અફઘાનિસ્તાનમાં તાલિબાન: મુલ્લા ગની બરાદર કે હિબ્તુલ્લાહ અખુંદઝાદા, કોની પાસે રહેશે સત્તાની ચાવી?

તાલિબાને આશરે આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહે દેશ છોડી દીધો છે.

તેવામાં હવે અફઘાનિસ્તાનની સત્તા કયા તાલિબાનના નેતાઓના હાથમાં જશે?

આ સવાલના જવાબમાં જે બે નામોની સૌથી વધારે ચર્ચા છે તે છે – મુલ્લા અબ્દુલ ગની બરાદર અને હિબ્તુલ્લાહ અખુંદઝાદા.

કોણ છે આ બંને નેતા અને તાલિબાનની અંદર તેમની શું ભૂમિકા છે?

મુલ્લા અબ્દુલ ની બરાદર

મુલ્લા અબ્દુલ ગની બરાદર એ ચાર લોકોમાંથી એક છે જેમણે 1994માં તાલિબાનનું ગઠન કર્યું હતું.

વર્ષ 2001માં જ્યારે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાન પર થયેલા હુમલામાં તાલિબાનને સત્તા પરથી હઠાવી દેવામાં આવ્યું હતું ત્યારે તેઓ નાટો સૈન્યકર્મીઓ વિરુદ્ધ વિદ્રોહના પ્રમુખ બન્યા હતા.

ત્યારબાદ ફેબ્રુઆરી 2010માં અમેરિકા અને પાકિસ્તાનમાં એક સંયુક્ત અભિયાનમાં તેમની પાકિસ્તાનના કરાચી શહેરથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

વર્ષ 2012 સુધી મુલ્લા બરાદર વિશે બહુ વધારે જાણકારી ન હતી.

તે સમયે અફઘાનિસ્તાન સરકાર શાંતિવાર્તાને પ્રોત્સાહન આપવા માટે જે કેદીઓને છોડવાની માગ કરી રહી હતી તે યાદીમાં બરાદરનું નામ સૌથી ઉપર હતું.

સપ્ટેમ્બર 2013માં પાકિસ્તાની સરકારે તેમને મુક્ત કરી દીધા હતા. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યુ નહીં કે તેઓ પાકિસ્તાનમાં જ રોકાયા કે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ ચાલ્યા ગયા.

મુલ્લા બરાદર તાલિબાનના નેતા મુલ્લા મોહમ્મદ ઉમરના સૌથી વિશ્વાસુ સિપાહી અને ડેપ્યુટી હતા.

જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેઓ તાલિબાનના બીજા સૌથી મોટા નેતા હતા.

મુલ્લા ઉમરના વિશ્વાસુ અને રણનીતિકાર

અફઘાનિસ્તાન સરકારના વરિષ્ઠ અધિકારીઓને હંમેશાં લાગતું હતું કે બરાદર જેવા નેતા તાલિબાનને શાંતિવાર્તા માટે મનાવી શકે છે.

વર્ષ 2018માં જ્યારે કતરમાં અમેરિકા સાથે વાતચીત કરવા માટે તાલિબાનની ઑફિસ ખોલવામાં આવી તો તેમને તાલિબાનના રાજકીય દળના પ્રમુખ બનાવાયા હતા.

મુલ્લા બરાદર હંમેશાં અમેરિકા સાથે વાર્તાનું સમર્થન કરતા હતા.

1994માં તાલિબાનના ગઠન બાદ તેમણે એક કમાન્ડર અને રણનીતિકારની ભૂમિકા અપનાવી હતી.

મુલ્લા ઉમર જીવિત હતા ત્યારે ઘની બરાદર તાલિબાન માટે ફંડ એકત્રિત કરવા અને રોજિંદી કામગીરીના પ્રમુખ હતા.

તેઓ અફઘાનિસ્તાનના દરેક યુદ્ધમાં તાલિબાન તરફથી મહત્ત્વની ભૂમિકા ભજવતા રહ્યા અને તેઓ ખાસ કરીને હેરાત તેમજ કાબુલના ક્ષેત્રમાં સક્રિય હતા.

જ્યારે તાલિબાનને સત્તા પરથી હઠાવવામાં આવ્યું ત્યારે તેઓ તાલિબાનના ડેપ્યુટી સંરક્ષણમંત્રી હતા.

તેમની ધરપકડના સમયે અફઘાનિસ્તાનના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું, ‘તેમનાં પત્ની મુલ્લા ઉમરનાં બહેન છે. તાલિબાનના બધા જ પૈસાનો હિસાબ તેઓ જ રાખે છે. તેઓ અફઘાન સેના વિરુદ્ધ સૌથી ભયંકર હુમલાઓનું નેતૃત્વ કરતા હતા.’

મુલ્લા બરાદર અમેરિકાને સૌથી વધારે નુકસાન પહોંચાડવા માગતા હતા

તાલિબાનના બીજા નેતાઓની જેમ જ મુલ્લા બરાદર પર પણ સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધ લગાવ્યા હતા. તેમની યાત્રા અને હથિયાર ખરીદવા પર પ્રતિબંધ હતો.

2010માં તેમની ધરપકડ પહેલાં તેમણે કેટલાક સાર્વજનિક નિવેદનો આપ્યા હતા.

2009માં તેમણે ઇમેલના માધ્યથી ન્યૂઝવીક પત્રિકાને જવાબ આપ્યા હતા.

અફઘાનિસ્તાનમાં અમેરિકાની વધતા વર્ચસ્વ પર તેમણે કહ્યું હતું કે તાલિબાન અમેરિકાને વધારેમાં વધારે નુકસાન પહોંચાડવા માગે છે.

તેમણે કહ્યું હતું જ્યાં સુધી અમારી જમીન પર દુશ્મનોનો વિનાશ નહીં થાય, ત્યાં સુધી જેહાદ ચાલુ રહેશે.

ઇન્ટરપોલ પ્રમાણે મુલ્લા બરાદરનો જન્મ ઉરુઝગાન પ્રાન્તના દેહરાવુડ જિલ્લાના વીટમાક ગામમાં 1968માં થયો હતો.

માનવામાં આવે છે કે તેમનો સંબંધ દુર્રાની કબીલા સાથે છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પણ દુર્રાની છે.

હિબ્તુલ્લાહ અખુંદઝાદા: સૈન્ય કમાન્ડરની સરખામણીએ એક ધાર્મિક વિદ્વાન વધારે

હિબ્તુલ્લાહ અખુંદઝાદા અફઘાન તાલિબાનના નેતા છે જેઓ ઇસ્લામ ધર્મના વિદ્વાન છે અને કંધારના છે. માનવામાં આવે છે કે તેમણે જ તાલિબાનની દિશા બદલી અને હાલ જે પરિસ્થિતિમાં છે ત્યાં તેને પહોંચાડ્યું.

તાલિબાનનું ગઢ રહી ચૂકેલા કંધાર સાથે તેમના સંબંધે તેમને તાલિબાન વચ્ચે પોતાની પકડ મજબૂત કરવામાં તેમને મદદ કરી.

1980ના દાયકામાં તેમણે સોવિયત સંઘ વિરુદ્ધ અફઘાનિસ્તાનના વિદ્રોહમાં કમાન્ડરની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તેમની ઓળખ સૈન્ય કમાન્ડરની સરખામણીએ એક ધાર્મિક વિદ્વાનની વધારે છે.

તેઓ અફઘાન તાલિબાનના પ્રમુખ બન્યા તે પહેલાં પણ તાલિબાનના ટોચના નેતાઓમાં સામેલ હતા અને ધર્મ સાથે જોડાયેલા તાલિબાનના આદેશ તેઓ જ આપતા હતા.

અમાન્ય સેક્સ સંબંધો રાખતા લોકોને ક્રૂરતાપૂર્ણ સજા આપતા

તેમણે દોષિત સાબિત થયેલા હત્યારાઓ અને અમાન્ય સેક્સ સંબંધો રાખતા લોકોની હત્યા અને ચોરી કરતા લોકોના હાથ કાપી નાખવા આદેશ આપ્યા હતા.

હિબ્તુલ્લાહ તાલિબાનના પૂર્વ પ્રમુખ અખ્તર મોહમ્મદ મંસૂરના ડેપ્યુટી પણ હતા. મંસૂરનું મે 2016માં અમેરિકાના ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું.

મંસૂરે પોતાની વસિયતમાં હિબ્તુલ્લાહને પોતાના વારસદાર ઘોષિત કર્યા હતા.

માનવામાં આવે છે કે પાકિસ્તાનના ક્વેટામાં હિબ્તુલ્લાહની મુલાકાત જે તાલિબાની ટોચના નેતાઓ સાથે થઈ તેમણે જ તેમને તાલિબાનના પ્રમુખ બનાવ્યા. સમાચાર એજન્સી એએફપીના પ્રમાણે વસિયતનો પત્ર તેમની નિયુક્તિની માન્યતા આપવા માટે હતો.

જોકે, તાલિબાને તેમની પસંદગીને સર્વસંમતિથી લીધો નિર્ણય ગણાવ્યો હતો.

આશરે 60 વર્ષના મુલ્લા હિબ્તુલ્લાહે પોતાનું મોટાભાગનું જીવન અફઘાનિસ્તાનમાં જ વિતાવ્યું છે.

હિબ્તુલ્લાહ નામનો મતલબ છે ‘અલ્લાહ તરફથી મળેલી ભેટ’. તેઓ નૂરઝાઈ કબીલા સાથે સંબંધ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો