સ્વતંત્રતાદિવસ : ભારતની આઝાદીના પ્રથમ દિવસની સવાર કેવી હતી?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

લૉર્ડ માઉન્ટબેટન 14 ઑગસ્ટ, 1947ની સાંજે કરાચીથી દિલ્હી પાછા ફર્યા ત્યારે તેમને, મધ્ય પંજાબમાંથી આકાશ ભણી જઈ રહેલો કાળો ધુમાડો, તેમના વિમાનમાંથી સ્પષ્ટ દેખાતો હતો.

એ ધુમાડાએ નહેરુના રાજકીય જીવનની સૌથી મોટી ક્ષણની ચમકને ઘણી હદે ધૂંધળી કરી નાખી હતી.

14 ઑગસ્ટની સાંજે સૂર્યાસ્ત થયો કે તરત જ બે સંન્યાસીઓ સાથેની એક કાર જવાહરલાલ નહેરુના 17 યૉર્ક રોડસ્થિત ઘરની સામે આવીને ઊભા રહ્યા હતા.

સન્યાસીઓના હાથમાં સફેદ સિલ્કનું પીતાંબર, તંજૌર નદીનું પવિત્ર પાણી, ભભૂત અને મદ્રાસના નટરાજ મંદિરમાં સવારે ધરવામાં આવેલા ઉકાળેલા ચોખા હતા.

નહેરુને એ બાબતે જાણ થઈ કે તરત જ તેઓ બહાર આવ્યા હતા. સંન્યાસીઓએ નહેરુને પીતાંબર પહેરાવ્યું, પવિત્ર પાણી છાટ્યું અને તેમના મસ્તક પર ભભૂત લગાવી.

આ પ્રકારની તમામ રસમોનો નહેરુ આજીવન વિરોધ કરતા રહ્યા હતા, પણ એ દિવસે તેમણે સન્યાસીઓની દરેક વિનંતીનો સસ્મિત સ્વીકાર કર્યો હતો.

લાહોરના હિંદુ વિસ્તારોમાં જળપુરવઠો કાપી નંખાયો

નહેરુ તેમના મસ્તક પર લગાવાયેલી ભભૂત થોડીવાર પછી ધોઈને ઈંદિરા ગાંધી, ફિરોઝ ગાંધી અને પદ્મજા નાયડુ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા જ હતા ત્યાં બાજુના ખંડમાં ટેલિફોન રણકી ઊઠ્યો.

ટ્રંક કૉલની લાઈન એટલી ખરાબ હતી કે નહેરુએ ફોન કરનાર વ્યક્તિને કહ્યું હતું કે તમે હમણાં જે કહ્યું એ ફરી વાર જણાવો. નહેરુએ ફોન મૂક્યો ત્યારે તેમનો ચહેરો સફેદ થઈ ગયો હતો.

તેમના મોંમાથી કોઈ શબ્દ ન નીકળ્યો. તેમણે પોતાનો ચહેરો પોતાના હાથથી ઢાંકી દીધો હતો.

તેમણે હાથ ચહેરા પરથી હઠાવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં.

તેમણે ઈંદિરાને જણાવ્યું હતું કે લાહોરથી ફોન આવ્યો હતો.

"ત્યાંના નવા વહીવટકર્તાઓએ હિંદુ તથા શીખ વિસ્તારોનો પાણી પુરવઠો કાપી નાખ્યો છે."

"લોકો તરસને લીધે પાગલ થઈ ગયા છે. જે સ્ત્રીઓ તથા બાળકો પાણી શોધવા ઘરની બહાર નીકળી રહ્યાં છે તેમની ચૂંટીચૂંટીને હત્યા કરવામાં આવી રહી છે. "

"લોકો તલવારો લઈને રેલવે સ્ટેશન પર આંટા મારી રહ્યા છે, જેથી ત્યાંથી ભાગી રહેલા શીખો તથા હિંદુઓની હત્યા કરી શકાય."

ફોન કરનારે નહેરુને જણાવ્યું હતું કે "લાહોરની ગલીઓમાં આગ લાગી છે."

નહેરુએ લગભગ-લગભગ હોઠ ફફડાવતાં કહ્યું હતું, "મારું લાહોર, મારું સુંદર લાહોર સળગી રહ્યું છે એ જાણું છું ત્યારે હું આજે દેશને કઈ રીતે સંબોધિત કરી શકીશ? દેશની આઝાદીથી હું કેટલો ખુશ છું એ તેમને કઈ રીતે જણાવી શકીશ?"

ઈંદિરા ગાંધીએ તેમના પિતાને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે "જે ભાષણ આજે રાતે તમે દેશ સમક્ષ કરવાના છો એના પર ધ્યાન આપો." જોકે, નહેરુ ગમગીન થઈ ગયા હતા.

નિયતિ સાથે મિલન

નહેરુના સચિવ તરીકે કામ કરી ચૂકેલા એમ.ઓ.મથાઈએ તેમના પુસ્તક 'રૅમિનિસેન્સીસ ઑફ નહેરુ ઍજ'માં લખ્યું છે કે નહેરુ એ ભાષણની તૈયારી ઘણા દિવસોથી કરી રહ્યા હતા. તેમના અંગત મદદનીશે એ ભાષણ ટાઈપ કરીને મથાઈને આપ્યું હતું.

મથાઈએ જોયું તો નહેરુએ તેમાં એક જગ્યાએ 'ડૅટ વિથ ડૅસ્ટિની' કહેવતનો ઉપયોગ કર્યો હતો.

મથાઈએ રૉઝેટ ઇન્ટરનેશનલનો શબ્દકોશ જોયા બાદ તેમને કહ્યું હતું કે આ પ્રસંગે 'ડૅટ' શબ્દનો ઉપયોગ યોગ્ય નથી, કારણ કે અમેરિકામાં એ શબ્દનો ઉપયોગ મહિલાઓ કે છોકરીઓ સાથે ફરવા જવાના સંદર્ભમાં કરવામાં આવે છે.

મથાઈએ તેમને સૂચવ્યું હતું કે તેમણે ડૅટ શબ્દની જગ્યાએ રૉન્ડૅવૂ (rendezvous) અથવા ટ્રિસ્ટ (tryst) શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે રુઝવેલ્ટે યુદ્ધ દરમિયાન આપેલા ભાષણમાં રૉન્ડૅવૂ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

નહેરુએ એક ક્ષણ વિચાર્યું અને પોતાના હાથે ટાઈપ કરેલા ડૅટ શબ્દને છેકીને ટ્રિસ્ટ શબ્દ લખ્યો હતો.

નહેરુનાં ભાષણનો તે આલેખ આજે પણ નહેરુ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં સચવાયેલો છે.

આખી દુનિયા ઊંઘી રહી છે ત્યારે...

સંસદના સૅન્ટ્રલ હૉલમાં બરાબર 11 વાગીને 55 મિનિટે નહેરુનો અવાજ ગૂંજ્યો હતોઃ "ઘણાં વર્ષો પહેલાં આપણે નિયતિને એક વચન આપ્યું હતું."

"આપણે એ વચનનું પાલન કરીએ તે સમય હવે આવી ગયો છે....સંપૂર્ણ તો નહીં, પણ મહદઅંશે તો ખરું જ. અડધી રાતના સમયે જ્યારે દુનિયા ઊંઘી રહી છે ત્યારે ભારત આઝાદીનો શ્વાસ લઈ રહ્યું છે."

બીજા દિવસે અખબારો માટે નહેરુએ તેમના ભાષણમાં બે પંક્તિઓ અલગથી ઉમેરી હતી.

તેમણે કહ્યું હતું કે "અમારું ધ્યાન એ ભાઈઓ તથા બહેનો પર પણ છે, જેઓ રાજકીય સીમાને કારણે આપણાથી વિખૂટાં પડી ગયાં છે અને આજે અમને મળેલી આઝાદીની ખુશી માણી શકતા નથી. એ લોકો પણ અમારો હિસ્સો છે અને ગમે તે થાય, હંમેશાં અમારાં જ રહેશે."

ઘડિયાળમાં રાતના બાર વાગ્યાની ઘંટડીઓ વાગી કે તરત જ ત્યાં ઉપસ્થિત લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં અને સૅન્ટ્રલ હૉલ 'મહાત્મા ગાંધીની જય'ના નારાથી ગૂંજી ઊઠ્યો હતો.

60ના દાયકામાં ઉત્તર પ્રદેશનાં પહેલાં મહિલા મુખ્ય મંત્રી બનેલાં સુચેતા કૃપલાણીએ પહેલાં અલ્લામા ઈકબાલનું "સારે જહાં સે અચ્છા" અને પછી બંકિમચંદ્ર ચેટરજીનું "વંદે માતરમ" ગીત ગાયું હતું.

"વંદે માતરમ" બાદમાં રાષ્ટ્રગીત બન્યું હતું. ગૃહની અંદર સૂટમાં સજ્જ ઍંગ્લો-ઈન્ડિયન નેતા ફ્રૅન્ક ઍન્ટની દોડીને જવાહરલાલ નહેરુને ભેટી પડ્યા હતા.

સંસદભવનની બહાર મુશળધાર વરસાદમાં હજ્જારો ભારતીયો આ ઘડીની રાહ જોતા હતા.

નહેરુ સંસદભવનની બહાર આવ્યા ત્યારે જાણે કે દરેક વ્યક્તિ તેમને ઘેરી લેવા ઈચ્છતી હતી.

17 વર્ષના ઈન્દર મલ્હોત્રા પણ એ ક્ષણની નાટકીયતાથી પ્રભાવિત થયા વિના રહી શક્યા નહોતા.

ઘડિયાળમાં રાતના બાર વાગ્યા કે તરત જ અન્ય લોકોની માફક એમની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયાં હતાં. તેનાથી તેમને આશ્ચર્ય થયું હતું.

વિખ્યાત લેખક ખુશવંત સિંહ પણ ત્યાં હાજર હતા. તેઓ લાહોરમાં તેમનું બધું છોડીને દિલ્હી પહોંચ્યા હતા.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમે બધા રડી રહ્યા હતા અને અજાણ્યા લોકો એકમેકને ખુશીથી ભેટી રહ્યા હતા."

ખાલી પરબીડિયું

મધરાતના થોડા સમય પછી જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ લૉર્ડ માઉન્ટબૅટનને ભારતને પહેલા ગવર્નર જનરલ બનવાનું ઔપચારિક આમંત્રણ આપવા ગયા હતા.

માઉન્ટબૅટને તેમનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમણે પૉર્ટવાઇનની એક બૉટલ બહાર કાઢીને પોતાના હાથેથી મહેમાનોનો ગ્લાસ ભર્યા હતા. પછી પોતાનો ગ્લાસ ભરીને તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો અને કહ્યુઃ "ટુ ઇન્ડિયા."

એક ઘૂંટ ભર્યા પછી નહેરુએ પોતાનો ગ્લાસ માઉન્ટબૅટન તરફ રાખીને કહ્યુઃ "કિંગ જ્યૉર્જ ષષ્ટમ માટે."

નહેરુએ તેમને એક પરબીડિયું આપ્યું હતું અને કહ્યું હતું કે આવતી કાલે જેમને સોગંદ અપાવવામાં આવશે એ મંત્રીઓનાં નામ પરબીડિયામાં છે.

નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદના ગયા પછી માઉન્ટબૅટને પરબીડિયું ખોલ્યું ત્યારે તેઓ હસી પડ્યા, કારણ કે એ ખાલી હતું. મંત્રીઓનાં નામવાળો કાગળ તેમાં રાખવાનું નહેરુ ઉતાવળમાં ભૂલી ગયા હતા.

પ્રિન્સેસ પાર્કમાં લાખોની જનમેદની

બીજા દિવસે દિલ્હીના રસ્તાઓ પર લોકમેદની ઊમટી પડી હતી. સાંજે પાંચ વાગ્યે ઇન્ડિયા ગેટ નજીકના પ્રિન્સેસ પાર્કમાં માઉન્ટબૅટન ભારતનો તિરંગનો ઝંડો ફરકાવવાના હતા. તેમના સલાહકારોએ ધારેલું કે લગભગ 30,000 લોકો એકઠા થશે, પણ ત્યાં પાંચ લાખ લોકો ઊમટી પડ્યા હતા.

ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી, એકમાત્ર કુંભસ્નાનને બાદ કરતાં, એક સ્થળે આટલા લોકો ક્યારેક એકઠા થયા નહોતા.

બીબીસીના સંવાદદાતા અને કૉમેન્ટેટર વિનફર્ડ વૉન ટૉમસે તેમના સમગ્ર જીવનમાં આટલી મોટી ભીડ ક્યારેય જોઈ નહોતી.

માઉન્ટબૅટનની બગીની ચારે તરફ એટલા લોકો હતા કે તેઓ નીચે ઊતરવાનું વિચારી પણ નહોતા શકતા.

ચારે તરફ ફેલાયેલા વિશાળ જનસમૂહે ધ્વજના થાંભલા પાસે બનાવવામાં આવેલા મંચને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.

ભીડને રોકવા માટે લગાવવામાં આવેલા વાંસ, બૅન્ડવાળાઓ માટે બનાવવામાં આવેલો મંચ, ખાસ મહેમાનો માટે બહુ મહેનત કરીને બનાવવામાં આવેલી ગૅલેરી અને રસ્તાની બન્ને તરફે બાંધવામાં આવેલાં દોરડાં એમ બધું આ લોકોના પ્રબળ પ્રવાહમાં વહી ગયું હતું.

લોકો એકમેકને એટલી ચીપકીને બેઠા હતા કે તેમની વચ્ચેથી હવા પણ પસાર થઈ શકે તેમ ન હતી.

ફિલિપ તાલબૉટે તેમના પુસ્તક 'ઍન અમેરિકન વિટનેસ'માં લખ્યું છે કે "ભીડનું દબાણ એટલું હતું કે તેમાં પિસાઈને માઉન્ટબૅટનના એક અંગરક્ષકનો ઘોડો જમીન પર પડી ગયો હતો. થોડીવાર પછી એ ઊઠીને ફરી ચાલવા લાગ્યો ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો હતો."

પામેલાના ઊંચી એડીનાં સૅન્ડલ

માઉન્ટબૅટનનાં 17 વર્ષના દીકરી પામેલા પણ બે લોકો સાથે સમારંભ નિહાળવા પહોંચ્યાં હતાં. નહેરુએ પામેલાને જોઈને તેને ઊંચા અવાજમાં કહ્યું હતું કે લોકોની ઉપરથી ડાંફ ભરીને મંચ પર આવી જાઓ.

પામેલાએ પણ ઊંચા અવાજે કહ્યું હતું કે "હું એવું કેમ કરી શકું. મેં ઊંચી એડીના સૅન્ડલ પહેર્યાં છે." નહેરુએ કહ્યું હતું કે સૅન્ડલ હાથમાં લઈ લો.

પામેલા આવી ઐતિહાસિક ઘટના વખતે એ બધું કરવાનું સપનામાં પણ વિચારી શકતાં નહોતાં.

પામેલાએ તેના પુસ્તક 'ઇન્ડિયા રિમેમ્બર્ડ'માં લખ્યું છે કે "મેં મારા હાથ ઊંચા કરી દીધા હતા. હું સેન્ડલ ઉતારી શકતી નહોતી. નેહરુએ મારો હાથ પકડ્યો અને કહ્યું કે સૅન્ડલ પહેરીને જ લોકોનાં મસ્તક પર પગ મૂકતાં-મૂકતાં આગળ વધો. લોકોને જરાય માઠું નહીં લાગે. મેં કહ્યું કે મારી હીલ તેમને ખૂંચશે. નહેરુએ કહ્યું કે બેવકૂફ છોકરી, સૅન્ડલ હાથમાં લઈ લે અને આગળ વધ."

પહેલાં નહેરુ લોકોના માથા પર પગ મૂકીને મંચ પર પહોંચ્યા હતા અને પછી તેમને જોઈને ભારતના અંતિમ વાઇસરૉયની દીકરીએ સૅન્ડલ ઉતારીને પોતાના હાથમાં લીધાં હતાં અને લોકોનાં મસ્તક પર ડગલાં ભરીને મંચ પર પહોંચાં હતાં.

મંચ પર સરદાર પટેલનાં પુત્રી મણીબહેન પટેલ અગાઉથી જ હાજર હતાં.

ડૉમિનિક લૅપિએર અને લેરી કૉલિન્સે તેમના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઈટ'માં લખ્યું છે કે "મંચની ચારેય તરફ હિલોળા લઈ રહેલા માનવ મહેરામણમાં હજ્જારો મહિલા પણ હતાં, જેમણે તેમનાં દૂધ પીતાં બાળકોને છાતીએ વળગાડી રાખ્યાં હતાં."

"વધતી જતી ભીડમાં પોતાનું બાળક પીસાઈ ન જાય એવા ભયથી મહિલાઓ તેમનાં બાળકોને જીવના જોખમે હવામાં રબરના બૉલની માફક ઉલાળતી હતી અને બાળક નીચે આવે ત્યારે ફરી ઉછાળતી હતી. એક ક્ષણમાં હવામાં આ રીતે સેંકડો બાળકોને ઉછાળવામાં આવ્યાં હતાં. પામેલા માઉન્ટબૅટનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. એ વિચારવા લાગી હતી કે હે ભગવાન અહીં તો બાળકોનો વરસાદ થઈ રહ્યો છે."

બગીમાંથી જ તિરંગાને સલામી

બીજી તરફ પોતાની બગીમાં કેદ માઉન્ટબૅટન તેમાંથી નીચે ઊતરી જ શકતા નહોતા. તેમણે ત્યાંથી જ બૂમ પાડીને નહેરુને કહ્યું હતું કે "બૅન્ડવાળાઓ ભીડની વચ્ચે ખોવાઈ ગયા છે. ચાલો ધ્વજવંદન કરીએ."

બૅન્ડવાળાની આજુબાજુ એટલા લોકો એકઠાં થયેલા હતા કે તેઓ તેમના હાથ સુધ્ધાં હલાવી શક્યા નહોતા.

મંચ પર ઉપસ્થિત લોકોએ સદનસીબે માઉન્ટબેટનનો અવાજ સાંભળી લીધો હતો.

તિરંગો ઝંડો ફ્લૅગ પોસ્ટની ઉપર ગયો અને લાખો લોકોથી ઘેરાયેલા માઉન્ટબેટને તેમની બગી પર ઊભાઊભા જ સલામી આપી હતી.

લોકોએ પ્રચંડ જયઘોષ કર્યો, "માઉન્ટબૅટનકી જય...પંડિત માઉન્ટબૅટનકી જય."

આટલા બધા લોકોએ ખરી લાગણી સાથે લગાવેલો આવો નારો સાંભળવાનું સૌભાગ્ય ભારતના સમગ્ર ઈતિહાસમાં બીજા કોઈ અંગ્રેજને મળ્યું ન હતું.

તેમને જે મળ્યું એ તેમનાં પરનાની રાણી વિક્ટોરિયા પામ્યાં નહોતાં કે તેમનું કોઈ સંતાન પામ્યું નહોતું. લોકોનો જયઘોષ માઉન્ટબૅટનની સફળતાને મળેલું ભારતની જનતાનું સમર્થન હતું.

ઈન્દ્રધનુષે કર્યું આઝાદીનું સ્વાગત

એ મધુર ક્ષણમાં ભારતના લોકો પ્લાસીનું યુદ્ધ, 1857ના અત્યાચાર, જાલિયાંવાલા બાગનો ખૂનખાર ખેલ એમ બધું ભૂલી ગયા હતા.

જાણે કે પ્રકૃતિએ પણ ભારતના આઝાદી દિવસનું સ્વાગત કરવા અને તેને રંગીન બનાવવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ, રાષ્ટ્રધ્વજ ફ્લૅગ પોસ્ટની ટોચે પહોંચ્યો ત્યારે જ તેની પાછળ એક ઈન્દ્રધનુષ ઊભરી આવ્યું હતું.

બીજી તરફ પોતાની બગીમાં ગવર્નમેન્ટ હાઉસ પાછા ફરી રહેલા માઉન્ટબૅટન વિચારતા હતા કે લાખો લોકો એકસાથે પિકનિક કરવા નીકળ્યા હોય અને એ પૈકીના દરેકને અભૂતપૂર્વ આનંદ થતો હોય એવો માહોલ છે.

એ દરમિયાન માઉન્ટબૅટન અને ઍડવિનાએ ત્રણ સ્ત્રીઓને પોતાની બગીમાં બેસાડી લીધી હતી. એ ત્રણેય સ્ત્રીઓ અત્યંત થાકી ગઈ હતી અને બગીની નીચે કચડાતાં માંડમાંડ બચી હતી.

એ સ્ત્રીઓ બગીની કાળા ચામડાથી મઢેલી સીટ પર બેઠી હતી, જેની ગાદી વાસ્તવમાં ઈંગ્લૅન્ડના રાજા અને રાણીને બેસવા માટે બનાવવામાં આવી હતી.

એ બગીના હૂડ પર ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ બેઠા હતા, કારણ કે તેમની બગીમાં બેસવા માટે કોઈ સીટ ખાલી રહી ન હતી.

સમગ્ર દિલ્હીમાં રોશની

માઉન્ટબૅટનના અત્યંત વિશ્વાસુ પ્રેસ ઍટૅશે ઍલન કૅમ્પબેલ જૉન્સે બીજા દિવસે પોતાના એક સાથી સાથે હાથ મિલાવતાં કહ્યું હતું કે "બ્રિટને 200 વર્ષ પછી આખરે ભારતને જીતી લીધું."

એ દિવસે સમગ્ર દિલ્હીમાં રોશની કરવામાં આવી હતી.

કનૉટ પ્લેસ અને લાલ કિલ્લો લીલા, કેસરિયા અને સફેદ રંગની રોશનીમાં ડૂબેલા હતા.

રાતે માઉન્ટબૅટને એ વખતના ગવર્નમેન્ટ હાઉસ અને આજના રાષ્ટ્રપતિભવનમાં 2500 લોકો માટે ડિનરનું આયોજન કર્યું હતું.

હિંદી ભાષાના વિખ્યાત સાહિત્યકાર કરતારસિંહ દુગ્ગલે આઝાદીના બહાને, કનૉટ પ્લેસના સેન્ટર પાર્કમાં, તેમની સૌંદર્યવાન માશૂકા આયેશા જાફરીને પહેલું ચૂંબન કર્યું હતું.

કરતારસિંહ દુગ્ગલ શીખ હતા અને આયેશા મુસલમાન.

બન્નેએ સામાજિક વિરોધનો સામનો કરીને બાદમાં લગ્ન કર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો