'પાટીદાર એટલે ભાજપ' : મનસુખ માંડવિયાના નિવેદન પર હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

'પાટીદાર એટલે ભાજપ. પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાડી અને નાભિ જેવો સંબંધ છે.' કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના આ નિવેદન પછી રાજકીય ઊહાપોહ મચ્યો છે.

કૅબિનેટ કક્ષાના પ્રધાન બન્યા બાદ જન આશીર્વાદ યાત્રા દ્વારા સમર્થકોનો આભાર માનવા માંડવિયા રાજકોટ પહોંચ્યા હતા, ત્યારે આ વાત કહી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સમસ્ત પટેલ સમાજ શુભેચ્છા બેઠકમાં પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે 'દોસ્તો, ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર વચ્ચે નાભિ-નાડીનો સંબંધ છે. પાટીદાર એટલે ભાજપ...અમે જ્યારે મતની ગણતરી કરીએ છીએ અમે પાટીદારને ભાજપ તરીકે ગણીએ છીએ.'

પાટીદાર અનામત આંદોલનથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તથા રેશ્મા પટેલે, ગોપાલ ઈટાલિયાએ એ માંડવિયાના નિવેદન ઉપર સવાલ ઉઠાવ્યો છે તો ભાજપ નેતા દિલીપ સાંઘાણીએ કહ્યું કે મનસુખભાઈના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

2015માં પાટીદાર અનામત આંદોલન સમયે પરંપરાગત રીતે ભાજપ સાથે રહેલો પાટીદાર સમુદાય ભાજપથી નારાજ થયો હતો, જેનું 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીએ નુકસાન વેઠવું પડ્યું હતું.

2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ તેને ફરીથી પોતાની તરફ ખેંચવા માગે છે, જ્યારે કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની નજર પણ રાજ્યની સૌથી મોટી વૉટબૅન્ક ઉપર છે.

હાર્દિકનો સવાલ- પાટીદાર આંદોલનને કેમ સમર્થન ન આપ્યું?

બીબીસીએ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે વાત તરી તો તેમણે કહ્યું કે, "2015માં જ્યારે પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાનો પર અત્યાચાર થયા ત્યારે મનસુખભાઈએ કેમ ન કહ્યું કે પાટીદાર એટલે ભાજપ? પાટીદાર અને ભાજપ એક હોય તો આજે પણ મારા સહિત અન્ય પટેલ યુવાનો અદાલતનાં ધક્કા ખાઈ રહ્યા છે તો મનસુખભાઈનો આ બાબતે શું જવાબ છે?"

"જે ભાજપ એમ કહે છે કે અમે જાતિ આધારિત રાજકારણ નથી કરતા, તો તમે અત્યારે તો એ જ કરી રહ્યા છો."

મળતી માહિતી પ્રમાણે, મોવડી મંડળની સૂચનાથી કેન્દ્રમાં પ્રધાન તરીકેની બઢતી મેળવ્યા પછી માંડવિયા તથા પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર) તથા દર્શનાબહેન (સુરત) જરદોશ પણ આવા જ પ્રકારની રેલીઓમાં સામેલ થઈ રહ્યા છે.

હાર્દિક પટેલ કહે છે કે, "આ યાત્રાનો મતલબ માત્રને માત્ર એ છે કે તમે લોકપ્રિય નથી એટલે લોકપ્રિય બનાવવા તમને જનતાની વચ્ચે મૂકી દેવામાં આવ્યા છે."

2015ના પાટીદાર અનામત આંદોલનના ઉપલક્ષમાં હાર્દિક પટેલે કહ્યું, "જે આંદોલન હતું એ સમાજની અસ્મિતા માટે હતું. એ વખતે તો સરકારે અત્યાચાર કર્યો હતો. એ વખતે અસ્મિતા બચાવવાનું તમે કામ ન કર્યું? એ વખતે તમે પાટીદારોના આંદોલનના સમર્થનમાં ન આવ્યા અને સરકારની વાહવાહી કરી હતી."

"સરકારને બચાવવાના પ્રયાસ કર્યો હતો. ત્યારે તો પાટીદાર સમાજની લડાઈ હતી. ભાજપ કે કૉંગ્રેસની લડાઈ તો હતી નહીં. અત્યારે હું તમને સહકાર આપું પણ જ્યારે મને સહકારની જરૂર હોય ત્યારે તમે પડખે ન ઊભા રહો તો એનો મતલબ શું?"

હાર્દિક પટેલે કહ્યું કે, "પરસોત્તમ રૂપાલા હોય કે મનસુખ માંડવિયા , જો કેન્દ્ર સરકારમાં પાટીદાર નેતાને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું એવું તેઓ ઠરાવતા હોય તો એટલું જ કહેવાનું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશનાં પ્રથમ ગૃહમંત્રી પાટીદાર હતા. એ કૉંગ્રેસ પાર્ટી હતી. આજે હું કૉંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ છું."

"પરેશ ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા છે. કૉંગ્રેસ પણ દરેક સમાજના લોકોને માનસન્માન આપે છે, પછી પટેલ હોય કે ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) હોય."

'કેશુબાપા કે ગોરધન ઝડફિયાની ભાજપે શું હાલત કરી?'

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ તેમજ પાટીદાર અનામત આંદોલન દ્વારા રાજકારણમાં ઝંપલનાવનારા અન્ય એક નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું, "મનસુખભાઈ પાસે શાળાઓ વિશે કંઈ બોલવા જેવું નહીં હોય. કોરોનામાં આરોગ્ય વિશે સરકારે કરેલી કામગીરી વિશે કંઈ બોલવા જેવું નહીં હોય."

"રસ્તા કથળેલા છે. કોરોના પછી લોકોના ધંધારોજગાર કેવા માંદા છે એના વિશે કશું બોલવા જેવું નહીં હોય એટલે આવું બધું બોલ્યા કરે. જેથી એ ચર્ચાનો વિષય બને."

"લોકો મુખ્ય ચર્ચાથી હઠીને આવી બધી બાબતો પર ચર્ચા કરે. બસ આ જ એનો ઉદ્દેશ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પાસે ખરેખર તો પોતાના વિભાગની ચર્ચા હોવી જોઈએ."

"કેન્દ્રના મંત્રી એટલે સમગ્ર દેશના મંત્રી કહેવાય. પોતાના ખાતા વિશે બોલવાને બદલે કોઈ પણ જ્ઞાતિ પછી ભલે તે પોતાની જ્ઞાતિ હોય તેના વિશે બોલવા માંડે એ અચરજ પમાડે ખરેખર તો તેમની પાસે જે વિભાગ છે એમાં શું ઉકાળ્યું, શું સારૂં કર્યું, શું કરવા માગે છે, આવી ચર્ચા કરવાને બદલે જ્ઞાતિની ચર્ચા કરતા હોય તો આપણે સમજવું જોઈએ કે દેશ કેવા લોકોના હાથમાં છે."

કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલ ભાજપના મુખ્ય મંત્રી બન્યા હતા, વળી ગોરધન ઝડફિયા, વલ્લભ કથીરિયાથી લઈને જિતુ વાઘાણી સુધી પાટીદાર નેતાઓ ભાજપમાં છે. તેથી એ સંદર્ભમાં જોઈએ તો તેમની વાત ખરી ન કહેવાય? આ સવાલના જવાબમાં ગોપાલભાઈએ કહ્યું:

"જો પાટીદારોના યોગદાનથી પાર્ટી આગળ આવી એ જ સંદર્ભ લઈને જ જો તેઓ બોલ્યા હોય તો કેશુબાપા કે ગોરધન ઝડફિયાની ભાજપે શું હાલત કરી છે? ક્યા મોઢે તે લોકો પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર કહે છે?"

કેન્દ્રમાં કૅબિનેટ કક્ષાએ બે પાટીદાર નેતાને સ્થાન મળ્યું છે. માંડવિયાએ આ વાતને પણ ખોડલધામની સભામાં કહી હતી.

આ વિશે ગોપાલભાઈએ કહ્યું કે, "સ્થાન મળ્યું તે માટે અભિનંદન. પણ શું બે પાટીદાર પ્રધાનોને કેન્દ્રમાં સ્થાન મળી જશે, તો સમગ્ર જ્ઞાતિનો ઉદ્ધાર થઈ જશે? વર્ષોથી અલગ અલગ સમુદાયના કેટલાંય પ્રધાનોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આજે એ તમામ સમાજોની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ શું છે? આ તો માત્ર લોકોને જ્ઞાતિના નામે ભ્રમિત કરવાની વાત થઈ રહી છે."

"પાટીદાર કે કોઈ પણ જ્ઞાતિના પ્રધાન બને તો એ સારી બાબત છે, પણ એના પ્રધાન બનવાથી સમગ્ર સમાજને શું ફાયદો? શું સમગ્ર સમાજની કોરોના દરમિયાનની શિક્ષણ ફી માફ થઈ જશે? કોરોના દરમિયાન લૉનના હપ્તા માફ થઈ જશે?"

ગોપાલ ઈટાલિયા કહે છે, "ચાલો પાટીદાર પ્રધાન બની ગયા છે તો કોરોના લૉકડાઉન દરમિયાન પાટીદારોના વીજળીના બિલ માફ થઈ જવાના છે? તો પછી મૂળ મુદ્દો જનસુવિધાઓનો છે. એના પર તો કોઈ ચર્ચા કરતું નથી. મનસુખ માંડવિયાનું નિવેદન ગતકડાંથી વિશેષ કશું નથી?"

સરકારે કોરોનાની પહેલી લહેર પછી અબજો રૂપિયાનું રાહતપૅકેજ જાહેર કર્યું હતું. કોરોનાની તકલીફને લીધે રૅશનિંગની દુકાનમાં હજી સુધી સરકાર મફતમાં અનાજ આપે જ છે, સરકારે કંઈ ન કર્યું એ કેવી રીતે કહી શકાય? આના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું :

"હા, સરકારે તો એટલું બધું લોકોને આપ્યું છે કે બે-પાંચ દેશ વેચાતા લેવા હોય તો લઈ શકીએ. હમણાં પંદર ઑગસ્ટે 100 લાખ કરોડની જાહેરાત કરી. એ અગાઉ વીસ લાખ કરોડનું પૅકેજ આપ્યું હતું. એટલા બધા પૅકેજ આપ્યા છે કે એમ થાય કે પૈસા મૂકવા ક્યાં? જગ્યા નથી. એ તો સારા માણસો છે. તેમણે તો આપ્યું છે પણ આ તો આપણું દુર્ભાગ્ય છે કે આપણા સુધી નથી પહોંચ્યું."

ઉલ્લેખનીય છે કે સુરતમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં કૉંગ્રેસે અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓને ટિકિટ ન આપતા, તેમણે આપમાંથી ટિકિટ મેળવી હતી.

જેના કારણે ચાલુ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિના દરમિયાન સુરત મહાનગરપાલિકામાં કૉંગ્રેસ ખાતું ખોલાવી શકી ન હતી અને આપ મુખ્ય વિપક્ષ બન્યો હતો.

'પાટીદાર સમાજની ગરિમા પર ઘા'

ગુજરાતમાં નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીનાં નેતા રેશમા પટેલે બીબીસીને જણાવ્યું, "ભાજપ મતબૅન્કના રાજકારણને જાતિવાદમાં ફેરવવા માગે છે એનું આ દૃષ્ટાંત છે. મનસુખ માંડવિયા એક જવાબદાર નેતા તરીકે આવા નિવેદનો આપે તો એ શરમજનક છે. લોકોએ ઠરેલ અને સમજદાર, ઇમાનદાર નેતાઓને જિતાડવાના છે, નહીં કે જાતિવાદી નિવેદનો આપનારા નેતાને."

"આ લોકશાહી માટે જોખમી છે. આ ચીલાને બદલવાનો છે. દરેક સમાજ સ્વતંત્ર છે. ભાજપ હમેશા જાતિવાદ અને ધર્મના વાડા કરીને જીતવામાં માને છે. જો પાટીદાર જ્ઞાતિને તમે પાર્ટી સાથે જોડી દો તો એ પાટીદાર સમાજની ગરિમા પર ઘા છે."

"ભાજપ,પાટીદાર નેતા પાસે આવા નિવેદન અપાવીને એ બતાવવા માગે છે કે તેમના બોલવાથી પાટીદાર સમાજ તેમની સાથે છે. પણ એ ન ભૂલવું જોઈએ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ કૉંગ્રેસે મેળવેલી ઘણી બેઠકો પાટીદાર જીત્યા છે. કહેવાનો મતલબ એ છે કે કૉંગ્રેસમાંથી પણ પટેલ નેતાઓ જીતે છે."

જન આશીર્વાદ યાત્રા વિશે રેશમાબહેન બોલ્યા કે, "જન આશીર્વાદ યાત્રા લઇને ભલે નીકળ્યા પરંતુ લોકો કેટલા આશીર્વાદ આપે છે એ તો ચૂંટણી વખતે લોકો પાસે મત માગવા જશે ત્યારે ખબર પડશે. "

પાટીદાર અનામત આંદોલન સમયે ફાયરબ્રાન્ડ નેતા તરીકે કાઠું કાઢનારા રેશ્મા પટેલ બાદમાં ભાજપ સાથે જોડાયાં હતાં. જે પછી ગત લોકસભા ચૂંટણી પહેલાં તેઓ એનસીપીમાં જોડાયાં હતાં.

"મનસુખભાઈની વાતનું અર્થઘટન ખોટુ થયું"

ભાજપનાં જ નેતા અને પાટીદાર આગેવાન દિલીપ સાંઘાણીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "મનસુખભાઈની વાતનું અર્થઘટન ખોટું થયું છે. મારી તેમની સાથે વાત થઈ છે. તેમનું કહેવાનું એમ છે કે પાટીદાર સમાજ ભાજપની સાથે છે."

"સ્વ. કેશુભાઈ પટેલથી લઈને અન્ય મોટા પાટીદાર નેતાઓ ભાજપમાં રહ્યા છે. એ રીતે પાટીદાર સમુદાય ભાજપ સાથે જોડાયેલો છે."

એમ તો જોવા જઈએ તો બાબુભાઈ જશભાઈ પટેલ, હોય કે ચીમનભાઈ પટેલ હોય તેઓ પણ મોટા નેતા હતા અને કૉંગ્રેસમાંથી તેમણે સરકારો રચી હતી એ દલીલના પ્રત્યુતરમાં દિલીપભાઈએ કહ્યું :

"હા, તેઓ મોટા નેતા હતા. એ મોટા નેતાઓને લીધે એ વખતે પાટીદાર સમુદાય કૉંગ્રેસ સાથે જોડાયેલો હતો."

જોકે, અત્યારે પણ પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા પાટીદાર નેતા કૉંગ્રેસમાં સારા હોદ્દા પર છે ત્યારે પાટીદારોને ફક્ત ભાજપ સાથે કેમ ગણી શકાય? આ સવાલના જવાબમાં દિલીપભાઈએ કહ્યું કે, "એ નેતાઓ ખરા, પણ એટલા મોટાં નહીં કે પાટીદાર સમુદાય એમની સાથે જોડાયેલો હોય."

'પાટીદાર એટલે ખેડૂત, પાટીદાર એટલે ભાજપ નહીં '

વડગામની બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, "પાટીદાર એટલે ભાજપ એવું માંડવિયાનું નિવેદન હોય તો તેમણે એમ પણ કહેવું જોઈએ કે આર.એસ.એસ એટલે સમગ્ર હિન્દુ નહીં, ફક્ત બ્રાહ્મણ. કેમ કે, સંઘની સ્થાપના થઈ ત્યારથી આજે 96 વર્ષ થયા ત્યાં સુધી તેઓ વાત તો સમગ્ર રાષ્ટ્રની કરે છે પણ સંઘનો પ્રમુખ ફક્ત બ્રાહ્મણને જ બનાવે છે."

"કુર્મી, કાયસ્થ, જાટવ, યાદવ, કોળી, ઠાકોર, ચૌધરી, પંચાલ, પ્રજાપતિ, પટેલ ક્યારેય સંઘના પ્રમુખ તરીકે જોવા મળ્યા નથી. જો પાટીદાર એટલે ભાજપ હોય તો સંઘના વડા પણ કોઈ પાટીદારને બનાવોને. કેમ નથી બનાવતા?"

મેવાણીએ એમ પણ કહ્યું કે, "તમે પાટીદારોના પણ નથી. પાટીદાર અનામત આંદોલન વખતે 14 પાટીદારોના ખૂન થયા ત્યારે માંડવિયા ક્યાં હતા? હાર્દિક પટેલ પર રાજદ્રોહ થયો એ વખતે તમે ક્યાં હતા?"

"પાટીદારોનો એક સમૂહ હાર્દિક પટેલ સાથે જોડાયેલો છે. એક સમૂહ આમ આદમી પાર્ટી તરફ ઢળી રહ્યો છે. તેના કારણે પોતાની જતી રહેલી જમીનને સંભાળવા મનસુખ માંડવિયાએ આ નિવેદન આપ્યું છે."

"જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) અને નોટબંધીના કારણે પાટીદારોના વેપાર-ધંધાને જે નુકસાન ગયું એ વખતે માંડવિયા ક્યાં હતા? પાટીદાર સમાજના લોકો જમીન, હીરા અને કાપડના કારોબારમાં છે."

"તેમણે ચૂંટણી વખતે ભાજપને ભંડોળ આપવું પડે છે, ત્યારે માંડવિયા ક્યાં હોય છે? જો પાટીદાર એટલે ભાજપ હોય તો બાકીના તમામ સમાજોએ સમજીને એમાંથી બહાર આવી જવું જોઈએ. અત્યાર સુધી હિન્દુઓની વાત કરતા લોકો હવે પાટીદારોના થઈ ગયા?"

ઉલ્લેખનીય છે કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય પછી ગુજરાતના રાજકીય ફલક ઉપર ત્રણ યુવા નેતા ઊભરી આવ્યા હતા, હાર્દિક પટેલે પાટીદારોની, અલ્પેશ ઠાકોરે ઓબીસી સમાજની તથા જિજ્ઞેશ મેવાણીએ દલિતોની વાત આગળ કરી હતી.

વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસે વડગામની બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો અને જિજ્ઞેશ મેવાણીની જીત થઈ હતી.

આગળ જતા હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા, જ્યારે મૂળતઃ કૉંગ્રેસી અલ્પેશ ઠાકોરે ભાજપનો છેડો ઝાલ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો