You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પોતાના લોકોને અફઘાનિસ્તાનથી લાવવા માટે તૈયાર- વિદેશ મંત્રાલય
અફઘાનિસ્તાન પર હવે ઇસ્લામિક સંગઠનનો કબજો, 20 વર્ષ બાદ દેશ તાલિબાનના નિયંત્રણમાં, બીબીસીને તાલિબાને કહ્યું 'વાતચીત માટે તૈયાર'
લાઇવ કવરેજ
ભારત પોતાના લોકોને અફઘાનિસ્તાનથી લાવવા માટે તૈયાર- વિદેશ મંત્રાલય
અફઘાનિસ્તાનની સ્થિતિ પર મીડિયાના સવાલોના જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાબુલની સુરક્ષાની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી બગડી છે અને આ ઝડપથી બદલાઈ રહી છે.
તેમણે કહ્યું, "ભારત સરકાર અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર ઝીણી નજર રાખી રહી છે. અમે ત્યાં હાજર ભારતીય નાગરિકોની સુરત્રા માટે સમયાંતરે એડવાઇઝરી જાહેર કરી રહ્યા છીએ."
"અમે તેમને ઝડપથી પરત ફરવાની અપીલ કરી છે. અમને એ વાતનો ખ્યાલ છે કે હજુ પણ કેટલાક ભારતીયો ત્યાં છે અને તેઓ પાછા આવવા માગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ."
"અમે અફઘાન હિન્દુઓ અને શીખોના સતત સંપર્કમાં છીએ. તેમાંથી જે ભારત આવવા માગે છે તેમની અમે અહીં લાવવામાં મદદ કરશું. ત્યાં એવા અફઘાન લોકો પણ છે, જેમણે વિકાસ, શિક્ષણ અને અન્ય કામોમાં અમારી સાથે ભાગીદારી કરી છે, અમે તેમની સાથે છીએ."
"કાબુલથી વ્યાવસાયિક ઉડાન સેવાઓ આજે સ્થગિત કરી દેવાઈ છે. તેનાથી લોકોને પરત લાવવાના અમારા પ્રયાસોમાં રુકાવટ આવી છે. અમે વિમાન સેવાઓ ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા છીએ."
અફઘાનિસ્તાનથી હિન્દુઓ, શીખોને જલદી ભારત લાવવાની માગ, સરકારે વિશ્વાસ અપાવ્યો
પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે સોમવારે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને જલદીથી ત્યાંથી બહાર કાઢવાની વિનંતી કરી.
તેમણે કહ્યું, "વિદેશમંત્રી એસ. જયશંકરને વિનંતી કરી કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આવ્યા બાદ ત્યારના એક ગુરુદ્વારામાં ફસાયેલા 200 શીખો સહિત બધા ભારતીયોને તરત ત્યાંથી ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે. મારી સરકાર તેમને સુરક્ષિત લાવવા માટે શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે."
રવિવારે તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા કરીને કહ્યું હતું કે આપણે સીમા પર વધુ સાવધાની રાખવાની જરૂર છે.
"અફઘાનિસ્તાનમાં તાલિબાનની પકડ મજબૂત થવી આપણા દેશ માટે સારા સમાચાર નથી. તેનાથી ભારતની વિરુદ્ધ ચીન અને પાકિસ્તાન વધુ મજબૂત થશે."
એ તાલિબાની નેતાઓ જેમની મુઠ્ઠીમાં કેદ છે અફઘાનિસ્તાનની 'સત્તા'
તાલિબાને આશરે આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ઘની અને ઉપ રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહે દેશ છોડી દીધો છે.
તેવામાં હવે અફઘાનિસ્તાનની સત્તા કયા તાલિબાનના નેતાઓના હાથમાં જશે?
આ સવાલના જવાબમાં જે બે નામોની સૌથી વધારે ચર્ચા છે તે છે – મુલ્લા અબ્દુલ ઘની બરાદર અને હિબ્તુલ્લાહ અખુંદઝાદા.
કોણ છે આ બંને નેતા અને તાલિબાનની અંદર તેમની શું ભૂમિકા છે?
અફઘાનિસ્તાન છોડવા માટે લોકો વિમાનમાં ટિંગાઈ ગયા, પડવાથી મૃત્યુ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને કબજો મેળવ્યા બાદ હવે શહેરમાં અફરાતફરી મચી છે.
અહીં અનેક લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે અને તેના માટે હાલ એક જ સ્થાન છે અને તે છે કાબુલનું ઍરપૉર્ટ.
હવે ઍરપૉર્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં લોકો અમેરિકાના પ્લેન પર ચઢી ગયા છે.
ચીને કહ્યું- તાલિબાન સાથે 'મિત્રતાપૂર્ણ સંબંધ રાખવા' ઇચ્છુક છીએ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનના નિયંત્રણ બાદ ચીને સોમવારે કહ્યું કે તે તાલિબાન સાથે ‘મિત્રતાપૂર્ણ સંબંધ’ રાખવા માગે છે.
સમાચાર એજન્સી એએફપી મુજબ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "અફઘાન લોકો પોતાના નસીબનો નિર્ણય જાતે કરે. ચીન તેમના આ અધિકારનું સન્માન કરે છે. ચીન અફઘાનિસ્તાનની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ અને સહયોગ વિકસિત કરવાની દિશામાં આગળ વધવા ઇચ્છુક છે."
આની પહેલાં ચીને ઇશારો કર્યો હતો કે તે અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ ખુલ્લા રાખશે.
ચીને અફઘાનિસ્તાનમાં હાજર પોતાના નાગરિકોને એ પણ જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરની અંદર રહે અને પરિસ્થિતિને લઈને સાવધ રહે.
સાથે જ ચીને અફઘાનિસ્તાનમાં વિભિન્ન જૂથોને તેના નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ કહ્યું છે. તાલિબાનના પ્રતિનિધિઓ ગત જુલાઈમાં ચીન ગયા હતા, જ્યાં તેઓ વિદેશમંત્રી વાંગ યીને મળ્યા હતા.
તે સમયે આ બેઠકને રાજનીતિક શક્તિના રૂપે તાલિબાનની આંતરરાષ્ટ્રીય માન્યતાના રૂપમાં જોવામાં આવી હતી.
ચીનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનના આંતરિક મામલામાં 'હસ્તક્ષેપ નહીં કરવાની નીતિ'નું પાલન કરશે.
એ નેતાઓ જે કરે છે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નેતૃત્વ
તાલિબાન કાબુલમાં સામાન્ય નાગરિકો પાસેથી હથિયાર કેમ લઈ રહ્યા છે?
તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે તેમના લડવૈયાઓ કાબુલમાં સામાન્ય નાગરિકો પાસેથી હથિયાર લઈ રહ્યા છે કારણ કે લોકોને હવે પોતાની સુરક્ષા માટે તેમની જરૂર નથી.
બીબીસીની અરેબિક સેવા મુજબ તાલિબાનના અધિકારીઓએ કહ્યું છે, " અમે માનીએ છીએ કે લોકો પોતાની સુરક્ષા માટે હથિયાર રાખતા હતા. હવે તેઓ પોતાને સુરક્ષિત સમજી શકે છે. અમે અહીંયા સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવા માટે નથી આવ્યા."
તાલિબાનના હથિયારબંધ લડવૈયા સોમવારે સ્થાનિક ટીવી ચેનલ ટોલો ન્યૂઝના કાર્યાલયમાં ગયા હતા અને ત્યાંથી સુરક્ષાકર્મીઓના હથિયાર લઈ ગયા.
ટોલો ન્યૂઝે એક ટ્વીટમાં કહ્યું હતું, " તાલિબાન કાબુલમાં ટોલો ન્યૂઝના કાર્યલયમાં આવ્યા, અમારા સુરક્ષાકર્મીઓના હથિયારો વિશે પૂછ્યું. જે હથિયાર સરકારે આપ્યા હતા એ લઈ ગયા અને કહ્યું કે એ લોકો અમારા કૅમ્પસની સુરક્ષા કરશે."
ચેનલની માલિક કંપની મોબીના ડિરેક્ટર સાદ મોહસેનીએ ટ્વિટર પર જણાવ્યું કે તેમની ચેનલના બધા કર્મચારીઓ ઠીક છે અને ચેનલનું પ્રસારણ ચાલુ રહેશે.
વિમાન પરથી પડતાં ત્રણનાં મૃત્યુના અહેવાલો
વિમાનમાં લટકીને અફઘાનિસ્તાનને છોડવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ લોકો નીચે પટકાતાં એમનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે..
બીબીસીની ઉર્દૂ સેવાએ સ્થાનિક મીડિયાને ટાંકીને આ સમાચાર પ્રકાશિત કર્યા છે.
કાબુલ ઍરપૉર્ટ પરથી ઉડેલા અમેરિકન વિમાનમાં લટકીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલી ત્રણ વ્યક્તિ નીચે પટકાઈ હતી.
સ્થાનિક મીડિયાએ પોસ્ટ કરેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ઉડાણ ભરી રહેલા અમેરિકન C-17 વિમાન પર લટકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
અહેવાલો અનુસાર, આ વિમાને જ્યારે ઉડાણ ભરી ત્યારે વિમાનની પાંખ અને વ્હિલ સાથે લટકેલા ત્રણ લોકો નીચે પટકાયા હતા.
આ ઘટનાને નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું કે ત્રણેય સ્થાનિક મકાનોની અગાશી પર પડ્યા હતા અને મૃત્યુ પામ્યાં હતાં.
અફઘાન રાષ્ટ્રપતિએ દેશ કેમ છોડ્યો?
અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનો કબજો થઈ ગયો છે.
તાલિબાને ખૂબ ઓછા સમયમાં મોટા ભાગના અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો છે.
તાલિબાનના લડવૈયાઓએ કાબુલને ચારે તરફથી ઘેરી લીધું ત્યારે જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના દેશ છોડીને ભાગી ગયા હતા.
તાલિબાનના કબજામાં કાબુલની સવાર કેવી પડી?
બે દાયકા બાદ સોમવારે કાબુલની સવાર ફરીથી તાલિબાનના કબજા હેઠળ પડી.
સોમવાર સવારે તાલિબાની લડવૈયાઓ કાબુલના રસ્તાઓ પર જોવા મળ્યા, જ્યારે હજ્જારોની સંખ્યામાં નાગરિકો વતન છોડી જવા ઍરપૉર્ટ તરફ દોડ લગાતવા જોવા મળ્યા.
ઇસ્લામિક સંગઠને રવિવારે દેશના પાટનગર પર કબજો જમાવી લીધો હતો અને રાષ્ટ્રપતિ અશરફ ઘની વિદેશ નાસી છૂટ્યા હતા.
બ્રેકિંગ, ઍરપોર્ટ પર મૃત્યુના અહેવાલો
અફઘાનિસ્તાન છોડવા માગતા લોકો મોટી સંખ્યામાં કાબુલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ એકઠા થયા છે અને એવામાં ઍરપૉર્ટ પર ભારે અફરાતફરી સર્જાઈ છે. અહીં બે નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનું નજરે જોનાર સાક્ષીએ બીબીસીને જણાવ્યું છે.
જોકે, મૃતાંક વધારે હોવાનું સમાચાર સંસ્થા રૉયટર્સનું માનવું છે. એક વાહનમાં પાંચ મૃતદેહોને લઈ જવાતા જોયા હોવાનું એક સાક્ષીએ રૉયટર્સને જણાવ્યું છે. અન્ય એકે જણાવ્યું છે કે આ મૃત્યુ ગોળી લાગવાથી થયાં કે નાસભાગથી, એ જાણી શકાયું નથી. મહત્ત્વપૂર્ણ છે કે લોકોની હિજરત વચ્ચે ઍરપૉર્ટને અમેરિકન સૈનિકોએ પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. આ સૈનિકોએ લોકોને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હોવાના અહેવાલો પણ નોંધાયા હતા.
બ્રેકિંગ, અજમાયશનો વખત, જીવન બહેતર બનાવીશું: તાલિબાન
તાલિબાન ચરમપંથીઓએ કાબુલ પર કબજો અને વિજય હાંસલ કર્યાના એક દિવસ બાદ નવો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તાલિબાનના નેતાએ કહ્યું છે કે હવે અફઘાનિસ્તાનના લોકો માટે કંઈક કરવા અને તેમનું જીવન બહેતર કરવાનો સમય આવી ગયો છે.
તાલિબાનના લડવૈયાઓ સાથે બેઠેલા મુલ્લા બરાદર અખુંદે આ વીડિયોમાં કહ્યું, "હવે અજમાયશનો સમય આવી ગયો છે. અમે સમગ્ર દેશમાં શાંતિ લાવીશું. લોકોનાં જીવનને બહેતર બનાવવા માટે થઈ શકે એ તમામ પ્રયાસો કરીશું."તેમણે એવું પણ કહ્યું, "અમે જે રીતે અહીં પહોંચ્યા એની આશા નહોતી અને જે મુકામ પર છીએ એની પણ અપેક્ષા નહોતી."
તાલિબાનના એક અધિકારીએ એવો દાવો પણ કર્યો છે કે દેશમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને ક્યાંય પણ કોઈ સંઘર્ષ નથી થઈ રહ્યો. અધિકારીએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું, "અમને જે અહેવાલો મળી રહ્યા છે એ હિસાબે સ્થિતિ શાંતિપૂર્ણ છે."
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો ઉદય કેવી રીતે થયો અને કોણે એમને મદદ કરી?
કાબુલ ઍરપૉર્ટ બંધ કરાયું : બીબીસી સંવાદદાતા
બીબીસી સવાંદદાતા યલ્દા હકીમે કાબુલ ઍરપૉર્ટ બંધ કરી દેવાયું હોવાનું જણાવ્યું છે.
તેમણે ટ્વિટર પર કાબુલ ઍરપૉર્ટનું નિવેદન શૅર કર્યું છે.
અફઘાનિસ્તાન છોડવા માગતા લોકો મોટી સંખ્યામાં ઍરપૉર્ટ પર એકઠા થઈ ગયા બાદ અહીં અફરાતફરી સર્જાઈ હતી. લોકોએ વિમાનમાં ચઢવા માટે કરેલી ધક્કાધક્કીના વીડિયો પણ વાઇરલ થયા હતા.
હાલ આ ઍરપૉર્ટ અમેરિકનોના નિયંત્રણ હેઠળ છે અને તેમનું ધ્યાન નાગરિકો તથા પોતાના દૂતાવાસના કર્મચારીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા પર કેન્દ્રીત છે.
અફઘાનિસ્તાન 'તારો અજંપો'
તાલિબાને બે દાયકા બાદ ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની દેશ છોડીને ચાલ્યા ગયા છે.
અમેરિકન સહિત વિદેશી સેનાઓની પરત ફરવાની જાહેરાત સાથે જ તાલિબાન આક્રમક બન્યું અને ગણતરીના સમયમાં એક પછી એક શહેરો કબજે કરી રાજધાની સુધી પહોંચી ગયું.
તાલિબાને યુદ્ધ પૂર્ણ થયાની અને જલદી જ નવી સરકારની રચના કરવાની વાત કરી છે. આ સાથે જ તાલિબાને એમ પણ કહ્યું કે તે દુનિયાના દેશો સાથે શાંતિથી કામ કરશે. આ દરમિયાન અફઘાનિસ્તાનના લોકોમાં ભય અને અજંપો જોવા મળી રહ્યા છે. લોકશાહી ઇચ્છતા લોકો પોતાને નિરાધાર અનુભવી રહ્યા છે અને વતન છોડવા માટે ઉતાવળ કરી રહ્યા છે.હાલ કાબુલની કેવી સ્થિતિ છે તે અહીં તસવીરો મારફત રજૂ કરાઈ છે.
અમેરિકન સૈનિકોનો ગોળીબાર
અફઘાનિસ્તાનના કાબુલ ઍરપૉર્ટ પર સોમવાર સવારે અમેરિકન સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો હોવાના સમાચાર આવી રહ્યા છે.
એક અધિકારીએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું છે કે અમેરિકન સૈનિકોએ કાબુલ ઍરપૉર્ટ પર હવામાં ગોળીબાર કરવો પડ્યો, જેથી લોકોને વિમાન પર ચઢતા રોકી શકાય.
આ અધિકારી કહ્યું, "ભીડ કાબૂ બહાર જતી રહી હતી અને આ ગોળીબાર માત્ર ભીડને વિખેરવા માટે કરવામાં આવ્યો હતો."
તાલિબાનની શરૂઆત ક્યારે થઈ હતી?
તાલિબાન શબ્દ તાલિબ પરથી ઊતરી આવ્યો છે. પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. નેવુંના દશકની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી રહ્યું હતું, ત્યારે એ સમયમાં તાબિલાન એક સમૂહ તરીકે ઊભર્યું.
માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાં ઊભર્યું અને તેના માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો.
જલદી તાલિબાનીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથેસાથે શરિયતના કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા.
દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો.
સપ્ટેમ્બર, 1995માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાત પ્રાંત પર કબજો કરી લીધો હતો. તેના બરાબર એક વર્ષ બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો : અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય કઈ રીતે થયો?
અફઘાનિસ્તાન યુદ્ધ પર અમેરિકાએ કેટલો ખર્ચ કર્યો?
અમેરિકા બે દાયકા સુધી તાલિબાન સામે યુદ્ધ લડ્યા બાદ અફઘાનિસ્તાન છોડીને જતું રહ્યું છે પણ તેણે અહીં મબલક ખર્ચ કર્યો છે.
વર્ષ 2010થી 2012 દરમિયાન અમેરિકાના એક લાખ કરતાં વધારે સૈનિકોએ અફઘાનિસ્તાનમાં ધામા નાખ્યા હતા અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાને એક વર્ષના યુદ્ધનો ખર્ચ 100 બિલિયન અમેરિકન ડૉલર જેટલો પડતો હતો.
બ્રાઉન યુનિવર્સિટીએ વર્ષ 2019માં હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર 978 બિલિયન અમેરિકન ડૉલર ખર્ચ્યા હતા. જોકે, અભ્યાસમાં એવી પણ નોંધ કરવામાં આવી હતી કે વિવિધ સરકારી વિભાગો વચ્ચે ગણતરીની પદ્ધતિ અલગઅલગ હોવાથી યુદ્ધ પર કરાયેલા સંપૂર્ણ ખર્ચનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.
અમેરિકા બાદ અફઘાનિસ્તાનમાં સૌથી વધુ સૈનિકો યુકે અને જર્મનીના હતા. આ બન્ને દેશોએ અફઘાનિસ્તાન યુદ્ધ પર અનુક્રમે 30 બિલિયન અમેરિકન ડૉલર અને 19 બિલિયન અમેરિકન ડૉલરનો ખર્ચ કર્યો હતો.
ઍરપૉર્ટ પર કેવાં દૃશ્યો?
બીબીસીના દક્ષિણ એશિયા બ્યૂરોનાં વડાં નિકાલો કરીમે ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે, જેમા લોકો અફઘાનિસ્તાન છોડવા માટે વિમાનમાં બેસવા માટે ધક્કાધક્કી કરતાં નજરે પડે છે.