સાગર રબારીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી ભાજપને નડશે કે કૉંગ્રેસને?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આગામી વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી બાદ હવે ખેડૂતનેતા અને કર્મશીલ સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા એ બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેમને આવકાર્યા હતા.

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી વખતે સુરત મહાનગરપાલિકામાં સાંપડેલી સફળતા બાદ આમ આદમી પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સુરતની જીત બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રાજ્યના વિવિધ પ્રાંતોની મુલાકાત લેવાનો ક્રમ આદર્યો હતો અને એ દરમિયાન પક્ષમાં ઈસુદાન ગઢવી, મહેશ સવાણી જોડાયા હતા.

સુરત સહિતનાં કેટલાંક શહેરો અને જિલ્લાઓમાં ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો પણ આપ સાથે જોડાઈ ગયા છે.

આ સ્થિતિમાં સાગર રબારીનો આમ આદમી પાર્ટીમાં પ્રવેશ થયો છે.

2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાગર રબારીની મદદથી ખેડૂત મતદારોને પોતાની મતબૅન્ક બનાવી શકશે? સાગર રબારીના આવવાથી આમ આદમી પાર્ટીનું માર્થ્ય કેટલું વધ્યું?

સાગર રબારી – આંદોલનો સાથે જોડાયેલા નેતા

ઈસુદાન ગઢવીનું જમા પાસું એ છે કે તેઓ ટીવી ચેનલના લોકપ્રિય ઍન્કર રહી ચૂક્યા છે અને એ જ રીતે ગોપાલ ઇટાલિયા પણ લોકો વચ્ચે જાણીતો ચહેરો છે.

જ્યારે સાગર રબારીના જમા પાસાની વાત કરીએ તો ત્રણ દાયકા કરતાં વધારે સમયથી તેઓ ખેડૂતો, કૃષિ અને જમીનસંપાદન સંલગ્ન સમસ્યાઓને લઈને સરકાર સામે શિંગડાં ભરાવતાં રહ્યા છે. જે પૈકી કેટલાક આંદોલનોમાં સરકાર સામે જીત પણ થઈ છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત એકમ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે સાગર રબારીએ અર્થશાસ્ત્ર વિષય સાથે બૅચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કોર્સ પણ તેમણે કર્યો છે.

રબારી રાજકીય પક્ષ સાથે ખુલ્લી રીતે હમણાં જોડાયા પણ આંદોલનની રાજનીતિથી તેમની કારકિર્દી શરૂ થઈ હતી.

1984માં સાગર રબારી ગુજરાતના જાણીતા કર્મશીલ ચુનીભાઈ વૈદ્ય સાથે ગુજરાત લોકસમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી જોડાયેલા રહ્યા હતા.

મહુવામાં નિરમાના સિમેન્ટના પ્લાન્ટ વિરુદ્ધ થયેલા ખેડૂતઆંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ડૉ. કનુભાઈ કલસરિયા કેટલાંક વર્ષો સુધી સાગર રબારીના આંદોલનના સાથી રહ્યા છે.

તબીબીના વ્યવસાય સાથે સંકળાયેલા કલસરિયા ભાજપમાંથી ધારાસભ્ય હતા, બાદમાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને હાલમાં તેઓ કૉંગ્રેસ સાથે જોડાયેલા છે.

ડૉ. કલસરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “ચુનીકાકાના કારણે અમારે સાથે કામ કરવાનું થયું હતું. ચુનીકાકાથી છૂટી પડ્યા એ પછી સાગર રબારીએ સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું અને એ બાદ તેઓ ખેડૂતોની સાથે જોડાયા હતા.”

ડૉ. કલસરિયા ઉમેરે છે કે “આ એ વખતની વાત છે જ્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો, જોકે એ વખતે સાગરભાઈ ખેડૂતો માટે કામ કરતા હતા.”

“એ વખતે અમે તેમને સમજાવતા હતા કે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે બંધાયેલી છે પણ તેમને કેટલીક બાબતો અંગે મતભેદ હતા. આખરે હવે તેમણે રાજકીય પક્ષમાં જોડાવાનું નક્કી કર્યું છે, જે સારી બાબત છે.”

2018માં સાગર રબારીએ પાકવીમો, લઘુત્તમ ટેકાના ભાવ, સિંચાઈની સમસ્યા, જમીનસંપાદન જેવા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માટે ખેડૂત એકતા મંચની સ્થાપના કરી હતી.

નર્મદા ડેમનું પાણી ખેડૂતોને અપાવવા માટેનું આંદોલન, ભાવનગરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામેનું આંદોલન તથા મીઠી વીરડી અને મહુવાના આંદોલનોમાં તેઓ સક્રીય રહેલા છે.

આંદોલનો અન્વયે ખેડૂતો અને લોકો વચ્ચે રહીને સાગર રબારીએ ઊભું કરેલું નેટવર્ક ચૂંટણીલક્ષી રાજકારણમાં ફળશે, એવો કેટલાક નિષ્ણાતોનો મત છે. જોકે કેટલાક વિશ્લેષકો આને ‘ઉતાવળભર્યું તારણ’ ગણાવે છે.

ઉલ્લેખનીય છે કે બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં સાગર રબારીએ કહ્યું હતું કે ખેડૂત એ ચાર વર્ષ 364 દિવસ ખેડૂત હોય છે અને ચૂંટણી આવે ત્યારે એને જ્ઞાતિ ગણાવી દેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સાગર રબારીની અત્યાર સુધીની છબિ તમામ વર્ગ અને જ્ઞાતિના ખેડૂતોમાં સમાન વલણની રહી છે અને એ રીતે ગુજરાતમાં અનેક ખેડૂત આગેવાનો સાથે એમનો સીધો સંપર્ક રહ્યો છે.

સાગર રબારી AAPને ખેડૂતોનું સમર્થન અપાવી શકશે?

સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રો. બલદેવ આગજા ગ્રામ્ય પરિવેશની રાજનીતિ પર અભ્યાસ ધરાવે છે.

તેઓ કહે છે, “સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા, એની અસર આગામી ચૂંટણોમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહે એવી શક્યતા રહેલી છે.”

તેઓ ઉમેરે છે કે “ખેડૂતોના જે મતો આમ આદમી પાર્ટીને મળશે, એથી ભાજપને નુકસાન થવાની શક્યતા વધારે રહેલી છે.”

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા થોડો જુદો મત ધરાવે છે.

તેઓ કહે છે કે “સાગર રબારી ખેડૂતો વચ્ચે કામ કરે છે પણ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂતોનો અવાજ દબાયેલો છે.”

“એક સમયે કિસાન સંઘ અને અન્ય સંસ્થાઓ ઘણી વાચાળ હતી અને સરકારે તેમની વાત સાંભળવી પણ પડતી હતી. હવે એવી મજબૂત સ્થિતિ રહી નથી.”

તેઓ કહે છે કે “આ સંજોગોમાં સાગર રબારીને કે આપને ખેડૂતોની વોટબૅન્ક ફાયદો કરાવી શકશે કે કેમ એ જોવું રહ્યું.”

ડૉ. કનુભાઈ કલસરિયા ત્રણ-ચાર વર્ષ સુધી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે.

તેમનું કહેવું છે કે ખેડૂતોના મત આમ આદમી પાર્ટીના સમર્થનમાં જશે કે કેમ તે અત્યારે કહેવું થોડું ઉતાવળિયું ગણાશે.

સાગર રબારીના આમ આદમી પાર્ટીમાં જવાથી ભાજપને નુકસાન જશે તે વાત રાષ્ટ્રીય કિસાન મોરચાના કારોબારી સભ્ય અને પ્રવક્તા કિશનસિંહ ફગાવી દે છે.

રાષ્ટ્રીય કિસાન મોરચો એ સત્તાપક્ષ ભાજપનું ખેડૂત સંગઠન છે.

કિશનસિંહ કહે છે, "અંગત રીતે સાગર રબારી ખૂબ સારી વ્યક્તિ છે અને લાંબા સમયથી ખેડૂતોની આગેવાની કરી રહ્યા હતા પરંતુ રાજકારણમાં ગયા વિના પણ તેઓ ખેડૂતોની સેવા કરી શક્યા હોત."

કિશનસિંહ સોલંકી માને છે કે અત્યાર સુધી સાગરભાઈ ખેડૂતનેતા હતા પણ હવે તેઓ રાજકારણમાં છે એટલે એમની વાતને એ રીત જ જોવાશે.

તેઓ કહે છે કે, "આમ આદમી પાર્ટીને આનાથી ફાયદો નહીં થાય પરંતુ સાગર રબારીની છબિને નુકસાન ચોક્કસ છે."

ખેડૂત આગેવાનો શું કહે છે?

રતનસિંહ ડોડિયા સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન છે અને ગુજરાતમાં ખેડૂતોની પાકવીમાની સમસ્યાના જાણકાર છે, તેઓ સાગર રબારી સાથે કામ કરી ચૂક્યા છે.

ડોડિયા સાગર રબારીના આમ આદમી પાર્ટીમાં પ્રવેશને ખેડૂતો માટે સારા સમાચાર ગણાવે છે.

રતનસિંહ કહે છે કે "સાગર રબારીના આપમાં જોડાવાથી ખેડૂતોને ફાયદો થશે કેમ કે અનેક ખેડૂતો માટે તેઓ 37 વર્ષથી લડે છે. તેઓ ખેડૂતો માટે જે કરવા માગતા હતા એ કરી શક્યા નથી, એટલે હવે તેઓ રાજકારણમાં આવ્યા અને તે ચોક્કસ ફળશે."

શું સાગર રબારીને પાર્ટી પૉલિટિક્સની મર્યાદા નડશે આ મામલે તેઓ કહે છે કે "એવું નહીં થાય કારણ કે આમ આદમી પાર્ટીને સાગરભાઈની સ્વચ્છ છબિ અને ખેડૂતો પ્રત્યેની નિસબતનો લાભ મળશે. ખેડૂતોના મુદ્દા આમ આદમી પાર્ટીએ હજી નથી લીધા, આમ આદમી પાર્ટીને એક ખેડૂત ચહેરો જોઈતો હતો, જે સાગર ભાઈ થકી મળ્યો છે."

ડોડિયા માને છે કે સાગર રબારીએ ચોક્કસપણે ચૂંટણી લડવી જોઈએ કારણ કે ગંદકી સાફ કરવી હોય તો અંદર ઊતરવું પડશે. રતનસિંહનું કહેવું છે કે સાગરભાઈને ખેડૂતો ટેકો આપશે.

RTI ઍક્ટિવિસ્ટ અને ખેડૂતઆંદોલનમાં અગ્રણી ભરતસિંહ ઝાલા કહે છે, "સાગરભાઈ લાંબા સમયથી રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતવિરોધી નીતિઓનો આકરો વિરોધ કરી રહ્યા હતા, તેમણે આ મામલે અદાલતોમાં પણ લડત આપી છે. સાગર રબારીનો રાજકારણમાં પ્રવેશ ખેડૂતો માટે લાભકારી છે."

ભરતસિંહ કહે છે કે "સાગર રબારીએ સાથે અમુક મુદ્દે અસહમત હોઉં તો પણ મને લાગે છે ખેડૂતો પ્રત્યેની તેમની નિષ્ઠાનો લાભ મળશે."

સાગર રબારી આંદોલનનું મંચ છોડી રાજકારણમાં કેમ આવ્યા?

સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા એ બાદ બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની મુલાકાતમાં તેમણે સક્રિય રાજકારણમાં આવવા વિશેના કારણ અંગ વાત કરી હતી.

તેમણે કહ્યું, “હું કર્મશીલ તરીકે આગળ વધી રહ્યો હતો અને સરકાર મારી કેટલીક વાતો માની પણ રહી હતી, પણ આભ ફાટ્યું હોય ત્યારે થીંગડાં મારીએ એવી પરિસ્થિતિ સર્જાઈ હતી.”

તેઓ ઉમેરે છે કે “સરકાર વ્યવસ્થા બદલવા માટે તૈયાર નથી પણ થીંગડું મારી આપવા તૈયાર છે અને જો વ્યવસ્થા બદલવી હોય તો રાજનીતિ સિવાય વિકલ્પ નથી.”

ગુજરાતના ખેડૂતો ભાજપથી ખુશ છે?

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં દિલ્હીની સરહદે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

દેશના વિભિન્ન ભાગોમાં આ આંદોલનની અસરો જોવા મળી હતી પણ ગુજરાતમાં પ્રમાણમાં ઓછી અસર જોવા મળી છે. ગુજરાતમાં કૃષિકાયદા અંગે મોટાપાયે વિરોધ જોવા મળ્યો નથી.

ગુજરાતના ખેડૂતો ભાજપના શાસનથી ખુશ છે, એવા દાવા પણ આ સંદર્ભએ કરવામાં આવે છે.

જેનો જવાબ આપતાં રબારી કહે છે, “ચૂંટણી અનેક પ્રલોભનો વચ્ચે થતી પ્રક્રિયા છે એટલે ભાજપથી ખેડૂતો ખુશ છે, એવું હું માનતો નથી.”

સાગર રબારીનું કહેવું છે કે ‘ગુજરાતમાં કૃષિપૉલિસી બને, ખેડૂતોને એક બારી પદ્ધતિનો લાભ મળે, સ્વાયત્ત કૃષિ પંચ બને, કૃષિ સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તથા બજેટમાં યોગ્ય હિસ્સો મળે’, એ માટે કામ કરવાની તેમની પ્રાથમિકતા રહેશે.

રબારીનું કહેવું છે કે ગુજરાતની ભાજપની સરકારની જાહેરાતો અને વાસ્તવિકતામાં ફેર છે.

તેઓ કહે છે, “સરકાર કહે છે કે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચી ગયું છે પણ એ કોને મળ્યું એ પણ જોવાની જરૂર છે.”

તેઓ ભાજપ સરકાર પર સવાલ કરે છે કે “જો નર્મદા યોજનાનું પાણી ખેતરો સુધી પહોંચી ગયું હોય તો ગુજરાતનો નહેરથી સિંચાતો વિસ્તાર 26 ટકાથી ઘટીને 23 ટકા કેમ થઈ ગયો?”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો