ધ લાગ બોમર : યહૂદીઓનો એ ધાર્મિક તહેવાર જેની ઉજવણીમાં ઇઝરાયલમાં ડઝનબંધ લોકો કચડાઈને મરી ગયા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇઝરાયલના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા પ્રાંતમાં આયોજિત એક ધાર્મિક તહેવારની ઉજવણી દરમિયાન અનેક લોકો કચડાઈને મરી ગયા છે.

ઇઝરાયલની ઇમર્જન્સી સેવા મેગન ડેવિડ એડમ (MDA) દ્વારા આ અંગે ખરાઈ કરાઈ છે, જોકે તેમને ચોક્કસ મૃતકાંક અંગે માહિતી આપી નથી.

તેમણે નોંધ્યું છે કે અન્ય ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અખબાર હારેટ્ઝ નોંધે છે કે 38 લોકો માર્યા ગયા છે, ઇમર્જન્સી સેવાઓની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી આદરી દેવાઈ હતી.

વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ આ ઘટનાને 'મોટી આપત્તિ' ગણાવી છે અને કહ્યું છે કે તેઓ મૃતકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.

મેરોનના નગરમાં 'ધ લાગ બોમેર'ની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું.

ઇઝરાયલમાં કોરોના વાઇરસનું સંક્રમણ શરૂ થયું એ બાદ પહેલી વખત આટલા મોટાપાયે કોઈ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના વાઇરસના સંક્રમણના ભય વચ્ચે દસ હજાર કરતાં વધારે લોકો અહીં એકઠા થયા હોવાના અહેવાલો છે.

પોલીસે ઘટનાસ્થળે હાજર તમામ લોકોને ત્યાંથી નીકળી જવાના આદેશ આપ્યા છે, ડઝનેક ઍમ્બ્યુલન્સ અહીં પહોંચી ગઈ છે અને મૃતદેહો તથા ઈજાગ્રસ્તનો કાઢવામાં આવી રહ્યા છે.

દુર્ઘટના કેવી રીતે ઘટી?

ઘટનાસ્થળે ખાતે બનાવાયેલું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાનું અહેવાલોમાં નોંધ્યું હતું, જોકે એમડીએના અધિકારીઓ બાદમાં સ્પષ્ટતા કરી કે નાસભાગ થતાં આ દુર્ઘટના ઘટી હતી.

પોલીસ સૂત્રોએ હારેટ્ઝને જણાવ્યું છે કે કેટલાક લોકો દાદારમાંથી લપસી ગયા, અને એમના કારણે અન્ય ડઝનેક લોકો પડ્યા, એ રીતે આ નાસભાગ શરૂ થઈ હતી.

ઘટનાના પ્રત્યક્ષદર્શીએ અખબારને કહ્યું કે 'પળભરમાં આ બધું ઘટી ગયું, લોકો પડ્યા, પછી એકબીજાને કચડવા લાગ્યા, આ વિનાશક હતું.'

પોસ્ટ કરાયેલા વીડિયોમાં હજારો લોકોને સજ્જડ ભીડમાં ઊભેલા જોઈ શકાય છે.

અહેવાલ પ્રમાણે એક શ્રદ્ધાળુને એવું લાગ્યું હતું કે બૉમ્બ ઍલર્ટ જાહેર કરાઈ છે.

એક વ્યક્તિએ ચેનલ 12 ટીવી સાથે વાત કરતાં કહ્યું, "કોઈએ વિચાર્યું નહોતું કે અહીં આવું કંઈક થઈ જશે. ઉત્સવ શોકમાં પલટાઈ ગયો, અજવાળામાંથી જાણે કે અંધારું થઈ ગયું."

કાર્યક્રમસ્થળે ઊમટી પડેલી ભીડ જોતાં અધિકારીઓએ ઘટના પહેલાં કહ્યું હતું કે તેઓ કોરોના વાઇરસ માટે લદાયેલા પ્રતિબંધોનું પાલન કરાવી નહીં શકે.

ધ લાગ બોમર તહેવાર શું છે?

હજારો લોકો 'ધ લાગ બોમર' માટે દરવર્ષે મેરોનની યાત્રા કરે છે, આ દિવસે વાર્ષિક જાહેર રજા હોય છે.

આ મૂળે યહૂદીઓનો ધાર્મિક તહેવાર છે, હિબ્રુ મહિના ઇયારના 18મા દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે લોકો હોળીની જેમ લાકડા ગોઠવે છે અને એને પ્રગટાવે છે, પ્રાર્થના કરે છે અને નાચે છે.

અહીં રબ્બી શિમન બાર યોચાઈનો મકબરો આવેલો છે, જેમને બીજી સદીના ઋષિ માનવામાં આવે છે.

આ ઉજવણીની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી, એ અંગે જુદી-જુદી કથાઓ છે.

ટાઇમ્સ ઑફ ઇઝરાયલ પ્રમાણે આયોજકો ધારતા હતા કે ગુરુવારે રાત સુધી અહીં એક લાખ જેટલા લોકો એકઠા થઈ જશે, અને શુક્રવારે વધુ લોકોના આવવાની આશા હતી.

ગયા વર્ષે આ ઉજવણી કોરોના સંક્રમણની રોકથામ માટે લદાયેલા પ્રતિબંધોને કારણે નહોતી થઈ.

જોકે ઇઝરાયલના રસીકરણ કાર્યક્રમ બાદ અહીં અનેક પ્રતિબંધો હઠાવી લેવામાં આવ્યા છે.

અહીંના રસીકરણ કાર્યક્રમને વિશ્વનો સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ ગણવામાં આવી રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો