દિલ્હીમાં હવેથી લેફ્ટનન્ટ ગવર્નર 'સરકાર', કેજરીવાલની સત્તા કેટલી ઘટી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કેન્દ્રીય ગૃહમંત્રાલયે નેશનલ કૅપિટલ ઑફ દિલ્હી (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ, 2021નું જાહેરનામું બહાર પાડી દીધું હતું.

કેટલાકના મતે બુધવારે આ કાયદો લાગુ થવાની સાથે જ ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ દિલ્હીમાં 'સરકાર' બની જશે, તો કેટલાકના મતે દિલ્હી સરકાર તથા લેફટનન્ટ ગવર્નર વચ્ચે સ્પષ્ટ રીતે સત્તાનું વિભાજન થશે.

દિલ્હીના શાસકપક્ષ આમ આદમી પાર્ટી સહિત વિપક્ષનું કહેવું છે કે આ કાયદાને કારણે રાજ્ય સરકારની રોજબરોજની કામગીરીમાં દખલ ઊભી થશે.

કોરોના સામે લડી રહેલા દિલ્હીવાસીઓને આશંકા છે કે વધુ એક વખત આમ આદમી પાર્ટી તથા ભાજપની સત્તાની સાંઠમારી શરૂ થશે, જેનો ભોગ તેમણે બનવું પડશે.

વિપક્ષના વિરોધની વચ્ચે માર્ચ-2021માં સંસદના બંને ગૃહોમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

નવી વ્યવસ્થા, નવી 'સરકાર'

કાયદાની વ્યાખ્યા પ્રમાણે, "સરકાર" એટલે કે "ઉપરાજ્યપાલ." દિલ્હી સરકારનો કોઈ પણ નિર્ણય મંત્રીઓની સલાહથી લેવામાં આવ્યો હોય કે અન્ય કોઈ રીતે તે 'ઉપરાજ્યપાલના નામથી' લેવામાં આવશે.

દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા, જમીન તથા પોલીસ એ કેન્દ્ર સરકારને હસ્તક છે, જ્યારે શિક્ષણ, જંગલ અને પરિવહન રાજ્ય સરકાર હસ્તકના વિષય છે.

નવા કાયદાની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારે રોજબરોજની તથા ઉપ-રાજ્યપાલ દ્વારા જણાવવામાં આવેલી દરેક બાબત અંગે ઉપરાજ્યપાલને માહિતગાર કરવાના રહેશે.

દિલ્હીની વિધાનસભા પોતે કે કોઈ કમિટી મારફત એવા કોઈ નિયમ કે પ્રક્રિયા ઘડી નહીં શકે કે જે લોકસભાની કામગીરી ચલાવવા માટેની પ્રણાલીને સુસંગત ન હોય. જો આવી કોઈ જોગવાઈ અગાઉથી જ લાગુ હોય તો તે પણ રદબાતલ ઠરશે.

વિધાનસભાએ રજૂ કરેલા બિલ ઉપ-રાજ્યપાલને મોકલવાના રહેશે, જો તેમને યોગ્ય લાગે તો તેઓ તેની ઉપર મંજૂરીની મહોર મારશે અથવા તો તેને અટકાવી રાખશે અથવા તો વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલી આપશે.

વહીવટી નિર્ણયોમાં તપાસ કરાવવાની સત્તા પણ દિલ્હી વિધાનસભા પાસેથી લઈ લેવામાં આવી છે.

માર્ચ મહિનામાં બિલને રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે બિલ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકાર અંગેની બંધારણીય વ્યવસ્થા અંતર્ગત સરકાર તથા ઉપ-રાજ્યપાલની જવાબદારીને 'વધુ સારી રીતે' વ્યાખ્યાયિત કરશે. સત્તા અંગેની ગૂંચવણો દૂર થશે અને પારદર્શકતા તથા સ્પષ્ટતા આવશે.

રાજ્યસભામાં ચર્ચા વખતે કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ચૂંટણી દ્વારા દિલ્હીમાં સત્તા નહીં મેળવી શકનાર ભાજપ લેફટનન્ટ ગવર્નર મારફત 'અપ્રત્યક્ષ રીતે' સત્તા ઉપર કબજો મેળવવા માગે છે.

દિલ્હીની વિધાનસભામાં 70 બેઠક છે, જેમાંથી આમ આદમી પાર્ટી 62 બેઠક તથા ભાજપ આઠ બેઠક ધરાવે છે.

કેજરીવાલે બિલને ગણાવ્યું હતું 'ગેરબંધારણીય'

બંધારણના 69માં સુધારા હેઠળ દિલ્હીમાં સરકારની રચના થઈ શકે તેમાટે અનુચ્છેદ 239એએ ઉમેરવામાં આવ્યો હતો.

આ સરકાર બંધારણની મર્યાદાઓ હેઠળ બહુમતી ધરાવનારી સરકાર નેશનલ કૅપિટલ ટૅરિટરી વિસ્તારને માટે કાયદા અને નીતિઓ ઘડી શકે છે.

ગવર્નમેન્ટ ઑફ નેશનલ કૅપિટલ ટેરિટરી ઑફ દિલ્હી, 1991ના અર્થઘટન મુદ્દે આમ આદમી પાર્ટીની સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

આ કેસ જીએનસીટી દિલ્હી વિ. ભારતની સંઘ સરકાર તથા અન્યો (અથવા દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપ-રાજ્યપાલ)ના કેસ તરીકે ઓળખાય છે.

2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ એ. એમ. ખાનવીલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે તેની સુનાવણી કરી હતી.

સર્વોચ્ચ અદાલતની બેન્ચે નોંધ્યું હતું કે દિલ્હીની જનતાએ સરકારને તથા તેના લોકપ્રતિનિધિઓને ચૂંટીને મોકલ્યા છે એટલે તેઓ મતદાતાને જવાબદાર છે. માટે તેઓ પોતાની જવાબદારી સુપેરે પાર પાડી શકે તે માટે તેમની પાસે યોગ્ય સત્તા હોવી જોઈએ.

સંસદીય વ્યવસ્થા હેઠળ સરકારએ કૅબિનેટની સામૂહિક જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે ; દિલ્હીના ઉપ-રાજ્યપાલે કૅબિનનેટની સહાય અને સલાહ માનવા બાદ્ય છે ; એમ પણ બેન્ચે નોંધ્યું હતું.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે બિલ પસાર થયું ત્યારે તેને 'ગેરબંધારણીય' લોકશાહી માટે શોકજનક દિવસ ગણાવ્યો હતો. માર્ચ મહિનામાં આ બિલની વિરુદ્ધ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે દેખાવો પણ આયોજિત કર્યા હતા.

સરકારનું કહેવું છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળેલો નથી એટલે તેના ઉપ-રાજ્યપાલની વહીવટી સત્તાઓ અન્ય રાજ્યોના રાજ્યપાલો કરતાં અલગ છે.

આ ખરડો કાયદો બની ગયો છે ત્યારે આ કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકે છે, જેથી ગેરબંધારણીય બાબતોને કાયદાની એરણ ઉપર ચકાસી શકાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો