You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કવિ દાદ કે દાદ બાપુ તરીકે ઓળખાતા 'કાળજાના કટકા' દાદુદાન ગઢવીનું અવસાન
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન થયું છે. તેઓ ચાહકો અને સાહિત્યજગતમાં 'કવિ દાદ' કે 'દાદ બાપુ'ના નામથી ઓળખાતા હતા.
82 વર્ષીય કવિ દાદને ચાલુ વર્ષે ગણતંત્ર દિવસ દરમિયાન 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા હતા.
કવિ દાદે માત્ર ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમના કામ ઉપર રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે અને કરી રહ્યાં છે.
દાદ બાપુને 'હેમુ ગઢવી ઍવૉર્ડ' તથા 'મેઘાણી ઍવૉર્ડ'થી નવાજવામાં આવ્યા હતા.
14 વર્ષની ઉંમરથી સર્જન
જૂનાગઢના નવાબે બે ગામનું (ઇશ્વરિયા અને સાપર) ગરાસ દાદુદાનના પિતાને આપ્યું હતું. તેમના પિતા પ્રતાપદાન જૂનાગઢના રાજવિ હતા. દાદુદાનનો જન્મ ગીરના ઇશ્વરિયા ગામ સાથે હતો.
કવિ કાગના મામા પણ કવિતા લખતા અને સાહિત્યસર્જન કરતા. તેમને જોઈને 14-15 વર્ષની ઉંમરે દાદુદાને પણ લખવાનું શરૂ કર્યું.
મામાના અવસાન બાદ પહેલી વખત એક છંદ લખ્યો અને બાદમાં માતાજીની સ્તુતી કરતા અનેક ભજન લખ્યા. તેમણે અનેક ફિલ્મગીત, કવિતા, દુહાછંદ અને ગીતનું સર્જન કર્યું છે.
કવિ દાદે 'રા નવઘણ', 'રામાયણ', 'લાખા લોયણ' અને 'ભક્ત ગોરો કુંભાર' જેવી 15 જેટલી ફિલ્મો માટે ગીત લખ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્રમાં નારાણ સ્વામીનો ડાયરો હોય અને 'કૈલાશ કે નિવાસી...' ગાવામાં ન આવે તેવું ન બને.
જોકે, ડાયરામાં સાહિત્યની સમજ વગર તેમની રચના ગાવામાં આવે તેનાથી કવિ દાદ નારાજ હતા, પરંતુ તેનાથી ડાયરામાં ગાનારાઓના જીવનનું ગાડું ગબડે છે, એ વાતનો તેમને સંતોષ હતો.
'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...' અને 'કાળજા કેરો કટકો મારો...' જેવા સર્જનો દ્વારા તેમણે વાચકો અને સાહિત્યરસિકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું અને જાળવી રાખશે.
'કાળજા કેરોની કહાણી...'
કવિ દાદના ગામમાં જેઠા ચાવડા કરીને એક ખેડૂત રહેતા હતા. તેમનાં પુત્રી છ મહિનાનાં હતાં, ત્યારે જેઠનાં પત્નીનું અવસાન થયું.
એટલે જેઠા ચાવડાએ જ તેનો ઉછેર કર્યો હતો અને તેનું લગ્ન કરાવ્યું. જ્યારે દીકરીનું આણું વળાવવામાં આવ્યું, ત્યારે જેઠા ચાવડા ઓટલા ઉપર બેસીને ધ્રૂસકે-ધ્રૂસકે રડતા હતા અને કવિ દાદ તેમની સાથે બેઠા હતા.
એ સમયે જેઠા ચાવડાની સ્થિતિને ધ્યાને લઈને તેમણે આ ગીત લખ્યું અને તેમને ગીતકાર તરીકેનો પુરસ્કાર પણ મળ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો