શિક્ષકદિન : દિલીપ રાણપુરા એટલે માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર સામે ઝૂઝનાર શિક્ષક

    • લેેખક, ચંદુ મહેરિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભૂરખી, રોયકા, પાલનપુર, મજાદર, ખેરાણા, કરમડ, ચૂડા, દેવગઢ, રામદેવગઢ, નાની કઠેચી, નાગનેશ, ભૃગુપુર, બજાણા... આ એ ગામોનાં નામ છે, જ્યાં ચારેક દાયકાના શિક્ષક જીવનમાં લોકધર્મી સાહિત્યકાર અને વિદ્યાર્થીનિષ્ઠ શિક્ષક દિલીપ રાણપુરા (જન્મ 14-11-1931, અવસાન 16-07-2003)એ ભણાવ્યું હતું.

આખી જિંદગી એક કે બે ગામો-શહેરોમાં નોકરી કરનાર માટે કોઈ વ્યક્તિએ આટલાં બધાં સ્થળોએ નોકરી કરી હોય તે નવાઈ પમાડે તેવી બાબત છે.

આજે તો પ્રાથમિક શિક્ષકોની બદલીપ્રક્રિયા ઘણી ન્યાયી અને પારદર્શી ગણાય એવી છે. પરંતુ આઝાદી પછીના તરતના ગાળામાં, 1950માં, વર્નાક્યુલર ફાઇનલ થઈ પ્રાથમિક શિક્ષક બનેલા દિલીપ રાણપુરાની પંદરેક ગામોમાં નિમણૂક-બદલી-બઢતી વહીવટીતંત્રની આડોડાઈ અને કિન્નાખોરીનું પરિણામ છે.

તેમ છતાં જોબ સૅટિસ્ફૅક્શનના અભાવની કાયમ ફરિયાદો કરતી આજની પેઢીએ દિલીપ રાણપુરાના આ શબ્દો કાળજે ધરવા જેવા છે:

“શિક્ષક હોવાનું મને કાયમ ગૌરવ રહ્યું છે. આડત્રીસ વરસ એકધારો શિક્ષક રહ્યો તેમાં મને મજા આવી છે. થાક નથી લાગ્યો, કંટાળો નથી આવ્યો તેમ હું કદી હતાશ પણ નથી થયો."

"તંત્ર સામેની લડાઈની અસર મારામાંના ‘શિક્ષક’ પર નથી પડી. શિક્ષણકાર્ય કરતી વખતે મને શિક્ષકને થતી વહીવટી સતામણી સામે સંઘર્ષ કરવાનું બળ અને પ્રેરણા મળ્યાં છે.”

દિલીપ રાણપુરાનું બાળપણ : ન તેજસ્વી, ન ઠોઠ

બાળદિને જન્મેલા સર્જક-શિક્ષક દિલીપ રાણપુરાનું મૂળ નામ ધરમશીં.

અત્યંત રૂઢિચુસ્ત, ધર્મચુસ્ત જૈન કુટુંબના આ સંતાનને સંસ્કાર ટેવમાં મળેલા. પણ જીવનના આરંભનાં વીસેક વરસો અને તેમાંય શિક્ષણ મેળવવાનાં વરસોમાં એ ઘણા બેપરવા હતા.

તોફાની, રેઢિયાળ અને ભમરાળાની છાપ છતાં કેટલાક શિક્ષકોને તેમનામાં રહેલી પ્રતિભાનો ખ્યાલ આવી ગયેલો.

નિયમિત શાળાએ ન જતા ધરમશીંને શિક્ષકો સમજાવતા: ‘ભણીશ તો નામ કાઢીશ’ એમ કહીને ટપારતા. 1946માં ધંધુકાની શાળામાં એ છઠ્ઠા ધોરણમાં ભણતા હતા.

શાળાએ જવાને બદલે રખડ્યા કરતા. પણ પરીક્ષા આપવા ગયા તો શિક્ષકને કહ્યું, “સાહેબ પરીક્ષામાં મને જુદો બેસાડો.”

કારણની પૃચ્છામાં જવાબ હતો : “હું પાસ થઈશ તો ચોરી કરીને થયો છું, એમ કહેવાશે. મારી મહેનત સામે કોઈ નહીં જુએ.”

એમની વિનંતી માનીને શિક્ષકે નોખા બેસાડી પરીક્ષા લીધી હતી અને તેઓ ચોથા નંબરે પાસ થયેલા!

દિલીપભાઈએ શિક્ષકને એ વખતે જ કહેલું, “દિવસે રખડતો હોઉં પણ ખિસ્સામાં ચોપડી તો હોય જ. ઘણું બધું ગોખી નાખ્યું છે. રાતોના ઉજાગરા કર્યા છે. હું રખડું છું પણ ઠોઠ નથી તોફાની ખરો પણ ચોર નહીં. પાઈ-પૈસાનો જુગાર કદીક રમ્યો હોઈશ પણ કપટી નથી.”

ભણતર અધૂરું મૂકીને તે કામે વળગ્યા તો જાતભાતનાં કામ કર્યાં. પિતાની કાપડની દુકાને વેપારની તાલીમ લેનાર આ કિશોરે પોલીસ કૉન્સ્ટેબલ બનવાની પણ તાલીમ લીધેલી. કંદોઈના સાથીદાર, રોડ પરના માઇલસ્ટૉનના રંગારા, પ્રેસ-કંપોઝિટર, કારખાનામાં હુકમ નોંધનાર, જીનના કાલા-કપાસના તોલનાર, માપણીદાર એવાં કામ કરતાં-કરતાં ધંધૂકેથી મહાનગર મુંબઈ પહોંચી ગયા.

મુંબઈમાં તે પૂંઠાનાં ખોખાં બનાવતાં કારખાનામાં નોકરી કરતા. જૈન લોજમાં જમતા અને કારખાનામાં મજૂરોની સાથે પૂંઠાંઓની થપ્પી પર સૂઈ રહેતા.

એ સમયે શિક્ષક બની ગયેલા અને મહિને સિત્તેર રૂપિયા પગાર મેળવતા મિત્રનો પત્ર આવ્યો. એ જાણીને શિક્ષક થવાના સપનાં આવ્યાં ને ઘરે પાછા આવી ગયા.

ધંધુકાની શાળામાં સાતમા ધોરણમાં દાખલ થયા. પોતાના કરતાં ઉમરમાં નાના વિદ્યાર્થીઓ વચ્ચે રહી ભણ્યા વચ્ચે વચ્ચે રઝળપાટ ચાલતો રહેતો. છતાં પરીક્ષા આપી અને એમ 1950માં એ જમાનાની પ્રતિષ્ઠિત વ.ફા. (વર્નાક્યુલર ફાઇનલ) એટલે પ્રાથમિક શાળાંત પરીક્ષા પાસ કરી.

શિક્ષકની નોકરીની શોધ ચાલુ હતી ત્યારે જ સહાધ્યાયી પ્યારઅલી હાલાણીનો સર્વોદય યોજનામાં જોડાવાનો પત્ર મળ્યો.

આ પત્રે તેમના જીવનની દિશા બદલી નાંખી અને તેઓએ આદર્શ અને અનોખા શિક્ષક બનવાની દિશામાં પહેલી પગલી માંડી.

શિક્ષક જીવનના માતબર અનુભવો

ચાર દાયકાના શિક્ષક જીવનના માતબર અનુભવો લેખક દિલીપ રાણપુરાના સાહિત્યમાં આલેખાયા છે.

સ્મૃતિકથા “દીવા તળે ઓછાયા”માં આરંભિક શિક્ષક જીવનના અનુભવોનું બયાન છે. સર્વોદય યોજનાના શિક્ષક તરીકે સેવા, કર્મઠતા અને આદર્શનાં સપનાં જોયાં. ખાદી પહેરી.

રોયકામાં શૂન્યમાંથી સર્જન કરતાં હોય તેમ નવી શાળા ઊભી કરી. તે જ્યાં રહેતા હતા તે ઓરડીની દીવાલે જાજરૂ કરી જતાં બાળકની વિષ્ઠા કશી સૂગ વિના રોજ સાફ કરી.

ભૂરખી આશ્રમમાં કાર્યકરના સ્ખલનના બનાવથી આવેશમાં આવી રાજીનામું આપ્યું હતું. 1951માં લગ્ન થયાં ત્યારે તે બનાસકાંઠા જિલ્લાના મજાદરમાં શિક્ષક હતા. લગ્ન પછી તુરત નોકરી છોડી.

કારણ? “મુગ્ધાવસ્થાનો વિરહ મારાથી સહન ન થયો કે જીવન પ્રત્યેની બેદરકારી... મેં નોકરીમાંથી રાજીનામું આપ્યું.”

મજાદર છોડ્યા પછી દિલીપભાઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરાણા ગામની પ્રાથમિક શાળામાં નવી નિમણૂક મળી. વગર અરજી, વગર ઇન્ટરવ્યૂએ.

જ્યારે આ નોકરીનો હુકમ મળ્યો ત્યારે તેમને જાગેલી લાગણી કંઈક આવી હતી: “જે સરસ્વતીની કૃપાથી મને રોજી મળી છે, જે ક્ષેત્રમાં મારા અવતાર કાર્યનું નિર્માણ થયું છે, એ બંનેને દીપાવવા હું મથીશ. હું રૂઠ અર્થમાં શિક્ષક-માસ્તર નહીં બનું. અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝનાર શિક્ષક બનીશ.”

દિલીપભાઈએ શિક્ષક થવાનું નક્કી કર્યું તે તેમના વિધવા માને નહીં ગમેલું તેનું એક કારણ, “એમના મનમાં રહેલો સ્પર્શ્યાસ્પર્શનો છોછ” હતું. પણ યુવાન દિલીપ તો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલા.

આરંભની સર્વોદય યોજનાની કામગીરીથી જ તેમનામાં જે આદર્શના સ્ફુલિંગ ઝબકી ગયેલા તે ખેરાણામાં જાગ્રત થયા. દેશને આઝાદી મળી તેના તરતનાં એ વરસો ગામડાંઓમાં આભડછેટ ભારોભાર હતી.

શિક્ષક દિલીપ રાણપુરાને તેમની શાળાના દલિત છોકરાઓને જુદા ઓસરીમાં બેસાડાતા હતા તે સારું નહોતું લાગતું બલકે તેની શરમ આવતી હતી.

એમણે મિત્ર મેરામભાઈને કહેલું કે “આપણે એમને આ યુગમાં અસ્પૃશ્ય ન માનવા જોઈ.” મિત્રની સલાહ હતી કે એમ કરવું કસોટીરૂપ તો ઠીક જીવલેણ પણ બની શકે છે.

તેમ છતાં દિલીપભાઈએ, “બીજા દિવસે સાત-આઠ દલિત છોકરા-છોકરીઓને શાળાના ઓરડામાં બીજાં સવર્ણ છોકરાં સાથે બેસાડ્યાં.”

એક દિવસ એથી આગળ વધીને શાળામાં દાળિયા અને ગોળ દલિત વિદ્યાર્થીઓ પાસે વહેંચાવ્યો. અને પરિણામ? એ દિવસે રિસેસ પછી કોઈ બિનદલિત વિદ્યાર્થીઓ શાળાએ ન આવ્યા. ગામ ખીજે ભરાણું.

આ બનાવ કસોટીરૂપ જ નહીં જીવલેણ બને એવી સ્થિતિ ઊભી થઈ. તેમનો ગામે બહિષ્કાર કર્યો અને શિક્ષક દિલીપ રાણપુરાએ અડધી રાતે ગામ છોડી પોલીસ થાણે ચોટીલા જવું પડ્યું હતું.

જે ગામને ખૂબ પ્રેમ કરેલો, શિક્ષણનાં અને બીજાં ઘણાં કામ કરેલાં, ઘણી પ્રતિષ્ઠા રળેલી એ ગામમાં દલિત બાળકોને શાળામાં બરાબરીનું સ્થાન અપાવવાને કારણે એમની બદલી થઈ.

દિલીપભાઈએ ગામ છોડ્યું ત્યારે કોઈ વળાવવા સુધ્ધાં ન આવ્યું. છતાં એ હામ ન હાર્યા. ચૂડાની શાળામાં એ હતા ત્યારે પહેલી વાર દલિત બાળકોને અંતકડીમાં ગાવાની તક એમણે અપાવી.

આલા વીરા નામના દલિત બાળકે ખૂબ સારું ગાયું. તેણે દિલીપભાઈને કહ્યું, “મને સાહેબ આટલાં વરસોમાં કોઈએ કદી ગાવ ના દીધું. તમે જો ના ગાવા દીધું હોત તો આ નિશાળમાંથી જાત ત્યાં સુધી કોઈ ગાવા ના દેત.”

શિક્ષકદંપતીનો શિક્ષણયજ્ઞ

1965માં દિલીપભાઈની બદલી ભૃગુપુર ગામે હતી. અગાઉથી બધા વર્ગો વહેંચાયેલા એટલે નવરા બેસી રહેવાને બદલે તેમણે સિનિયર હોવા છતાં પહેલું ધોરણ ભણાવવાનું માગી લીધું.

તેમનાં પત્ની સવિતાબહેન રાણપુરા પણ શિક્ષિકા હતાં. ક્યારેક એક જ સ્કૂલમાં તો ક્યારેક અલગઅલગ સ્કૂલોમાં તેમણે નોકરી કરી હતી.

બિનતાલીમમાંથી તાલીમી શિક્ષક બનવા ભૂમિતિ અને ભૂગોળ જેવા નબળા વિષયો દિલીપભાઈ, સવિતાબહેન પાસે ભણીને શીખ્યા.

શિક્ષકોની એક બેઠકમાં દિલીપભાઈએ પ્રત્યક્ષ પ્રાયોગિક પાઠ આપ્યો. તેના પરની ચર્ચામાં સવિતાબહેને જાહેરમાં દિલીપભાઈની ક્ષતિઓ બતાવી. એ વખતે સવિતાબહેન માટે દિલીપભાઈ પતિ નહોતા પણ સાથી શિક્ષક હતા.

એટલે શિક્ષકની ભૂલ પ્રત્યે ધ્યાન દોરવું એ તેમને શિક્ષકની ફરજ લાગેલી. જેથી ભૂલ સુધરે અને બાળકોને ક્ષતિરહિત શિક્ષણ મળે.

ચૂડાની શાળામાં નિરીક્ષણ માટે આવેલા શાસનાધિકારીએ પહેલા ધોરણનાં બાળકો નબળાં હોવાની નોંધ લઈ તેમને તૈયાર કરવા તમામ શિક્ષકોને ચૅલેન્જ કરી.

બાવીસ શિક્ષકોની એ શાળામાં કોઈ શિક્ષક ચેલેન્જ ઉપાડવા તૈયાર ન થયા તો દિલીપભાઈએ ઊભા થઈને કહેલું, “તમારી ચેલેન્જ ઉપાડવા માટે નહીં કામ કરવા માટે હું આ બાળકોના શિક્ષણની જવાબદારી લઉં છું. હું અને મારાં પત્ની તેમને બરાબર ભણાવીશું. જો તમારી અપેક્ષા મુજબનું પરિણામ ના મળે તો વરસ આખરે અમારી બદલી, દંડ કે ઈજાફા અટકાવવાની સજા પણ સ્વીકારીશું.”

વરસ આખરે આ બાળકોનું સિત્તેર ટકા પરિણામ આ શિક્ષકદંપતીએ લાવી બતાવ્યું હતું.

શિક્ષણ અંગેનાં ધારદાર લખાણો, વાર્તાઓ અને નવલકથાઓ લખવાને કારણે કે ક્યારેક કોઈની ખોટી ચઢવણી કે ગેરસમજને કારણે દિલીપભાઈની બદલીઓ થતી રહી. પછી એક સમય એવો પણ આવ્યો કે તંત્ર દિલીપભાઈથી ડરતું થયું.

તેમનાં સૂચનો સ્વીકારતું થયું. જે જિલ્લા શિક્ષણ સમિતિ તેના હોદ્દેદારો અને અધિકારીઓ દિલીપભાઈની સતત કનડગત કરતા હતા તેમણે તેમનું સન્માન પણ કરેલું.

શિક્ષણકેન્દ્રી નવલકથાઓના સર્જક

દિલીપભાઈનું ઔપચારિક શિક્ષણ તો બહુ ઓછું પણ વાચન ઘણું વધારે. રામદેવગઢ બદલી થઈ ત્યારે ચૂડાથી રામદેવગઢ જતાં-આવતાં રસ્તામાં ચાલતાં-ચાલતાં પણ તે વાંચતા.

મુખ્યત્વે નવલકથાકાર-વાર્તાકાર તરીકે જાણીતા દિલીપ રાણપુરાએ તોંતેર વરસની જિંદગીમાં નેવું જેટલાં પુસ્તકો લખ્યાં છે. 1966થી 1993નાં સત્તાવીસ વરસના સમયગાળામાં તેમણે સાત શિક્ષણકેન્દ્રી નવલકથાઓ લખી હતી.

જાણીતા શિક્ષણવિદ્ ઈશ્વર પરમારે તેમની આ સાત નવલકથાઓનો વિવેચકીય નહીં શૈક્ષણિક યથાર્થતાના સંદર્ભમાં અભ્યાસ કર્યો છે.

તેમનું તારણ છે કે “દિલીપ રાણપુરા ભલે ગ્રામવિસ્તારના શિક્ષક રહ્યા હોય, પરંતુ ખરા અર્થમાં તેઓ પ્રોફેસર હતા. પ્રોફેસર શબ્દનો અર્થ છે કે જે પ્રોફેસ કરે છે, એટલે કે પોતાની લાગણી કે માન્યતાને ખુલ્લેખુલ્લી જાહેર કરવાની હિંમત દાખવે છે. આ અર્થમાં તેમણે સફળ પ્રોફેસરી કરી બતાવી છે.”

પ્રાથમિક શિક્ષણ એટલે....

2020નો શિક્ષકદિવસ એ અર્થમાં વિશિષ્ટ છે કે સાડા ત્રણ દાયકે દેશમાં નવી શિક્ષણનીતિ અવતરવાની ચર્ચા છે.

એ સમયે એક અનોખા શિક્ષક દિલીપ રાણપુરાના આ શબ્દો સાંભરે છે, “પ્રાથમિક શિક્ષણ એ મુખ્યત્વે લાગણી અને પ્રેમનો વિષય છે, શાસ્ત્રનો કે પ્રયોગનો નહીં."

"શાસ્ત્રો અને પ્રયોગો દ્વારા આપણે શાળામાં આવતાં બાળકોના વ્યક્તિત્વને, એના માનસને ચૂંથવાનો અને શાસ્ત્રના ચોકઠામાં ફીટ બેસાડવાનો એક બીબાંઢાળ પ્રયાસ કરી રહ્યા છીએ."

"પરિણામે પ્રાથમિક શાળાઓમાં રહે છે કેવળ શાસ્ત્રની ચર્ચા, પ્રયોગનો વિવાદ અને આ બધાને કારણે બાળક નથી મેળવી શકતું પ્રેમને કે નથી ઘડી શકતું પોતાના વ્યક્તિત્વને.”

દિલીપ રાણપુરા ઇચ્છતા હતા તેવા પ્રાથમિક શિક્ષણની પ્રતીક્ષા સાથે એક ઔર શિક્ષકદિન મનાવીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો