અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને કારણે ભારત પર શું અસર થશે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર જેટલી ઝડપથી તાલિબાને કબજો કર્યો, એનું અનુમાન કદાચ કેટલાય દેશો અને ખુદ અફઘાનિસ્તાનની સરકારે પણ નહીં લગાવ્યું હોય.

કેમ કે એક દિવસ પહેલાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘની દેશવાસીઓને વીડિયો સંદેશથી સંબોધિત કર્યા અને બીજા દિવસે દેશ છોડીને ભાગી જાય એ સામાન્ય બાબત નથી. અમેરિકાએ પણ તેનું દૂતાવાસ બંધ કરીને તેમના લોકોને ત્યાંથી બહાર કાઢવા જહેમત ઉઠાવી છે.

આવી સ્થિતિમાં અફઘાનની ઘની સરકાર અને અમેરિકાનું સાથી ભારત ખુદને એક વિચિત્ર પરિસ્થિતિમાં અનુભવી રહ્યું છે.

જ્યાં એક તરફ ચીન અને પાકિસ્તાન તાલિબાન સાથેની તેમની મિત્રતાને લીધે કાબુલમાં ઘટેલા નવા ઘટનાક્રમથી નિશ્ચિંત છે, પરંતુ ભારત હાલ તેના લોકોને ત્યાંથી બહાર કાઢી રહ્યું છે.

તાલિબાનને ભારતે ક્યારેક સત્તાવાર માન્યતા આપી નથી, પણ આ વર્ષે જૂનમાં બન્ને વચ્ચે 'બૅકચૅનલ વાતચીત'ના અહેવાલ ભારતીય મીડિયામાં આવ્યા હતા. ભારત સરકારે 'અલગ-અલગ સ્ટૅકહોલ્ડરો' સાથે વાતચીતનું નિવેદન જાહેર કર્યું હતું, જેથી મામલો વધુ બીચકે નહીં.

પરંતુ કોણે વિચાર્યું હતું કે બધું આટલા ઝડપથી થઈ જશે. કાબુલની તાજા સ્થિતિ વચ્ચે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું ભારત પણ આવી જ રણનીતિ અપનાવશે? આજની તારીખનો આ સૌથી મોટો સવાલ છે.

તાલિબાન અને ભારતના સંબંધો

તાલિબાન સાથે સીધી વાતચીત શરૂ ન કરવા માટે ભારતના કારણો એ રહ્યાં છે કે ભારત અફઘાનિસ્તાનમાં ભારતીય મિશનો પર થયેલા હુમલામાં તાલિબાનને જવાબદાર માનતું હતું.

ભારતમાં 1999માં IC-814 વિમાનના અપહરણની ઘટનાની વાત અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર, અહમદ ઝરગર અને શેખ અહમદ ઉમર સઇદને છોડવાનો ઘટનાક્રમ આજે પણ તાજો હોય, એમ જણાય છે.

વળી અફઘાન સરકાર સાથે ભારતના સંબંધો ઐતિહાસિક દૃષ્ટિએ મધુર રહ્યા છે. આથી જો તાલિબાન સાથે વાતચીત થાય તો તે સંબંધો પણ બગડી શકતા હતા, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

હવે આ નવા ઘટનાક્રમ પછી ભારત શું કરશે? આ મામલે સરકાર તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.

વાસ્તવિકતા એ છે કે ભારતે અફઘાનિસ્તાનમાં પુનઃનિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં લગભગ ત્રણ અરબ અમેરિકી ડૉલરનું રોકાણ કર્યું છે. સંસદથી લઈને સડક સુધી અને ડૅમ પણ બનાવ્યા છે. કેટલાય પ્રોજેક્ટમાં ઘણા ભારતીય પ્રોફેશનલ્સ કામ પણ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં લગભગ 1700 ભારતીયો રહે છે. ગત કેટલાક દિવસોમાં ઘણા લોકોએ અફઘાનિસ્તાન છોડી દીધાના સમાચાર પણ આવ્યા છે. એ સિવાય લગભગ 130 મુસાફરો સાથે એક ઍર ઇન્ડિયાનું વિમાન રવિવારે ભારત પરત ફર્યું હતું.

તથા મંગળવારે એક વિમાન ગુજરાતના જામનગર ઍરફૉર્સ બૅઝ પર કેટલાક ભારતીયોને લઈને પહોંચ્યું હતું. સમાચાર અનુસાર કાબુલ ઍરપૉર્ટ પરથી તમામ કૉમર્શિયલ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે.

ભારત હવે આગળ શું કરી શકે છે?

શાંતિ મૅરિયટ ડિસૂઝા કૌટિલ્ય સ્કૂલ ઑફ પબ્લિક પૉલિસીના પ્રોફેસર છે. અફઘાનિસ્તાનમાં તેમણે કામ કર્યું છે અને હવે તેના પર પીએચડી પણ કર્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. ડિસૂઝા કહે છે,"ભારત આ વાસ્તવિકતાને સમજી લે કે હવે તાલિબાનનો કાબુલ પર કબજો થઈ ગયો છે અને જલદી જ અફઘાનિસ્તાનમાં તે સત્તા સંભાળી લેશે."

"આથી ભારત પાસે બે માર્ગ છે. એક કે તે અફઘાનમાં રહે અથવા તો પછી બધું બંધ કરીને 90ના દાયકાવાળી ભૂમિકામાં આવી જાય."

"જો બીજો રસ્તો અપનાવશે તો ત્યાં છેલ્લે બે દાયકામાં તેણે જે ત્યાં કર્યું છે તે બધું જ ખતમ થઈ જશે."

ડૉ. ડિસૂઝા વધુ કહે છે, "મને લાગે છે કે ભારતે પહેલા પગલા તરીકે તાલિબાન સાથે વાતચીતનો વચલો માર્ગ અપનાવવો જોઈએ."

"જેથી અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતની જે ભૂમિકા રહી છે, તેને પ્રતીકાત્મક અથવા ઓછા સ્તરે તે આગળ ધપાવતું રહી શકે."

તેઓ કહે છે કે "તમામ ભારતીયોને ત્યાંથી બહાર કાઢી લેવાથી ભારતને વધુ ફાયદો નહીં થશે."

"ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયથી કોઈને ખાસ ફાયદો નથી થવાનો. પોતાની વાત પાછળ તેઓ તર્ક પણ આપે છે."

ડૉ. ડિસૂઝાના કહેવા અનુસાર, "એવું એટલા માટે કેમ કે 15 ઑગસ્ટ પૂર્વ સુધી એવું માનવામાં આવતું હતું કે અફઘાનમાં કોઈ વચગાળાની સરકાર સત્તામાં આવશે, પણ રવિવાર બાદ ત્યાંની સ્થિતિ એકદમ બદલાઈ ચૂકી હતી."

"તાલિબાનના રસ્તામાં કોઈ અવરોધ નથી દેખાઈ રહ્યો. 1990માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું અને ભારતે પોતાના દૂતાવાસ બંધ કરી દીધા હતા ત્યાર પછી ભારતે કંધાર વિમાન અપહરણકાંડ જોવો પડ્યો હતો."

"ભારતવિરોધી દળોનું વિસ્તરણ પણ ભારતે જોયું. વર્ષ 2011માં ભારતે અફઘાનિસ્તાને સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યો હતો, જેમાં દરેક અફઘાનિસ્તાનને તમામ રીતે ટેકો આપવાની વાત કહેવામાં આવી હતી."

તાલિબાનના વલણમાં બદલાવ

કાબુલ પર કબજો કર્યા બાદ અત્યાર સુધી કોઈ મોટા કત્લેઆમના અહેવાલ સામે નથી આવ્યા.

જોકે તાજેતરના સમયમાં તાલિબાન તરફથી ભારતવિરોધી નિવેદન નથી આપ્યા. તાલિબાન અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની ભૂમિકાને ક્યારેય નકારાત્મક નથી કહેતું.

તાલિબાનમાં એક જૂથ એવું પણ છે જો ભારત પ્રત્યે સહયોગવાળું વલણ ધરાવે છે.

જ્યારે આર્ટિકલ 370નો મુદ્દો ઉઠ્યો તો પાકિસ્તાને તેને કાશ્મીર સાથે જોડ્યું, પરંતુ તાલિબાને કહ્યું કે તેમને એનાથી કોઈ પરવાહ નથી કે ભારત કાશ્મીરમાં શું કરે છે.

કાબુલ પર કબજો કર્યા બાદ અત્યાર સુધી કોઈ મોટા કત્લેઆમના અહેવાલ સામે નથી આવ્યા.

જોકે આંતરરાષ્ટ્રીય સ્તર પર એ વાત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તાલિબાની શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનમાં વધારે મુશ્કેલીઓ આવશે.

પરંતુ બીબીસી સાથેની વાતચીતમાં તાલિબાનના પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું કે મહિલાઓ અભ્યાસ અને કામ કરી શકશે. તેમને તેની છૂટ હશે.

આથી શક્ય છે કે તાલિબાન 2.0 તાલિબાન 1.0થી અલગ હશે, પરંતુ તાલિબાને ચહેરો બદલ્યો છે કે અરીસો - એ વિશે નિષ્ણાતોમાં મતમતાંતર છે.

ભારત ઉતાવળ નહીં કરે

પ્રોફેસર હર્ષ. વી. પંત નવી દિલ્હીસ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં સામરિક અધ્યયન કાર્યક્રમના પ્રમુખ છે.

તેમના અનુસાર, "ભારતની પ્રાથમિકતા હજુ પણ પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની હશે. ત્યાર બાદ ભારત જોશે કે તાલિબાનનું વલણ આગામી દિવસોમાં કેવું રહેશે?"

"વિશ્વના અન્ય દેશો તાલિબાનને ક્યારે અને કેવી રીતે માન્યતા આપે છે અને તાલિબાન વૈશ્વિક સ્તર પર કઈ રીતે પોતાની જગ્યા બનાવે છે?"

"ભારત તાલિબાન સાથે તમામ વાતચીત શરૂ કરી શકે છે, જ્યારે તાલિબાન પણ વાતચીત માટે સંમત હોય. મીડિયામાં તાલિબાનના નિવેદન અને જમીની સ્તરેની વાસ્તવિકતામાં તફાવત ન હોય."

"તાલિબાન ભલે કહે છે કે તેઓ કોઈ સામે બદલો નહીં લેશે, કોઈને મારશે નહીં, પરંતુ જે પ્રાંતને રવિવારે પહેલા તેમણે પોતાના કબજામાં લીધો ત્યાંથી જે સમાચારો આવ્યા, તેનાથી લાગે છે કે તેમના કહેવા અને કરવામાં ઘણો તફાવત છે."

"ધરાતલ તેમનો એ જૂનો અવતાર જ સક્રિય અને કાયમ છે."

પ્રોફેસર પંત કહે છે, "મીડિયામાં આ વાતો એટલે કહેવામાં આવે છે કે કેમ કે તેમને વૈશ્વિક સ્વિકૃતિ જોઈએ છે."

"છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાનના પ્રતિનિધિ ચીન ગયા હતા. ત્યાં તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવું દેખાવવું જોઈએ એની સલાહ મળી જ હશે."

"પરંતુ બ્રિટન, અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના પ્રારંભિક સંકેતો તાલિબાન માટે ઉત્સાહજનક નથી."

"અમેરિકાના રાષ્ટ્રપતિને જે રીતે અફઘાનની સ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે પશ્ચિમી દેશ તાલિબાનને વહેલાસર માન્યતા નહીં આપે."

"વળી રહી વાત ભારતની, તો પાડોશી દેશમાં જ્યારે પણ સરકાર બદલાય છે તો ભારત તેમની સાથે વાતચીત કરે જ છે. અફઘાન પણ ભારત આવું કરશે, પરંતુ સમય આવશે ત્યારે કરશે."

"એ સમય ત્યારે આવશે જ્યારે ભારત જેવી વિચારસરણી ધરાવતો અન્ય દેશ તાલિબાનને માન્યતા આપવા આગળ આવશે."

"જો તાલિબાન 2.0 તાલિબાન 1.0 જેવું જ છે, તો ભારતને તાલિબાન સાથે વાતચીત કરવાથી કોઈ ફાયદો નહીં થશે."

પ્રો. પંત ઉમેરે છે, "તાલિબાન સાથે વાતચીત કરવા માટે ભારત રશિયાની મદદ લઈ શકે છે જેથી ભારતના હિતોની સુરક્ષા અફઘાનિસ્તાનમાં થઈ શકે."

"ત્યાર બાદ સાઉદી અરેબિયા અને યુએઈ પર પણ ભારતની નજર ટકેલી છે કે તે આગળ શું કરે છે. 1990માં પાકિસ્તાન, યુએઈ અને સાઉદી અરેબિયાએ પણ તાલિબાનને સૌથી પહેલા માન્યતા આપી હતી."

ભારત માટે પડકારો

તાલિબાનનો ઉદય 90ના દાયકામાં થયો જ્યારે અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘની સેના પરત જઈ રહી હતી. માનવામાં આવે છે કે પહેલા ધાર્મિક મદરસાઓમાં તાલિબાન આંદોલને માથુ ઉંચક્યું હતું.

આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરવામાં આવતો હતો. બાદમાં તે પશ્તૂન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપના સાથે સાથે શરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા.

તેથી પ્રોફેસર પંતનું માનવું છે કે તાલિબાનનું અફઘાનિસ્તાનમાં શાસન ચલાવવાનું કોઈ મૉડલ નથી. તેમની પોતાની એક કટ્ટરપંથી વિચારધારા છે, જેને તેઓ લાગુ કરવા માગે છે.

તેઓ કહે છે કે અત્યાર સુધી તેમનો એજન્ડા હતો, અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી હઠાવવું, જેમાં તે સફળ રહ્યું છે. પરંતુ ત્યાર બાદ પણ તેમના તમામ જૂથોમાં એકતા બની રહેશે એ કહેવું મુશ્કેલ છે.

જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં નવી રાજકીય વ્યવસ્થાની પ્રક્રિયા શરૂ ન થઈ જાય, ત્યાં સુધી કંઈક કહેવું મુશ્કેલ છે.

ભારત ઇચ્છશે કે તેમાં નૉર્ધન અલાયન્સની ભૂમિકા રહે. પરંતુ તાલિબાનનની પ્રાથમિકતા શરિયા કાનૂન લાગુ કરવાની રહેશે, નહીં કે પાડોશી દેશો સાથે સંબંધો બનાવવાની. એવામાં ભારત અને તાલિબાન વચ્ચે વિચારધારાનો ટકરાવ થઈ શકે છે.

ત્યાં ડૉ. ડિસૂઝા કહે છે કે તાલિબાને કાબુલ પર કબજો કરી લેતા ભારત સામે ત્રણ સ્તરે પડકારો રહેશે. પહેલો પડકાર સુરક્ષા મામલેનો છે.

તાલિબાન સંબંધિત આતંકવાદી જૂથ જૈશ, લશ્કર અને હક્કાની નેટવર્કની ભૂમિકા અત્યાર સુધી ‘ભારત વિરોધી’ છે.

બીજું મધ્ય એશિયામાં વેપાર, કનેક્ટિવિટી અને આર્થિક વિકાસના મામલે સમસ્યાઓ સર્જાઈ શકે છે. અફઘાનિસ્તાનની લૉકેશન પણ એવી જ છે.

ત્રીજો પડકાર ચીન અને પાકિસ્તાનનો છે. જેઓ પહેલાથી જ તાલિબાન સાથે સારો સંબંધ ધરાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો