વીર નર્મદ : વિદ્રોહી સુધારાવાદીથી 'ધર્મવિચાર' સુધી 'હાર્યો ભલે હોય, પણ તૂટ્યો નહીં'

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...'

કવિ નર્મદે ઉપર્યુક્ત વાત તેમની આત્મકથા 'મારી હકીકત'માં કરી છે.

નર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં રમેશ ત્રિવેદી લખે છે, ભણીને આગળ શું કરવું એ અંગે કવિ નર્મદના મનમાં ગડમથલ ચાલતી હતી કે, 'ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે.'

કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે.

બાળપણ અને કલમના ખોળે

કવિ નર્મદનો જન્મ 24 ઑગસ્ટ, 1833માં થયો અને અવસાન 25 ફેબ્રુઆરી, 1886એ થયું હતું.

પોતાના બાળપણ અને જન્મ વિશે વાત કરતાં આત્મકથામાં તેઓ લખે છે, "પ્રસવવેળા મારી માને ઘણું દુઃખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબું હતું, તેથી ચ્હેરો વિચિત્ર દેખાતો હતો. (હમણાં તો માથું ઘણું જ ન્હાનું ગોળમટોળ જેવું છે.) છ મહિનામાં હું ઘુંટડિયાં તાણતો થયો."

"જન્મ્યા પછી દશેક મહિને હું ને મારી મા, માના કાકા દુલ્લભરામ સાથે મુંબઈ મારા બાપ પાસે ગયાં. બીજા વરસને આરંભે મને બોલતાં આવડ્યું પણ બે વરસ સુધી અન્ન ન ખાતાં દૂધ અને ચાટણાંથી શરીરનું બંધારણ રહ્યું."

કવિ નર્મદ સુરતના રાંદેરમાં શિક્ષક તરીકે કામ કરીને આર્થિક નિર્વાહ ચલાવતા હતા. તેઓએ શિક્ષકની નોકરી છોડીને કલમને સહારે જીવન જીવવાનું નક્કી કર્યું હતું.

આત્મકથામાં તેઓ લખે છે, "મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું.'

'સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય' એ કવિતા જે રસપ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કૂલના આસિસ્ટન્ટ માસ્તરોને દેખાડ્યું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળનાં કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વિનાં જ નવેમ્બરની 23મીએ સ્કૂલની નોકરી છોડી દીધી."

નર્મદે નોકરી છોડી એ તેમના પિતાને ગમ્યું નહોતું.

"મેં ઘેર આવીને કલમની સામું જોઈ આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરીને કે 'હવે હું તારે ખોળે છઊં' કોઈ પણ રીતેની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને કહ્યું કે 'ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી' મેં વિચાર કીધો કે કવિતા તરફ મારું મન છે- નીતિ ભક્તિ તરફ મારું મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારું મન માનતું નથી, માટે હરદાસનું કામ કરું કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે- ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારીને ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું."

પરંપરા સામે બળવો

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-ભવનમાં અધ્યાપક ભરત મહેતાએ નર્મદની આત્મકથા 'મારી હકીકત' પર વિવેચનાત્મક લેખ લખ્યો છે.

તેમાં તેઓ લખે છે, "એ જમાનામાં વિદેશગમન પર નાત દ્વારા પ્રતિબંધ હતો. મહીપતરામ નીલકંઠ ઇંગ્લૅન્ડ જવાની તૈયારી કરતા હતા ત્યારે નાતમાં ખટપટ શરૂ થઈ. નાતે એક લખાણ તૈયાર કર્યું. તેમાં બધાની સહીઓ ઉઘરાવાતી હતી."

"એ સહીઓ ઉઘરાવનારા નર્મદ પાસે આવ્યા ત્યારે નર્મદે સુણાવી દીધેલું કે- 'એ દસ્તાવેજ પર હમે સહી કરી શકતા નથી.' નાતથી અલગ પડી નર્મદ મહીપતરામને ઇંગ્લૅન્ડ જવામાં સાથ આપવાના ભાગરૂપ વિજ્ઞપ્તિ કરતું ચોપાનિયું પણ છપાવે છે. મહીપતરામ ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા ત્યારે એમને સત્કારવા નર્મદા સામો બંદર પર પણ ગયો હતો."

નર્મદે ડાંડિયોના પત્રકારત્વ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓને પ્રકાશમાં લાવવા કોશિશ કરેલી.

ભરત મહેતા લખે છે કે "પરંતુ તેની એ કોશિશ 'સનસનાટી' ફેલાવવા માટે જ ન્હોતી તેમાં પ્રતિબદ્ધતા હતી. સમૂહમાધ્યમનો લોકલક્ષી અભિગમ હતો. એના એવા મિજાજનો એક સંકેત 'મારી હકીકત'માં છે.

એ લખે છે- 'એ નવા ઘર સંબંધી મારે મી. સમર્સ નામના ડેપ્યુટી કલેક્ટર સાથે એક ખટપટ થઈ હતી, ને તેથી આખાં શહેરમાં જાહેર થયું હતું કે, કવિ સુરતમાં રહેવા આવ્યા છે ને તેથી ટોપીવાળાની સામાં લડે છે."

"હું સામો થયો તે દાહાડાથી મી. સમર્સ જે શહેરના લોકોમાં જુલમગાર થઈ પડ્યો હતો તેનું જોર નરમ પડવા માંડ્યું હતું. તથા પછવાડેથી તો તેના વિશે બીજી તરફથી સરકારમાં પણ ચરચા ચાલવાથી હાલમાં તો છેક જ નરમ પડી ગયો છે."

અધિકારીએ શિક્ષક નર્મદને વખાણ્યાં

ભરત મહેતા તેમના લેખમાં નર્મદાના શિક્ષક તરીકેના જીવન પરનો એક પ્રસંગ યાદ કરે છે.

"નર્મદ સુરતથી હોડીમાં બેસી રાંદેર જતો. પહોંચતાંવેંત મલાઈ ખાઈને સૂઈ જતો. એનો અર્થ એ નહોતો કે એ ભણાવતો ન હતો. એનું આગવું ટાઇમટેબલ હતું. ચાલુ નિશાળે એ તાપીમાં ત્રણ કલાક છબછબિયાં કરવા જતો. રાતે રોકાઈનેય છોકરાંઓને તો ભણાવતો જ."

"એક વખત શિક્ષક ખાતાના અધિકારી ગ્રેહામ જણાવ્યા વિના તપાસ માટે આવી પહોંચ્યા. નર્મદ બંદા તો નિદ્રાધીન! ગ્રેહામે કહ્યું- 'આ શી સુસ્તી?' નર્મદે રોકડો રણકતો જવાબ વાળી દીધો. રાતે ઉજાગરા કરીયે છ, વરદી વના કેમ તૈયારી કરી શકાય? પણ જ્યારે પછીથી ગ્રેહામે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા તો છોકરાઓના જવાબથી તે ખુશ થઈ ગયો. ત્યાંના લોકોને ગ્રેહામ કહ્યું- માસ્તર ઘણા સારા છે. માટે ફરી ફરીને આવો શીખવાનો વખત નહીં આવે. તેથી છોકરાઓને ભણવા મોકલવા."

સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત, ગાંધીનગરના ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. રાજેશ મકવાણા કહે છે કે 'લાગણી', 'જોસ્સો', 'દેશાભિમાન' વગેરે શબ્દોનો પ્રથમ વાર પરિચય આપણને નર્મદ કરાવે છે.

તેઓ લખે છે, "ગદ્ય અને પદ્ય બંનેમાં નવપ્રસ્થાન કરનારા નર્મદ છે. 'મંડળી મળવાથી થતા લાભ' નિબંધથી ગુજરાતી ગદ્યનું ખેડાણ, 'મારી હકીકત' નામે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા આપનાર નર્મદ સુધારકયુગના અગ્રણી સર્જક છે. સુધારાના સંદેશને 'ડાંડિયો' પાક્ષિકથી સત્ય અને નિર્ભયતાથી પ્રસ્તુત કરે છે. ઉમાશંકર જોશી કહે છે કે તેમ નર્મદના સાહિત્યમાંથી 'નવા યુગની નાન્દી' સંભળાય છે."

'એ હાર્યો ભલે હોય, પણ તૂટ્યો નથી'

નર્મદે સુધારકયુગમાં તેમના સમકાલીન સાહિત્યકારો, કવિઓ અને મુરબ્બીઓ સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો, જેમાં તેઓ સાહિત્ય, સમાજ, પત્રકારત્વ વગેરેની ચર્ચા કરતાં હતા. તેમના ચર્ચાપત્રો પણ જાણીતાં છે.

નર્મદના શરૂઆતથી જીવનથી અંતિમ તરફ ઢળતાં તેમના વિચારોમાં પરિવર્તન આવ્યાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાભવનના પૂર્વ અધ્યાપક અને નાટ્યકાર, વિવેચક સતીશ વ્યાસ નર્મદની સાહિત્યસૃષ્ટિ, જીવનશૈલી, સામાજિકતા વગેરેના ઊંડા અભ્યાસી છે.

સતીશ વ્યાસ કહે છે, "પૂર્વાવસ્થામાં આવેગ, ઉત્સાહ અને ઉધામામાં ઉતાવળાં ડગલાં ભરી ચૂકેલો નર્મદ ઉત્તરાવસ્થામાં વયસહજ રીતે ઠરવા માંડ્યો છે. દેવું વધી ગયું છે. પત્ની ડાહી હવે દુનિયામાં નથી. મિત્રો પણ આઘાપાછા થઈ ગયા છે. સુધારાનો લોકજુવાળ આછો થતો નજરે પડે છે."

"ધાર્યાં ફળ મળ્યાં નથી, યૌવનકાળનાં વ્યસનોએ મન, શરીર નબળાં પડ્યાં છે, ત્યારે એ ધર્મ તરફ પાછો વળે છે. કિશોરાવસ્થામાં તો એ વેદપાઠી અને પૂજાપાઠી હતો જ. હવે એને આપણા ધર્મના સિદ્ધાંતોનાં અર્થઘટન અને પ્રસ્તુતતામાં રસ પડે છે. એનો અભ્યાસ કર્યા પછી એ 'ધર્મવિચાર' નામનો ગ્રંથ લખે છે."

"આર્થિક ભીંસ વધતાં નોકરી કદી ન કરવી એવો નિર્ણય કરી ચૂકેલો નર્મદ, પુનઃ ભારે હૈયે નોકરીમાં જોડાય છે. આપણો આ એકમાત્ર વીર ગણાયેલો સર્જકકાળની કારમી થાપટે પારોઠનાં પગલાં ભરે છે. એ હવે'દીસે હાર્યો યોદ્ધો' બની ચૂક્યો છે. એક સમયનો કડખેદ હવે મનખેદ બન્યો છે. એ હાર્યો ભલે હોય, પણ તૂટ્યો નથી. ધર્મવિચારે એને ધીર બનાવ્યો છે. સમગ્ર સમાજને સુધારવા નીકળેલો એ હવે આત્મમંથન તરફ વળ્યો છે. આને આપણે કરુણતા કહીશું, પલાયન કહીશું કે ડહોળાયેલા જળની ઠર્યા પછીની નિર્મળતા કહીશું?"

'ધર્મવિચાર'થી પરિવર્તન

'અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા' (સુધારક યુગ)માં ધીરુભાઈ ઠાકર લખે છે, "વખત જતાં નર્મદનો તેના સુધારક સાથીઓ વિશેનો ભ્રમ ભાંગવા લાગ્યો. જાહેરમાં સુધારાનો ઉપદેશ કરનારા ખાનગીમાં જુદું જ વર્તન કરતા. તેમના આ દંભી વર્તનથી નર્મદનું મન ખાટું થઈ ગયું. તેની સત્યનિષ્ઠા અડગ હતી. પક્ષ, પ્રતિષ્ઠા, કીર્તિ, સ્તુતિ, નિંદા એ બધાંથી સત્ય પર છે એનો સચોટ દાખલો તેનું વિચારપરિવર્તન ઝીલી બતાવતું પુસ્તક 'ધર્મવિચાર' છે."

તેઓ આગળ લખે છે કે લાંબા અનુભવે, ઊંડા અભ્યાસે અને બદલાયેલા સંજોગોએ નર્મદાના વિચારો પર વખત જતાં એવી અસર કરી કે તેને આર્ય ધર્મ અને સંસ્કૃતિનો પુરરુદ્ધાર કરવામાં જ દેશનું કલ્યાણ છે એમ સમજાયું. આથી પોતે જ જે સુધારક વિચારોનો વીસ વર્ષથી ઉપદેશ આપતો હતો તેનો હિંમતભેર વિરોધ કરીને લોકોને સ્વધર્મ ભણી વળવાનું કહેવા માંડ્યું.

"કવિના આ વિચારપરિવર્તને અનુયાયીઓમાં કચવાટ પેદા કર્યો. કેટલાકે 'કવિ હવે ઘરડા થયા છે, નબળા પડ્યા છે' એમ કહેવા માંડ્યું. પરંતુ નર્મદની એ નબળાઈ નહોતી, સાચી સત્યભક્તિ હતી."

"તેના વિચારો સાથે ભલે અનેકોને મતભેદ હોય, તેણે કરેલા સુધારા આજે ભલે બહુ મહત્ત્વના ન લાગે, પણ તેણે દાખવેલ હિંમત, સચ્ચાઈ, ધ્યેયનિષ્ઠાએ તેને યુગપુરુષનું માન અપાવ્યું છે અને એ જ ગુણસંપત્તિએ અવસાનસંદેશમાં તેના મુખમાંથી ખુમારીભર્યા ઉદગાર કઢાવ્યા છે કે-

'વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો