You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Independence Day : ભારતને અંગ્રેજોથી આઝાદી ગાંધીજીએ અપાવી હતી?
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ સવાલ અલગ રીતે પણ પૂછાય છે : ભારતને આઝાદી અપાવવામાં ગાંધીજીનો કશો ફાળો ન હતો એ સાચી વાત? અંગ્રેજો ગાંધીજીના અહિંસક આંદોલનને કારણે નહીં, પણ બીજાં પરિબળોને લીધે ભારત છોડી ગયા હતા?
આઝાદીની લડાઈ : ગાંધીજી પહેલાં
ગાંધીજીના આગમન પહેલાં કયા મોટા નેતાઓ હતા અને તેમનો કેવો પ્રભાવ હતો, તેનું થોડું ચિત્ર ગાંધીજીની આત્મકથામાંથી મળે છે.
1905માં બંગાળને હિંદુ અને મુસ્લિમ બહુમતીવાળા બે ભાગમાં વહેંચવામાં આવ્યું. તેના પગલે મોટા પાયે સ્વદેશી આંદોલન થયું.
ત્યાર પહેલાં અને પછી કિસાનો-આદિવાસીઓના વિદ્રોહો તો થતા રહેતા, પણ તેમને મુખ્ય ધારામાં સ્થાન મળતું નહીં.
1885માં સ્થપાયેલી કૉંગ્રેસ મોટા ભાગે ભદ્ર વર્ગના વકીલ-બૅરિસ્ટરોની સંસ્થા ગણાતી. એ બધા અંગ્રેજી બોલતા અને અરજી-રજૂઆતો દ્વારા આગળ વધતા.
તેમનો સંબંધ 'ઇન્ડિયા' સાથે વધારે અને 'ભારત' સાથે ઓછો હતો. છતાં, તેમણે આઝાદીના આંદોલન માટે પાયો રચવાનું નોંધપાત્ર કામ કર્યું.
આઝાદીની લડાઈ : ગાંધીજીની દોરવણી હેઠળ
દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના પ્રયોગ કર્યા પછી તેનો મોટા પાયે વિશાળ ક્ષેત્રમાં અમલ કરવાના ઇરાદાથી ગાંધીજી 1915માં ભારત આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતે કશુંક નક્કર આપવાનું છે એવા આત્મવિશ્વાસ અને નવી ભૂમિ પર ડગ માંડનારના વિદ્યાર્થીભાવથી તેમણે જાહેર જીવન શરૂ કર્યું.
1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ, પંજાબનો સરમુખત્યારી કાયદો (માર્શલ લૉ) અને ખિલાફત જેવા મુદ્દે તેમણે આંદોલનની અને કૉંગ્રેસની આગેવાની લીધી.
ત્યારે વય અને અનુભવમાં સિનિયર એવા ઘણા નેતાઓ મોજુદ હતા. એ સૌ કરતાં સાવ જુદો રસ્તો ગાંધીજીએ લીધો.
તેમણે કૉંગ્રેસના દરવાજા આમજનતા માટે ખોલી નાખ્યા, અંગ્રેજિયતને બદલે સ્થાનિક ભાષાઓનો મહિમા કર્યો, લાંબી અરજીઓને બદલે ટૂંકાં-સચોટ લખાણનો રિવાજ પાડ્યો.
સાથે જ સત્યનો મહિમા કર્યો, બોલાતા શબ્દોની પાછળ કાર્યોનું વજન મૂકવાનું અનિવાર્ય બનાવ્યું, સવિનય કાનૂનભંગ થકી પોલીસની, મારની અને જેલની બીક લોકોના મનમાંથી નીકળી જાય એવા પ્રયાસ કર્યા.
ગમે તેવા શક્તિશાળી દ્વારા થતો અન્યાય સાંખી ન લેવાય અને તેનો મુકાબલો કરવા માટે હથિયારની જરૂર નથી, અંદરનું બળ પૂરતું છે, એવું સમજાવવાનું શરૂ કર્યું.
રાજકીય સાથે સામાજિકનો સમન્વય
ગાંધીજીની નેતાગીરીની સૌથી મોટી ખૂબી રાજકારણ, ધર્મકારણ અને સમાજકારણનું મિશ્રણ હતી.
ટીકાભાવે તેને 'ભેળસેળ' કહેવી હોય તો પણ કહેવાય. પરંતુ ગાંધીજીના વિચારમાં એ બધું અલગ ન હતું.
એટલે, રાજકીય આઝાદી જેટલી જ તેમને હિંદુ-મુસ્લિમ એકતા પણ વહાલી હતી ને અસ્પૃશ્યતાનિવારણ ઉપર પણ તેમનો એટલો જ ભાર હતો.
તેમના કારણે પહેલી વાર કેવળ ભદ્ર વર્ગની એકલદોકલ મહિલાઓને બદલે, મોટી સંખ્યામાં સ્ત્રીઓ આંદોલનોમાં ભાગ લેતી થઈ.
તેમણે કંઠીબંધા સંસ્થાકીય ધર્મને બદલે, ફરજ અને નૈતિકતાના અર્થમાં, ગરીબો-પીડિતોની સેવાના અર્થમાં ધર્મનો મહિમા કર્યો. એકેય ચળવળ કે આશ્રમ મુહૂર્ત જોવડાવીને શરૂ કર્યાં નહીં. અંધશ્રદ્ધાને સદંતર દૂર રાખી.
'એક વાર રાજકીય આઝાદી આવી જવા દો. પછી સામાજિક પ્રશ્નો હાથમાં લઈશું'-એવો 'વ્યવહારુ' અભિગમ તેમણે ન અપનાવ્યો.
સંઘર્ષના અને રચનાત્મક કાર્યક્રમો સાથે ચલાવ્યા. રેંટિયો-ચરખો અને સત્યાગ્રહો, અંગ્રેજ સરકાર સામે જેલવાસ ને પોતાના લોકો સામે ઉપવાસ—આ બધું સમાંતરે ચાલ્યું.
કોમી એકતા અને અસ્પૃશ્યતા જેવા મુદ્દે પોતાની વાત ચોખ્ખા શબ્દોમાં, પોતાની લોકપ્રિયતા ઘટી જવાની ચિંતા કર્યા વિના મૂકી.
એકથી વધારે વાર જીવ હોડમાં મૂક્યો, પણ પોતાની માન્યતાને વળગી રહ્યા અને સ્વરાજ માટે લોકોને ઘડવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો.
છેલ્લો દાયકો
1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે નહેરુ-સરદાર સહિતના નેતાઓ માનતા હતા કે વિશ્વયુદ્ધ પછી બ્રિટન ભારતને આઝાદી આપવાનું હોય, તો કૉંગ્રેસે વિશ્વયુદ્ધમાં બ્રિટનને ટેકો આપવો.
કૉંગ્રેસ છોડી ચૂકેલા છતાં નૈતિક વજન ધરાવતા ગાંધીજીને એ સદંતર નામંજૂર હતું. તેમની નામંજૂરીથી નહેરુ-સરદાર વગેરે કૉંગ્રેસી નેતાઓ કચવાતા ખરા, પણ અટકતા નહીં. ગાંધીજી પણ તેમને યોગ્ય લાગે તે કરવાનું જ કહેતા.
રાજકીય આઝાદીના મુદ્દે 1942ની 'હિંદ છોડો' ચળવળ છેલ્લી હતી. તે શરૂ થઈ ગાંધીજી અને કૉંગ્રેસની આગેવાની તળે, પણ અંગ્રેજ સરકારે કૉંગ્રેસની આખેઆખી નેતાગીરીને તરત પકડીને જેલમાં પૂરી દીધી.
એટલે લડત પર નેતાગીરીનો કાબૂ ન રહ્યો. ચળવળ અરાજકતામાં ફેરવાઈ અને કશું અસરકારક પરિણામ આણી ન શકી.
દરમિયાન, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન જીત્યું તો ખરું, પણ લોહીલુહાણ થઈને.
યુદ્ધ જીતાડનાર ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષને બ્રિટનના લોકોએ હરાવ્યો અને મજૂર પક્ષની જીત થઈ. ખોખરા થઈ ગયેલા બ્રિટન માટે સંસ્થાનો ટકાવી રાખવાનું અઘરું બન્યું.
જાપાનની કૃપાદૃષ્ટિથી અને સિંગાપોર-પૂર્વ એશિયામાં વસતા ભારતીયોની મદદથી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ લડી તો ખરી, પણ જાપાન હારી જતાં આઝાદ હિંદ ફોજ વિખેરાઈ ગઈ.
તેના ત્રણ મુખ્ય અફસરો પર અંગ્રેજ સરકારે મુકદ્દમો ચલાવ્યો, ત્યારે લોકલાગણી એવી પ્રબળ બની કે તે અફસરો ગુનેગારને બદલે નાયક તરીકે ઉભર્યા.
સુભાષચદ્ર બોઝનાં રોમાંચપ્રેરક પરાક્રમ અને આઝાદ હિંદ ફોજ પાછળ રહેલી ભાવનાની એવી અસર પડી કે અંગ્રેજ સૈન્યમાં રહેલા ભારતીયોમાં વિદ્રોહની ભાવના ફેલાઈ. નૌકાદળના કેટલાક ભારતીય સિપાહીઓએ બળવો પણ કર્યો. બહુમતી ભારતીયોના બનેલા લશ્કર પરનો કાબૂ જતો રહ્યો, તેનાથી પણ અંગ્રેજ સરકારનો ખેલ ખતમ થઈ ગયો.
આ ઘટનાક્રમને ટાંકીને એવું કહેવામાં આવે છે કે ભારતને આઝાદી ગાંધીજીએ નથી અપાવી, પણ આ બધાં કારણથી મળી છે.
ગાંધીજી એ વિશે શું કહેતા હતા?
ગાંધીજીના સમયમાં અને ત્યાર પછી પણ ભારતની આઝાદીનો જશ ગાંધીજીને આપવામાં આવે છે. 'દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ' એવાં ગીતો થકી ગાંધીજીનો મહિમા થયો છે.
પરંતુ ગાંધીજીએ પોતે એવો જશ લીધો નથી. એટલે જ, તેમના ઘણાખરા શિષ્યો અને આખો દેશ 14 ઑગસ્ટ, 1947ની મધરાતે અને 15મી ઑગસ્ટના દિવસે આઝાદીનો જશ્ન મનાવી રહ્યા હતા, ત્યારે ગાંધીજી બંધારણસભામાં તો ઠીક, દિલ્હીમાં પણ હાજર ન હતા.
જીવનના 78માં વર્ષે તે કલકત્તાની કોમી આગ ઠારવા માટે પહોંચ્યા હતા. ત્યાં ન તેમણે ધ્વજવંદન કર્યું, ન કોઈ ઉજવણી.
રામચંદ્ર ગુહાએ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'માં નોંધ્યા પ્રમાણે, 'હિંદુસ્તાન ટાઇમ્સ' અખબારના પ્રતિનિધિએ સ્વતંત્રતા નિમિત્તે સંદેશો આપવાની ગાંધીજીને વિનંતી કરી, ત્યારે તેમણે કહ્યું કે 'મારી પાસે કશું બચ્યું નથી.' (આઇ હેવ રન ડ્રાય)
આઝાદીનાં પાંચેક અઠવાડિયાં પહેલાં, ભાગલા નક્કી થઈ ગયા હતા ત્યારે, ગાંધીજીએ પરિસ્થિતિની કરુણતાનું વર્ણન કરીને કહ્યું હતું, "ગૌરવથી છાતી ફુલાવવાને બદલે આજે ઊંડી આત્મપરીક્ષાનો, અંતરને તપાસવાનો અને પોતાની જાતને કડક દંડ દેવાનો પ્રસંગ છે."
"છેલ્લાં ત્રીસ વરસની સ્વતંત્રતાની લડતના પ્રમુખ સૂત્રધાર તરીકે આજે મારું અંતર, અંતરને વલોવી નાખનારા સવાલોથી ઊભરાય છે."
આમ, તે પોતાની જાતને 'ત્રીસ વરસની સ્વતંત્રતાની લડતના પ્રમુખ સૂત્રધાર'થી વિશેષ ગણતા ન હતા અને તેમની માનસિકતા જે આઝાદી આવી તેનો જશ લેવાની નહીં, પણ તેના વિશે 'ઊંડી આત્મપરીક્ષા' કરવાની હતી. (6-7-47, 'બિહાર પછી દિલ્હી', મનુબહેન ગાંધી)
સ્વતંત્રતા દિવસના અઠવાડિયા પહેલાં પટણામાં તેમણે કહ્યું હતું, "પંદરમી તારીખ એ તો આપણી પરીક્ષાનો દિવસ છે."
"કોઈએ તોફાન નથી કરવાનું. તેમ આ સ્વરાજ કંઈ દીવાબત્તી કે રોશની મનાવવા જેવું નથી આવ્યું. આજે આપણી પાસે અનાજ, કપડાં, ઘી, તેલ ક્યાં છે? એટલે એનો ઉત્સવ શો ઉજવવો? તે દિવસે તો ઉપવાસ, રેંટિયો, અને ઇશ્વરની પ્રાર્થના જ કરવાની." (8-8-1947, 'કલકત્તાનો ચમત્કાર', મનુબહેન ગાંધી)
મનુબહેન ગાંધીએ નોંધ્યા પ્રમાણે, 15મી ઑગસ્ટે ગાંધીજી સવારે (અડધી રાતે) બે વાગ્યે ઉઠી ગયા.
મહાદેવભાઈની મૃત્યુતારીખ 15 ઑગસ્ટ હતી. એટલે પ્રાર્થના પછી ગીતાપારાયણ કર્યું, આખો દિવસ મુલાકાતીઓ-દર્શનાર્થી ટોળાંનો ધસારો રહ્યો.
સાંજે સાડા પાંચ વાગ્યે પ્રાર્થના માટે ગયા. આઠેક વાગ્યે પાછા ફર્યા પછી મુસ્લિમ નેતા સુહરાવર્દી ગાંધીજીને કલકત્તાની રોશની અને તેનું હિંદુ-મુસ્લિમ ઐક્ય બતાવવા લઈ ગયા.
વિશ્લેષણ
ગાંધીજીનું સૌથી ચિરંજીવ પ્રદાન ઉપર વિગતવાર નોંધ્યું છે તેમ, ભારતીયોને અને વિશ્વને એક જુદો રસ્તો દેખાડવાનું અને ભલે થોડા સમય માટે પણ એ રસ્તે દોરવાનું હતું, યુદ્ધગ્રસ્ત-હિંસાગ્રસ્ત વિશ્વને એક સેવવાલાયક અને યથાશક્તિ અનુસરવાલાયક આદર્શ આપવાનું હતું.
શોષિત-પીડિત વર્ગને, સ્ત્રીઓને અને અસ્પૃશ્યોને મુખ્ય ધારામાં મૂકવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવાનું હતું.
આઝાદીના આંદોલનમાં તેમણે આપેલી દોરવણી ઉપરાંત આ બધાં કારણસર તેમને રાષ્ટ્રપિતા ગણવામાં આવ્યા.
૩ ઑક્ટોબર, 1949ના રોજ ન્યૂ યૉર્કમાં ઇન્ડિયા લીગ ઑફ અમેરિકા દ્વારા એક સમારંભ યોજાયો.
તેમાં ગાંધીજીનું ચરિત્ર લખી રહેલા વિખ્યાત લેખક લુઈ ફિશરે કહ્યું હતું કે 'ગાંધીજીને આધુનિક ભારતના મુક્તિદાતા ગણાવવા એ 3તો તેમની નાનામાં નાની સિદ્ધિઓમાંની એકને સ્પર્શવા જેવું કહેવાય.
ગાંધીજીની મહાનતા એ બાબતમાં હતી કે કોઈપણ સરકારી હોદ્દાની 'સત્તા' વિના, ઇશ્વર કે ધર્મનો ઉપદેશ આપ્યા વિના, તેમણે વ્યક્તિના અંતરાત્માને ઢંઢોળીને આધુનિક વિશ્વને દોર્યું. તેમની પાસે (રાજકીય-ધાર્મિક) સત્તા કરતાં પણ કંઈક વિશેષ હતું...નૈતિક સત્તા." (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, 4-10-1949)
વર્તમાનમાં વિચારવાના મુદ્દા
'ગાંધીજીએ કંઈ આઝાદી નથી અપાવી'-એમ કહેતી વખતે અને તેને ઐતિહાસિક રીતે સાચું સાબિત કરતી વખતે, ગાંધીજીએ આઝાદીની લડાઈ નિમિત્તે કેવાં પરિવર્તનો આણ્યાં અને રચના-સંઘર્ષની દિશામાં કેવાં કામ કર્યાં તે જાણવું જોઈએ.
સાથોસાથ, રાજકીય આઝાદીનો સઘળો જશ ગાંધીજીને આપનારા લોકોએ છેલ્લા દાયકાનો ઘટનાક્રમ પણ સમજવો જોઈએ.
તેને નજરઅંદાજ કરીને 'ગાંધીજીએ જ રાજકીય આઝાદી અપાવી હતી' એવું રટણ કરવાથી ગાંધીજીના માર્ક વધવાના નથી અને છેલ્લા દાયકાનો ઘટનાક્રમ ધ્યાનમાં લેવાથી ગાંધીજીના માર્ક ઘટવાના નથી.
(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં આ તેઓ લખી રહ્યા છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવે છે. )
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો