તાલિબાનના રાજમાં અફઘાન મહિલાઓ ફરીથી કટ્ટર શરિયત કાનૂનનો શિકાર બનશે? કેટલી રહેશે આઝાદી?

હવે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની પર કબજો કરી લીધો છે અને તાલિબાન ફરીથી દેશ સત્તા પર કબજો કરી રહ્યું છે ત્યારે આખી દુનિયામાં અફઘાનિસ્તાનની મહિલાઓની ચિંતા વધી ગઈ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન હેઠળ મહિલાઓનાં જીવનનો ઇતિહાસ એટલો ભયાવહ રહ્યો છે કે તેની પુનરાવૃત્તિ થવાનો ડર આખી દુનિયાને સતાવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તાલિબાનનું શાસન આવ્યા પછી અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં જીવન પર શી અસર પડશે.

ભૂતકાળમાં અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનનું શાસન હતું ત્યારે મહિલાઓ માટેના કાયદા અને નિયમો ક્રૂર હતા. મહિલાઓને કામ કરવાની આઝાદી, ઘરની બહાર એકલા જવાની આઝાદી કે પછી અભ્યાસ કરવાની સ્વતંત્રતા નહોતી.

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ બુશથી લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેશે મહિલાઓની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ગુટરેશે સોમવારે ટ્વીટ કરીને કહ્યું, "ગંભીર રૂપથી માનવાધિકાર ઉલ્લંઘનના સમાચારો વચ્ચે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હજારો લોકો ભાગવા માટે મજબૂર બન્યા છે. બધી પ્રકારની યાતનાઓ બંધ થઈ જોઈએ."

"આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા અને માનવાધિકારો, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓના મામલામાં ઘણી મહેનત પછી આ સફળતા મળી છે, તેને સંરક્ષિત કરવાની જરૂર છે."

આ દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને સમગ્ર વિશ્વના નેતાઓ, નિષ્ણાતો અને મોટી હસ્તીઓ દ્વારા તાલિબાની શાસનમાં મહિલાઓનાં જીવનને લઈને વ્યક્ત કરવામાં આવેલી ચિંતા વિશે પોતાનો મત આપ્યો છે.

તાલિબાનના પ્રવક્તાએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આવનારી સરકારમાં મહિલાઓને કામ કરવાની અને અભ્યાસની આઝાદી હશે.

બીબીસી સંવાદદાતા યાલ્દા હકીમ સાથેની વાતચીતમાં તેમણે તાલિબાની શાસન અંતર્ગત ન્યાયપાલિકા, શાસન અને સામાજિક વ્યવસ્થા વિશે મત જણાવ્યો.

પરંતુ પ્રશ્ન એ છે કે શું આ તાલિબાનના પાછલી વખતના શાસન કરતાં આ વખતે મહિલાઓની પરિસ્થિતિ સારી હશે.

યાલ્દા હકીમે કેટલાક પ્રશ્નો પૂછીને આ સમજવાનો પ્રયાસ કર્યો. આવા પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ શાહીને આપ્યો નહોતો.

મહિલાઓ માટે તાલિબાન-2 કેટલું અલગ હશે?

યાલ્દા હકીમ: શું તાલિબાની શાસનમાં મહિલાઓ ન્યાયાધીશ બની શકશે?

સુહૈલ શાહીન: આમાં બે મત નથી કે ન્યાયાધીશ હશે. પરંતુ મહિલાઓને સહયોગીની ભૂમિકા મળી શકે છે. તેમને બીજું શું કામ મળી શકે એ ભાવી સરકાર નક્કી કરશે.

યાલ્દા હકીમ: શું સરકાર નક્કી કરશે કે લોકો ક્યાં કામ કરી શકશે અને ક્યાં જઈ શકશે?

સુહૈલ શાહીન:આ ભવિષ્યની સરકાર પર નિર્ભર કરે છે. શાળા વગેરે માટે યુનિફૉર્મ હશે. અમારે શિક્ષણ ક્ષેત્ર માટે કામ કરવું પડશે. ઇકૉનૉમી અને સરકારનું ઘણું કામ થશે. પરંતુ નીતિ એ જ છે કે મહિલાઓને કામ કરવાની અને અભ્યાસ કરવાની આઝાદી મળશે.

90ના દાયકા જેવી સ્થિતિ અથવા નવું તાલિબાની શાસન?

યાલ્દા હકીમ: નવી સરકારમાં પહેલાંની જેમ મહિલાઓને ઘરની બહાર જવા માટે કોઈ પુરુષ, જેમકે તેમના પિતા, ભાઈ કે પતિની જરૂર તો નહીં હોય?

સુહૈલ શાહીન: બિલકુલ ઇસ્લામિક કાયદા મુજબ તેઓ બધું કરી શકે છે. ભૂતકાળમાં પણ મહિલાઓને એકલી રસ્તે ચાલતી જોઈ શકાતી હતી.

યાલ્દા હકીમ: આની પહેલાં મહિલાઓને ઘરેથી એકલા નીકળવા પર ધાર્મિક પોલીસ દ્વારા માર મારવામાં આવતો. અમે જે મહિલાઓ સાથે વાત તેઓ કહે છે કે મહિલાઓને પિતા, ભાઈ અને પતિ સાથે જ બહાર જવાની પરવાનગી હતી.

સુહૈલ શાહીન: ના, એવું નહોતું અને આવું આગળ પણ નહીં હોય.

યાલ્દા હકીમ: તમે યુવા મહિલા અને છોકરીઓને શું કહેવા માગો છો જે તાલિબાનના પાછા આવવાથી પરેશાન છે.

સુહૈલ શાહીન: તેમણે ડરવું ન જોઈએ. અમે તેમનાં સન્માન, સંપત્તિ, કામ અને ભણતરના અધિકારની રક્ષા કરવા માટે સમર્પિત છીએ. એવામાં તેમને ચિંતા કરવાની જરૂર નથી. તેમને કામ કરવાથી લઈને ભણતર માટે ગત સરકાર કરતાં વધારે સારી પરિસ્થિતિ મળશે.

પથ્થર મારીને મહિલાઓને સજા આપવાની પ્રથા

યાલ્દા હકીમ: મેં તાલિબાની કમાન્ડરો સાથે વાત કરી હતી. તેમનું માનવું હતું કે તેઓ જાહેરમાં મૃત્યુદંડ આપવો, સ્ટોનિંગ (પથ્થરોથી મારવાની પ્રથા) અને હાથ-ગ કાપવા જેવી સજા આપવાવાળી વ્યવસ્થા ઇચ્છે છે. શું તમારું પણ આવું માનવું છે?

સુહૈલ શાહીન: આ એક ઇસ્લામિક સરકાર છે, એવામાં બધા ઇસ્લામિક કાયદા અને ધાર્મિક ફોરમ અને કોર્ટ આ બધું નક્કી કરશે. આ સજાઓ વિશે તેઓ નિર્ણય કરશે.

થોડા દિવસો પહેલાં એક અન્ય તાલિબાની પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે પણ આ મુદ્દા પર કહ્યું હતું કે આ મામલો ઇસ્લામિક કાયદા સાથે જોડાયેલો છે.

તેમણે કહ્યું હતું, "આ શરિયત સાથે જોડાયેલો મુદ્દો છે અને મારે આ બાબતે એટલું જ કહેવું છે કે અમે શરિયતના સિદ્ધાંતોને ન બદલી શકીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો