'કોરોનાને કારણે કૅન્સરના દર્દીઓની સ્થિતિ કથળી અને બીજા કે ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયા'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાને કારણે ગયા વર્ષે કૅન્સરની બાયૉપ્સી મોડી થઈ એટલે 42 વર્ષના જયંત રાવલનું કૅન્સર પહેલા સ્ટેજમાંથી બીજા સ્ટેજ સુધી પહોંચી ગયું અને એને જડબું કઢાવવું પડ્યું.

તો 63 વર્ષના મનહર પટેલને પ્રોસ્ટેટનું કૅન્સર હતું. કિમોથૅરપીથીએ સજા થઈ શકે એમ હતા, પણ કોરોનામાં કિમોથૅરપી નહીં મળતા એમનું કૅન્સર ફેલાઈને ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું, હવે એમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આવા સંખ્યાબંધ કૅન્સરના દર્દીઓની સારવાર કરી રહેલા જાણીતા કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કિન્નર શાહ કહે છે કે અમે કોરોનાને કારણે ના તો કોઈ બાયૉપ્સી કરાવી શક્યા અને ના કોઈ પ્લાન ઑપરેશન કરી શક્યા, જેના કારણે કૅન્સરના દર્દીઓ જે ફર્સ્ટ સ્ટેજમાં હતા એ બીજા સ્ટેજમાં આવી ગયા છે અને બીજા સ્ટેજના દર્દીઓ ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયા છે.

કોરોનાને કારણે કૅન્સરની દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે એવું તબીબી નિષ્ણાતો જણાવે છે.

તો બાયૉપ્સી મોડી થવાને કારણે અથવા તો નહીં થવાને કારણે ઘણા દર્દીઓનું કૅન્સર પણ પહેલાં કરતાં વધુ ઘાતક પુરવાર થાય તેવી પણ આશંકા પ્રવર્તે છે.

બાયૉપ્સીમાં મોડું

42 વર્ષીય જયંત રાવલે (નામ બદલ્યું છે) બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને 2020ના ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં મોઢામાં ચાંદી (અલ્સર) પડી હતી.

તેઓ કહે છે, "હું ગુટકા ખાતો હતો એટલે ઘણી વાર ચાંદી પડી ને મટી જતી હતી. માર્ચ મહિનામાં મેં મારા ડૉક્ટરને બતાવ્યું. એમને મને દવા આપી પણ કોઈ ફેર પડ્યો નહીં એટલે 20 દિવસની દવા પછી હું નાક-કાન અને ગળાના (ઈ.એન.ટી.) ડૉક્ટરને બતાવવા ગયો."

"એમણે તપાસી મને અઠવાડિયાની દવા આપી અને મોઢામાં પડેલા ચાંદા માટે વધુ તપાસ કરાવવાનું કહ્યું. મારો દવાનો કોર્સ પૂરો થયો અને કોરોનાને કારણે 2020 માર્ચ અંત ભાગમાં લૉકડાઉન આવ્યું."

"મારું ચાંદું મટતું નહોતું, મને મારા ડૉક્ટરોએ બાયૉપ્સી કરાવવાની સલાહ આપી, પણ કોઈ મારી બાયૉપ્સી લેવા માટે તૈયાર નહોતું."

"પૅથૉલૉજી લૅબ પણ બંધ હતી. મારા ડૉક્ટરે મને એક ઍનાલ્જેસિક મલમ આપ્યો, જે લગાવી હું જમી શકું. શરૂઆતમાં મને સારું લાગ્યું. એમને એમ ચાર મહિના નીકળી ગયા."

"મને એમ કે હવે કોઈ સમસ્યા નથી પણ મારું વજન ઘટતું જતું હતું. મારા ડૉક્ટરની સલાહ હતી કે મારે તાત્કાલિક કૅન્સરની બાયૉપ્સી કરાવવી જોઈએ."

"છેવટે દિવાળી પછી ડૉક્ટરે મારા મોઢામાં પડેલા ચાંદાનો ભાગ કાઢી બાયૉપ્સી કરી, ત્યારે બીજું સ્ટેજ આવી ગયું હતું અને મારા બે દાંત વચ્ચે મોટી ગાંઠ થઈ ગઈ હતી."

તેમણે વધુમાં કહ્યું કે "મારા ઑપરેશન અંગે બીજા ડૉક્ટરના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું અને અને થોડો વધુ સમય ગયો ત્યાં કોરોનાની બીજી લહેર આવી અને મારું ઑપરેશન અટકી ગયું."

"અંતે હાલત એ થઈ કે મારે મારા જડબાંનો કેટલોક ભાગ કઢાવવો પડ્યો. પગનું હાડકું કાઢીને ઇમ્પ્લાન્ટ કરાવવું પડ્યું. મારો ચહેરો બદલાઈ ગયો છે, જેના કારણે હવે હું નોકરી નહીં કરી શકું."

કૅન્સરના દર્દીઓ ડિપ્રેશનના શિકાર

જયંતનું ઑપરેશન કરનાર ડૉક્ટર કિન્નર શાહ કહે છે કે એનું કૅન્સર જડબાનાં હાડકાંમાં ફેલાયું હતું અને પ્રસરીને ગળા સુધી પણ પહોંચ્યું હતું, પણ સદનસીબે સ્વરપેટી સુધી પહોંચ્યું નહોતું. નહીંતર એનો અવાજ જતો રહેત.

"હાલ એમની ટ્રીટમેન્ટ ચાલુ છે, એનો ચહેરો બદલાયો છે, જેના કારણે ડિપ્રેશનમાં છે જેની સારવાર પણ કરી રહ્યા છીએ."

પોતાના આવા જ બીજા દર્દીની વાત કરતા ડૉ. શાહ કહે છે કે "63ના મનહર પટેલને (નામ બદલ્યું છે) પ્રોસ્ટેટનું કૅન્સર હતું. કિમોથૅરપીથી એને અટકાવી શકાયું હોત પણ કોરોનાના સમયે કિમોથૅરપી સંભવ ન હોવાથી આ કૅન્સર હવે ત્રીજા સ્ટેજથી વધી ગયું હતું એટલે એમના શરીરનો કેટલોક ભાગ કાઢવો પડ્યો છે."

"એમને એકની એક દીકરી છે જેની સગાઈ થઈ ગઈ હતી પણ કોરોનાને કારણે લગ્ન પાછાં ઠેલાયાં અને સગાઈ તૂટી ગઈ, કારણ કે એના થનારા જમાઈને ડર હતો કે લગ્ન પછી એના માથે સસરાની જવાબદારી આવશે એટલે સગાઈ તોડી નાખી."

"હવે મનહરભાઈ પોતાની બીમારી વિશે જણાવતા નથી અને એમના કૅન્સરને કારણે એમની દીકરીની સગાઈ તૂટી જવાથી એ ગિલ્ટી ફીલ કરી રહ્યા છે અને ડિપ્રેશનના શિકાર થઈ ગયા છે."

કોરોનાને કારણે કૅન્સરના દર્દીઓને શું તકલીફ પડી?

ડૉક્ટર કિન્નર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોનાને કારણે એક વર્ષમાં બાયૉપ્સી ઓછી થઈ અને કૅન્સરના નિદાન નહીં થવાને કારણે કૅન્સરનું પ્રમાણ વધ્યું છે અને લોકોને જટિલ સર્જરીમાંથી પસાર થવું પડ્યું છે.

એમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા ભારતનાં 41 કૅન્સર સેન્ટરમાં થયેલા સર્વે વિશે વાત કરતા કહ્યું કે "આ સર્વે બતાવે છે કે માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં કૅન્સરના દર્દીઓ, જેમનું ઑપરેશન થયું હોય અને 2019માં નિયમિત ચેકઅપ કરવા આવતા હતા એમની સંખ્યા દોઢ વર્ષમાં 6,34,745થી 3,40,984 એટલે કે 46 ટકા ઘટી છે."

"તો કૅન્સરના દર્દીઓની 2019માં દાખલ થવાની સંખ્યા 88,801 હતી એ ઘટીને 56,885 એટલે કે 36 ટકા ઘટી છે, કિમોથૅરપી લેનારાની સંખ્યા 1,73,634થી ઘટીને 109107 એટલે કે 37 ટા ઘટી છે, જ્યારે કૅન્સરનાં મોટાં ઑપરેશન 17120થી 8677 એટલે 49 ટકા ઘટ્યા છે."

તેમના કહેવા પ્રમાણે, ફર્સ્ટ સ્ટેજના કૅન્સરની સર્જરી 18004થી 8630 એટલે 52 ટકા ઘટી છે. કોરોનામાં રેડિયોથૅરપી પણ 51142થી 39365 એટલે 23 ટકા ઘટી છે.

તેઓ વધુમાં કહે છે, "સૌથી વધુ નુકસાન થયું હોય તો પૅથૉલૉજી ડિટેક્શન 398373થી 246616 એટલે 38 ટકા ઘટ્યું છે, જેના કારણે કૅન્સરના જે દર્દીઓને શરૂઆતમાં સારવાર મળી જતી હતી એ ના મળી અને ફર્સ્ટ સ્ટેજના કૅન્સરના દર્દીઓ બીજા અને ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયા છે. એમને વધુ પીડાદાયક સર્જરીમાંથી પસાર થવું પડ્યું છે."

'સર્જરી ન કરી શક્યા, કૅન્સર વધતું ગયું'

તો જાણીતા ઍન્કૉલૉજિસ્ટ ડૉક્ટર હેમંત શુક્લે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોનાનો કાળ ખૂબ જ કપરો ગયો છે. એ સમયે લૉકડાઉનને કારણે પૅથૉલૉજી લૅબમાં બાયૉપ્સી થતી નહોતી, જેના કારણે ફર્સ્ટ સ્ટેજના ઘણા દર્દીઓ બીજા અને ત્રીજા સ્ટેજમાં જતા રહ્યા છે.

"કોરોનાની પહેલી લહેરમાં પ્લાન સર્જરી થઈ શકતી નહોતી એટલે ઘણા દર્દીઓને નાની સર્જરીથી સારું થાય એમ હતું પણ અમે સર્જરી ના કરી શક્યા, જેના કારણે કૅન્સર વધતું ગયું."

"આ વર્ષે અમે સેકન્ડ અને થર્ડ સ્ટેજના કૅન્સરના દર્દીઓનાં ઑપરેશન કરી રહ્યા છીએ, કારણ કે કોરોનાની પહેલી લહેરમાં બાયૉપ્સી ના થઈ અને પ્લાન ઑપરેશન બંધ હતાં."

"અમારી પાસે પોસ્ટ ઑપરેશન ફૉલોઅપ માટે પણ દર્દીઓ ઓછા આવતા હતા, જેના કારણે પણ ઘણા દર્દીઓમાં કૉમ્લિકેશન જોવા મળી રહ્યું છે. અમે ફરીથી કૅન્સરની સર્જરી અને ટ્રીટમેન્ટ શરૂ કરી ત્યાં કોરોનાની બીજી લહેર આવી, જેના કારણે ફરી સર્જરી અટકી ગઈ અને કૅન્સરના દર્દીઓ જે કિમોથૅરપીથી રાહત મેળવી શકતા હતા અને કૅન્સરની શરૂઆતમાં નાની સર્જરીથી બચી શકતા હતા એમને વધુ પીડામાંથી પસાર થવું પડે છે."

તો ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના ગુજરાતના પ્રવક્તા અને અમદાવાદ પૅથૉલૉજી લૅબ ઍસોસિયેશનના સચિવ ડૉક્ટર મુકેશ માહેશ્વરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોનાના સમયમાં અમારી પાસે કૅન્સરની બાયૉપ્સી માટે આવતા સૅમ્પલમાં 30% ઘટાડો થયો છે.

તેમના કહેવા પ્રમાણે, અમદાવાદમાં કૅન્સરની બાયૉપ્સી માટે માત્ર અમદાવાદના દર્દીઓનાં સૅમ્પલ નથી આવતાં. ગુજરાતનાં અંતરિયાળ ગામોમાંથી સૅમ્પલ આવે છે.

તેમજ અમદાવાદમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો પણ બાયૉપ્સી માટે સૅમ્પલ મોકલે છે.

"કોરોનાની પહેલી લહેરમાં માર્ચ અંતથી જુલાઈ સુધીમાં 30% બાયૉપ્સીનાં સૅમ્પલ ઓછાં આવ્યાં છે. એ પછી જે કૅન્સરની બાયૉપ્સીનાં સૅમ્પલ આવ્યાં, એમાંથી 46 % સૅમ્પલમાં બાયૉપ્સી કરી તો કૅન્સર બીજા અથવા ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયેલું જોવા મળ્યું છે."

ડૉક્ટર માહેશ્વરી કહે છે કે આનું પરિણામ આ વર્ષે કૅન્સરના દર્દીઓમાં જોવા મળશે, જેમનું નિદાન મોડું થયું છે એ લોકોને જટિલ સર્જરીમાંથી પસાર થવું પડશે."

"કોરોનાના સમયમાં પહેલી અને બીજી લહેર વખતે પ્લાન સર્જરી બંધ થઈ ગઈ હતી. કિમોથૅરપી અને રેડિયોથૅરપી લગભગ બંધ હતી. ડૉક્ટર ઉપલબ્ધ નહોતા."

"કિમોથૅરપી નહીં અપાવવાને કારણે આંતરડાં અને પ્રોસ્ટેટનાં કૅન્સર ઝડપથી ફેલાય છે અને મોઢાનાં કૅન્સરમાં તાત્કાલિક નિદાન નહીં થવાને કારણે કૅન્સરનું સ્ટેજ વધ્યું છે."

તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ગુજરાતના વડા ડૉક્ટર દિલીપ માવળંકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી સંસ્થાએ કોરોનાકાળમાં કૅન્સરનાં નિદાન કેટલાં ઘટ્યાં એના પર અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ગુજરાતમાં 2019ની સરખામણીમાં 2020માં કૅન્સરની બાયૉપ્સી 30.6 % ઘટી છે, જેના કારણે કૅન્સરના પહેલા સ્ટેજમાં દર્દીઓનું નિદાન થઈ શક્યું નથી અને કૅન્સરના બીજા સ્ટેજમાં ગયા છે."

"એમાંય કોરોનાની પહેલી લહેર વખતે કૅન્સરની બાયૉપ્સી માર્ચના અંતથી જૂન સુધીમાં 60% ઘટી છે. ત્યારબાદ બાયૉપ્સી શરૂ થઈ અને બીજી લહેરમાં પણ ઘટી છે."

"આમ કોરોનાકાળમાં ગુજરાતમાં સરેરાશ 30.6 % કૅન્સરની બાયૉપ્સી ઘટી છે, જેથી પ્રથમ તબક્કામાં નિદાન થઈને કૅન્સરની સારવાર થવી જોઈએ એ નથી થઈ, જેના પરિણામે 2021માં કૅન્સરના બીજા અને ત્રીજા સ્ટેજના દર્દીઓની સંખ્યા વધશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો