભીડ છે, ટ્રાફિક છે અને દુકાનો પર ગ્રાહકોથી ઊભરાઈ રહી હતી.

મોટી સંખ્યામાં લોકો ઇસ્તંબૂલમાંથી બહાર જવ માટે મુખ્ય બસ-ટર્મિનલ તરફ જઈ રહ્યા હતા, તો કેટલાક લોકો 'દારૂબંધી'ના સમાચાર બાદ દારૂનો સંગ્રહ કરવા બજારમાં આવી પહોંચ્યા હતા.

તુર્કીમાં ગુરુવારથી લદાયેલા લૉકડાઉન પહેલાં કંઈક આવો માહોલ હતો. કોરોના મહામારી દરમિયાન વધી રહેલા સંક્રમણને નાથવા અહીં પહેલી વખત લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

લૉકડાઉનના દિવસોનું જીવન કેવું રહેશે એ અંગે વૉટ્સઍપ ગ્રૂપ્સમાં ચર્ચા થઈ રહી છે.

ગયા વર્ષે આ જ સમયે જ્યારે ઘણા બધા દેશો લૉકડાઉન લાદી રહ્યા હતા, ત્યારે તુર્કીમાં કોરોનાને નાથવા માટે લેવાયેલાં પગલાં બાદ સ્થિતિ ઘણી સારી હતી અને એ બદલ WHO વખાણ પણ કર્યાં હતાં.

એક વર્ષ બાદ કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશો પૈકી એક તુર્કી છે, યુરોપમાં સૌથી વધુ સંક્રમણ અહીં છે.

તુર્કીમાં કોરોનાના કેસોમાં ઉછાળો કેમ આવ્યો?

તુર્કીની રાજધાની અંકારામાં મૃતકાંક 39 હજારની આસપાસ છે, મૃતકાંક નીચો હોવા અંગે તેમને ગર્વ છે.

તંત્રનું કહેવું છે કે મહામારી અહીં કાબૂમાં છે અને તેની માટે તેઓ દેશની આરોગ્યવ્યવસ્થાને કારણભૂત માને છે.

જોકે આ બધા વચ્ચે સંક્રમણના કેસોમાં જોવા મળેલો ઉછાળો ચિંતાજનક છે.

નવેમ્બરમાં પ્રતિબંધઓ લદાયા બાદ ફેબ્રુઆરીના મધ્યમાં એક તબક્કે કોરોનાના દૈનિક કેસોનો આંક છ હજારની આસપાસ આવી ગયો હતો.

સરકારે જેમ-જેમ માર્ચ મહિનામાં પ્રતિબંધો હઠાવવાની શરૂઆત કરી એમ-એમ તુર્કીમાં કોરોનાની નવી લહેર ઊઠવા લાગી.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં અહીંની સરકાર યુ-ટર્ન લીધો અને ફરી પ્રતિબંધો લાદી દીધા, જોકે હવે સંક્રમણને અટકાવવા આ પ્રતિબંધો પૂરતા ન હતા.

એપ્રિલ મહિનામાં આવેલા ઉછાળામાં 60 હજાર કરતાં વધારે દૈનિક કેસ અને 300નો દૈનિક મૃતકાંક નોંધાયા.

તુર્કીમાં કોરોનાની આવી સ્થિતિ કેમ સર્જાઈ?

આરોગ્યમંત્રી ફહરેતિન કોકાએ તાજેતરમાં જ કહ્યું હતું, "અમે સિનોવેક, ફાઇઝર-બાયૉટેક અને રશિયાની સ્પુતનિક વી રસી માટે વૅક્સિનેશન ડિપ્લોમસીની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે."

આ અંગે સત્તાધારી પક્ષ પણ ટીકાઓનો સામનો કરી રહ્યા છે, માર્ચ મહિનામાં જ્યારે સામાજિક મેળાવડા, વિરોધપ્રદર્શનો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ હતા ત્યારે રાષ્ટ્રપતિ આર્દોઆનની પાર્ટી દ્વારા કૉંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે નવા વૅરિયન્ટ્સ અને ખાસ કરીને યુકેના સ્ટ્રેનના કારણે સંક્રમણ વધ્યું છે.

તુર્કીમાં સંક્રમણની નવી લહેર પાછળ કારણ કંઈ પણ હોય પણ 29 એપ્રિલથી 17 મે સુધીના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત આર્દોઆન દ્વારા કરી દેવાઈ છે.

કેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા?

  • લોકોએ ફરજિયાત ઘરમાં જ રહેવાનું છે, જીવનજરૂરી ચીજોની ખરીદી અને મેડિકલ સારવાર માટે જ બહાર નીકળી શકાશે.
  • એક શહેરથી બીજા શહેરમાં પ્રવાસ કરવા માટે તંત્રની પરવાનગી લેવી પડશે.
  • શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં મુસાફરોની સંખ્યા માટે સીમા નક્કી કરી દેવાઈ છે.
  • દારૂનું વેચાણ મર્યાદિત રહેશે.
  • નવા પ્રતિબંધોમાંથી કેટલાક ઉદ્યોગોને બાકાત રાખવામાં આવ્યા છે.

તુર્કીમાં સંપૂર્ણ લૉકડાઉનથી કેટલાક તજજ્ઞો ખુશ છે અને કહે છે કે આ જરૂરી હતું.

જોકે કેટલાક તજજ્ઞો કહે છે કે કોરોનાના વધતા કેસોને નાથવામાં માત્ર લૉકડાઉનથી ઝાઝી મદદ નહીં મળે, એની માટે રસીકરણ કાર્યક્રમને બળવત્તર કરવાની જરૂર છે.

તજજ્ઞો માને છે કે લૉકડાઉન દરમિયાન ઓછી આવક ધરાવતા લોકોને સરકારે આર્થિક સહાય પણ કરવી જોઈએ.

રાષ્ટ્રપતિ આર્દોઆને કહ્યું છે, "જ્યારે યુરોપ બધુ ખોલવા જઈ રહ્યું છે, ત્યારે આપણે દૈનિક કેસોના આંકને પાંચ હજાર કરતાં પણ નીચે લઈ જવાની જરૂર છે, જેથી આપણે પાછળ ન રહી જઈએ."

ગયા વર્ષે તુર્કીમાં વિદેશી મુસાફરોની સંખ્યામાં 70 ટકાનો ઘટાળો નોંધાયો હતો. પ્રવાસન સાથે સંકળાયેલાં ક્ષેત્રોના લોકો માને છે કે ઉનાળાની પ્રવાસન સિઝન પહેલાં લદાયેલા લૉકડાઉનથી રાહત રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો