You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓબીસીની યાદી નક્કી કરવાનો હક રાજ્યને આપવાથી ભાજપને ફાયદો કે વિપક્ષ ફાવી ગયો?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
કોઈ બિલને પસાર કરવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે કોઈ પ્રકારનો વાદ-વિવાદ ન થાય અને તે સર્વસંમતિથી પસાર થઈ જાય તેવું જવલ્લે જ બને છે.
એમાં પણ સરકાર અને વિપક્ષ વચ્ચે સંસદમાં જ્યારે ભારે ઘર્ષણ થઈ રહ્યું હોય ત્યારે તો આવું બનવું વધારે મુશ્કેલ બની જાય છે.
10 ઑગસ્ટની સાંજે લોકસભામાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો, જ્યારે સંસદના નીચલા ગૃહમાં 127મા બંધારણીય સુધારા માટેનું બિલ સર્વસંમતિથી પસાર કરી દેવાયું.
આ બિલનો મુખ્ય ઉદ્દેશ અન્ય પછાતવર્ગ (ઓબીસી)માં સમાવવા માટે જાતિઓની ઓળખ કરવાની અને તેને નૉટિફાઇ કરવાની શક્તિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવાનો હતો.
કેન્દ્ર સરકાર પ્રમાણે રાજ્યોની શક્તિ બહાલ કરવાનો લાભ સીધેસીધો રાજ્યોની યાદીમાં સમાવિષ્ટ એવી જાતિઓને થશે, જેનો ઓબીસીનો દરજ્જો અગાઉની જોગવાઈના કારણે છીનવાઈ જવાનો ખતરો હતો. આવી જાતિઓની સંખ્યા 671 છે.
વર્ષ 2022ની શરૂઆતમાં જ ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ બિલ સર્વસંમતિથી પસાર થયું.
એનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે કોઈ પણ રાજકીય પાર્ટી ઓબીસીની યાદીના મતદારોને નારાજ કરવા નથી માગતી.
ઓબીસી સાથે સંકળાયેલો નવો સુધારો શું છે?
વર્ષ 2018માં સંસદે બંધારણમાં 102મો સુધારો કર્યો હતો, જેમાં બંધારણમાં ત્રણ નવા અનુચ્છેદ સામેલ કરાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા અનુચ્છેદ 338-બી દ્વારા રાષ્ટ્રીય પછાતવર્ગપંચ નીમવામાં આવ્યું. આવી જ રીતે એક નવો અનુચ્છેદ 342-એ સામેલ કરવામાં આવ્યો, જે અન્ય પછાતવર્ગની કેન્દ્રીય યાદી સાથે સંબંધિત છે.
ત્રીજો નવો અનુચ્છેદ 366(26સી) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોને વ્યાખ્યાયિત કરે છે.
આ અધિનિયમ પસાર થયા બાદ એ પ્રશ્ન ઊઠે છે કે શું બંધારણમાં કરાયેલ સુધારાનો અર્થ એ છે કે ઓબીસીની એક કેન્દ્રીય યાદી હશે જે પ્રત્યેક રાજ્ય માટે ઓબીસીમાં આવતી જાતિઓનું નામાંકન કરશે?
આ અધિનિયમે એક એવી સ્થિતિ સર્જી જેમાં રાજ્યોની ઓબીસીની પોતાની યાદી તૈયાર કરવાની અને જાળવી રાખવાની શક્તિ અંગે ભ્રમ સર્જાયો.
આ વર્ષે 5 મેના રોજ મરાઠા સમુદાયને અલગ અનામત આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને રદ કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણમાં 2018ના સુધારા બાદ માત્ર કેન્દ્ર સરકાર જ જે-તે સમુદાયને ઓબીસી તરીકે નૉટિફાઇ કરી શકે છે અને રાજ્ય સરકારો પાસે આ અધિકાર નથી.
સંસદમાંથી પસાર કરાયેલ તાજેતરના સંશોધનનો ઉદ્દેશ આ બાબત અંગે જ સ્પષ્ટતા કરવાનો છે કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની ઓબીસીની યાદી તૈયાર કરવા અને જાળવી રાખવાનો અધિકાર છે.
સરકારનું કહેવું છે કે આવું "આ દેશના સંઘીય માળખાને જાળવી રાખવા માટે" કરાયું છે.
'ઓછી વસતિ ધરાવતી જાતિઓને લાભ થશે'
બીબીસીએ અલાહાબાદસ્થિત 'ગોવિંદ બલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાન'માં પ્રોફેસર બદરી નારાયણ સાથે આ અંગે વાત કરી.
પ્રોફેસર નારાયણ જણાવે છે કે નવો અધિનિયમ "એક યોગ્ય નિર્ણય છે જે લોકશાહીને મજબૂત કરશે." કારણ કે "નિર્ણય લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરાયું છે."
તેઓ કહે છે કે, "રાજ્ય જનતાની વધુ નિકટ હોય છે. એ સમુદાય જે ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ થવાની ઇચ્છા ધરાવે છે, તેમના વિશે રાજ્યો પાસે વધુ જાણકારીઓ અને આંકડા હોય છે."
"આ કાયદાની સામાજિક અસર કંઈક એવી થશે કે ઘણી બધી ઓછી વસતિ ધરાવતી જાતિઓ, જેઓ વિકાસમાં ઘણી પાછળ રહી ગઈ છે, તેઓ હવે ઓબીસીની યાદીમાં સામેલ થશે અને તેમને ઘણા લાભ થશે."
પ્રોફેસર બદરી નારાયણ કહે છે કે જો વધુ પ્રભાવ ધરાવતી જાતિઓ ઓબીસીની યાદીમાં સમાવિષ્ટ થશે તો એ જોવું પડશે કે તેમને તો ફાયદો થશે જ પરંતુ ક્યાંક તેમને ઓબીસીમાં સામેલ કરવાનું નુકસાન અન્ય કોઈ જાતિએ ન ભોગવવું પડે.
તેમના અનુસાર એ વાતનો ખ્યાલ રાખવો પડશે, કારણ કે પ્રભાવશાળી જાતિઓ વધુ સારી રીતે સ્પર્ધા કરવા માટે સક્ષમ છે.
અનામત પર 50 ટકાની મર્યાદાનો મુદ્દો
સંસદમાં પસાર થયેલા કાયદાએ રાજ્યોની ઓબીસીની યાદી બનાવવાની શક્તિ ભલે બહાલ કરી દીધી છે પરંતુ વિપક્ષની માગ છે સરકાર કાનૂની પગલાં લઈને અનામત પરની 50 ટકાની સીમાને સમાપ્ત કરે.
10 ઑગસ્ટના રોજ 127મા બંધારણીય સુધારાના બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી વીરેન્દ્રકુમારે લોકસભામાં કહ્યું કે લોકસભાના સભ્યોએ અનામતની મર્યાદા 50 ટકા કરતાં વધારવાની માગ કરી છે, તે અંગે સતર્કતાપૂર્ણ તપાસ કરવાની જરૂર છે, કારણ કે તેમાં બંધારણીય મુદ્દા સામેલ છે.
આ બિલ પર થયેલ ચર્ચામાં ઘણા સાંસદોએ કહ્યું કે બંધારણીય સુધારા દ્વારા કેન્દ્ર માત્ર પોતાની એ ભૂલ સુધારવા જઈ રહ્યું છે જે 102મા બંધારણીય સુધારા દરમિયાન રાજ્યોની શક્તિઓને છીનવીને તેણે કરી હતી.
આ નવા અધિનિયમના ટીકાકારોનું કહેવું છે કે આ માત્ર એક રાજકીય નિર્ણય છે જેનાથી સમુદાયોને ઓબીસીનો દરજ્જો આપીને અનામત આપવાની વાત રાજ્યોના અધિકારક્ષેત્રમાં આવી જશે.
રાજ્ય અનામતની 50 ટકાની સીમા ન તોડી શકવાના કારણે કેન્દ્ર આ સીમાને સમાપ્ત કરે તેવી માગણી બળવત્તર બનતી જઈ રહી છે.
હાલના નિર્દેશો અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા અખિલ ભારતીય સ્તરની ભરતીઓમાં અનુસૂચિત જાતિ (એસસી)ને 15 ટકા અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને 7.5 અને અન્ય પછાતવર્ગ (ઓબીસી)ને 27 ટકા અનામત અપાય છે.
જાહેર સ્પર્ધા સિવાય અખિલ ભારતીય સ્તરે સીધી ભરતીમાં અનુસૂચિત જાતિઓ માટે 16.66 ટકા, અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા અને ઓબીસી માટે 25.84 ટકા અનામત નક્કી કરાઈ છે.
ગમે તે સ્થિતિમાં રાજ્યોને અનામત આપતી વખતે 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર નથી. જ્યારે પણ રાજ્યોએ આ મર્યાદા ઓળંગી છે ત્યારે ન્યાયાલયે તે નિર્ણયોને રદ કર્યા છે.
ઓબીસીનો દરજ્જો અને રાજ્ય સરકારો
પાછલાં અમુક વર્ષોમાં દેશનાં ઘણાં રાજ્યોમાં સમુદાયોએ ઓબીસીમાં સામેલ થવા માટેની માગણી ઉઠાવી છે. આ માગોનો મુખ્ય ઉદ્દેશ ઓબીસી અનામત મેળવીને નોકરીઓ હાસલ કરવાનો જ છે.
હરિયાણામાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં પટેલ અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકો દ્વારા પાછલાં અમુક વર્ષોમાં ઓબીસીમાં સામેલ કરવા માટે ઉઠાવાયેલ માગણી ઘણી ચર્ચામાં રહી છે.
આ પૈકી ઘણા સમુદાયોએ તો ઓબીસીમાં સામેલ થવાની માગણીને લઈને હિંસક સંઘર્ષનો રસ્તો પણ અખત્યાર કર્યો હતો.
ઘણા સમુદાયોની ઓબીસીની યાદીમાં સામેલ થવાની માગની યોગ્યતા અંગે પણ પ્રશ્નો ઊઠતા રહ્યા છે.
ઉદાહરણ તરીકે જાટ સમુદાયને દેશના એક સમૃદ્ધ અને પ્રભાવશાળી સમુદાય તરીકે જોવામાં આવે છે અને ઘણી વખત એ વાત પણ ઊઠે કે શું તેમને પછાતવર્ગ ગણી શકાય કે કેમ? તેમ છતાં જાટ ઘણાં રાજ્યોની ઓબીસીની યાદીમાં સામેલ છે.
આ પ્રકારના તર્ક પટેલ અને મરાઠા સમુદાયના લોકોને ઓબીસીમાં સામેલ કરવાની વિરુદ્ધ આપવામાં આવે છે.
વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે જાટ સમુદાયને નવ રાજ્યોમાં ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો.
સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "જાતિ" અને "ઐતિહાસિક અન્યાય" જે-તે સમુદાયને પછાત વર્ગનો દરજ્જો આપવાનાં કારણ ન હોઈ શકે.
જાતિઆધારિત વસતિગણતરી
રાજ્યોની ઓબીસીની યાદી તૈયાર કરવાની શક્તિઓ બહાલ થવાની સાથે જાતિઆધારિત વસતિગણતરી કરાવવાની માગણીએ જોર પકડ્યું છે, કારણ કે દેશમાં ઓબીસી શ્રેણીમાં આવનારા લોકો વિશે કોઈ પણ જાતના આધિકારિક આંકડા ઉપલબ્ધ નથી.
2018માં ગૃહમંત્રાલયે કહ્યું હતું કે વર્ષ 2021માં થનારી વસતિગણતરીમાં ઓબીસી શ્રેણી અંગેનો ડેટા એકત્રિત કરાશે, પરંતુ વર્ષ 2019માં ગૃહમંત્રાલયના અમુક અધિકારીઓના હવાલાથી સમાચાર મળ્યા કે આવો કોઈ નિર્ણય કરાયો નથી.
20 જુલાઈના રોજ સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે સરકારે એક નીતિઆધારિત નિર્ણય હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય અન્ય જાતિઓ અંગે વસતિગણતરીમાં માહિતી એકઠી ન કરવાનો નિર્ણય કર્યો છે.
કોવિડ-19 મહામારીના પ્રકોપના કારણે આ વર્ષે થનારી વસતિગણતરીની પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવાઈ છે.
સમાજવાદી પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટી જેવાં ક્ષેત્રીય દળો સાથે એનડીએના પોતાના સહયોગી પક્ષ જેમ કે જનતા દળ (યુ) અને અપના દળ જાતિઆધારિત વસતિગણતરીની માગણી કરી રહ્યાં છે.
ડીએમકે જેવી પાર્ટીઓ માગણી કરી રહી છે કે સરકારે વર્ષ 2011માં આયોજિત સામાજિક-આર્થિક જાતિ વસતિગણતરી(એસઈસીસી)ના ડેટા જારી કરવા જોઈએ.
રાજકીય અસર
આ મુદ્દે જે પ્રમાણે તમામ રાજકીય દળો એક સાથે આવી ગયાં, તેના પરથી સ્પષ્ટ છે કે આ પ્રકરણના રાજકીય મહત્ત્વની અવગણના ન કરી શકાય.
હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર બાદ મોદી સરકારમાં 27 મંત્રી ઓબીસી વર્ગના છે. તેઓ પૈકી પાંચ તો કૅબિનેટ મંત્રી છે. ભાજપ આ વાતનો લાભ લેવાની તૈયારીમાં છે.
11 ઑગસ્ટના રોજ ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ઓબીસી પૃષ્ઠભૂમિથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરાયેલા મંત્રીઓને એક મોટા આયોજન અંતર્ગત અભિનંદન પાઠવ્યાં.
સમાચારો પ્રમાણે ઓબીસી શ્રેણીમાં કેન્દ્રીય મંત્રીઓને "લોકોના આશીર્વાદ મેળવવા માટે" આ મહિને જ એક આશીર્વાદયાત્રા કાઢવા માટે કહેવાયું છે.
આ યાત્રા દ્વારા આ મંત્રીઓને પછાત જાતિઓના હિતમાં મોદી સરકારે જે કામ કર્યાં છે અને તેનાં વખાણ કરવાનાં રહેશે.
પ્રોફેસર નારાયણ કહે છે કે, "જે રાજકીય દળો જાતિઓને ઓબીસીનો દરજ્જો આપશે તેને તેનો લાભ થશે. જો ભાજપ આવું કરશે તો તેને પણ લાભ થશે. પરંતુ અન્ય પાર્ટીઓ પણ આમાં તક શોધશે, કારણ કે તેઓ આ માગણી સાથે પોતાની જાતને સાંકળીને રાખે છે."
"ઘણા રાજકીય પક્ષો પણ ઓબીસી વર્ગમાં પોતાના સમર્થનનો આધાર બનાવા ઇચ્છશે. તમામ માટે આ એક રાજકીય તક બનશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો