પ્રેમચંદ : અંગ્રેજોએ આંખ સામે સળગાવી દીધો સંગ્રહ અને પછી ધનપતરાય પ્રેમચંદ બન્યા

    • લેેખક, મોહનલાલ શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

'ઈદગાહ' એક એવી વાર્તા છે કે જે લગભગ બધાએ વાંચી હશે.

આ વાર્તાનું પાત્ર એક નાનકડો છોકરો હામિદ છે. હામિદને તેની વયનાં અન્ય બાળકોની માફક રમકડાં અને ઢીંગલા-ઢીંગલીની લાલચ નથી. હામિદ તેની દાદી માટે મેળામાંથી એક ચીપિયો ખરીદી લાવે છે.

હામિદ એવું શા માટે કરે છે? રોટલી શેકતી વખતે દાદીને હાથમાં દાઝતાં બચાવવા માટે હામિદ ચીપિયો ખરીદી લાવે છે.

આ નાનકડી વાર્તામાં પ્રેમચંદે હામિદના પાત્ર મારફત મોટી-મોટી મર્મભેદી વાતો કરી છે. એ વાતો વાચકના હ્રદયને સ્પર્શી જાય છે એટલું જ નહીં, વાચક તેને આત્મસાત પણ કરી લે છે.

આ તો માત્ર એક ઉદાહરણ છે. વાસ્તવમાં પ્રેમચંદ માણસના મનોવિજ્ઞાનને સારી રીતે સમજતા સર્જક હતા.

વાસ્તવિકતાનું ચિત્રણ

આઝાદી મળી એ પહેલાંના ભારતનું વાસ્તવિક ચિત્રણ જેવું પ્રેમચંદે કર્યું છે તેવું બીજા કોઈ લેખકે કર્યું નથી.

પ્રેમચંદનો જન્મ બનારસથી ચાર માઈલ દૂર આવેલા લમહી ગામમાં 31 જુલાઈ, 1880ના રોજ થયો હતો.

તેમના પિતાનું નામ અજાયબરાય હતું અને અજાયબરાય પોસ્ટઑફિસમાં મામૂલી નોકરી કરતા હતા. પ્રેમચંદનું બાળપણનું નામ ધનપતરાય હતું.

ધનપતરાય 15 વર્ષના હતા ત્યારે પિતાએ તેમનાં લગ્ન કરી નાખ્યાં હતાં.

ધનપતરાયનાં લગ્નના એક જ વર્ષ પછી તેમના પિતાનું અવસાન થયું હતું. એટલે પરિવારના એક સાથે પાંચ લોકોના ભરણપોષણની તમામ જવાબદારી ધનપતરાય પર આવી પડી હતી.

ગરીબીનું કુ-ચક્ર

ધનપતરાય એટકે કે પ્રેમચંદ બાળપણથી જ ઉર્દૂ ભાષા જાણતા હતા. 13 વર્ષની વયે તો તેમણે લેખનનો આરંભ કરી દીધો હતો.

શરૂઆતમાં તેમણે કેટલાંક નાટક લખ્યાં હતાં. પછી ઉર્દૂમાં નવલકથા લખવાનું શરૂ કર્યું હતું. આ રીતે તેમની સાહિત્યિક સફર આજીવન શરૂ થઈ.

પ્રેમચંદ જે પ્રકારના સાહિત્યનું સર્જન કરતા હતા તેનું કારણ તેમની પોતાની પૃષ્ઠભૂમિ અને દેશમાં અંગ્રેજોનું શાસન હતું. પ્રેમચંદના દિવસો પણ નાણાકીય તંગીમાં પસાર થતા હતા.

બીજાં લગ્ન પછી પ્રેમચંદની પરિસ્થિતિ થોડીક બદલાઈ હતી. એ દરમ્યાન એમની પાંચ વાર્તાઓનો સંગ્રહ 'સોજે વતન' પ્રકાશિત થયો હતો.

'સોજે વતન'માં પ્રેમચંદે દેશપ્રેમ અને દેશવાસીઓના દર્દની વાતો લખી હતી. અંગ્રેજ શાસકોને તેમાંથી બળવાખોરીની ગંધ આવવા લાગી હતી.

પ્રેમચંદ એ સમયે નવાબરાયના નામે લખતા હતા. તેથી નવાબરાયને શોધવાનું શરૂ થયું.

નવાબરાયને સરકારે પકડી લીધા અને 'સોજે વતન' વાર્તા સંગ્રહને અંગ્રેજોએ તેમની આંખોની સામે જ સળગાવી દીધો. એ ઉપરાંત સરકારની પરવાનગી વિના કશું લખવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો.

કઈ રીતે મળ્યું પ્રેમચંદ નામ?

ધનપતરાય એ ઘટના પછી નવાબરાય નહીં, પણ આજીવન પ્રેમચંદ બની રહ્યા અને ધનપતરાયને પ્રેમચંદ નામ અપનાવાનું સૂચન તેમના નજીકના સ્નેહી મુનશી દયા નારાયણ નિગમે કર્યું હતું.

મુનશી દયાનારાયણ નિગમ વીસમી સદીની શરૂઆતમાં કાનપુરથી પ્રકાશિત થતા ઉર્દૂ સામયિક 'જમાના'ના તંત્રી હતા.

પ્રેમચંદની પહેલી વાર્તા 'દુનિયા કા સબસે અનમોલ રતન' તેમણે જ પ્રકાશિત કરી હતી.

જિંદગીનાં અંતિમ વર્ષોમાં પ્રેમચંદે 'યે થા મંગલસૂત્ર' નવલકથા લખવાનું શરૂ કર્યું હતું, પણ એ નવલકથા ક્યારેય પૂર્ણ થઈ નહીં.

ફિલ્મી દુનિયાનું ચક્કર

પરિવારનું પાલનપોષણ કરવા માટે પૈસા કમાવા અને નસીબ અજમાવવા પ્રેમચંદ 1934માં માયાનગરી મુંબઈ પહોંચ્યા હતા.

અજંતા કંપનીમાં તેમણે વાર્તાલેખક તરીકે નોકરી પણ કરી હતી, પરંતુ આખા વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થાય એ પહેલાં તો તેઓ ઘરે પાછા ફર્યા હતા.

પ્રેમચંદની અનેક વાર્તાઓ, નવલકથાઓ પરથી ફિલ્મો બની હતી, પણ લોકોએ તેમની સાથે ન્યાય કર્યો ન હતો.

પ્રેમચંદની નવલકથા પરથી બનેલી કોઈ ફિલ્મને સફળતા મળી હોય તો એ ફિલ્મ હતી 1977માં બનેલી 'શતરંજ કે ખિલાડી'. એ ફિલ્મના દિગ્દશર્ક હતા સત્યજીત રે.

આ ફિલ્મને ત્રણ ફિલ્મફેર એવૉર્ડ મળ્યા હતા. ફિલ્મની કહાણીના કેન્દ્રમાં અવધના નવાબ વાજીદ અલી શાહના બે શ્રીમંતો છે.

ભારતીય ફિલ્મો વિશે લખતા સાહિત્યકાર યતીન્દ્ર મિશ્રે જણાવ્યું હતું કે પ્રેમચંદની ત્રણ વાર્તાઓ પરથી ફિલ્મો બની હતી. એ પૈકીની 'સદગતિ' અને 'શતરંજ કે ખિલાડી' સત્યજીત રેએ બનાવી હતી, જ્યારે 'કફન' મૃણાલ સેને બનાવી હતી.

એ ઉપરાંત 'ગૌદાન', 'ગબન' અને 'હીરામોતી'ને યાદ કરી શકાય.

ફિલ્મોની નિષ્ફળતા

જે પ્રેમચંદ હિંદી સાહિત્યની દુનિયામાં વાર્તાકાર અને નવલકથાકાર તરીકે મોટું નામ બની ચૂક્યા હતા એ જ પ્રેમચંદે લખેલી વાર્તાઓ અને નવલકથા પરથી બનેલી ફિલ્મો લોકોને પસંદ પડી ન હતી.

પ્રેમચંદની રચનાઓમાં દલિતો છે, ખેડૂતો છે અને ગરીબી તથા શોષણની દાસ્તાન છે. તેથી લોકોને એવું લાગ્યું કે પ્રેમચંદની રચનાઓમાં ડાબેરી વિચારધારા તરફી ઝુકાવ છે.

પ્રેમચંદની જીવનકથા 'કલમ કે સિપાહી'ના લેખક તથા એમના પુત્ર અમૃતરાયે કહ્યું હતું કે 'પ્રેમચંદે 1919માં દયા નારાયણ મિશ્રાને લખ્યું હતું કે તેઓ બોલ્શેવિક મૂલ્યોમાં માનવા લાગ્યા છે. તેનો અર્થ એ છે કે શોષણ વિરુદ્ધની જે ક્રાંતિનું આગમન આ ધરતી પર થયું છે તેને તેઓ આવકારી રહ્યા છે. તેનો અર્થ એ નથી કે પ્રેમચંદ ડાબેરી થઈ ગયા છે.'

બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રેમચંદના પુત્ર અમૃતરાયનાં લગ્ન પ્રસિદ્ધ કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણનાં પુત્રી સુધા ચૌહાણ સાથે થયાં હતાં.

પ્રેમચંદના પૌત્ર આલોકરાયે તેમનાં પિતા અને માતાની પ્રથમ મુલાકાત બાબતે જણાવ્યું હતું કે અમૃતરાય ત્રિપુરા કૉંગ્રેસમાં ભાગ લેવા માટે ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત સુધા ચૌહાણ સાથે થઈ હતી. સુધા ચૌહાણ કૉંગ્રેસ કાર્યકર્તા તરીકે ત્યાં આવ્યાં હતાં.

એ પછી બન્નેની મુલાકાતનો સિલસિલો ચાલતો રહ્યો હતો. જ્ઞાતિ બાબતે બન્ને પરિવારોમાં વિરોધના સૂર ઊઠ્યાં હતાં, પણ આખરે તેમનાં લગ્ન શક્ય બન્યાં હતાં.

સામાજિક નિસબત

પ્રેમચંદે સામાન્ય લોકોની ભાષામાં ભારતના ગ્રામીણ જીવનનું બયાન કર્યું હતું. 'ગૌદાન', 'ગબન', 'નિર્મલા', 'કર્મભૂમિ', 'સેવા સદન', 'કાયાકલ્પ' અને 'પ્રતિજ્ઞા' જેવી નવલકથાઓ અને 'કફન', 'પૂસ કી રાત', 'નમક કા દારોગા', 'બડે ઘર કી બેટી' અને 'ઘાસવાલી' જેવી નવલિકાઓમાં એ જીવનને શબ્દદેહ આપ્યો હતો.

એ સમયે જે સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ આજે પણ એવી જ છે ત્યારે પ્રેમચંદ પછી એમના જેવો સામાજિક નિસબતવાળો કોઈ લેખક કેમ નથી મળતો?

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર મેનેજર પાંડેએ કહ્યું હતું કે 'આજનું સાહિત્ય શહેરી મધ્યમ વર્ગનું સાહિત્ય છે, જેમાં તેમની જીવનશૈલી અને તેમની જ સમસ્યાઓની વાતો છે. તાજેતરમાં જોવા મળ્યું છે તેમ જે લેખકે ખેડૂતના જીવન વિશે લખ્યું છે તેને પછાત લેખક માની લેવામાં આવ્યો છે. આજના જમાનામાં ગામડાંની વાતો કરતો કોઈ લેખક પણ નથી કે પ્રેમચંદ જેવો કોઈ વિચારક પણ નથી.'

પ્રેમચંદનો વિરાટ પડછાયો

સવાલ એ પણ છે કે જેને પ્રેમચંદ જેવું વ્યક્તિત્વ વારસામાં મળ્યું હોય એ પરિવાર માટે લોકોની અપેક્ષા સંતોષવી કેટલું મુશ્કેલ કામ છે?

પ્રેમચંદના પૌત્ર આલોકરાયે જણાવ્યું હતું કે પ્રેમચંદની એક વાત તેમના પિતા વારંવાર કહેતા હતા કે તેઓ બહુ મહાન હતા. પ્રેમચંદની માફક તેમના દીકરાઓની કોઈ આગવી ઓળખ બની શકી નહીં, કારણ કે પ્રેમચંદની પ્રતિભાનો પડછાયો બહુ મોટો છે.

એ વાત પણ સાચી છે કે હિંદી સાહિત્યમાં પ્રેમચંદ પછી તેમના જેવો કોઈ લેખક આવ્યો નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો