અમદાવાદમાં 'બે બાળકો બસ'ના પ્રસ્તાવ પાછળ વસતિનિયંત્રણ કે ભાજપનું રાજકીય ગણિત?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભાજપશાસિત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં બે બાદ ત્રીજી પ્રસૂતિ દરમિયાન ચાર્જ વસૂલવાના પ્રસ્તાવ પર વિચારણા હાથ ધરવામાં આવી છે.

ભાજપ દ્વારા આ પ્રસ્તાવમાં કોઈ રાજકારણ ન હોવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ વિપક્ષ તથા નિષ્ણાતો તેને આગામી વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જુએ છે.

કોરોના, લૉકડાઉન અને તેના પગલે ઊભી થયેલી બેરોજગારીને કારણે સામાન્ય જનતા જ નહીં, ભાજપની કોર વૉટબૅન્ક પણ તેનાથી નારાજ થઈ છે.

એટલે તેને પાછી ખેંચવા તથા રાજકીય સંવાદને બીજી દિશામાં વાળવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.

વર્ષ 1987માં વી. એસ. હૉસ્પિટલના બોર્ડ દ્વારા ઠરાવ થયો હતો, જેને હવે કૉર્પોરેશન દ્વારા સંચાલિત અન્ય હૉસ્પિટલો સુધી વિસ્તારવામાં આવે છે.

જોકે તેના વ્યવહારિક અમલમાં અનેક અડચણ આવી શકે છે, જેથી કરીને અત્યાર સુધી જેનું અમલ નથી કરી શકાયું તે ઠરાવનો ભવિષ્યમાં કેવી રીતે અમલ થશે, તેના પર પણ સવાલ ઊભો થાય છે.

પ્રસૂતિ પર પ્રસ્તાવ

વિસ્તારની દૃષ્ટિએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દેશની સાતમી મોટી મહાનગરપાલિકા છે, જેમાં થતી ઘટનાની રાષ્ટ્રીયસ્તરે ચર્ચા થાય તે સ્વાભાવિક છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે આ મુદ્દે વાત કરતાં કહ્યું, "એવો નીતિવિષયક નિર્ણય લેવાશે કે બે બાળક બાદ ત્રીજા બાળકનો જન્મ થશે તો ત્રીજા બાળકના જન્મની ડિલિવરીનો ચાર્જ લેવામાં આવશે."

"નૉર્મલ ડિલિવરી, સિઝેરિયન, જનરલ વૉર્ડ, સ્પેશિયલ રૂમ કે સેમિસ્પેશિયલ રૂમ એમ અલગ-અલગ સંજોગોમાં અલગ-અલગ ચાર્જ લેવામાં આવશે."

"દેશની વસતિ કૂદકે ને ભૂસકે વધી રહી છે. જો આવું જ રહ્યું તો દેશની વસતિ 2050માં ચીન કરતાં પણ વધી જશે."

"રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આજુબાજુના જિલ્લામાંથી લોકો અમદાવાદમાં આવીને વસે છે અને તેમનું કામ (સારવાર) પણ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હૉસ્પિટલોમાં કરવામાં આવે છે."

ગુરુવારે (તા. બીજી સપ્ટેમ્બર) સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે 26 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાં ત્રીજી પ્રસૂતિ માટે ચાર્જ લેવાનો મુદ્દો સામેલ ન હતો.

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઝી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું, "આ ઠરાવ નવો નથી. ત્રણ દાયકા પહેલાંનો છે. તેનો અમલ થાય તે અધિકારીઓ અને પદાધિકારીઓએ જોવાનું હોય છે."

"અત્યારે ચૂંટણીના માહોલ સમયે લોકોને સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે તેઓ વસતિનિયંત્રણ કરવા માગે છે."

"મુસ્લિમ, દલિત અને ઓબીસી (અન્ય પછાત વર્ગ)ની વસતિને આ લોકો નિયંત્રિત કરવા માગે છે."

"એક તરફ ગિરિરાજસિંહ જેવા ભાજપના નેતા દ્વારા હિંદુઓને પાંચ-પાંચ બાળકો પેદા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ તેમનો કેવો ચહેરો છે? તેમના ચાવવા અને દેખાડવાના દાંત અલગ છે."

"આગામી ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે."

1987નો એ ઠરાવ

સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં 1987ના અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો વી. એસ. (વાડીલાલ સારાભાઈ) હૉસ્પિટલના પ્રસ્તાવ સંદર્ભે હતો.

જેમાં ત્રીજી ડિલિવરી માટે ચાર્જ વસૂલવા તથા મહિલા કે પુરુષ બેમાંથી જે કોઈ સંતતિનિયમન માટે ઑપરેશન કરાવે તો તેમને રૂ. 700 આપવાનું નક્કી થયું હતું.

ભટ્ટે કહ્યું હતું, '1987માં વી.એસ. હૉસ્પિટલ માટે જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો, તે આધારે એલજી હૉસ્પિટલ, શારદા હૉસ્પિટલમાં પ્રસૂતિ માટેના પ્રસ્તાવ પણ હાથ ધરવામાં આવશે.'

તેમણે ઉમેર્યું કે પ્રસ્તાવ હજુ વિચારાણાના તબક્કામાં છે, તેના વિશે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો સમુદાય વિશેષને ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 'જનની શિશુસુરક્ષા યોજના' ચલાવવામાં આવે છે. જેમાં મહિલાની પ્રસૂતિ ઉપરાંત જો બાળક રોગગ્રસ્ત જન્મ્યું હોય તો નિઃશુલ્ક સારવારની જોગવાઈ કરવામાં આવી છે.

સી-સૅક્શન સહિતની મહિલાની ડિલિવરી નિઃશુલ્ક કરાવવામાં આવે છે.

આ સિવાય દવા, નિદાન, જરૂરી ચીજવસ્તુઓ, લોહી, ઘરેથી હૉસ્પિટલ, હૉસ્પિટલથી રેફરલ હૉસ્પિટલ તથા 48 કલાક કરતાં વધુ સારવાર આપવી પડી હોય તો નિઃશુલ્ક ઘરે મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ સિવાય બાળક જન્મથી બીમાર હોય અથવા તો જન્મના 30 દિવસની અંદર જો તેને કોઈ બીમારી લાગુ પડે તો તેનું નિદાન, સારવાર, દવા તથા પરિવહન માટે પરિવારે કોઈ ખર્ચ ન કરવો પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

જોકે તેમાં ડિલિવરી માટે કોઈ 'ટોચમર્યાદા' લાદવામાં નથી આવી.

કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપી રહી છે કે કેમ, તેની ખરાઈ કરવાની વ્યવસ્થા તંત્ર પાસે નથી.

પહેલી સુવાવડ વખતે એક બાળકનો જન્મ થાય અને બીજી વખતે જોડિયાં બાળકો જન્મે તો? બે બાળકનો જન્મ થયો હોય, પરંતુ હયાત એક જ બાળક હોય તો? જો કસુવાવડ થાય? વગેરે જેવા મુદ્દે અસ્પષ્ટતા પ્રવર્તે છે.

પ્રસૂતિ દ્વારા રાજકારણની 'ડિલિવરી'?

વિશ્લેષકોના કહેવા પ્રમાણે, દોઢ વર્ષ દરમિયાન લોકોમાં ભાજપની વિરુદ્ધ આક્રોશ વધ્યો છે. કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે ધંધા-રોજગાર ઠપ થઈ ગયા અને બેકારી વધી છે.

કોરોના સમયે નિદાન, સારવાર અને અંતિમક્રિયા સુધી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

ભાજપના કાર્યકરો અન્યોનું તો ઠીક પોતાના પરિવારજનોને પણ અપેક્ષિત સારવાર આપવામાં નિષ્ફળ રહ્યા હતા અને કોઈ સાંભળનાર જ ન હોય તેવો ઘાટ ઊભો થયો હતો, જેનું ભાજપને ભારે રાજકીય નુકસાન થયું છે.

એવું કહેવાય છે કે તેની કોર વૉટબૅન્ક ગણી શકાય તેવો વર્ગ પણ તેનાથી નારાજ છે, આથી રાજકીય સંવાદને બીજા રસ્તે ચડાવવા માટે આ પ્રકારના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને જનતાનો મિજાજ પારખી શકાય.

રાજ્યમાં વરિષ્ઠ રાજકારણી ગણી શકાય એવા ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે તાજેતરમાં નિવેદન આપ્યું કે 'જ્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે, ત્યાં સુધી બંધારણ છે'.

તેને જે રીતે રાષ્ટ્રીય પ્રસારમાધ્યમોમાં પ્રાથમિકતા મળી, એ દર્શાવે છે કે ડિસેમ્બર-2022માં યોજાનારી ચૂંટણીમાં 'હિંદુ વિ. મુસ્લિમ'નો મુદ્દો છવાયેલો રહેશે અને પટેલ ભાજપની પાર્ટીલાઇન પર જ બોલી રહ્યા હતા.

ભવિષ્યમાં રાષ્ટ્રવાદની નવી-નવી વ્યાખ્યા થશે અને અફઘાનિસ્તાન તથા તાલિબાન પણ ચર્ચામાં આવશે, એવી શક્યતા જાણકારો નકારતા નથી.

અગાઉ એએમસીમાં જનસેવક તરીકે સેવા આપી ચૂકેલા ભાજપના કાર્યકરે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતાં જણાવ્યું કે "આ પ્રકારનો નિર્ણય અમદાવાદના નેતાઓએ સ્થાનિકસ્તરે નહીં લીધો હોય."

"તેના માટે ગુજરાત ભાજપના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હશે અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હશે."

ગુજરાતમાં ડિસેમ્બર-2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણીના એક કે સવા વર્ષ અગાઉથી તૈયારી શરૂ કરી દેતો હોય છે અને ભાજપ પણ તે દિશામાં જ આગળ વધી રહ્યો છે, એવો વિશ્લેષકોનો મત છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો