You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અમદાવાદમાં, દેશની સ્થિતિ કેવી?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 14,120 કેસ નોંધાયા છે, જ્યારે 174 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન રાજ્યમાં બુધવારે 8595 દરદીઓ કોરોનાથી સાજા પણ થયા છે.
ગુજરાતમાં આજે સૌથી વધારે અમદાવાદમાં 5740 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2116, વડોદરામાં 838, જામનગરમાં 721 અને રાજકોટમાં 434 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 491 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયાં છે. અમદાવાદમાં 26 દરદીનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 5,38,845એ પહોંચી છે. જ્યારે હાલ સુધીમાં 368824 દરદીઓ સાજા થયા છે. જ્યારે 6830 દરદીના મૃત્યુ થયાં છે.
આ દરમિયાન અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન( એએમસી)ની હદમાં આવતી તમામ સરકારી અને કૉર્પોરેશને ડેઝિગનેટ કરેલી હૉસ્પિટલોમાં 108 સેવા મારફતે જ કોવિડ દરદીઓને દાખલ કરવામાં આવતા હતા તેના સ્થાને દરદી કોઈ પણ વાહન દ્વારા પહોંચશે તો તેને દાખલ કરવામાં આવશે.
તારીખ 29 એપ્રિલ, 2021ના સવારે 8 વાગ્યાથી કોઈ પણ દરદી ખાનગી વાહનમાં પણ કોવિડ હૉસ્પિટલ પહોંચી શકશે.
અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી તમામ ખાનગી હૉસ્પિટલમાં ચાલુ ક્ષમતાના 75 ટકા બેડ સારવાર માટે પૂરા પાડવાના રહેશે.
આમ ગત 50 ટકામાં બીજા 25 ટકા બેડનો વધારો કર્યો છે. કૉર્પોરેશને અંદાજ આંક્યો છે કે તેને એક હજાર વધારે બેડ ઉપલબ્ધ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં કોરોના વાઇરસના દરદીઓને દાખલ કરવા માટે આધાર કાર્ડની જરૂર હતી, હવે નિર્ણય કરાયો છે કે અમદાવાદના આધાર કાર્ડની જરૂરિયાત નહીં પડે.
કોરોના વાઇરસની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ક્વોટામાં 108 સેવાનો કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત હતી તે હઠાવી દેવાઈ છે.
કોરોના વાઇરસથી સારવાર કરતી તમામ હૉસ્પિટલોએ રાજ્ય સરકારના પોર્ટલ પર જોડાઈને ખાલી બેડની રિયલ ટાઇમ માહિતી લોકોને આપવાની રહેશે. અહીં નોંધવું રહ્યું કે તે પોર્ટલની માહિતી અપાઈ નથી.
કોવિશિલ્ડ વૅક્સિન હવે રાજ્યોને 300 રૂપિયામાં મળશે
કોવિશિલ્ડ વૅક્સિનની કિંમતમાં ઘટાડાનો નિર્ણય સીરમ ઇન્સ્ટિટ્યૂટે લીધો છે.
તેમણે ટ્વિટર પર જાહેરાત કરતાં કહ્યું, "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી પરોપકાર કરવાનું પગલું ભરીને રાજ્ય સરકારો માટે આના એક ડોઝની કિંમત 400 રૂપિયાથી ઓછી કરીને 300 રૂપિયા કરીએ છીએ. આના માટે રાજ્ય સરકારોને હજારો કરોડ રૂપિયાની બચત થશે અને વધારે ને વધારે લોકોને વૅક્સિન આપવામાં આવશે અને અનેક લોકોના જીવ બચાવી શકાશે."
તો બીજી તરફ કોવિન ઍપનું સર્વર ક્રેશ થઈ ગયું હતું.
18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે કોરોના વાઇરસની વૅક્સિન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બુધવારે સાંજે ચાર વાગે શરૂ થવાની હતી પરંતુ આના માટે બનાવવામાં આવેલી કોવિન ઍપ અને આરોગ્ય સેતુ ઍપ માટેનું સર્વર ક્રેશ થઈ ગયું.
મોટી સંખ્યામાં લોકો વૅક્સિનના રજિસ્ટ્રેશન માટે કોવિન ઍપ પર પ્રયત્ન કરતા હતા. પરંતુ કોવિન ઍપ પર તેમને આ સંદેશો મળી રહ્યો છે કે હાલ 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.
કેટલાક લોકોની ફરિયાદ છે કે કોવિન ઍપ પર ઓટીપી જનરેટ થઈ રહ્યો નથી.
આરોગ્ય સેતુનું કહેવું છે કે ચાર વાગે એક સામાન્ય તકનીકી અડચણ આવી હતી જેમાં સુધારો કરવામાં આવ્યો છે અને 18 વર્ષથી વધારે ઉંમરના લોકો હવે વૅક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આ જ સ્થિતિ છે આરોગ્ય સેતુ ઍપની પણ, જ્યાં લોકોને પોતાના એપ પર 'સર્વર ઇશ્યુ'નો સંદેશો જોવા મળી રહ્યો હતો.
મહારાષ્ટ્રમાં ફરી 15 દિવસ લૉકડાઉન લંબાવાયું, કોરોનાની સ્થિતિ હજી પણ ગંભીર
મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે રાજ્યમાં લૉકડાઉનને 15 દિવસ માટે વધારવામાં આવશે. આ પ્રતિબંધ 30 એપ્રિલે પૂર્ણ થવાનો હતો.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર કેબિનેટના તમામ સભ્યોનો આ મત હતો કે હાલના પ્રતિબંધોને આગામી 15 દિવસ સુધી વધારવા જોઈએ.
એક મેથી 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરવાળા માટે વૅક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. આના પર તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની પાસે તમામ સુવિધા છે, પરંતુ અમારી પાસે પર્યાપ્ત પ્રમાણમાં વૅક્સિન નથી.
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી વૅક્સિન બનાવતી સંસ્થાઓ સાથે વાત કરી રહ્યા રહ્યા છે.
રાજેશ ટોપેએ પણ જાણકારી આપી હતી કે 18 થી 44 વર્ષના લોકો માટે અલગ વૅક્સિનેશન સેન્ટર હશે.
કોરોના રિપોર્ટ નેગેટિવ અથવા વૅક્સિનના પ્રમાણપત્ર બાદ જ ઉમેદવારોને મતગતરીકેન્દ્રમાં પ્રવેશ
2 મેના રોજ પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણની મતગણતરી થવાની છે. ચૂંટણીપંચે આ મતગણતરી માટે કોરોનાની બીજી લહેરને જોતાં દિશા-નિર્દેશ જારી કર્યા છે.
ચૂંટણીપંચનું કહેવું છે કે મતગણતરીકેન્દ્રમાં ફક્ત એ ઉમેદવારો કે એજન્ટને જવાની મંજૂરી હશે, જેમનો RT-PCR ટેસ્ટ નૅગેટિવ હશે અથવા જેમણે વૅક્સિનના બે ડોઝ લઈ લીધા હશે.
આ લોકોએ મતગણતરી શરૂ થવાના 48 કલાક પહેલાં RT-PCR અથવા રેપિડ ઍન્ટિજન ટેસ્ટનો નૅગેટિવ રિપોર્ટ અથવા વૅક્સિનના બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
ઉપરાંત ચૂંટણીપંચે એ સ્પષ્ટ કર્યું છે કે મતગણતરીકેન્દ્રની બહાર લોકોને એકઠા થવાની મંજૂરી નહીં હોય. કાઉંન્ટિંગ હૉલ મોટો હોવો જોઈએ જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ શકે.
કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી રેમડેસિવિર નથી?
રેમડેસિવિર, આ નામ પાછલા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં દર ત્રીજી પોસ્ટમાં જોવા મળી રહ્યું છે.
કોરોના વાઇરસની માંદગીથી પીડાતા પોતાના સ્વજનને બચાવવા લોકો રેમડેસિવિરની ભાળ મેળવવા કલાકો અને દિવસો સુધી મથામણ કરતા નજરે પડી રહ્યા છે.
આવી અછતની પરિસ્થિતિમાં જ્યારે અમદાવાદની એક ખાનગી ફાર્મા કંપનીએ 900 રૂપિયામાં આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી તો આ સાથે જ હૉસ્પિટલ બહાર લાંબી કતાર લાગી ગઈ.
એક તરફ જ્યાં સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને એક જગ્યાએ વધુ સંખ્યામાં એકઠા ન થઈ કોરોના વાઇરસના સંક્રમણને ઘટાડવા રાગડા તાણી રહી છે. ત્યાં આ જાહેરાતની સાથે જ પોતાના સ્વજનને બચાવવા માટે મથી રહેલા એક હજાર લોકોની લાંબી લાઇન દસ એપ્રિલના રોજ હૉસ્પિટલની બહાર જોવા મળી.
જ્યારે બીબીસી ગુજરાતીની ટીમ આ સ્થળે પહોંચી ત્યારે પત્રકારોને જાણવા મળ્યું કે ઘણા લોકો રાજ્યનાં દૂર દૂરના સ્થળોએથી ઇન્જેક્શન લેવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.
ઇન્જેક્શન લેવા માટે છેક કચ્છ જિલ્લાથી અમદાવાદ ઢસડાઈ આવેલી એક વ્યક્તિ સાથે જ્યારે અમારા પત્રકારોએ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ આ ઇન્જેક્શન કરતાં સરળતાથી મળી જાય છે.
એક તરફ લોકોને રેમડેસિવિર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યાં સ્થાનિક મીડિયામાં આ ઉપયોગી ઇન્જેક્શનની કાળાબજારીના સમાચાર જોવા રહ્યા હતા.
ડાયમંડ સિટી' સુરતમાં સતત સળગતી ચિતાઓ, ચીમની ઓગળી ગઈ
હીરાઉદ્યોગ અને કાપડઉદ્યોગ માટે જાણીતા ગુજરાતના સુરત શહેરની કોરોના મહામારીમાં સર્જાયેલી દયનીય પરિસ્થિતિ માટે ચર્ચા થઈ રહી છે.
કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરમાં સુરતની પરિસ્થિતિ બદથી બદતર થતી જોવા મળી છે. સુરતમાં હૉસ્પિટલોની સાથે-સાથે સ્મશાનો પણ ઊભરાઈ રહ્યાં છે.
સતત સળગતી ચિતાઓને લીધે સુરતના જહાંગીરપુરાના કુરુક્ષેત્ર સ્મશાનમાં લાલચોળ થયેલી ચીમનીની તસવીરો થોડા સમય પહેલાં જ આવી હતી, આ સ્મશાનની ચીમની મંગળવારે ઓગળી ગઈ હતી. આ અગાઉ સુરતના ઉમરામાં આવેલા રામનાથ સ્મશાનગૃહ અને અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ભઠ્ઠીઓ ઓગળી ગઈ હતી.
જોકે હજી પણ સુરતનાં સ્મશાનગૃહોમાં ચિતાઓની અંતિમવિધિ માટે ધસારો ઓછો થયો નથી. સુરતના આ ત્રણેય હૉસ્પિટલોમાં આજે પણ મૃતદેહની અંતિમવિધિ માટે વેઇટિંગ હોય છે, અને ઓછામાં ઓછા ત્રણથી ચાર મૃતદેહોની લાઇન જોઈ શકાય છે.
કોવિડના પ્રોટોકોલ પ્રમાણે દરરોજ અંદાજે 100થી 125 મૃતદેહોની અંતિમવિધિ કરાય છે, જોકે તંત્ર દ્વારા કોવિડથી થતાં મૃત્યુનો જાહેર કરાતો આંકડો ઘણો નાનો છે.
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 60 હજાર નવા કેસ
ભારતમાં કોરોના મહામારી દરરોજ ભયાનક રૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 3 લાખ 60 હજાર નવા કેસ સામે આવ્યા છે.
નવા રેકૉર્ડ કેસની સાથે-સાથે છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડા પ્રમાણે 3,293 લોકોનાં કોરોનાના કારણે મોત થયાં છે. ભારતમાં અત્યારસુધીમાં 1.79 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.
ઉપરાંત ભારતમાં અત્યારસુધીમાં કોરોના મહામારીને કારણે 2 લાખથી વધારે લોકોનાં મોત થયાં છે.
સૌથી વધારે મોતના મામલે ભારત દુનિયામાં ચોથો દેશ બની ગયો છે. અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકોમાં ભારતથી પણ વધારે લોકોના જીવ કોરોનાને કારણે ગયા છે.
જોકે, બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે ભારતમાં કોરોનાના કારણે જેટલાં મોત થાય છે તેનો સાચો આંકડો સામે આવતો નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો