You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં તાલિબાને કહ્યું 'જો પશ્ચિમી સંસ્કૃતિ નહીં છોડે તો તેમની હત્યા કરવી પડશે' - BBC Exclusive
- લેેખક, સિકંદર કિરમાણી
- પદ, બીબીસી સંવાદદાતા, બલ્ખ, અફઘાનિસ્તાન
અમે જે તાલિબાન લડવૈયાઓને મળ્યા તેઓ અફઘાનિસ્તાનના સૌથી મોટાં શહેરો પૈકીના એક મઝાર-એ-શરીફથી માત્ર 30 મિનિટના અંતરે આવેલા વિસ્તારમાં હાજર છે.
તેમણે યુદ્ધમાં જિતેલી કેટલીક સામગ્રી અમને દેખાડી હતી. તેમાં એક સૈનિક વાહન (હમવી), બે પિક-અપ વાન અને અનેક શક્તિશાળી મશીનગન્સનો સમાવેશ થાય છે.
ઐનુદ્દીન પહેલાં એક મદરેસામાં વિદ્યાર્થી હતા પરંતુ હવે તેઓ સ્થાનિક સૈન્યના કમાન્ડર છે. ઐનુદ્દીન તેમના ભાવવિહોણા ચહેરા સાથે હથિયારોથી સજ્જ લોકોની ભીડ વચ્ચે ઊભા છે.
આંતરરાષ્ટ્રીય સૈનિકોની વાપસી પછી તાલિબાન લડવૈયા દરરોજ નવા-નવા વિસ્તારોને પોતાના તાબામાં લઈ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જે લોકો પર ઘટનાઓનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે તે સ્થાનિક લોકો છે અને તેઓ ખૂબ ભયભીત છે.
તાજેતરમાં લાખો અફઘાન લોકોએ તેમનાં ઘર છોડી દીધાં છે. સેંકડો લોકો માર્યા ગયા છે અથવા તો ઘાયલ થયા છે.
મેં ઐનુદ્દીનને સવાલ કર્યો હતો કે તમે જેમના માટે લડાઈ લડવાનો દાવો કરી રહ્યા છો એ લોકો પારાવાર પીડાનો સામનો કરી રહ્યા છે ત્યારે તમે હિંસાને કઈ રીતે વાજબી ઠરાવશો?
ઐનુદ્દીને કહ્યું હતું, "આ લડાઈ છે. તેથી લોકો મરી રહ્યા છે."
તેમના જણાવ્યા મુજબ, "સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય એવા પ્રયાસ તાલિબાન કરી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'કાબુલમાં કઠપૂતળી સરકાર'
આ લડાઈ તો તાલિબાને જ શરૂ કરી છે, એવું મેં તેમને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "નહીં. અમારી સરકાર હતી પરંતુ તેને હઠાવવામાં આવી હતી. તેમણે (અમેરિકાએ) લડાઈ શરૂ કરી હતી."
ઐનુદ્દીન અને બીજા તાલિબાન માને છે કે વર્તમાન પ્રવાહ તેમની સાથે છે અને 2001માં અમેરિકાના હુમલા પછી સત્તા પરથી હઠાવવામાં આવેલા તાલિબાનની સત્તા હવે ફરી સ્થપાશે.
તેઓ કાબુલની સરકારને કઠપૂતળી સરકાર માને છે અને કહે છે, "તેઓ પશ્ચિમી સંસ્કૃતિને છોડતા નથી એટલે અમારે તેમની હત્યા કરવી પડે છે."
અમારી વાતચીત પૂરી થયાની થોડી વારમાં અમને હેલિકૉપ્ટરોનો અવાજ સાંભળવા મળે છે.
તાલિબાન લડવૈયાઓ સૈનિક વાહનો લઈને વિખેરાઈ જાય છે, જે એ વાતનો સંકેત છે કે અફઘાનિસ્તાનનું હવાઈદળ અત્યારે પણ તાલિબાન માટે જોખમ છે અને યુદ્ધનો અંત હજુ આવ્યો નથી.
અમે બલ્ખમાં છીએ. આ શહેરનો લાંબો ઇતિહાસ છે. ઇસ્લામના સૌથી વિખ્યાત રહસ્યવાદી કવિઓ પૈકીના એક જલાલુદ્દીન રુમીનો જન્મ અહીં થયો હોવાનું માનવામાં આવે છે.
અમે આ વર્ષની શરૂઆતમાં પણ અહીંથી પસાર થયા હતા. એ સમયે આ વિસ્તાર સરકારના નિયંત્રણ હેઠળ હતો પરંતુ તેની બહારનાં ગામોને તાલિબાને કબજામાં લઈ લીધાં હતાં.
હવે આ શહેરનો સમાવેશ તાલિબાને કબજે કરેલા 200 જિલ્લાઓમાં થાય છે.
બલ્ખ કેટલું બદલાયું?
તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગ પર જાણીજોઈને ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ પ્રદેશ પરંપરાગત રીતે તાલિબાન-વિરોધી વિસ્તાર છે અને મજબૂત પ્રતિરોધ ગણાતો હોવાને કારણે નહીં પણ એ વધુ વૈવિધ્યસભર હોવાને કારણે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
તાલિબાનના નેતૃત્વમાં પશ્તૂન સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ વધારે દેખાય છે પરંતુ તાલિબાનના આ અધિકારીનું કહેવું છે કે તાલિબાન અન્ય સમુદાયના લોકોને પણ સામેલ કરવાનો આગ્રહ રાખી રહ્યું છે.
બલ્ખમાં અમારા યજમાન સ્થાનિક તાલિબાન નેતા હાજી હિકમત છે અને અહીં જનજીવન રાબેતા મુજબ જ ચાલી રહ્યું છે એ અમને દેખાડવા તેઓ ઉત્સુક છે.
સ્કૂલે આવતી-જતી છોકરીઓ જોવા મળી રહી છે, (જોકે, છોકરીઓના સ્કૂલે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે) બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. બજારમાં મહિલાઓ તથા પુરુષો બન્ને જોવા મળે છે.
મહિલાઓને કોઈ પુરુષની સાથે જ ઘરની બહાર નીકળવાની છૂટ છે, એવું સ્થાનિક સૂત્રોએ અમને જણાવ્યુ હતું પરંતુ અમને અહીં એવું કંઈ જોવા મળ્યું ન હતું.
અન્ય વિસ્તારોમાં તાલિબાન કમાન્ડર બહુ કડક હોવાના અહેવાલ પણ આવ્યા છે પરંતુ અમે અહીં જે મહિલાઓને જોઈ એ બધી મહિલાઓએ બુરખો પહેર્યો હતો.
હાજી હિકમત ભારપૂર્વક જણાવે છે કે અહીં કોઈના પર કશું દબાણ નથી અને તાલિબાન માત્ર એટલું જ જણાવે છે કે મહિલાઓએ કેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ.
અલબત્ત, મને એવું જણાવવામાં આવ્યું હતું કે માત્ર બુરખો પહેર્યો હોય તેવી મહિલાઓને જ કારમાં બેસાડવાનો આદેશ ટેક્સી ડ્રાઇવર્સને આપવામાં આવ્યો છે.
મોટાં શહેરો છે ટાર્ગેટ
પોશાકને કારણે એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાનો અહેવાલ અમે ત્યાં પહોંચ્યા પછી મળ્યો હતો. જોકે, એ માટે તાલિબાન જવાબદાર હોવાનો હાજી હિકમતે ઇનકાર કર્યો હતો.
બજારમાં ઘણા લોકો તાલિબાન પ્રત્યે સમર્થન દર્શાવે છે.
તેઓ સલામતી વ્યવસ્થામાં સુધારા માટે તાલિબાનનો આભાર પણ માને છે પરંતુ એ સમયે તેમની સાથે તાલિબાન લડવૈયાઓ પણ હતા એટલે લોકો હકીકતમાં શું માને છે એ કહેવું મુશ્કેલ છે.
તાલિબાનની કટ્ટરપંથી વિચારધારા રૂઢીચુસ્ત અફઘાનીઓ અનુરૂપ વધારે હોય છે. હવે તાલિબાન લડવૈયાઓ મોટાં શહેરો કબજે કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
મઝાર-એ-શરીફ હજુ પણ સરકારના નિયંત્રણ હેઠળ છે. મેં જેટલા લોકો સાથે વાતચીત કરી એ બધાએ, ખાસ કરીને મુક્ત વાતાવરણમાં ઉછરેલી યુવા પેઢીની આઝાદીના સંદર્ભમાં તાલિબાનના ફરી આવવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે બલ્ખ જિલ્લામાં તાલિબાન તેની સરકારને ઔપચારિક સ્વરૂપ આપી રહ્યું છે.
તાલિબાને શહેરમાંની લગભગ તમામ સરકારી ઇમારતો કબજે કરી લીધી છે. એક પોલીસ પરિસર ખાલી પડ્યો છે.
અગાઉ ત્યાં પોલીસવડાની ઑફિસ હતી. આ વિસ્તાર પર અંકુશ મેળવવાની લડાઈ વખતે કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં આ ઇમારત આંશિક રીતે તૂટી ગઈ છે.
હુમલાની વાત કરતી વખતે તાલિબાનના જિલ્લા ગવર્નર અબ્દુલ્લાહ મંઝૂરના ચહેરા પર ચમક આવી જાય છે અને તેમના સાથીઓ હસવા લાગે છે.
અફઘાનિસ્તાનના અન્ય વિસ્તારોની માફક અહીંની લડાઈ પણ વ્યક્તિગત હોવાની સાથેસાથે વૈચારિક પણ છે.
શું નથી બદલાયું?
આ વિસ્તાર પર તાલિબાનના નિયંત્રણ પછી જે નથી બદલાઈ રહ્યું એ છે નારંગી રંગનાં વસ્ત્રો પહેરીને રસ્તા તથા ગલીઓની સફાઈ કરતા લોકો.
એ સફાઈકામદારો હજુ પણ કામ પર આવી રહ્યા છે. અનેક અમલદારો પણ રાબેતા મુજબ ફરજ બજાવી રહ્યા છે.
તેમના પર હાલમાં જ નિયુક્ત કરવામાં આવેલા તાલિબાનના મેયર નજર રાખે છે.
મેયર લાકડાના મોટા ટેબલ પર એક ખૂણામાં રાખવામાં આવેલા "ઇસ્લામિક અમીરાત ઑફ તાલિબાન" લખેલા એક નાના ઝંડા સાથે બેઠા છે.
અગાઉ તેઓ દારૂગોળાના પુરવઠાની વ્યવસ્થા સંભાળતા હતા પરંતુ હવે તેમને ટૅક્સની જવાબદારી સોંપવામાં આવી છે.
તેઓ મને ગર્વ સાથે જણાવે છે કે તેમનું જૂથ વેપારીઓ પાસેથી સરકારની સરખામણીએ ઓછો ટૅક્સ વસૂલ કરે છે.
સૈન્ય જીવનમાંથી સામાન્ય જીવનને અપનાવવાનું કામ ચાલી રહ્યું છે.
અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન એક તાલિબાન લડવૈયો બંદૂક લઈને મેયરની પાછળ ઊભો હતો પરંતુ ત્યાં ઉપસ્થિત કેટલાક સિનિયર લોકોએ તેને ત્યાંથી હઠાવી દીધો હતો.
અલબત્ત, અન્ય જગ્યાએ બળવાખોરોની ઇસ્લામી ધર્મગ્રંથોની કટ્ટર વ્યાખ્યાનો પ્રભાવ વધુ જોવા મળે છે.
સ્થાનિક રેડિયો પર અગાઉ ઇસ્લામિક સંગીત અને હિટ ગીતોનું પ્રસારણ કરવામાં આવતું હતું, પણ હવે માત્ર ધાર્મિક ગીતો જ પ્રસારિત કરવામાં આવે છે.
હાજી હિકમત જણાવે છે કે તેમણે અશ્લીલતા વધારતું સંગીત જાહેરમાં વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સાથે તેઓ ભારપૂર્વક જણાવે છે કે લોકો તેમની પસંદનાં ગીતો વ્યક્તિગત રીતે સાંભળી શકે છે.
અલબત્ત, મને એવું જણાવવામાં આવ્યું હતું કે એક સ્થાનિક વ્યક્તિને બજારમાં મ્યુઝિક સાંભળતી પકડવામાં આવી હતી.
તેની સજા સ્વરૂપે તાલિબાન લડવૈયાઓએ એ માણસને આકરા તડકામાં ખુલ્લા પગે એટલો લાંબો સમય ચલાવ્યો હતો કે એ બેભાન થઈ ગયો હતો.
આવું ન થયું હોવાનો દાવો હાજી હિકમતે કર્યો હતો. અમે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે ત્યાં કામ કરતા કેટલાક યુવકો તરફ ઇશારો કરીને હાજી હિકમતે સ્મિત કરતાં કહ્યું હતું, "જુઓ, આ લોકોએ દાઢી નથી રાખી પણ અમે કોઈને મજબૂર કર્યા નથી."
તાલિબાન દુનિયા સમક્ષ પોતાની નરમ ઇમેજ પ્રસ્તુત કરવા માગતા હોય એવું સ્પષ્ટ રીતે જોવા મળે છે પરંતુ અફઘાનિસ્તાનના અન્ય હિસ્સામાં તાલિબાનનું વલણ એકદમ આકરું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
તેમના વ્યવહારમાં છૂટછાટનો આધાર સ્થાનિક કમાન્ડરોના વલણ પર આધારિત હોય છે.
આકરી સજા
તાલિબાને જે વિસ્તારો પર નિયંત્રણ મેળવ્યું છે એ વિસ્તારોમાં બદલો લેવા માટે હત્યા કરવામાં આવતી હોવાના અને માનવ અધિકારોના ઉલ્લંઘનના અહેવાલો મળી રહ્યા છે.
પશ્ચિમી દેશોના અધિકારીઓએ તાલિબાનને ચેતવણી આપી છે કે તેઓ તાકાતના જોરે અધિકાર હાંસલ કરવાના પ્રયાસ કરશે તો એકલા પડી જશે.
તાલિબાન આ અગાઉ સત્તામાં હતા એ દરમિયાન શરિયા કાયદા અનુસાર કરવામાં આવતી આકરી સજા સાથે સંકળાયેલો સમય ગણવામાં આવે છે.
દક્ષિણી રાજ્ય હેલમંડમાં એક બાળકના અપહરણના બે આરોપીને તાલિબાને ગયા મહિને પુલ પર ફાંસીએ લટકાવી દીધા હતા.
તાલિબાને બન્નેને દોષી ગણાવીને તેમને કરવામાં આવેલી સજાને યોગ્ય ગણાવી હતી.
બલ્ખમાં અમે તાલિબાનની અદાલતી કાર્યવાહી પણ નિહાળી હતી અને એ દિવસે બધા કેસ જમીનવિવાદ સંબંધિત હતા.
એક તરફ અનેક લોકો ન્યાય કરવાની તાલિબાન રીતથી ડરેલા હતા, જ્યારે બીજી તરફ એવા લોકો પણ હતા કે જેમને ભ્રષ્ટ સરકારી વ્યવસ્થાની સરખામણીએ અહીં જલદી સમાધાનની શક્યતા જણાતી હતી.
પોતાના કેસના સંબંધમાં અદાલતમાં આવેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે "અગાઉ મારે મોટી લાંચ આપવી પડતી હતી."
તાલિબાની જજ હાજી બદરુદ્દીને જણાવ્યુ હતું કે તેઓ ચાર મહિનાથી ન્યાયાધીશની ખુરશી પર બેઠા છે અને તેમણે અત્યાર સુધી કોઈને શારીરિક દંડ આપ્યો નથી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈને આકરી સજા કરવામાં આવે છે ત્યારે પણ એ વ્યક્તિ તાલિબાનની કોર્ટમાં અપીલ કરી શકે એવી જોગવાઈ પણ છે.
કઠોર સજાની હિમાયત કરતાં તેમણે કહ્યું હતું, "લગ્ન વિના સેક્સ માણે, એ ભલે છોકરો હોય કે છોકરી, તેને જાહેરમાં 100 કોરડા ફટકારવા જોઈએ એવું અમારી શરિયામાં સ્પષ્ટ લખ્યું છે."
"એ કિસ્સામાં કોઈ પરણેલી વ્યક્તિ હશે તો પથ્થરમારો કરીને તેનો જીવ લેવામાં આવશે. ચોરી કરી હોય તેનો અપરાધ સાબિત થઈ જાય તો તેના હાથ કાપી નાખવા જોઈએ."
આવી સજાઓ આધુનિક દુનિયાને અનુરૂપ નથી એવી ટીકાને તેઓ ફગાવી દે છે.
તેમણે કહ્યું હતું, "લોકોના બાળકોનું અપહરણ કરવામાં આવે એ સારી વાત છે કે પછી એક વ્યક્તિના હાથ કાપી નાખીને સમાજમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં આવે એ સારી વાત છે?"
તાલિબાન ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ હાલ અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર પર સરકારનું નિયંત્રણ છે.
આગામી મહિનાઓમાં બન્ને પક્ષો વચ્ચે અધિકાર માટે સંઘર્ષ થશે તો હિંસામાં વધારો થવાની આશંકા છે.
તાલિબાન તેના સૈન્યની શક્તિને લીધી જીત મેળવી શકશે એવી તમને ખાતરી છે, આ અંગે મેં હાજી હિકમતને સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું હતું, 'હા'.
તેમણે ઉમેર્યું હતું, "શાંતિમંત્રણા સફળ નહીં થાય તો ઈન્શાઅલ્લાહ, અમે જીતીશું."
સરકાર અને તાલિબાન વચ્ચે હાલ વાતચીત બંધ છે. તાલિબાન ઇસ્લામિક સરકારની રચનાની માગણી વારંવાર કરી રહ્યા છે અને એ વિરોધી પાસે શરણાગતિની માગ કરવા જેવું છે.
હાજી હિકમતે કહ્યું હતું, "અમે બન્ને વિદેશીઓને હરાવ્યા છે. હવે અમારા અંદરના દુશ્મનોનો વારો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો