નરેન્દ્ર મોદીએ પોતાની ઘટી રહેલી લોકપ્રિયતાની ચિંતા કરવી જોઈએ?

    • લેેખક, સૌતિક વિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી લાંબા સમયથી ભારતીય મતદારોનાં દિલો પર રાજ કરી રહ્યા છે. તેમણે આર્થિક અને સંગઠનાત્મક રીતે મજબૂત ભારતીય જનતા પાર્ટી થકી લોકસભાની બે ચૂંટણીમાં સતત વિજય હાંસલ કર્યો છે.

નરેન્દ્ર મોદીએ હિંદુ રાષ્ટ્રવાદના નામે એક મજબૂત રાજકીય જમીન તૈયાર કરી, પોતાના કરિશ્મા અને રાજકીય ચતુરાઈથી મતદારોને રીઝવતાં વિરોધીઓને માત કર્યા. જોકે, નસીબે પણ એમને પૂરી યારી આપી હોવાનું માનવું પડે.

તેમના સમર્થકોએ ઉતાવળે લેવાયેલાં પગલાં જેવાં કે નોટબંધી (વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ અંચાનક બંધ થઈ જવી) માટે તેમને માફ કરી દીધા છે.

અર્થતંત્ર એક અપેક્ષાકૃત ખરાબ વખતમાંથી પસાર થયા બાદ અને ખાસ કરીને મહામારી બાદ એવું લાગે કે તેમના પ્રત્યે લોકોનું સમર્થન ઘટ્યું નથી અને એક મજબૂત વિપક્ષનો અભાવ પણ તેમના માટે મદદરૂપ સાબિત થયો છે.

જોકે, એક સર્વેએ કંઈ અલગ જ ચિત્ર સર્જ્યું છે.

સર્વેમાં શું છે?

ઇન્ડિયા ટૂડે સામયિકનો એક સર્વે પ્રકાશિત કરાયો છે, જેમાં માત્ર 24 ટકા લોકોનું માનવું છે કે 70 વર્ષના નરેન્દ્ર મોદી ભારતના ફરી વડા પ્રધાન બનવા માટે યોગ્ય છે. આ સર્વેમાં 14,600 લોકોએ ભાગ લીધો હતો.

વડા પ્રધાનપદ માટે આગામી ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. આ સર્વેમાં એક વર્ષ પહેલાં કરાયેલા આવા જ એક સર્વેની સરખામણીમાં 42 અંકોનો ઘટાડો નોંધાયો છે.

લાંબા સમય સુધી આવા સર્વેનો અનુભવ ધરાવનારા રાજકારણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકાર યોગેન્દ્ર યાદવનું કહેવું છે, "ઑપિનિયન પૉલની મારી 20 વર્ષની કારકિર્દીમાં મને એવી કોઈ ઘટના યાદ નથી કે કોઈ વડા પ્રધાનની લોકપ્રિયતામાં એક ઝાટકે આટલો ઘટાડો નોંધાયો હોય"

નરેન્દ્ર મોદી માટે આ વર્ષ ભારે પડકારજનક રહ્યું. દેશમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. સરકાર દ્વારા આને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં ભરાયાં નહીં, જેને લીધે પીએમ મોદીની અત્યંત સાવધાનીપૂર્વક બનાવાયેલી છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન પહોંચ્યું.

આ સાથે જ અર્થતંત્ર પણ સંઘર્ષ કરી રહ્યું છે. ફુગાવો ઊંચા સ્તરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને બેરોજગારી સુધીના પ્રશ્નો હાલ લોકોને મૂંઝાવી રહ્યા છે.

જનતાની મુશ્કેલી

આ સર્વેમાં કેટલીક સમસ્યા અને અવિશ્વાસ પણ પ્રગટ થયાં. આમાં ભાગ લેનારા 70 ટકા લોકોએ જણાવ્યું છે કે મહામારી દરમિયાન તેમની આવક ઘટી છે. એટલા જ લોકોનું એવું પણ માનવું છે કે કોરોનાની મહામારીથી મરનારા લોકોનો અસલ આંક સરકારી સંખ્યા 430,000 કરતાં ક્યાંય વધારે છે.

જોકે, 36 ટકા લોકોનું એવું પણ કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારીનો સામનો સારી રીતે કર્યો છે.

માત્ર 13 ટકા લોકોનું માનવું છે કે તેમણે જે પીડા ભોગવી છે એના માટે માત્ર કેન્દ્ર સરકાર જ જવાબદાર છે.

44 ટકા લોકોનું માનવું છે કે સંઘીય અને રાજય સરકારોએ યોગ્ય રીતે કોરોનાનો સામનો કર્યો નથી.

કેમ ઘટી રહી છે લોકપ્રિયતા?

મહામારીને બાજુમાં મૂકી દઈએ તો પણ આ સર્વેમાં એ બધી જ વાતો જાણવા મળે છે કે મોદીની લોકપ્રિયતામાં કમી કેમ આવી રહી છે.

ફુગાવો અને નોકરીઓની અછત બે સૌથી મોટી ચિંતા બનીને ઊભરી છે. લગભગ એક તૃતિયાંશ લોકોનું માનવું છે કે કિંમતો પર નિયંત્રણ ન કરી કરી શકવું મોદી સરકારની સૌથી મોટી અસફળતા છે.

દિલ્હીસ્થિત 'સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ'ના ફૅલો રાહુલ વર્મા કહે છે, "મોદીની લોકપ્રિયતામાં ઘટાડો ચોંકાવનારો નથી."

મોદી એક ધ્રુવીકરણ કરનારા નેતા રહ્યા છે. ટીકાકારો કહે છે કે તેમના રાજમાં પ્રેસની સ્વતંત્રતાને ભારે નુકસાન થયું છે. વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ પત્રકારપરિષદનું આયોજન કર્યું નથી અને વિરોધને દાબી દેવામાં આવ્યો છે.

મોદી અને તેમના પક્ષ પર વિરોધીઓને વધારે ઉશ્કેર્યા વગર સાનમાં જ ધ્રુવીકરણ કરનારા સંદેશા મોકલી સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો આરોપ લગાવાય છે.

નાગરિકત્વનો કાયદો અને પ્રસ્તાવિક કૃષિકાયદાના આકરા વિરોધે મોદીની એક અજય નેતા તરીકેને છબીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

તેમના પક્ષને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે અને આ ઘટનાએ તેમના વિરોધીઓનું મનોબળ વધારવાની ભૂમિકા ભજવી છે.

કેટલાય લોકોનું માનવું છે કે એ નેતા જેમનો ચહેરો બિલબૉર્ડથી લઈને વૅક્સિન સર્ટિફિકેટ અને ન્યૂઝપેપરથી લઈને ટીવીની જાહેરાત સુધી દરેક જગ્યાએ જોવા મળતો હોય, એની લોકપ્રિયતામાં આવેલો મોટો ઘટાડો આ વ્યક્તિત્વની ચોતરફ બનેલા આભામંડળના હઠવાની તરફ ઇશારો કરે છે.

શું આ સર્વે પર વિશ્વાસ કરી શકાય?

આ સર્વે જે અલગ-અલગ રીતે મતદાતાઓની પ્રતિક્રિયા લે છે, તે એક દેશની ભાવનાઓને સમજી શકવા સક્ષમ છે?

13 દેશમાં ચૂંટાયેલા નેતાઓની રાષ્ટ્રીય રેટિંગ પર નજર રાખનારી સંસ્થા 'મૉર્નિંગ કન્સલ્ટ' અનુસાર, ગત વર્ષે મે મહિનાની સરખામણીમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં 25 પૉઇન્ટનો ઘટાડો થયો છે.

જોકે, એ બાદ પણ ઑગસ્ટ મહિનામાં 47 ટકા સાથે મોદી અન્ય નેતાઓથી ઘણા આગળ છે.

ભારતીય પૉલિંગ એજન્સી 'પ્રશ્નમ્' દ્વારા જૂનમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું હતું કે 33 ટકા લોકો મોદીને વર્ષ 2024માં વડા પ્રધાન બનવા માટે યોગ્ય ઉમેદવાર માને છે.

દર સપ્તાહે દેશનાં 543 લોકસભાક્ષેત્રોમાં દસ હજાર ઇન્ટરવ્યૂ કરનારી પૉલિંગ એજન્સી 'સી-વોટર'ને જાણવા મળ્યું કે મે મહિનામાં પીએમ મોદીની લોકપ્રિયતાનું રેટિંગ 37 ટકા હતું, જે ગત વર્ષે ઑગસ્ટની સરખામણીએ 22 પૉઇન્ટ્સ ઓછું હતું.

મેમાં તેમની પાર્ટી પશ્ચિમ બંગાળની ચૂંટણી હારી ગઈ અને કોરોનાની બીજી લહેરના કારણે ભારતમાં હાહાકાર જેવી સ્થિતિ હતી.

ત્યાર બાદ મોદીના રેટિંગમાં સુધારો થયો છે જે આ સમયે 44 ટકા છે.

'સી-વોટર'ના યશવંત દેશમુખ કહે છે, "મને લાગે છે કે ખરાબ સમય હવે વીતી ગયો છે. એક સમર્પિત જનાધારના કારણે તેમનું રેટિંગ ક્યારેય પણ 37 ટકા નીચે નથી ગયું."

દેશમુખ માને છે કે નિયમિત રીતે સર્વે કરાવીને નેતાઓ અને તમનાં કામને લઈને જનતાના મૂડને સારી રીતે સમજી શકાય છે.

રસપ્રદ વાત એ છે કે મોદીની પાર્ટીના મુખ્ય મંત્રી પણ આ સર્વેક્ષણમાં પાછળ રહી ગયા છે. 'સી-વોટર'ના તાજેતરના એક સર્વેમાં દસ સૌથી વધુ લોકપ્રિય મુખ્ય મંત્રીઓમાંથી નવ ભાજપ સિવાયના દળના નેતા છે.

મોદી પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

જોકે દેશમુખ કહે છે, "કેટલાક લોકો આજે પણ તેમના પર ભરોસો કરે છે અને વિચારે છે કે તેમનો આશય યોગ્ય જ છે."

આ રેટિંગમાં ઘટાડો મોદીને સત્તાબહાર કરવા માટે પૂરતો નથી. પોતાના સૌથી નિમ્ન સ્તરે પણ તેમનું રેટિંગ કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધીના રેટિંગ કરતાં બે ગણું છે.

એક મજબૂત વિપક્ષના અભાવમાં વડા પ્રધાનને વધારાનું સમર્થન મળી રહ્યું હોય એવું પણ બની શકે.

રાહુલ વર્મા કહે છે, "મોદી રેસમાં હજુ પણ આગળ છે પરંતુ રેટિંગમાં ઘટાડાને લીધે તેમને થોડી ચિંતા થવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો