શંકર પેન્ટર : જાતિવાદની વેદનાને ધારદાર કવિતા રૂપે રજૂ કરનાર દલિત કવિની વિદાય

    • લેેખક, રાજુ સોલંકી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દલિત કવિ શંકર પેન્ટર 'ચ્યમ્ લ્યા આટલું ફાટ્ટી જ્યુંસ મારા હોમું હેંડત હાળા લગીરે તન બીક ના લાજી' જેવી અમર કૃતિના રચયિતા શંકર પેન્ટરે આપણી વચ્ચેથી વિદાય લીધી છે.

'બૂંગિયો વાગે' કાવ્યસંગ્રહથી મહેસાણાની તળપદી લોકબોલીનો દલિત કવિતામાં નવોન્મેષ પ્રગટાવનારા ઝુઝાર કવિનું મંગળવારે 8 ડિસેમ્બરે, 2020ના રોજ અમદાવાદની ઍપોલો હૉસ્પિટલમાં બોતેર વર્ષની જઈફ વયે ગંભીર બીમારીઓને કારણે દુ:ખદ અવસાન થયું હતું.

1981-85ના અનામતવિરોધી ઉત્પાતો વખતે 'ઓ ફકીરા, લ્યા નાથિયા, લ્યા જીવલા, લ્યા શીવલા, ગુમાવવાનું તારે શું છે, જાશે જાશે તો આ બેડીઓ જાશે બીજું શું તારું જાશે' જેવી દલિતકવિતાઓ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાની લાખોની સભાઓમાં બુલંદ અવાજે ગાતા કવિ શંકર પેન્ટરને જેમણે જોયા-સાંભળ્યા છે.

તેઓ એમની હજાર હજાર વોલ્ટના વિદ્યુત આંચકા આપનારી જુસ્સાદાર, ઊર્જાસભર કવિતાઓને ક્યારેય ભૂલવાના નથી.

શંકર પેન્ટર એટલે ગુજરાતી દલિત આંદોલનનું કાવ્યમય દસ્તાવેજીકરણ.

એક્યાશીના અનામતવિરોધી આંદોલન વખતે મહેસાણાના જોટાણા ગામે દલિતોના વાસ પર હુમલો થયેલો. ત્યારે રતન નામની દલિત મહિલાએ એના ઘરના છાપરા પર ચઢીને ગોફણ-ગોળા છોડીને હુમલાખોરોનો સામનો કરેલો.

કવિ શંકર પેન્ટરે એ મહાન શૌર્યગાથાને એમની કવિતા 'બાઈ રતનને રંગ, એની માવડીને છે રંગ, રંગ જોટાણાના જુવાનિયાઓને દુનિયા થઈ ગઈ દંગ' કવિતા દ્વારા અમર કરી હતી.

એ જ રીતે સાંબરડામાં દલિતોએ હિજરત કરીને પાલનપુરની કલેક્ટર કચેરીમાં છ-છ મહિના સુધી ધામા નાંખ્યા ત્યારે શંકર પેન્ટરે 'સાંબરડાનું સાંબેલું દુનિયાભરમાં ડોલે, ખોલે ખોલે ખોલે એના પોલ જંબુરિયો ખોલે' જેવી ચિરકાલીન કવિતા રચેલી અને આંદોલનની લાખોની જાહેરસભાઓમાં જ્યારે તેઓ આ કવિતા ગાતા ત્યારે જનસમુદાય હિલોળે ચઢતું.

કવિતાઓમાં ઝિલાયું જાતિવાદ સામે આક્રોશનું પ્રતિબિંબ

સિદ્ધપુર તાલુકાનું વરસીલા ગામ શંકર પેન્ટરનું વતન. એમના પિતા સવાભાઈ રોજગારી માટે અમદાવાદમાં સ્થાયી થયેલા. એટલે, પેન્ટરની કવિતામાં ગ્રામીણ અને શહેરી બંને પ્રકારના પરિવેશમાં આચરાતા જાતિગત ભેદભાવની અભિવ્યક્તિ જોવા મળે છે.

ગામડામાં અછૂતો માટે ચાની કીટલી પર તૂટેલી દાંડીવાળા ચાના કપ થુવેરિયાની વાડમાં કે ઝાડની બખોલમા રાખવામાં આવતા અને જ્યારે કોઈ અછૂત જાતિની વ્યક્તિ ચા પીવા આવે ત્યારે એ કપમાં ઊંચેથી ચા રેડીને આપવામાં આવતી.

આ જાતિગત ભેદભાવ શંકર પેન્ટરની ઐતિહાસિક કવિતા 'તોડ ચપ્પણિયા ચાના રે ભઈલા, હાથ હવે ના જોડ, માગે ભીખ ના હક્ક મળે, ઇતિહાસ હવે મરોડ ભઈલા'માં બળકટપણે વ્યક્ત થાય છે.

કલમને બનાવ્યું જાતિવાદ પર પ્રહાર માટેનું અસ્ત્ર

મહેસાણા ONGC વર્કશૉપમાં પેન્ટર તરીકે નોકરી કરતા શંકરભાઈ પરમારે 'શંકર પેન્ટર'ના નામે કવિતાઓ લખી અને એ નામે તેઓ જાણીતા થયેલા.

એમની કવિતામાં વર્ણ-વર્ગની અસમાનતા સામેનો વિદ્રોહ તો જોવા મળે જ છે, સાથેસાથે દલિતોના શિક્ષિત અગ્ર વર્ગની ટીકા પણ તેઓ કરે છે.

'તું ગામડે મારા આવજે રે હો વીરા મારા કલમવાળા, દુખીયાનો ભેરુ તું થાજે રે હો વીરા મારા વ્હાઇટ કોલરવાળા.'

ગામડાનો દલિતવાસ કેવી સ્થિતિમાં જીવે છે એનું તાદૃશ્ય વર્ણન કરતાં તેઓ કહે, 'ગામ છેવાડે ઝૂંપડાં મારાં, ઉકરડાની પાસે રે માથું ફાટે તેવી દુર્ગંધવાળાં.'

છેલ્લે કહે છે, 'આઝાદી તો ક્યારની આવી, આઝાદી તો ક્યારની આવી, લોકો એવું કહે છે, પણ ભઈલા અમે એને ક્યાંય ના ભાળી.'

જીવનની કઠોર વાસ્તવિકતાઓનું કવિતામાં આલેખન

ગુજરાતી સાહિત્ય પરિષદના લબ્ધપ્રતિષ્ઠિત વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા પેન્ટરની કવિતાઓ વિશે લખે છે કે, "દલિત મેદની આગળ દલિતોની જાગૃતિ માટે મૌખિક પરંપરાની આડશે રચાતી એમની પંક્તિઓના લય ઠેરઠેર તૂટે છે."

ટોપીવાળા કદાચ સાચા હશે, પરંતુ પૃથ્વી કે શિખરિણીના છંદોનું પરફેક્ટ ગણિત ગણ્યા પછી પણ મોટા ભાગની ગુજરાતી કવિતાઓમાં કન્ટેન્ટના નામે મોટું મીંડું જ હોય અને જીવનની કઠોર વાસ્તવિકતાઓથી જોજનો દૂર અંતર હોય તો એવી કવિતાઓનો શું અર્થ છે?

શંકર પેન્ટરની કવિતાઓમાં ભલે ક્યાંક લય તૂટ્યા હશે, પરંતુ દલિતજીવનનો લય તો એમણે એવો આબેહૂબ અને યથાતથ ઝીલ્યો છે કે વાંચનાર બે ઘડી તો આફરીન પોકારી જાય છે.

"ચ્યમ, લ્યા આટલું ફાટ્ટી જ્યુંસ, મારા હામુ હેંડત હાળા લગીરે તન બીક ના લાજી, પૂછજે તારા વાહમાં જઈને હું કુણ સુ તન કેહ એ તો, લેમડે બોંધી બાપન તારા ધોક્કે ધોક્કે ધધડાયો તો."

માત્ર દસ-બાર લીટીમાં શંકર પેન્ટર એક લસરકામાં સદીઓ જૂના જાતિગત દમનને રેખાંકિત કરે છે એ ખરેખર અદભુત છે.

આવી વર્ણનશક્તિ પેન્ટરને મોટા ગજાના કવિ તરીકે આસાનીથી પ્રસ્થાપિત કરે છે.

શંકર પેન્ટરે બૂંગિયો વાગે બાદ 'દાતેડાના દેવતા', જેવા કાવ્યસંગ્રહો તેમ જ 'જહૂમાની જુક્તિ' લઘુનવલ તથા ભીમકથાઅમૃતમ જેવા ગ્રંથો આપ્યા.

કવિતાના શબ્દેશબ્દમાં દલિતજીવનની વેદનાઓનું દર્શન

ગદ્ય કરતાં પદ્યમાં તેઓ વિશેષ નીખર્યા. 'ઢોલ ઓશીકે વડલા હેઠળ ઊંઘતો ઓલ્યો કાળિયો ઢોલી, લોકશાહીમાં રાજકર્તાઓને ચૂંટવાવાળો કાળિયો ઢોલી' એમની સુંદર રચના છે.

દલિતોમાં પણ દલિત એવા વાલ્મીકિની વેદના એમણે 'એંઠાં ટુકડાં દીધાં અમોને ઝલાવીને આ ઝાડું, મેલું માથે ઉપડાવ્યું લ્યા સાદ ગલી ગલી પાડું, ક્યારે છૂટશે આ હાથોથી સવારે ઝાડુ, સાંજે વાળુ' જેવી કવિતામાં સચોટપણે નિરૂપી છે.

અનામતવિરોધી ઉત્પાતોના સમયમાં 1981થી 1990ના સમગ્ર દાયકા દરમિયાન અમદાવાદના ચાલી, મહોલ્લાઓથી માંડીને ગુજરાતનાં ગામડેગામડે દલિત કવિતાના શેરીવાંચન થકી દલિતચેતના સંકોરવાનું નોંધપાત્ર કાર્ય જાતિ નિર્મૂલન સમિતિના ઉપક્રમે થયું. એની સાથે 'બામણવાદની બારાખડી' શેરીનાટક પણ પર્ફૉર્મ થયું. એનાથી દલિત પ્રતિરોધની સાતત્યપૂર્ણ ભૂમિકા તૈયાર થઈ, જેના પડઘા છેક 2016ના ઉના આંદોલનમાં પણ જોવા મળે છે, જ્યારે જયેશ જીવીબહેન સોલંકી શંકર પેન્ટરની 'ચ્યમ લ્યા આટલું ફાટ્ટી જ્યુંસ' તેમજ સાહિલ પરમારની 'ઝી પોણી લ્યા ખાવ તમે' જેવી કવિતાઓને ફરીથી જીવતી કરે છે.શંકર પેન્ટરને ગુજરાત સરકારનો 'સંતકબીર ઍવૉર્ડ' પણ મળ્યો હતો.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસી નહીં.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો