You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓબીસી અનામતનો હક રાજ્યોને, શું હવે ગુજરાતમાં પટેલોને અનામત મળી જશે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેન્દ્ર સરકારે હાલમાં જ લોકસભામાં ઓબીસી સમુદાય સાથે જોડાયેલું એક બિલ રજૂ કર્યું, જેમાં રાજ્ય સરકારોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજકીય પંડિતો માની રહ્યા છે કે આવતા વર્ષે દેશમાં સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી કેન્દ્ર સરકારે ઓબીસી અનામત નક્કી કરવાના નિર્ણયની સત્તા રાજ્યોની સરકારોને આપવાનો નિર્ણય કર્યો છે.
તેની પાછળનું મુખ્ય કારણ અમુક જાતિને ઓબીસીમાં સમાવીને નવી વોટ બૅન્ક ઊભી કરવાનો મોદી સરકારનો પ્લાન છે.
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને જાણીતા સેફોલૉજિસ્ટ ડૉક્ટર એમ.આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હવે દેશમાં સાત રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં 2022માં ચૂંટણી આવી રહી છે."
રાજકીય પંડિતો મુજબ અલગઅલગ રાજ્યોમાં અલગ વર્ગોને રીઝવવા માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય લાભદાયક સાબિત થઈ શકે છે, ભલે તે મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં પટેલ અને અન્ય જ્ઞાતિઓ, મુસ્લિમોમાં આવતા પછાતવર્ગ હોય.
ડૉ એમ.આઈ. ખાને કહ્યું, "ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એવા રાજ્યો છે જ્યાં મુસ્લિમ સમુદાયના ધોબી, રૂ કાંતનારા, ફકીર, લુહાર જેવા નીચલા વર્ગના મુસ્લિમો (જેમનો અન્ય રાજ્યમાં ઓબીસીમાં સમાવેશ કરાયો છે)નો ઓબીસીમાં સમાવેશ કરી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સેક્યુલર છબી ઊભી કરવામાં સફળતા મળી શકે અને ફલોટિંગ વોટ મળી શકે."
અત્રે ઉલ્લેખનીય છે કે ઓબીસીની યાદીને લઈને રાજ્ય સરકારને સત્તા આપવા અંગેના આ બિલને હાલમાં જ કેન્દ્રીય કૅબિનેટે મંજૂરી આપી હતી.
ઓબીસી બની શકે લાઇફલાઇન?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસ્લિમ સમુદાયમાં આવતા પછાતવર્ગની વાત કરતા ડૉ એમ.આઈ. ખાન કહે છે, "આ તો માત્ર મુસ્લિમ સમુદાયની વાત થઈ પણ સાથે-સાથે હિન્દુ અને બીજી જાતિના લોકોનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે તો એમને ફાયદો થાય એમ છે, કારણ કે આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે જીતનો રસ્તો અઘરો છે."
"અન્ય રાજ્યો કરતાં ઉત્તર પ્રદેશમાં સત્તા બચાવવી જરૂરી છે, કારણ કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશથી જાય છે."
તેઓ ઉમેરે છે, "હિમાચલ પ્રદેશમાં આ પ્રયોગ સફળ બને તો 2024 માટે આ પ્રયોગ જ્યાં ભાજપની સત્તા છે ત્યાં અમલમાં મૂકવામાં આવશે."
આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાના ભાજપ સરકારના પ્રયોગથી થયેલા ફાયદા અંગે વાત કરતા ડૉ એમ.આઈ. ખાને કહ્યું, "ગુજરાતને કેસ સ્ટડી તરીકે લઈએ તો 2015ની ચૂંટણીમાં પટેલ આંદોલન પછી એમને આર્થિક ધોરણે અનામત આપવાની વાત થઈ અને કોર્ટે એને ફગાવી દીધી."
"છેવટે એની અસર 2017ની ચૂંટણીમાં ભાજપને જોવા મળી, પણ આર્થિક અનામત પંચ બનાવી આગોતરાં પગલાં લીધાં તો નગરનિગમ અને જિલ્લા પંચાયત તથા ગ્રામ-પંચાયત ચૂંટણીમાં ફાયદો થયો છે એટલે ભાજપ આ વખતે સાત રાજ્યોની ચૂંટણીમાં આ લાઇફલાઇન વાપરવા માગે છે."
કેન્દ્ર સરકારના નિર્ણયના ટાઇમિંગ અંગે સવાલ કરતા ડૉ ખાન કહે છે, "જો કેન્દ્ર સરકાર ઓબીસીની હિમાયતી હોત તો આજથી પાંચ-છ વર્ષ પહેલાં દરેક રાજ્યોને ઓબીસીની યાદી તૈયાર કરવાની સત્તા આપી હોત, પણ અત્યારે આપવા પાછળનું કારણ 2022માં સાત રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીમાં લિટ્મસ ટેસ્ટ કરી 2024ની તૈયારી છે."
વાસ્તવમાં ઓબીસીને નુકસાન?
તો જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આ પ્રયોગ રાજકીય લાભ લેવા માટે છે, ચૂંટણી સમયે જે જાતિને રીઝવવી હોય એ એનો ઓબીસીમાં સમાવેશ કરી એને પોતાની તરફ લાવવાનો પ્રયાસ છે."
"2015ના પટેલ આંદોલન પછી 2017ની વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપને થયેલા નુકસાનના પગલે ગુજરાત સરકારે સોશિયલ ઇકૉનૉમિક બૅકવર્ડ બૉર્ડની રચના કરી."
"જે લોકો એસસી, એસટી અને ઓબીસીમાં નથી આવતા એમને લાભ આપ્યો, જેનો ફાયદો એમને 2021માં થયેલી મિની વિધાનસભા જેવી જિલ્લા પંચાયત, ગ્રામ-પંચાયતની ચૂંટણીમાં થયો છે."
"પરંતુ ઓબીસી અનામતનો અધિકાર રાજ્યોને આપ્યા પછી વાસ્તવમાં ઓબીસીને નુકસાન થશે."
ઘનશ્યામ શાહ આશંકા વ્યક્ત કરે છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સોશિયલ કૅપિટલિઝમ વધી જશે.
આનું કારણ સમજાવતા તેઓ કહે છે, "ગુજરાતની વાત કરીએ તો પટેલ અને વણિક જેવી જ્ઞાતિ આર્થિક રીતે સમૃદ્ધ છે એ લોકોએ એમની જ્ઞાતિના લોકો માટે હૉસ્ટેલ અને વિદ્યાલય સહિત અન્ય સુવિધાઓ પણ ઊભી કરે છે અને એમનું વર્ચસ્વ વધારે છે."
"હવે એ લોકોને રીઝવવા માટે સરકાર એમને બીજી રીતે ઓબીસીનો લાભ આપશે જેનું નુકસાન વાસ્તવમાં ઓબીસીના એ લોકોને થશે જેમને ખરેખર અનામતની જરૂર છે."
ગુજરાતની વાત કરીએ તો પટેલ અનામત આંદોલનને જોતાં આનંદીબહેનની સરકારે બિનઅનામતવર્ગ આયોગ બનાવ્યું હતું. તેને પાછળથી સામાજિક આર્થિક પછાત નિગમનું નામ અપાયું.
તેની હેઠળ આર્થિક અને સામાજિક રીતે બિનઅનામતવર્ગના લોકોને અનામત આપવાની જોગવાઈ હતી.
જોકે ગુજરાતમાં પટેલ આંદોલન પછી બનેલા આ સામાજિક આર્થિક પછાત નિગમ છેલ્લા દસ મહિનાથી સર્વેની કામગીરી કરી નથી રહ્યું.
સોશિયલ ઇકૉનૉમિક બૅકવર્ડ બૉર્ડના પૂર્વ અધ્યક્ષ હંસરાજ ગજેરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે આર્થિક રીતે પછાત તમામ લોકોને અનામતનો લાભ આપ્યો છે.
"અમારા નિગમે આપેલા રિપોર્ટના આધારે આર્થિક રીતે પછાત સવર્ણ લોકોને દસ ટકા અનામતનો લાભ મળ્યો છે. એમાંથી ઘણા ડૉક્ટર થયા છે, તો એન્જિનિયર થયા છે. હવે નવા અધ્યક્ષ આવશે એ આગળની કામગીરી વધારશે."
ગુજરાતમાં અનામતની આંટીઘૂંટી
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની સરકારની પાંચ વર્ષની ઉજવણી સમયે સાત ઑગસ્ટના દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભાષણ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પીઠ થાબડતા કહ્યું હતું કે "આર્થિક રીતે નબળા યુવાનો માટે એમની સરકારે આપેલી દસ ટકા અનામતનો લાભ તબીબી ક્ષેત્રે થયો છે."
તો ગુજરાતમાં પટેલ અનામત માટે આંદોલન કરી સરકાર હચમચાવનાર અને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ઓબીસીના નવા સંશોધન બિલને આવકારું છું, પરંતુ સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોનો વ્યવસ્થિત સર્વે કરી 146 ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ."
કોઈ એક જ્ઞાતિનું નામ આપવાનો ઇન્કાર કરતા હાર્દિકે કહ્યું કે "કેટલીક જ્ઞાતિ એવી છે કે જે ઓબીસીમાં આવે છે, પણ આર્થિક રીતે સમૃદ્ધ છે. તો ઓબીસીમાં ન આવતી પટેલ, વાણિયા, બ્રાહ્મણ જેવી જ્ઞાતિના સામાજિક આર્થિક રીતે પછાત લોકોનો ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ."
પટેલ આંદોલનમાં આગેવાન રહ્યાં પછી ભાજપમાં જોડાઈને બાદમાં એનસીપીમાં જોડાયેલાં રેશમા પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "કોર્ટના નિર્ણયને કારણે ઘણી સવર્ણ જ્ઞાતિને અનામતનો લાભ મળ્યો નહોતો. પટેલ જ્ઞાતિને આ નિર્ણયથી જરૂર ફાયદો થશે."
"અલબત્ત, એનો ચૂંટણી વખતે ફાયદો લેવાનો સરકાર પ્રયાસ કરશે તો બીજી જ્ઞાતિના લોકોને અન્યાય થશે."
"પટેલ આંદોલન બાદ પટેલ જ્ઞાતિને ફાયદો થયો છે પણ જો સંસદમાં કેન્દ્ર સરકારનું આ સંશોધન બિલ પસાર થાય તો કોર્ટનું બંધન રહેશે નહીં. જો સરકાર આર્થિક અને સામાજિક રીતે પછાત સવર્ણ લોકોને ફાયદો નહીં કરાવે તો આંદોલન થશે, પછી ભલે આંદોલનકારીઓના ચહેરા બદલાયેલા હોય."
'ઓબીસીનો લાભ બધા સામાજિક આર્થિક પછાતવર્ગોને મળવો જોઈએ'
પટેલ આંદોલનનો બીજો ચહેરો અને આંદોલન બાદ કૉંગ્રેસ અને ત્યારબાદ કૉંગ્રેસ છોડીને 'આપ'માં જોડાયેલા નિખિલ સવાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે સમાજની તમામ જ્ઞાતિને ઓબીસીનો લાભ મળવો જોઈએ.
"જો કેન્દ્ર સરકારનું સંશોધન બિલ પસાર થાય તો કોર્ટનું બંધન નહીં રહે તો સરકાર માટે સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોનો સર્વે કરીને પટેલ, બ્રાહ્મણ, વાણિયા, જૈન જેવી જ્ઞાતિનો સમાવેશ કરવો શક્ય બનશે."
"આ પ્રક્રિયા માટે સરકારે અન્ય જ્ઞાતિને અન્યાય ન થાય એ રીતે ગુજરાતની 146 ઓબીસી જ્ઞાતિની ટકાવારીમાં ફેરફાર કરી સામાજિક અસમાનતા ન સર્જાય એ રીતે સમાવેશ કરવો જોઈએ."
તો ભાજપના પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "ઓબીસી પંચ દ્વારા સર્વે થાય છે, એમના ત્રણ ક્રાઇટેરિયા રાખવામાં આવે છે."
"એમાં એમની વસતી, ભણતર અને આર્થિક ધોરણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. એમાં તમામ જ્ઞાતિને આવરી લેવાય છે. બ્રાહ્મણમાં રાજગોર જ્ઞાતિ ઓબીસીમાં આવે છે, પટેલમાં આંજણા પટેલનો સમાવેશ થયો છે એટલે સરકાર દરેક જ્ઞાતિને સમાવવાનો પ્રયાસ કરે છે."
"ઓબીસી પંચ સવર્ણ જ્ઞાતિની પેટાજ્ઞાતિનો સર્વે કરશે જેના આધારે 27 ટકા અનામતમાં નવી કઈ જ્ઞાતિનો સમાવેશ કરશે એનો રિપોર્ટ સામાજિક ન્યાય અધિકારિતા સમિતિને આપશે અને એ વિધાનસભામાં રજૂ થશે ત્યારબાદ એનો અમલ થશે."
ડૉ. યજ્ઞેશ દવે કહે છે, "એટલે એનો અર્થ એ થાય છે કે આ નિયમથી માત્ર એક જ્ઞાતિને ફાયદો નહીં પણ તમામ લોકોને ફાયદો થશે. કૉંગ્રેસ માત્ર પટેલને ફાયદો થશે એમ કહી વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ કરી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો