કોરોના સંક્રમણની તબાહી ક્યારે અટકશે? વાઇરોલૉજિસ્ટ ડૉ. કાંગે આપ્યો જવાબ

વિખ્યાત વાઇરોલૉજિસ્ટ ગગનદીપ કાંગ કહે છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની અસરમાં ઘટાડો આવશે.

બુધવારે એક વર્ચ્યુઅલ વાતચીતમાં ડૉ. કાંગે જણાવ્યું, "આપણે જે પ્રકારનું મૉડલ જોઈ રહ્યાં છીએ, તેનાથી અદાંજ લગાવી શકાય છે કે મે મહિનાના બીજા અઠવાડિયાથી છેલ્લા અઠવાડિયા સુધીમાં કોરોના વાઇરસની અસરમાં ઘટાડો આવી શકે છે."

"કેટલાંક મૉડલને જોતાં લાગે છે કે જૂનની શરૂઆતમાં કેસોમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ શકે છે. પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે તેના આધારે કહી શકાય કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી કેસમાં ઘટાડો આવે તેની શક્યતા વધુ છે."

ડૉક્ટર કાંગ કોણ છે?

ડૉ. કાંગ ભારતનાં પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે, જેમની રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે.

વાઇરસ અને બૅક્ટેરિયાથી થતી બીમારીઓને અટકાવવા માટે કરવામાં આવતા ઇન્ટર-ડિસિપ્લિનરી સંશોધન માટે તેઓ વિખ્યાત છે.

હાલમાં તેઓ પંજાબ અને આંધ્રપ્રદેશ સરકાર સાથે સલાહકાર તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ કોરોના વાઇરસ સામે લડવા માટે રાજ્યોને મદદ કરી રહ્યાં છે

ડૉ. કાંગે કોવિશિલ્ડ અને કોવૅક્સિનની અસરકારકતા અંગે લોકોનાં મનમાં જે શંકાઓ છે, તેના જવાબ પણ આપ્યાં હતા. તેમણે કહ્યું કે ટૂંકસમયમાં ભારતમાં રસીના વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.

તેઓ કહે છે, "વૅક્સિન રોગો સામે રક્ષણ આપે છે. આ બીમારી સામે રક્ષણ તો આપે છે, સાથે-સાથે સંક્રમણથી પણ રક્ષણ કરે છે. જો તમે સંક્રમણથી બચી ગયા છો, તો તમે બીજા સુધી તેને પહોંચાડી શકતા નથી. એટલા માટે વૅક્સિન કાયમ ગંભીર બીમારીઓ સામે સારી રીતે કામ કરે છે."

તેઓ કહે છે રે વૅક્સિન સંક્રમણ અટકાવી ન શકે તો અસર ઘટાડી જરૂર શકે છે.

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર માટે ડૉ. ગગનદીપ કાંગ મધ્યમ વર્ગ અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણમાં જે વધારો થયો તેને જવાબદાર ગણે છે. કોરોના વાઇરસની પ્રથમ લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં નહિવત્ કેસ હતા.

આર વર્લ્ડ ઇન ડેટા વેબસાઇટ પરના ડેટાની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે હાલમાં જે કેસ આવે છે, તે ગઈ વખત કરતાં ત્રણ- સાડા ત્રણ ગણા વધારે છે.

તેઓ કહે છે કે જેટલી ઝડપથી સંક્રમણમાં વધારો થયો છે, તેટલી ઝડપથી તેમાં ઘટાડો પણ આવશે. ટેસ્ટિંગમાં ઘટાડો આવવા છતાં અત્યારે કોરોના વાઇરસના કેસમાં પીક જોઈ શકાય છે.

લૉકડાઉન હવે એકમાત્ર વિકલ્પ છે?

આ પ્રશ્નના જવાબમાં ડૉ. કાંગ કહે છે કે, "જો આપણે ઇચ્છીએ કે આવતાં બે-ત્રણ અઠવાડિયાં સુધીમાં કેસમાં ઘટાડો આવે તો લૉકડાઉન આમાં ચોક્કસપણે મદદરૂપ થશે."

"આજે જ લૉકડાઉન લાગુ કરવું જોઈએ. તેનાથી એક વાતની ગૅરંટી હશે કે આવનારા દિવસોમાં કેસમાં ઘટાડો આવશે."

"પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે આમ કરવાની સ્થિતિમાં છીએ. જો તમે આમ કરો તો તમારે દેખાડવું પડશે કે ગયા વર્ષે લૉકડાઉનથી ઉદ્ભવેલી માનવ ત્રાસદીથી તમે શું શીખ્યા છો."

તેઓ કહે છે, "જો ખાતરી આપવામાં આવે કે લોકોને રહેવા માટે સલામત સ્થાન, ભોજન આપવામાં આવશે અને માનવાધિકારોનું ઉલ્લંઘન નહીં થાય તો લૉકડાઉન લાગુ કરવું જોઈએ.''

તેઓ કહે છે, "18થી 44 વર્ષના લોકોને સંક્રમણનું સૌથી ઓછું જોખમ છે. વૃદ્ધો અને જેમને પહેલાંથી સુગર, બ્લડપ્રૅશર જેવી બીમારી છે, તેમને વધારે જોખમ છે."

ડૉ. કાંગ કહે છે, "દરેક દેશમાં લોકોને તબક્કાવાર વૅક્સિન આપવામાં આવી રહી છે, જેથી જેમને વૅક્સિનની સૌથી વધુ જરૂર છે, તેમને મળી શકે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો