‘ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નક્કી’, ભારતના વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કોરોનાની ત્રીજી લહેરને લઈને મોટી વાત કરી છે.

કોવિડની વર્તમાન સ્થિતિ પર દરરોજ સાંજે યોજાનારી પત્રકારપરિષદમાં સ્વાસ્થ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ સાથે હાજર વિજયરાઘવને કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરનું આવવું નક્કી છે.

વિજયરાઘવને કહ્યું કે જે રીતે કોરોનાનો ચેપ ફેલાયો, એને જોતાં એ કહી શકાય કે ત્રીજી લહેર આવશે પણ એ સ્પષ્ટ રીતે ન કહી શકાય કે આ લહેર કેટલી ખતરનાક હશે અને ક્યારે આવશે?

તેમણે ચેતવણી આપતાં કહ્યું કે આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ.

કે. વિજયરાઘવને એવું પણ કહ્યું કે નવા વૅરિએન્ટ પણ મૂળ વૅરિએન્ટની માફક જ ચેપી છે અને આમાં ચેપના નવા પ્રકારની કોઈ ક્ષમતા નથી.

તેમણે એવું પણ કહ્યું કે રસીકરણ કોરોનાના આ નવા વૅરિએન્ટના વિરુદ્ધમાં પણ અસરકારક છે.

તેમણે કહ્યું, "કોરોનાનો નવો વૅરિએન્ટ સમગ્ર વિશ્વમાં પેદા થશે અને ભારતમાં પણ. જોકે, જે વૅરિએન્ટને લીધે કોરોનાનું સંક્રમણ વધ્યું છે એ ઘટશે પણ."

વિજયરાઘવને જણાવ્યું કે "ભારત અને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો આ પ્રકારના વૅરિએન્ટને પહેલાંથી જ ઓખળવા અને તેના વિરુદ્ધમાં કારગત ટૂલ વિકસિત કરવા માટે કામ કરી રહ્યા છે."

ભારતમાં ગત 24 કલાકમાં 3700થી વધુ લોકોનાં મૃત્યુ

ભારતમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના 3 લાખ 82 હજાર કરતાં વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3780 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ દેશમાં સક્રિય કેસ 34 લાખ 87 હજાર કરતાં વધી ગયા છે. અત્યાર સુધી દેશમાં 16 કરોડ 4 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે. જ્યારે દેશમાં કુલ કેસની સંખ્યા બે કરોડ 6 લાખ કરતાં વધી ગઈ છે.

આ સાથે જ અત્યાર સુધી ભારતમાં કોરોનાને લીધે 2 લાખ 26 હજાર કરતાં વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભારતની લૅબ પર ટેસ્ટિંગનું દબાણ

ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ચેપની તપાસ કરી રહેલી લૅબમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

જેને જોતાં મંગળવારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે નવાં દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે.

આઈસીએમઆરે કહ્યું છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, એનો ફરીથી RT-PCR ટેસ્ટ ન કરાય.

આ સાથે જ આઈસીએમઆરે એવું પણ કહ્યું કે જે સ્વસ્થ છે પણ ઇન્ટર-સ્ટેટ ટ્રાવેલિંગ માટે RT-PCR ઇચ્છે છે, એને પણ બંધ કરવું જોઈએ.

આઈસીએમઆર અનુસાર ભારતમાં 2,506 મૉલિક્યુલર ટેસ્ટિંગ લૅબ છે અને તેની દૈનિક ક્ષમતા 15 લાખ ટેસ્ટ છે.

આઈસીએમઆરનું કહેવું છે, "વર્તમાનમાં આ લૅબો માટે એ પડકાર છે કે નવા કેસોનું પૂર અને સ્ટાફને કોવિડનો ચેપ લાગવાને લીધે જે લક્ષ્ય છે એ પૂરાં નથી થઈ રહ્યાં."

આઈસીએમઆરે લભામણ કરી છે કે જે વ્યક્તિ એક વાર પૉઝિટિવ આવે છે, તેનો ફરીથી RT-PCR ટેસ્ટ ન થવો જોઈએ અને જે દરદીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે, તેમની ફરીથી તપાસ કરવાની જરૂરી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો