સ્વતંત્રતા દિવસ : જૂનાગઢ 15 ઑગસ્ટે આઝાદ કેમ નહોતું થયું?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

1947માં પંદર ઑગસ્ટે દેશ સ્વતંત્ર થયો અને દેશવાસીઓ હરખાતા હતા ત્યારે જૂનાગઢવાસીઓ મૂંઝવણમાં હતા, કેમ કે ત્યારે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાની નવાબે જાહેરાત કરી હતી.

જૂનાગઢ નવ નવેમ્બર, 1947ના રોજ આઝાદ થયું હતું અને ભારતનો હિસ્સો બન્યું હતું.

જૂનાગઢ ઇતિહાસથી લઈને સંસ્કૃતિ અને ધર્મથી લઈને અધ્યાત્મ સુધીનું એટલું બધું પોતાનામાં સમાવીને બેઠું છે કે ઇતિહાસ-સંશોધકોથી લઈને પર્યટકો સુધીના દરેકને માટે જૂનાગઢનું કુતૂહલ ક્યારેય ઓછું થયું નથી.

ગિરનારનાં પગથિયાં ચઢતાં જાવ એટલે અનેક ધર્મનાં સ્થાનકો સામાં મળે.

પીર દાતારથી લઈને દતાત્રેયની ટૂક સુધી ગિરનારની ગોદમાં હિંદુ, મુસ્લિમ સહિત અનેક સમુદાયનાં એટલાં સ્થાનક છે કે કોમી એખલાસની મિસાલ સદીઓથી ગિરનાર પૂરી પાડે છે.

જેમ હિંદુ-મુસલમાનના સુમેળ અને સંયોજન માટે ગંગાજમુની તહેઝીબ શબ્દનો પ્રયોગ થાય છે એમ ગિરનાર એ દત્ત-દાતારી તહેઝીબનો સદીઓ જૂનો દસ્તાવેજ છે.

ભારત અને પાકિસ્તાનનો જે રાજકીય ઇતિહાસ છે એમાં જૂનાગઢ એક અલાયદું પ્રકરણ ધરાવે છે, કારણ કે જે દિવસે ભારત આઝાદ થયું એ દિવસે જૂનાગઢના નવાબે એને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી હતી.

એ પછી જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું એની આખી એક અલગ ચળવળ છે.

પાકિસ્તાન હજી પણ અવારનવાર એવા દાવા કરતું રહે છે કે જૂનાગઢ એ પાકિસ્તાનનો હિસ્સો છે, જોકે એ દાવાને રાજકીય કે પ્રજાકીય સમર્થન મળતું નથી.

ગયા વર્ષે ઑગસ્ટમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને પોતાના દેશનો નકશો સોશિયલ મીડિયા પર મૂકીને જૂનાગઢ તેમજ માણાવદરને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યાં હતાં. ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને આને એક નિરર્થક પ્રયાસ ઠેરવ્યો હતો.

દેશ આઝાદીને કાંઠે હતો એ વખતે એટલે કે 18 જુલાઈ, 1947ના રોજ બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ એક ખરડો પસાર કર્યો હતો.

બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો બન્યો હતો. જે હિંદ સ્વાતંત્ર્ય ધારા - ઇન્ડિયન ઇન્ડિપૅન્ડન્સ ઍક્ટ 1947 તરીકે ઓળખાયો હતો.

જેમાં લૅપ્સ ઑફ પૅરામાઉન્સીની જોગવાઈ હતી. જે અંતર્ગત રાજા-મહારાજાઓને બે વિકલ્પ અપાયા હતા. કાં તો તેઓની રિયાસત ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર બને.

આ 'લૅપ્સ ઑફ પૅરામાઉન્સી'ને ધ્યાનમાં રાખીને જ નવાબ મહાબત ખાને પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી હતી. જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણની મુખ્ય ભૂમિકા જૂનાગઢના દીવાન અને પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટોની હતી.

શાહનવાઝ ભુટ્ટોની પાકિસ્તાન સાથે જોડાવવાની સલાહ

જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનું નવાબ મહાબતખાનને શાહનવાઝ ભુટ્ટોએ સૂચવ્યું હતું.

જૂનાગઢનાં દીવાન તરીકે શાહનવાઝ ભુટ્ટોએ હોદ્દો 30 મે 1947ના રોજ સંભાળ્યો હતો.

દીવાન અબ્દુલ કાદર મહમદ હુસેન હૃદયરોગની સારવાર માટે અમેરિકા ગયા અને તેમના સૂચનથી નિમાયેલા સિંધના જાગીરદાર શાહનવાઝ ભુટ્ટોએ દીવાનનો હોદ્દો સંભાળ્યો હતો. એવું ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ જૂનાગઢ સર્વસંગ્રહમાં નોંધે છે.

શંભુપ્રસાદ દેસાઈ સૌરાષ્ટ્રના જાણીતા ઇતિહાસકાર હતા. તેમણે સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે.

જૂનાગઢ, સોમનાથ વગેરે પર તેમણે સંશોધન કરીને પુસ્તકો લખ્યાં છે. તેમના સહિતના ઘણા ઇતિહાસકાર નોંધે છે કે 1947માં જ્યારે આઝાદી મળી ત્યારે જૂનાગઢનું ભારતને બદલે પાકિસ્તાન સાથે જોડાણકરનાર શાહનવાઝ ભુટ્ટો હતા.

જૂનાગઢની સાત લાખની વસતીમાં એંશી ટકા હિંદુ હતા

ઇતિહાસકાર અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી માને છે કે આની પાછળ મહમદ અલી ઝીણાની ગણતરી હતી.

રાજમોહન ગાંધીએ સરદાર પટેલ વિશે પુસ્તક 'પટેલ અ લાઇફ' લખ્યું છે, જેમાં જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે તેઓ લખે છે : 'જૂનાગઢની સાત લાખની વસતીમાં 80 ટકા હિંદુ હતા. જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટો ઝીણા સાથે ગાઢ સંપર્કમાં હતા. પોતાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને તિલાંજલિ આપી દઈને હિંદુ બહુમતી ધરાવતાં રાજ્યોને સ્વીકારી લેવા ઝીણા તૈયાર હતા. ઝીણાની સલાહ અનુસાર ભુટ્ટોએ ઑગસ્ટની 15 તારીખ સુધી કશું કર્યું નહીં. આ દિવસે પાકિસ્તાન સ્થપાયું અને જૂનાગઢે તેમાં જોડાઈ જવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો.'

જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડતી વખતે ત્યાંની પ્રજાનો મનસૂબો જાણવાનો પ્રયાસ થયો હોય એવું જોવા મળતું નથી.

પાકિસ્તાને એક મહિના સુધી જવાબ આપવાનું ટાળ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક તેમજ અધ્યક્ષ અને 'સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ'ના પ્રમુખ રહી ચૂકેલા લેખક એસ.વી.જાની પોતાના પુસ્તક 'જૂનાગઢના નવાબી શાસનનો અંત'માં નોંધે છે, '13 ઑગસ્ટે ભુટ્ટોએ જૂનાગઢના અગ્રણીઓની એક સભા બોલાવી હતી, જેમાં દયાશંકર દવે નામના આગેવાને પ્રજા વતી જૂનાગઢને ભારતમાં જોડવા માટે નિવેદન આપ્યું હતું.

આ ઉપરાંત કાઠિયાવાડ રાજકીય પરિષદના ઉચ્છરંગરાય ઢેબરે પણ ભુટ્ટોને સમજાવવા પ્રયાસ કર્યા હતા, પણ તેની કોઈ અસર થઈ નહીં અને 15 ઑગસ્ટ, 1947ના જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાયાની જાહેરાત કરી હતી.'

પાકિસ્તાને લગભગ એક મહિના સુધી જવાબ આપવાનું ટાળ્યું હતું.

એ પછી સપ્ટેમ્બરની 13 તારીખે તારથી ખબર આપ્યા કે જૂનાગઢનું પાકિસ્તાન સાથેનું જોડાણ સ્વીકારી લેવામાં આવ્યું છે.

સપ્ટેમ્બરની 19મી તારીખે સરદાર પટેલે ભારત સરકારનાં રજવાડાં ખાતાના સચિવ વી.પી.મેનનને જૂનાગઢ મોકલ્યા. નવાબ તો મળ્યા નહીં પણ ભુટ્ટોએ જવાબો આપ્યા.

રાજમોહન ગાંધીએ લખ્યું છે કે "ભુટ્ટોએ ગોળગોળ જવાબો આપ્યા."

લૅપ્સ ઑફ પૅરામાઉન્સીના કારણે હસ્તક્ષેપ ન થઈ શક્યો

'જૂનાગઢના નવાબી શાસનનો અંત' પુસ્તકમાં લેખક એસ.વી.જાની નોંધે છે કે "ઉચ્છરંગરાય ઢેબરે કહ્યું કે સ્થિતિ સ્ફોટક છે, પ્રજાને લાંબા સમય સુધી અંકુશમાં રાખી નહીં શકાય. જૂનાગઢની ચળવળમાં શરૂઆતથી જ સામેલ અને વંદેમાતરમ્ અખબારનાં તંત્રી શામળદાસ ગાંધીએ કહ્યું કે પ્રજા કાયદો હાથમાં લઈને સમાંતર સરકાર સ્થાપવા તૈયાર થઈ ગઈ હતી. વી.પી.મેનને સરદાર પટેલને આ બાબતોથી વાકેફ કર્યા."

"સરદાર પટેલ સમાંતર સરકારના વિચારથી ખુશ નહોતા, કારણ કે એનાથી ભવિષ્યમાં ગૂંચવણો ઊભી થાય. એ વખતે મુંબઈના કેટલાક અગ્રણી કાર્યકરો માનતા હતા કે સત્યાગ્રહથી આ લડત થઈ શકે નહીં. ઢેબરભાઈ 1938માં રાજકોટના સત્યાગ્રહના સમયથી કાઠિયાવાડની રાષ્ટ્રીય ચળવળમાં વિશેષ જાણીતા હતા."

જૂનાગઢના પ્રશ્ને ભારત સરકાર સીધી રીતે દખલ કરી શકે નહીં, કારણ કે 'લૅપ્સ ઑફ પૅરામાઉન્સી'ની જોગવાઈ અનુસાર રજવાડા યા તો ભારત કે પાકિસ્તાન સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર પણ બનાવી શકે.

આ સંજોગોમાં ભારત સરકારના ગૃહમંત્રી સરદાર પટેલ જો સીધો જૂનાગઢના મામલે હસ્તક્ષેપ કરે તો કાયદાકીય ગૂંચ પણ ઊભી થાય.

પછીથી જેની રચના થઈ એ 'આરઝી હકૂમત'ની લોકસેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણી પણ કહેતા હતા કે સરદાર પટેલ માને છે કે જૂનાગઢની પ્રજાએ જ લડવું જોઈએ.

આરઝી હકૂમતની સ્થાપના

શામળદાસ ગાંધી જૂનાગઢની આરઝી હકૂમતનાં સરનશીન (વડા) બન્યા હતા એટલે કે જૂનાગઢ સંલગ્ન સમાંતર સરકાર રચવામાં આવી હતી.

25 સપ્ટેમ્બર, 1947ના રોજ આરઝી હકૂમતની વિધિસર સ્થાપના થઈ હતી. તેનું પ્રધાનમંડળ રચવામાં આવ્યું હતું. તેમાં પુષ્પાબહેન મહેતા, દુર્લભજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, નરેન્દ્ર નથવાણી પ્રધાનો થયાં હતાં.

આરઝી હકૂમતની સ્થાપનાનું જાહેરનામું ઘડાયું હતું. તેને 'જૂનાગઢ રાજ્યની પ્રજાની આઝાદીનું જાહેરનામું' એવું નામ આપવામાં આવ્યું હતું. એ જાહેરનામું કનૈયાલાલ મુનશીએ ઘડ્યું હતું.

મુંબઈમાં વસતા કાઠિયાવાડીઓની સભા માધવબાગમાં મળી હતી, જેમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ સાંજે 6.17 મિનિટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

જાહેરનામામાં હિંદી સંઘમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને આરઝી હકૂમતની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ નવાબ જે સત્તા અને અધિકાર ભોગવતા હતા તે આરઝી સરકારને સુપરત કરીએ છીએ એવું એ જાહેરનામામાં જણાવાયું હતું.

ભુટ્ટોએ ઝીણાને પત્ર લખ્યો

રાજમોહન ગાંધીના સરદાર પટેલ વિશેના પુસ્તકમાં લખ્યું છે કે '27 ઑક્ટોબરે ભુટ્ટોએ ઝીણા પર પત્ર લખ્યો : "અમારી આવક તળિયે બેઠી છે. અનાજની પરિસ્થિતિ ભયંકર ચિંતા ઉપજાવે છે. નવાબસાહેબ અને રાજકુટુંબે ચાલ્યા જવું પડ્યું છે. કાઠિયાવાડના મુસલમાનોને પાકિસ્તાન માટે કશો રસ રહ્યો દેખાતો નથી. હું વધારે કહેવા ઇચ્છતો નથી. મંત્રીમંડળનાં મારા પીઢ સાથી કૅપ્ટન હાર્વે જોન્સે તમને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી હશે."

નવેમ્બરની બીજી તારીખે આરઝી હકૂમતે નવાગઢનો કબજો લીધો. પાંચ દિવસ પછી ભુટ્ટોએ હાર્વે જોન્સને રાજકોટ શામળદાસ ગાંધી પાસે મોકલ્યા, અને જૂનાગઢનો કબજો લેવાની વિનંતી કરી.

બીજા દિવસે - આઠ નવેમ્બરે ભુટ્ટોએ દરખાસ્ત બદલાવી. આરઝી હકૂમત નહીં ભારત સરકારે કબજો લેવો. શામળદાસ ગાંધીએ નવી દરખાસ્તનો કશો વિરોધ કર્યો નહીં. આ દરખાસ્ત નીલમભાઈ બુચ પાસે રજૂ કરવામાં આવી હતી.

દિલ્હીએ પશ્ચિમ ભારત અને ગુજરાતનાં રજવાડાંઓ માટે નીલમભાઈ બુચને રિજિયોનલ કમિશનર તરીકે નીમ્યા હતા.

9 નવેમ્બર, 1947ના રોજ તેમણે કબજો લીધો હતો. તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્યદિવસ 9 નવેમ્બર ગણાય છે.

1948ના ફેબ્રુઆરીની 20મી તારીખે લોકમત લેવામાં આવ્યો હતો. 2,01,457 નોંધાયેલા મતદારોમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત પડ્યા હતા.

માણાવદર, માંગરોળ, બાબરિયાવાડ તથા બીજા બે ખંડિયા વિસ્તારોમાં પણ લોકમત સાથોસાથ લેવાયો. આ વિસ્તારોમાં 31,434 મતોમાંથી પાકિસ્તાન તરફ માત્ર 39 મત હતા. આમ આ રીતે દેશ સ્વતંત્ર થયો એ પછી જૂનાગઢ સ્વતંત્ર થયું હતું.

કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય

કાઠિયાવાડનાં વિવિધ રજવાડાંને એકઠાં કરીને કાઠિયાવાડ એકમ તૈયાર કરવાની પ્રક્રિયાઓ પણ સમાંતર ચાલુ જ હતી.

સરદાર પટેલે આઝાદ ભારતનું ગૃહખાતું સંભાળ્યું એની સાથે રિયાસતી ખાતું પણ સંભાળતા હતા.

ઉચ્છરંગરાય ઢેબરની જીવનકથામાં લેખક મનુભાઈ રાવળ લખે છે કે, રિયાસતી મંત્રાલયે કાઠિયાવાડનાં 860 હકુમતોમાં વહેંચાયેલાં 222 રજવાડાંની ભાવિ રચના માટે થોડા વિકલ્પો વિચાર્યા હતા.

એક વિકલ્પ એવો હતો કે જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ધ્રાંગધ્રા એવાં ચાર મોટાં રાજ્યોની રચના કરવી.

બીજો વિકલ્પ એવો હતો કે આખા કાઠિયાવાડને મુંબઈ પ્રાન્ત સાથે ભેળવી દેવું અને ત્રીજો વિકલ્પ કાઠિયાવાડનાં બધા રાજ્યોને એકત્રિત કરી કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય સ્થાપવું.

લાંબી વિચારણાને અંતે છેલ્લો વિકલ્પ પ્રાદેશિક પ્રજાનાયકો અને સરદારને ગમ્યો હતો. રાજાઓ સંમતિ આપે તો સંઘ સાથેના જોડાણનું કેવા પ્રકારનું કરારનામું ઘડવું તેનો પ્રારૂપ - ડ્રાફ્ટ મેનને ઢેબરને બતાવ્યો હતો.

17 જાન્યુઆરી 1948ના રોજ એ પ્રારૂપ વિશે રાજવીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં મેનન, કાનૂન મંત્રાલયના કે.વી.કે.સુન્દરમ્ અને નીલમ બુચ જોડાયા હતા. જેમાં રાજવીમંડળ, તેનું પ્રિસીડીઅમ, રાજપ્રમુખ, સત્તામંડળ, બંધારણસભા વગેરે વિશે ચર્ચાઓ થઈ.

વિચારણા માટેની બેઠક 21 જાન્યુઆરી પર મુલતવી રહી હતી. એ દિવસે ફરી ચર્ચાઓ થઈ અને પ્રારૂપ મંજૂર થયો હતો.

કાઠિયાવાડના સંયુક્ત રાજ્યની રચનાના સમારંભમાં હાજરી આપવાનું ગાંધીજીને નિમંત્રણ આપવા માટે ઢેબર, નીલમ બુચ, રસિકલાલ પરિખ દિલ્લી ગયા હતા. એ વખતે ગાંધીજીને પ્રાર્થનામાં જવાનું મોડું થઈ ગયું હોવાથી આવ્યા પછી મુલાકાત આપશે એવું જણાવાયું હતું. એ પ્રાર્થનાસભામાં જ ગાંધીજીની હત્યા થઈ હતી.

નિમંત્રણ આપવા ગયેલા કાઠિયાવાડના આગેવાનોએ ગાંધીજીની સ્મશાનયાત્રામાં જવાનો વખત આવ્યો હતો. શોકાતુર થઈને તેઓ કાઠિયાવાડ પાછા ફર્યા હતા.

સરદાર પટેલે ફેબ્રુઆરી પંદરે જામનગરમાં નવા રાજ્યના સત્કાર સમારંભમાં ગાંધીજીને અંજલિ આપતાં કહ્યું હતું કે, ગઈ તારીખ 30મીએ મહાત્મા ગાંધીજીને હું છેલ્લી વાર મળ્યો ત્યારે કાઠિયાવાડનાં એક થવાને લગતી બાબત જ ચર્ચાઈ હતી....મેં તેમને બધી હકીકત સમજાવી ત્યારે તેમના હર્ષનો પાર રહ્યો ન હતો.

જૂનાગઢ નવાબનાં સત્કાર્યો કેમ ઢંકાઈ ગયાં?

ક્યારેક એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ કોઈ એકાદ મોટું ગેરવાજબી પગલું ભરી લે તો એની પાછળ એણે કરેલાં સારાં કાર્યોની પણ નોંધ લેવાતી નથી.

તેણે જે ભૂલભરેલું પગલું લીધું હોય છે તે આધારે જ ભવિષ્યમાં તેનું મૂલ્યાંકન થતું રહે છે.

ઇતિહાસકારો પણ માને છે કે જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાએ પાકિસ્તાન સાથેના જોડાણનું જે પગલું લીધું તે ભૂલભરેલું હતું. આ એક પગલાને લીધે તેમણે જૂનાગઢમાં શાસન દરમિયાન કરેલા કલ્યાણકાર્યોની પણ પૂરતી નોંધ લેવાઈ નથી.

જૂનાગઢના લેખક પ્રદ્યુમ્ન ખાચરે સોરઠ સરકાર - નવાબ મહાબતખાનજી નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે નવાબના કેટલાક પ્રસંગ ટાંક્યા છે.

જેમ કે, નવાબ મહાબતખાન ત્રીજાએ બાળ લગ્નધારો અમલમાં મૂક્યો હતો. જેમાં 18 વર્ષથી નીચેનો યુવક અને 14 વર્ષથી નીચેની કન્યા લગ્ન કરી શકતા નહીં. જો પકડાય તો એક હજાર રૂપિયાનો દંડ થતો હતો. જોકે, બાળલગ્નોની ફરિયાદ લગ્નની તારીખથી એક વર્ષની મુદ્દત સુધીમાં જ સાંભળવામાં આવતી હતી.

ગાંધીજી 'હરિજનસેવા'ની પ્રવૃત્તિ કરી રહ્યા હતા, ત્યારે રાજા-રજવાડાંઓને ફાળો આપવા વિનંતિ કરી હતી. એ વખતે નવાબે 1500 રૂપિયા આપ્યા હતા. 27 ઑક્ટોબર 1938ના રોજ ગાંધીજીએ આભાર માનતો પત્ર પણ જૂનાગઢ દીવાનને લખ્યો હતો.

11 મે 1936ના રોજ નવાબ મહાબતખાન ત્રીજાના હસ્તે ગણેશપૂજન કરીને જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો નંખાયો હતો. એ તળાવ બાંધનારાઓમાંના ત્રણ ઈજનેર પૈકીના એક કે. જે. ગાંધી હતા. જેઓ અભિનેત્રી સ્વ. દીના પાઠકના પિતા હતા.

હિંદુ અને મુસ્લિમોને ભોજન માટે અલગઅલગ લંગરખાનાં બનાવ્યાં હતાં. 1946માં નવાબે ટ્રાફિક ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરી હતી. નવાબીકાળ દરમિયાન જ કેશોદમાં જે ઍરોડ્રામ બન્યું હતું. 12 એપ્રિલ 1947ના રોજ યુવરાજ દિલાવરખાને તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

1945માં કૉલેરા ફાટી નીકળ્યો ત્યારે નવાબે જૂનાગઢમાં રેલવેસ્ટેશન સહિત 14 સ્થળે રસીકેન્દ્રો શરૂ કર્યાં હતાં. રેલવે કે પગરસ્તે મુસાફરી કરનારા મુસાફરોને રસી મૂક્યાનું પ્રમાણપત્ર રજૂ કર્યા વિના જૂનાગઢની બહાર કે જૂનાગઢમાં જવા દેવાની પરવાનગી આપી નહોતી.

સંખ્યાબંધ કૂતરાં પાળવાના શોખને કારણે નવાબની વગોવણી પણ ખૂબ થાય છે. આરઝી હકૂમત દ્વારા જૂનાગઢની આઝાદી માટે નવાબની સામે પડનારા રતુભાઈ અદાણીએ સોરઠની લોકક્રાન્તિના વહેણ અને વમળમાં લખ્યું છે કે નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ઘવાઈ ગયો, પણ નવાબને ગાયોનો પણ એટલો જ શોખ. એનું ગોપાલન અંગેનું જ્ઞાન પણ અદ્ભુત લેખાતું. તેઓ આગળ લખે છે કે, ખરું કહીએ તો નવાબ ગૌપ્રેમી હતા, પરંતુ કૂતરાના ગાંડા શોખમાં તેમનો સાચો ગૌપ્રેમ ઢંકાઈ ગયો ગયેલો.

આ સિવાય એ વાત પ્રચલિત છે કે દેશવિદેશમાં ખ્યાતિ પામેલી જૂનાગઢ ગીરની કેસર કેરીનાં મૂળ (એટલે કે કલમો) નવાબીકાળમાં નખાયાં હતાં અને આંબા ફેલાયા હતા. ગુજરાતમાં આજે જેટલા પણ સિંહ છે, એની પાછળ જૂનાગઢના નવાબનું અજોડ યોગદાન છે. તેમણે જ શિકાર પર પ્રતિબંધ મૂક્યો એને લીધે સિંહો બચી શક્યા.

ગિરનારનો ઇતિહાસ પુસ્તકમાં લેખક પ્રદ્યુમ્ન ખાચર લખે છે કે, "દલિતો ઉપર કેટલાક પ્રતિબંધો હતા. તેમને ગામના છેડે જ રહેવું પડતું હતું. દેવદર્શને જઈ શકતા નહોતા. લોકોના કૂવે પાણી ભરી શકતા નહોતા. અનુસૂચિત જાતિના લોકો દુકાનદાર પાસે કોઈ ચીજવસ્તુ લેવા જાય તો તેના પૈસાને પાણીની છાંટ નાખીને દૂરથી જ લેતા હતા. હોળીમાં દલિતોને ગાળો દેવાનો કુરિવાજ હતો. જૂનાગઢના નવાબે 1869માં એ કુરિવાજ સામે સમાનતાનો કાયદો ઘડ્યો હતો."

નવાબ મહાબતખાન ત્રીજાના વખતમાં રાજકોટના 'અખિલ હિંદ હરિજન સેવક સંઘે' જૂનાગઢ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દલિત બાળકોને દાખલ કરવા વિનંતિ કરી ત્યારે નવાબે જવાબ આપ્યો હતો કે આ બાબતે હિન્દુ પ્રજાનો મત જાણ્યા પછી નિર્ણય કરવામાં આવશે.

એ પછી રાજ્યનાં ગેઝટ 'દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ'ના 10/06/42ના અંકમાં જાહેરાત આપી કે હિંદુ પ્રજાના વિચારો રાજ્યે જાણ્યા અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે હવેથી જૂનાગઢ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં દલિત વિદ્યાર્થીને દાખલ કરવામાં આવશે. જોકે, તેમને અલગ બેસાડવામાં આવતા હતા. સામાન્ય સ્થિતિના દલિત બાળકોની અંગ્રેજી શાળાની ફી માફ કરવામાં આવી હતી.

રાજ્યે 1938માં ઠરાવ કરી દલિતોને પાકા મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અર્ધા ભાવે આપવાનું નક્કી કર્યું હતું.

પુસ્તકમાં ઉલ્લેખ છે કે, 1935માં ગિરનાર ઉપર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' નામની મુસ્લિમ સંસ્થા દ્વારા થયો ત્યારે નવાબે એ સંસ્થા જ વિખેરી નાખવાનો હુકમ કર્યો હતો. એ સમયે મુસ્લિમોએ દીન નામના સાપ્તાહિકમાં લખ્યું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે, નવાબના રાજ્યમાં મુસ્લિમોના હકો છીનવાઈ રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો