સૅન્ટ્રલ વિસ્ટા : મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટનું નિર્માણ કોરોના મહામારીમાં 'આવશ્યક સેવા' કેવી રીતે?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીમાં સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવે લોકોના જીવ જઈ રહ્યાના સમાચારો વચ્ચે નવી દિલ્હીનો ચહેરો બદલનારી મહત્ત્વાકાંક્ષી સૅન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનું કામ ચાલુ છે.

દિલ્હીના દિલમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સરકારી પરિયોજનાને 'આવશ્યક સેવા' જાહેર કરાઈ છે અને એ નક્કી કરાયું છે કે દિલ્હીમાં લૉકડાઉન હોવા છતાં આ પરિયોજના પર મજૂરો કામ કરતા રહે.

સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન અને નવા કેન્દ્રીય સચિવાલયની સાથે રાજપથના આખા વિસ્તારનું રી-ડેવલપમૅન્ટ થવાનું છે.

દિલ્હીમાં 19 એપ્રિલથી લાગેલા લૉકડાઉન છતાં સૅન્ટ્રલ વિસ્ટાનું કામ ચાલુ રખાયું અને તેના માટે દિલ્હી પોલીસ મંજૂરી પણ આપી.

બીબીસીએ દિલ્હી પોલીસ પાસેથી આ વિષય પર વાત કરવાની કોશિશ કરી અને એ જાણવાની કોશિશ કરી કે આ પરિયોજના પર ચાલી રહેલું કાર્ય 'આવશ્યક સેવા' હેઠળ કેવી રીતે આવે છે?

આ સવાલનો જવાબ મેળવવા માટે બીબીસીએ કેન્દ્રીય શહેરીવિકાસમંત્રી હરદીપસિંહ પૂરી અને શહેરીવિકાસ સચિવને ઈમેલના માધ્યમથી સવાલ કર્યા હતા, પણ તેમનો કોઈ જવાબ આવ્યો નથી. જવાબ આવે ત્યારે આ રિપોર્ટ અપડેટ કરાશે.

પોલીસ અને લોકનિર્માણ વિભાગનો પક્ષ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી (ડીડીએમએ)ના આદેશ અનુસાર ઑનસાઇટ નિર્માણ ગતિવિધિઓને મંજૂરી છે. તો તેમાં અમે કંઈ ન કરી શકીએ, કેમ કે ડીડીએમએનો આદેશ તેની મંજૂરી આપે છે. બહારથી જો મજૂર આવશે તો તેની મંજૂરી નથી."

તેમને પૂછવામાં આવ્યું કે જો મજૂરો ઑનસાઇટ રહેશે તો પોલીસ પાસેથી મજૂરોના આવનજાવનની મંજૂરી કેમ મંગાઈ, તો અધિકારીએ જણાવ્યું, "અમારી સમજ પ્રમાણે મજૂરો સાઇટ પર જ રહેશે અને સામાનની આવનજાવન રહેશે."

કેન્દ્રીય લોકનિર્માણ વિભાગના અધિક મહાનિદેશક પીએસ ચૌહાણ સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે.

બીબીસીએ તેમને પુછ્યું કે પરિયોજનાના કામને આવશ્યક સેવા કેવી રીતે માનવામાં આવે. તો તેમણે કહ્યું, "જ્યાં સાઇટ પર મજૂરો ઉપલબ્ધ છે, ત્યાં કામ ચાલુ રાખવાની મંજૂરી છે. એક સીમિત સંખ્યામાં જે મજૂરો સાઇટ પર છે, તેઓ કામ કરે છે. તેઓ કામ કરી જ શકે છે, કેમ કે નિર્માણકાર્યોની મંજૂરી છે, જો તેઓ સાઇટ પર કામ કરતા હોય તો."

"જે દિલ્હી પોલીસ પાસે મંજૂરી માગી છે એ કૉન્ક્રીટ જેવી નિર્માણ સામગ્રી લાવવા માટે છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 'ઑનસાઇટ' કેટલા મજૂરો રહીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, તો તેમણે કહ્યું કે તેની વિગતો તેમની પાસે નથી અને આ વિષય પર વાત કરવા માટે તેઓ અધિકૃત નથી.

આવશ્યક સેવા કે વૅનિટી પ્રોજેક્ટ?

બીબીસીએ જાણીતા આર્કિટેક્ટ નારાયણ મૂર્તિ સાથે વાત કરી, જેઓ સૅન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનો શરૂઆતથી વિરોધ કરતા આવ્યા છે.

મૂર્તિ કહે છે, "આને કેમ આવશ્યક સેવાઓમાં સામેલ કરાયો છે, તેનો જવાબ એ જ આપી શકે, જેણે તેની મંજૂરી આપી છે. આ પરિયોજના અંગે એટલું આવશ્યક એવું કંઈ પણ નથી. આ સમયે એવી ઘણી બાબતો છે, જે વધુ જરૂરી છે."

મૂર્તિ વધુમાં કહે છે, "આજે મહામારી દરમિયાન સુનિશ્ચિત કરાઈ રહ્યું છે કે તેના પર કામ ચાલુ રહે. તેના માટે કામ કરવા માટે સેંકડો મજૂરોને ભીડભાડવાળી બસોમાં લવાઈ રહ્યા છે. આ પરિયોજના એ જનવિરોધી રીતથી ચાલી રહી છે, જેવી રીતે તેની શરૂઆત થઈ હતી."

'આધુનિક ભારતનું પ્રતીક'

આ આલોચનાઓનો જવાબ કેન્દ્રીય શહેરીવિકાસમંત્રી હરદીપસિંહ પૂરી ઘણી વાર આપી ચુક્યા છે.

તેમણે આ વર્ષની શરૂઆતમાં સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું, "નવી ઇમારત ભારતની આંકાક્ષાઓને દર્શાવશે. વર્તમાન ઇમારત 93 વર્ષ જૂની છે, જેનું નિર્માણ ભારતની ચૂંટાયેલી સરકારે નહોતું કર્યું, તેનું નિર્માણ ઔપનિવેશકાળમાં થયું હતું."

વાસ્તુકાર, શહેરી યોજનાકાર અને સંરક્ષણ સલાહકાર એજી કૃષ્ણા મેનન વર્તમાનમાં ઇનટેકના દિલ્હી એકમના સંયોજક છે.

તેઓ કહે છે, "આ પરિયોજના શરૂઆતથી બિનજરૂરી હતી."

તેઓ કહે છે, "બે વર્ષ પહેલાંથી અમે કહી રહ્યા છીએ કે આ પરિયોજના ચલાવવાની કોઈ જરૂર નથી. આ એક દેખાડાનો પ્રોજેક્ટ છે. લોકતંત્રના નામ પર આ બધું કરાઈ રહ્યું છે."

મેનનનું માનવું છે કે આ પરિયોજના પહેલેથી ખોટી હતી, હવે મહામારીના સમયમાં તો વધુ ખોટી થઈ ગઈ છે.

તેઓ કહે છે, "આ સમયે એ વાત થઈ રહી છે કે વિદેશોથી કેટલી સહાય મળી રહી છે, પણ જ્યારે દેશ પાસે આટલા પૈસા હતા તો એ સહાયની શું જરૂર હતી?"

તેઓ કહે છે, "આ શરમની વાત છે કે આ પરિયોજનાના કામને આવશ્યક સેવાઓમાં ગણાવી રહ્યા છે. લોકો હૉસ્પિટલોમાં મરી રહ્યા છે, ઓક્સિજન મળતો નથી. અને એક વૅનિટી પ્રોજેક્ટ બનાવવા માટે તેને આવશ્યક સેવા કહેવાઈ રહી છે."

કોરોના મહામારી માટે વિદેશથી મદદ લેવી પડે છે ત્યારે આ પ્રોજેક્ટની જરૂર શું?

પર્યાવરણ અને વન મંત્રાલયનાં પૂર્વ સચિવ મીના ગુપ્તાનું પણ કહેવું છે કે આ પરિયોજનાનું ચાલી રહેલું કામ ખોટું છે.

તેઓ કહે છે, "આ એક આવશ્યક સેવા ગણાવાઈ રહી છે, તેમાં એવું શું છે જે આવશ્યક છે? કોવિડના સમયમાં તમે વિદેશથી સહાય લઈ રહ્યા છો, તો આ પરિયોજના માટે આટલી જલદી શું છે?"

"વિદેશો અને દેશના લોકો પૈસા મોકલી રહ્યા છે અને તમે કોઈ એવી બાબત પર પોતાનો ખર્ચ રોકી નથી શકતા, જે સંપૂર્ણ બિનજરૂરી છે."

મીના ગુપ્તા પૂછે છે, "દેશમાં કોઈને પણ રસી ખરીદવાની નોબત કેમ આવે? સરકારે સૅન્ટ્રલ વિસ્ટાના વિકાસ પર 20 હજાર કરોડથી વધુ પૈસા કેમ ખર્ચવા જોઈએ?"

મીના ગુપ્તા કહે છે કે "જો આ મહામારી ખતમ થાય ત્યાં સુધી એક-બે વર્ષ માટે સ્થગિત થઈ જાય તો આ ધન લોકોના સ્વાસ્થ્યમાં વધુ સારી રીતે ઉપયોગમાં આવી શકે. આ ખોટી પ્રાથમિકતાઓનો મામલો છે."

આ આલોચનાઓ વચ્ચે આ સવાલ પર ફેબ્રુઆરીમાં શહેરીવિકાસમંત્રી હરદીપસિંહ પૂરીએ કહ્યું હતું, "સૅન્ટ્રલ વિસ્ટા આધુનિક ભારતનું પ્રતીક હશે. કેટલાક લોકો તેનું મહત્ત્વ સમજતા નથી, કેટલાક લોકો દેશને વિકાસ કરતા જોઈ શકતા નથી."

શું છે સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ?

રાયસીના હિલ પર જૂની ઇમારતોને સુધારવા, સામાન્ય સચિવાલય ભવનોને સારાં બનાવવાં, જૂની સંસદભવનના નવીનીકરણ માટે અને સાંસદોની આવશ્યકતા અનુસાર નવી જગ્યા બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારે સૅન્ટ્રલ વિસ્ટા પરિયોજના શરૂ કરી છે.

આ પરિયોજના પર લગભગ 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.

સૅન્ટ્રલ વિસ્ટાનું કામ નવેમ્બર 2021 સુધી, નવા સંસદભવનનું કામ માર્ચ 2022 સુધી અને કૉમન કેન્દ્રીય સચિવાલયનું કામ માર્ચ 2024 સુધી પૂરું કરવાનું આયોજન છે.

આ પ્રોજેક્ટ હેઠળ આઝાદી પહેલાંની ઘણી ઇમારતોના પુનર્નિમાણની તૈયારી છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે રાયસીના હિલ પર અને રાજપથ પાસેનાં ભવનોની જરૂરિયાતો હવે ઘણી વધી ગઈ છે અને આ ઇમારતો હવે પૂરતી જગ્યા, સુવિધાઓ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ નથી.

સરકારનું એ પણ કહેવું છે કે હવે બધાં કેન્દ્રીય સરકારી કાર્યાલયોને સમાયોજિત કરવા માટે વધુ જગ્યાની જરૂર છે.

તેમજ એ કારણ પણ આપવામાં આવ્યું કે પરિસીમન (સીમા નિર્ધારણ)ને કારણે ભવિષ્યમાં વધુ સંખ્યામાં સાંસદ હોઈ શકે છે અને તેના માટે વધુ જગ્યાની જરૂર પડશે અને બીજું કે વર્તમાન સાંસદો માટે પણ સંસદભવનમાં જરૂરી જગ્યા અને સુવિધાઓ અપૂરતી છે, આથી એક નવા સંસદભવનની જરૂર છે.

કેન્દ્ર સરકારનું એ પણ કહેવું છે કે ઘણા બધા વિદેશી લોકો આ વિસ્તારમાં આવે છે અને તેને વિશ્વસ્તરીય પર્યટક આકર્ષણકેન્દ્ર બનાવવા માટે તેની સુંદરતા વધારવી જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો