ભારતમાં કોરોનાની રસી શું બધા વયસ્કોને મળે તેટલી છે?

    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

ભારતની રસી તૈયાર કરવાની ક્ષમતા અને રસીની આપૂર્તિને પ્રભાવિત કરવાનાં અન્ય કારણોની તપાસ કરવાની અમે કોશિશ કરી છે.

ભારત સરકારે 2021ના અંત સુધીમાં બધા વયસ્કોને રસીના ડોઝ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ સવાલ એ છે કે શું ભારત પાસે એટલા રસીના ડોઝ ઉપલબ્ધ થશે.

ભારતમાં રસીનું અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન થયું?

ભારત સરકારે હાલમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિનના ઉત્પાદનને લઈને અલગઅલગ માહિતી આપી છે.

ભારતમાં કોવિશિલ્ડનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને કોવૅક્સિનનું ઉત્પાદન ભારત બાયોટેક કંપની કરી રહી છે.

20 જુલાઈએ સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતીય સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું કે કોવિશિલ્ડનું ઉત્પાદન પ્રતિમાસ 11 કરોડ ડોઝથી વધારીને 12 કરોડ ડોઝ કરવાની યોજના છે.

પરંતુ આ વિષય પર પુછાયેલા અન્ય એક સવાલ પર સરકારે અનુમાનિત રસી ઉત્પાદન 13 કરોડ ડોઝ ગણાવ્યું હતું.

જ્યારે અમે આ અંગે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પાસેથી માહિતી માગી તો કંપનીએ કહ્યું કે જુલાઈ મહિનામાં 11 કરોડથી 12 કરોડ ડોઝ વચ્ચે કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તરત તેને વધારવાની કોઈ યોજના નથી.

આ વર્ષની શરૂઆતમાં જ્યારે બાઇડન પ્રશાસને અમેરિકન કંપનીઓને ઘરેલુ જરૂરિયાતો પર ધ્યાન આપવાનું કહ્યું હતું ત્યારે ભારતમાં કાચા માલની કમીને કારણે રસીનું ઉત્પાદન પ્રભાવિત થયું હતું. જોકે બાદમાં ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરને જોતાં અમેરિકાએ પોતાની નીતિમાં ઢીલ દર્શાવી હતી.

કોવૅક્સિનને લઈને પણ ભારત સરકારે અલગઅલગ આંકડા આપ્યા છે. આ આંકડા એટલા અલગ છે કે તેમાં પ્રતિમાસ એક કરોડ ડોઝથી આગામી મહિનાઓમાં પ્રતિમાસ 10 કરોડ ડોઝના ઉત્પાદનનું અનુમાન કરવામાં આવ્યું છે.

આ અંગે અમે ભારત બાયોટેક પાસેથી માહિતી માગી, પણ હજુ સુધી કંપની તરફથી અમને કોઈ માહિતી મળી નથી. માહિતી મળતા તેને સ્ટોરીમાં અપડેટ કરાશે.

મે મહિનામાં સરકારે ઑગસ્ટથી ડિસેમ્બર સુધી 40 કરોડ કોવૅક્સિનના ડોઝ મળવાની આશા રાખી હતી.

પરંતુ ભારત બાયોટેક અત્યાર સુધીમાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે આઠ કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવી શકી નથી. 16 જુલાઈ સુધી કંપનીએ માત્ર આઠ લાખ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.

આ સહિત ભારતમાં બનનારી બીજી રસીઓનો ઉપયોગ પણ કોરોના સંક્રમણને રોકવા માટે થવાનો છે, પરંતુ આ રસીને હજુ સુધી માન્યતા મળી નથી.

અન્ય રસી જે ઉપલબ્ધ છે

ભારતે રશિયામાં બનેલી સ્પુતનિક વી રસીને ઉપયોગ માટે મંજૂરી આપી છે, શરૂઆતમાં રશિયાએ ભારતને આ રસીના 30 લાખ ડોઝ આપ્યા છે.

જુલાઈ કે ઑગસ્ટ મહિના સુધીમાં ભારતમાં તેને તૈયાર કરવાની વાત કરાઈ હતી, પરંતુ રશિયાની કંપની તરફથી આપેલા એક નિવેદન પ્રમાણે હવે આશા છે કે ડિસેમ્બર મહિનામાં આ તૈયાર થઈ શકશે.

અન્ય એક રસી નોવાવૅક્સને અમેરિકામાં વિકસિત કરાઈ છે, ભારતમાં તેને કોવાવૅક્સ નામ અપાયું છે, આ રસી પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે, પરંતુ તેને માન્યતા મળી નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે બીબીસીને જણાવ્યું કે હાલમાં આ રસીના ડોઝ તૈયાર કરીને તેને જમા કરી રહ્યા છે.

જોકે ભારત સરકારે ઑગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પોતાની આપૂર્તિવાળા અનુમાનમાં આ રસીને પણ સામેલ કરી છે, ત્યાં સુધી તેને મંજૂરી મળવાની આશા સેવાઈ રહી છે.

ભારતે અમેરિકામાં બનેલી મૉડર્ના રસીના ઉપયોગ માટે જૂનમાં માન્યતા આપી દીધી હતી, પરંતુ હજુ સુધી આ રસીના ડોઝ ભારતમાં પહોંચ્યા નથી.

તો જૉન્સન ઍન્ડ જૉન્સન અને ફાઇઝરે ભારતમાં આપાતકાલીન પરિસ્થિતિઓમાં ઉપયોગની મંજૂરી માટે અરજી કરી નથી.

જૂનમાં જી-7 સભ્યદેશો અને અમેરિકા તરફથી મદદના રૂપમાં મળનારી રસીના ડોઝનો લાભ ભારતને પણ મળવાનો હતો.

પરંતુ વિદેશોમાં બનેલી રસીની ઉપલબ્ધતામાં કાયદાકીય અચડણ છે. વિદેશી રસીનિર્માતા રસીના ઉપયોગથી થનારા કોઈ પણ નુકસાનની સ્થિતિમાં ક્ષતિપૂર્તિના દાવાથી સુરક્ષા માગે છે, જે ભારતમાં હજુ કોઈ રસીનિર્માતાને મળી નથી.

શું લક્ષ્યને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતી રસી છે?

હાલ એવી સ્થિતિ જોવા મળતી નથી, પણ સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.

2011ની વસતીગણતરી અનુસાર ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 90થી 95 કરોડ વચ્ચે હતી. અત્યાર સુધીમાં તેમાંથી માત્ર દસ ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે.

તેનો મતલબ કે ડિસેમ્બર 2021 સુધી બધા વયસ્કોને રસી આપવા માટે આગામી પાંચ મહિનામાં ભારતમાં પ્રતિમાસ 29.2 કરોડ રસીના ડોઝની જરૂર પડશે.

ભારત સરકારના આંકડા અનુસાર, વર્તમાન સમયમાં ભારતમાં પ્રતિમાસ 12થી 13 કરોડ રસીના ડોઝ તૈયાર કરવાની ક્ષમતા છે. આગામી મહિનાઓમાં રસીના ઉત્પાદનની ક્ષમતા વધી શકે અને વિદેશોમાંથી પણ રસી આવી શકે છે.

પરંતુ હાલ જેટલી રસીની જરૂર છે, ભારત તેનાથી ઘણું પાછળ દેખાઈ રહ્યું છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે હાલમાં કહ્યું હતું કે આગામી મહિનાથી બાળકોનું પણ રસીકરણ શરૂ થશે. તેનાથી આપૂર્તિની સમસ્યા વધશે, ઓછી નહીં થાય.

ભારતીય રસીની નિકાસ?

પહેલાં ભારત પોતાના પડોશી દેશોને રસીની આપૂર્તિ કરતો હતો. ગ્લોબલ કોવૅક્સ સ્કીમ હેઠળ તેને ગરીબ દેશોને પણ રસી આપવાની હતી, પરંતુ ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં જ આ બંધ થઈ ગયું હતું.

નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા હવે ચીનમાં નિર્મિત રસી અને અન્ય દેશોની મદદ પર નિર્ભર છે.

કોવૅક્સ સ્કીમે બીબીસીને જણાવ્યું કે આ અભિયાનના લોકો ભારત સરકારના સંપર્કમાં છે અને નિકાસ પર લાગેલી રોકને દૂર કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ આ ક્યારે શરૂ થશે એને લઈને હજુ સુધી કોઈ સહમતિ થઈ શકી નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કહ્યું કે તેની પ્રાથમિકતા ભારતની જરૂરિયાતોને પૂરી કરવાની છે અને આ વર્ષના અંત સુધીમાં રસીની નિકાસ સંભવ લાગતી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો