ગુજરાતના બે પરિવારો, જેમનું મિલન હજારો કુટુંબ બરબાદ કરનારા કોરોનાએ કરાવ્યું

કોરોના મહામારીને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.

આમ કોરોના ઘણા પરિવારોને વિખેરનાર દાનવ સાબિત થયો. પરંતુ આ જ કોરોના વાઇરસને કારણે ગુજરાતમાં રહેતા બે પરિવારો વચ્ચેની કડવાશ મટી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આમ, કોરોના વર્ષોથી એકબીજા સાથે ન બોલતા બે પરિવારો વચ્ચે સંબંધો સુધારવા માટેનું નિમિત્ત બન્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલાં એક અનોખો કેસ આવ્યો હતો. જેમાં પાંચ વર્ષના બાળક પ્રણવ આચાર્યની કસ્ટડી મેળવવા માટે તેના દાદાના પક્ષ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ દાખલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ નાનકડા ભૂલકાએ કોરોનાની બીજી લહેરમાં પોતાનાં માતાપિતા ગુમાવ્યાં હતાં.

પહેલાં તેના પિતા રાજેશ આચાર્ય અને તેના એક માસ બાદ માતા રાખી આચાર્યનું કોરોનાની માંદગીમાં મૃત્યુ થયું હતું

ત્યારથી પ્રણવ તેમના નાનાના પરિવાર સાથે દાહોદ ખાતે રહે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે પ્રણવનાં માતાપિતાએ પ્રેમલગ્ન કર્યાં હોવાના કારણે બંને પરિવારો વચ્ચે ખટરાગ હતો. અને બંને પરિવારોના સભ્યો એકબીજા સાથે વાત કરતા નહોતા.

પુત્ર અને પુત્રવધૂનાં મૃત્યુ બાદ પ્રણવના દાદા સ્વામીનાથ કુંચુ આચાર્યે (જેઓ અમદાવાદમાં જ રહે છે) પ્રણવની કસ્ટડી તેના નાનાના પરિવાર પાસેથી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

સામાન્ય રીતે કાયદા અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટે કડક વલણ અપનાવતી કોર્ટે આ કેસમાં માનવીય વલણ અખત્યાર કરી બંને પરિવારોને એકમેક વચ્ચેના મતભેદો ભુલાવી બાળકની ભલાઈ માટે એક થઈ પ્રયત્ન કરવા અને કસ્ટડી અંગેનો વિવાદ ખતમ કરવા જણાવ્યું હતું.

કોર્ટે બાળકની ભલાઈ માટે પરિવારોને વિવાદ ભૂલવાની આપી સલાહ

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડૉ. વિનીત કોઠારી અને જસ્ટિસ ડૉ. ઉમેશ એ. ત્રિવેદીની ખંડપીઠે સમગ્ર મામલો અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પ્રણવના હિતમાં બંને પરિવારોને કાયદાકીય વિવાદનો અંત લાવવા જણાવ્યું હતું.

કોર્ટે તેના હુકમમાં કહ્યું હતું કે, "બંને પરિવારોએ પોતાનાં સંતાનો ગુમાવ્યાં છે, આવી પરિસ્થિતિમાં તેમણે એકમેક વચ્ચેના ખટરાગો ભુલાવી અને બાળકના હિત માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. બાળક તેનાં માતાપિતાનાં મૃત્યુ અને તેનાં સંભવિત પરિણામોથી સાવ અજાણ છે."

"બંને પરિવારોને આવા કપરા સમયે બાળકની કસ્ટડીનો મુદ્દો બાજુ પર મૂકી મિત્રતાપૂર્ણ રીતે વિવાદનો અંત લાવવો જોઈએ. જેથી કાયદાકીય વિવાદની અસરોથી બાળકને દૂર રાખી શકાય. જેથી તેનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ શક્ય બને."

બંને પક્ષોને સમજાવટ બાદ કાયદાકીય વિવાદમાં બાળકને સપડાતું બચાવવા માટે કોર્ટે પ્રેર્યા હતા.

'બાળકના મોઢા પર સ્મિત હતું'

બાળકના દાદાએ હાઈકોર્ટમાં પોતાની રિટમાં રજૂઆત કરી હતી કે તેઓ કોઈ પણ જાતનો સંપર્ક ન સાધી શકે તે હેતુથી સામા પક્ષે તેમના ફોનનંબર બ્લૉક કરી દીધા હતા.

કોર્ટે પ્રણવના નાનાના પરિવારને પ્રણવના દાદાના પરિવારજનો તેની સાથે સંવાદ સ્થાપી શકે તે હેતુથી ફોનનંબર અનબ્લૉક કરવાની સૂચના પાઠવી હતી.

કોર્ટે પોતાના આદેશમાં આગળ નોંધ્યું હતું કે બાળક તેનાં દાદા-દાદી અને કાકાને જોઈને ખુશ હતું. તેથી કોર્ટનું માનવું છે કે તે અમુક સમય સુધી પોતાના દાદાપક્ષ પાસે રહે તેમાં કોઈ અસુરક્ષા સંકળાયેલી નથી.

કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું, "જો બાળકના દાદાના પરિવારજનો ઇચ્છે તો તેઓ દાહોદ જઈને બાળકને મળી શકશે. અને તેમના કૌટુંબિક સંબંધીના ઘરે રોકાઈ પણ શકશે."

"આટલું જ નહીં પ્રણવ પોતાના દાદાના પરિવારજનો સાથે અમદાવાદ પણ આવી શકશે. બાળકના નાનાના પરિવારજનો કોઈ અવરોધ ઊભો કરી શકશે નહીં."

"તેઓ પોતાની સાથે બાળકને 15 દિવસ સુધી અમદાવાદ ખાતે પણ રાખી શકશે."

કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે બંને પરિવારોએ યોગ્ય સમજાવટ બાદ સમાધાનકારી અને હકારાત્મક વલણ દાખવ્યું છે.

આમ, હાઈકોર્ટની સમજાવટને પગલે પ્રણવનો અધૂરો પરિવાર પૂરો થઈ જવાની આશા બંધાઈ છે. જોકે, આ મામલાની આગળની સુનાવણી 26 ઑગસ્ટે રાખવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટમાં પ્રણવના દાદાપક્ષના વકીલ જયદીપ એમ. શુક્લ સાથે જ્યારે બીબીસીએ કેસની વધુ વિગતો જાણવા માટે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, "કોર્ટ સમક્ષ મેં મારા અસીલ તરફથી તમામ રજૂઆતો કરી છે. પરંતુ કોર્ટના નિર્ણય અંગે હું કંઈ જ કહી શકું નહીં."

આ સિવાય બીબીસીએ પ્રણવના નાના પક્ષ તરફથી હાજર રહેલ વકીલ કે. આઈ. કાઝી સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.

પ્રણવના દાદા અને નાના પક્ષ સાથે જ્યારે પણ સંપર્ક સાધી શકાશે ત્યારે આ અહેવાલમાં અપડેટ કરવામાં આવશે.

કોરોનાએ ભારતમાં બાળકોને અનાથ કર્યાં

સંસદના ચોમાસુસત્રમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળવિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું, "ભારતમાં એપ્રિલ, 2021થી મે માસના અંત સુધીમાં કુલ 654 બાળકો અનાથ થયાં હતાં. જેમાં ગુજરાતનાં 45 બાળકોનો સમાવેશ થાય છે."

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કોરોનાના કારણે અનાથ થયેલાં બાળકો જ્યારે 18 વર્ષની વયે પહોંચે ત્યારે તેમના માટે પીએમ - કૅર્સ ફંડમાંથી દસ લાખ રૂપિયાનું કૉર્પસ બાળકના નામે ફિક્સ્ડ ડિપૉઝિટ સ્વરૂપે મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

જે બાળકને 23 વર્ષની વય સુધી પહોંચતાં સુધી ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવા માટે નાણાકીય મદદ કરશે. 23 વર્ષની વય વટાવ્યા બાદ બાળક તે રકમ મેળવી શકશે.

વડા પ્રધાનની જાહેરાત પ્રમાણે 11-18 વર્ષની વય સુધીનાં આવાં બાળકોને કેન્દ્રીય વિદ્યાલયની રેસિડેન્સિયલ સ્કૂલમાં પ્રવેશ અપાશે. જ્યારે તેનાથી નાની ઉંમરનાં બાળકોને નજીકની ખાનગી શાળામાં કે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાશે.

તેમજ કોરોનાના કારણે અનાથ થયેલાં બાળકોને 18 વર્ષની વય સુધી પહોંચતાં સુધી 'આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'ના લાભાર્થી તરીકે સમાવિષ્ટ કરવામાં આવશે. જે હેઠળ તેમને પાંચ લાખ રૂપિયા સુધીની સ્વાસ્થ્ય સારવાર નિ:શુલ્ક મળવાપાત્ર રહેશે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતાપિતા બંનેને ગુમાવનાર બાળકને માસિક ચાર હજાર રૂપિયા આપવામાં આવશે. આ મદદ બાળકને 18 વર્ષની વય સુધી પૂરી પડાશે.

આ અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કોરોનાના કારણે 776 બાળકોએ પોતાનાં માતાપિતા ગુમાવ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો