કોરોના વાઇરસની ત્રીજી લહેર આવશે? તેનો સામનો કરવા ભારત કેટલું સજ્જ છે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં છેલ્લા 14 મહિનામાં એક અદૃશ્ય દુશ્મને બે લાખથી વધુ લોકોનો જીવ લીધો છે અને વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રને લાચાર બનાવી દીધું છે.

અત્યારની મહામારીમાં જાહેર આરોગ્યતંત્ર પડી ભાંગ્યું છે. લોકો ભયભીત અને અસુરક્ષિત છે. રાષ્ટ્રની સુરક્ષા માટે આ એક મહત્ત્વપૂર્ણ અને ગંભીર મામલો છે, કારણકે દુશ્મન દરરોજ જીવલેણ હુમલા કરતો રહે છે.

પાકિસ્તાન સાથે ભારત ત્રણ મોટા યુદ્ધ લડ્યું છે અને ચીન સાથે એક યુદ્ધ થયું છે. છેલ્લા બે દાયકામાં ભારતમાં ઘણા ઉગ્રવાદી હુમલા પણ થયા, જેમાં સેંકડો દેશવાસીઓએ જીવ ગુમાવ્યા હતા.

અત્યાર સુધીમાં થયેલાં તમામ નાનાં-મોટાં યુદ્ધ અને ઉગ્રવાદી હુમલામાં પણ કુલ મળીને એટલા લોકોનાં મોત થયાં ન હતાં જેટલા લોકો અત્યારે અદૃશ્ય દુશ્મનના કારણે માર્યા ગયા છે.

ગંભીર વાત એ છે કે હજુ સુધી જોખમ દૂર નથી થયું.

આ આંકડા પર નજર નાખો. 2020-21માં આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયનું બજેટ લગભગ 65,000 કરોડ રૂપિયા હતું, જ્યારે સંરક્ષણ બજેટ 4.71 લાખ કરોડ રૂપિયાથી થોડું વધારે હતું.

કેન્દ્ર સરકારનાં તમામ મંત્રાલયોની તુલનામાં સંરક્ષણ મંત્રાલયનું બજેટ વધારે છે. કેન્દ્રના કુલ બજેટનો 15.5 ટકા હિસ્સો સંરક્ષણ માટે ખર્ચવામાં આવે છે.

આરોગ્ય પાછળ થતા 2 ટકા ખર્ચ કરતાં લગભગ સાત ગણો ખર્ચ સંરક્ષણ માટે થાય છે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા દેશમાં આરોગ્ય ક્ષેત્રે રિસર્ચ અને નીતિવિષયક મામલે કામ કરતી એક મોટી સંસ્થા છે.

આ સંસ્થાના અધ્યક્ષ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "દેશમાં ઘણા દાયકાથી આરોગ્ય સેવા તંત્રની ઉપેક્ષા કરવામાં આવે છે."

પ્રાથમિકતા બદલવાની જરૂર છે?

સંરક્ષણ પાછળ મહત્તમ ખર્ચ કરવામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આમ છતાં ચીન સરહદે થયેલી અથડામણને બાદ કરતા આપણે શાંતિપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.

તેનાથી વિપરીત આરોગ્ય સંકટના કારણે દેશમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે.

તો શું નેતાઓ અને દેશની નીતિ ઘડનારાઓએ તેમની પ્રાથમિકતા બદલવી પડશે, શું તેમની વિચારવાની પદ્ધતિ બદલવી પડશે?

નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર જે રીતે દેશની સરહદી સુરક્ષા અને તેની અખંડતાને ગંભીરતાથી લે છે, તેવી જ રીતે તેમણે આરોગ્ય સેવાને પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવી જોઈએ.

અમેશ અદલજા ચેપી રોગ અને આરોગ્ય સુરક્ષાના નિષ્ણાત છે. તેઓ અમેરિકાની વિખ્યાત જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આરોગ્ય સુરક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આરોગ્ય સુરક્ષા કોઈ પણ દેશની પ્રાથમિકતા હોવી જોઈએ.

તેઓ કહે છે, "તમારે જાહેર આરોગ્યના કેટલાક મુખ્ય હિસ્સાને રાષ્ટ્રીય સુરક્ષાની શ્રેણીમાં સમાવવા પડશે. જે રીતે સૈન્ય સુરક્ષા અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટેનું બજેટ સતત વધતું જાય છે, તે રીતે આરોગ્યનું બજેટ સતત વધારવું પડશે."

પ્રોફેસર શ્રીનાથ રેડ્ડી એ વાત સાથે સહમત છે કે આરોગ્યતંત્રને રાષ્ટ્રીય સુરક્ષાની જેમ ગંભીરતાથી લેવું જોઈએ.

તેઓ કહે છે, "અમેરિકામાં આરોગ્ય સુરક્ષાને મર્યાદિત રીતે જોવામાં આવ્યું. જેમાં વિદેશથી બાયોલૉજિકલ ખતરા વગેરેની વાતો કરી હતી. પરંતુ ભારતમાં આરોગ્ય સુરક્ષાનો અર્થ બધા માટે આરોગ્યની સુવિધા થવો જોઈએ."

"બધાને આરોગ્ય સુરક્ષા આપવામાં નહીં આવે તો કોરોના વાઇરસ જેવી બીમારી કેળાની છાલ સમાન સાબિત થશે જેના પર આપણે બધા લપસતા રહીશું. આપણું અર્થતંત્ર સતત નીચે ધકેલાતું રહેશે."

"આપણો આર્થિક વિકાસદર 10થી 15 ટકા હોય તો પણ આરોગ્યની ઇમર્જન્સીની સ્થિતિમાં તે અસ્ત-વ્યસ્ત થઈ શકે છે."

પ્રાથમિક આરોગ્યતંત્ર ધ્વસ્ત થઈ ગયું છે

ગ્લોબલ હેલ્થ સિક્યૉરિટી ઇન્ડેક્સ પ્રકોપ રોકવા, જાણકારી મેળવવા, રિપોર્ટ કરવા અને તેના પર અમલ કરવાની ક્ષમતાના આધારે દેશોને રેન્કિંગ આપે છે.

આ સંસ્થાએ ભારતને 195 દેશમાં 57મું સ્થાન આપ્યું છે. હેલ્થકૅર એક્સેસમાં ભારતનું રેન્કિંગ 149 હતું, જ્યારે પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ ભારત 124મા સ્થાને હતું.

આ રેન્કિંગ કોરોના મહામારી શરૂ થઈ તે પહેલાં આપવામાં આવ્યું હતું. ગયા વર્ષે મહામારીની પ્રથમ લહેર આવી અને ત્યાર પછી બીજી લહેર આવી જેણે સાબિત કરી દીધું કે ભારતમાં જાહેર આરોગ્યતંત્ર નિષ્ફળ અને અપૂરતું છે.

21મી સદીના ભારતમાં હૉસ્પિટલોમાં ઓક્સિજન અને પથારીની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

તે દર્શાવે છે કે પ્રોફેસર રેડ્ડીએ જણાવ્યું તે રીતે વર્ષોથી ભારતમાં જાહેર આરોગ્યતંત્રની ઉપેક્ષા કરવામાં આવી છે.

નિષ્ણાતો જણાવે છે કે આ રેન્કિંગ પરથી એવા સંકેત મળે છે કે ભારત પોતાના હાલના માળખા અને આરોગ્ય દેખરેખ પ્રણાલિની સાથે મહામારીનો સામનો કરવા માટે તૈયાર નથી.

આરોગ્યતંત્રની ખામીઓ શહેરોમાં પણ છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને પ્રાથમિક આરોગ્યતંત્ર બહુ ખરાબ સ્થિતિમાં છે.

છત્તીસગઢનું ઉદાહરણ લઈએ જે અત્યારે મહામારીની બીજી લહેરના સકંજામાં છે.

રાજ્યમાં નિષ્ણાત ડૉક્ટરોની 1596 જગ્યા માટે મંજૂરી મળી છે, જેમાંથી 1359 જગ્યાઓ ખાલી છે. સ્ટાફ નર્સની 5329 જગ્યાઓમાંથી 1895 જગ્યા ખાલી છે.

ટેકનિશિયનો માટે 1436 જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાંથી હજુ 989 જગ્યા ખાલી છે.

રાજ્યમાં જરૂરિયાતની સરખામણીએ પહેલાંથી ઓછી જગ્યાઓ મંજૂર થઈ છે અને તેમાં પણ મોટા ભાગની પોસ્ટ ખાલી છે.

રાજ્યના સિનિયર પત્રકાર આલોક પુતુલ મહામારી અંગે સતત અહેવાલ આપી રહ્યા છે.

તેઓ કહે છે કે રાજ્યમાં મેડિકલ કૉલેજોની સ્થિતિ પણ સારી નથી.

તેઓ જણાવે છે, "બિલાસપુર, રાજનંદગાંવ અને અંબિકાપુર મેડિકલ કૉલેજમાં તો નિષ્ણાત ડૉક્ટરોના પદ જ સ્વીકૃત નથી."

"રાયપુરની મેડિકલ યુનિવર્સિટી આંબેડકર હૉસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરના 24 હોદ્દા સ્વીકૃત થયા છે, જેમાંથી 7 ખાલી છે. સ્ટાફ નર્સના 556 પદ છે, જેમાં 196 ખાલી છે."

"ટેકનિશિયનના 85 સ્વીકૃત પદમાંથી 34 પદ ખાલી છે. જગદલપુરની મેડિકલ યુનિવર્સિટી અને હૉસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરના આઠ સ્થાન છે, જે તમામ ખાલી છે."

"સ્ટાફ નર્સની 279 જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાંથી 116 ખાલી છે. ટેકનિશિયનોની 19 સ્વીકૃત જગ્યાઓમાંથી 13 ખાલી છે."

આગામી મહામારીનો સામનો કરવા ભારત કેટલું સજ્જ?

આવી સ્થિતિમાં 135 કરોડની વસતી ધરાવતા દેશમાં કોરોનાની ત્રીજી લહેર અથવા બીજી કોઈ મહામારી આવે તો કેવી રીતે સામનો કરશે?

ભ્રમર મુખરજી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ગ્લોબલ પબ્લિક હેલ્થના પ્રોફેસર તથા ચેપી રોગોના એક જાણીતા વિજ્ઞાની છે.

તેઓ ગયા માર્ચથી જ ભારતમાં કોરોના મહામારી પર સંશોધન કરી રહ્યા છે. તેમનું કામ હવામાન વૈજ્ઞાનિક જેવું જ હોય છે જેઓ ડેટાની મદદથી હવામાનની આગાહી કરે છે.

ભ્રમર મુખરજીએ કોરોનાની બીજી લહેરની ભવિષ્યવાણી પહેલાંથી કરી દીધી હતી જે ખરી સાબિત થઈ છે.

હવે તેમનું કહેવું છે કે મે મહિનાના બીજા સપ્તાહમાં આ લહેર તેની ટોચ પર પહોંચશે. તે સમયે રોજના 4500 મૃત્યુ નોંધાઈ શકે છે અને સંક્રમિતોનો દૈનિક આંકડો આઠ લાખ સુધી જઈ શકે છે.

મેં તેમને પૂછ્યું કે આનાથી લોકોમાં ગભરાટ નહીં ફેલાય?

તેના જવાબમાં તેમણે કહ્યું, "હાલમાં ભારતમાં જેટલા લોકો બીમાર પડી રહ્યા છે અને કોરોનાનાં લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે, તે મગજ ઘુમાવી દે તેવું છે."

"અત્યારે રોજના 3.5 લાખ કેસ નોંધાતા હોય તો બે-ત્રણ સપ્તાહમાં આ સંખ્યા વધીને બમણી થઈ જશે તે વાતમાં કોઈ શંકા નથી. આ પ્રોજેક્શન સરકારી આંકડા પર આધારિત છે. આ નીચું આકલન છે."

આજે ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે, "આપણે મહામારીના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ."

કોરોના મહામારી ક્યારે શરૂ થઈ તે તારીખ તો આપણે જાણીએ છીએ, પરંતુ આ મહામારી ખતમ ક્યારે થશે તે કોઈ નિષ્ણાત જણાવી શકે તેમ નથી.

આ ઉપરાંત કોરોના વાઇરસના વૅરિયન્ટ પણ આવી રહ્યા છે. તેની ત્રીજી અને ચોથી લહેર પણ આવી શકે છે. નિષ્ણાતો આગાહી કરે છે કે આ બધાથી આગળ વધીને કોરોનાની જગ્યાએ કોઈ બીજી મહામારી પણ આવી શકે છે.

તેથી અમેશ અદલજા કહે છે કે આગામી મહામારીનો સામનો કરવા માટે કોઈ દેશની તૈયારી નથી.

તેઓ કહે છે, "કોઈ પણ દેશ આગામી મહામારી માટે સજ્જ નથી. આ મહામારી સમગ્ર દુનિયા માટે એક વેકઅપ કૉલ સમાન છે."

"તમામ દેશોએ તેને એક રાષ્ટ્રીય ખતરાસમાન ગણીને પોતાની આરોગ્ય સિસ્ટમને પ્રાથમિકતા આપવી જોઈએ."

"આપણે જોયું છે કે તાઇવાનને બાદ કરતાં કોઈ દેશ કોરોનાનો સારી રીતે સામનો કરી શક્યો નથી. તમે કલ્પના કરી શકો છો કે ભયાનક મહામારી આવશે તો તે વધારે જીવલેણ અને ખતરનાક સાબિત થશે. તેથી યથાસ્થિતિ નહીં ચલાવી લેવાય. દેશના આરોગ્યતંત્રને મજબૂત બનાવવું પડશે."

ભારતમાં આરોગ્ય મંત્રાલય હેઠળ ડૉ. સુજિતકુમાર સિંહના અધ્યક્ષપદે નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલનું કામ દેશમાં રોગને નિયંત્રણમાં લાવવાનું છે. આ વિભાગ ‘એકીકૃત રોગ નિયંત્રણ’ પ્રોગ્રામ પર કામ કરે છે.

આ ઉપરાંત ફાઇનાન્સ કમિશનની 2019ની રિપોર્ટમાં મહામારીનો સામનો કરવાના રસ્તા વિચારવા, બીમારીઓ અટકાવવાના પગલાં નક્કી કરવા અને આરોગ્યતંત્રને સક્ષમ બનાવવા ઘણાં સૂચન કરવામાં આવ્યાં હતાં.

પ્રોફેસર રેડ્ડીનું કહેવું છે કે આ સૂચનોને અમલમાં મૂકવાની જરૂર છે.

મેં વધારે માહિતી માટે ડો. સુજિતકુમાર સિંહનો સંપર્ક કર્યો. આરોગ્ય મંત્રાલયને ફોન કર્યો અને ચેન્નાઈમાં આરોગ્ય મંત્રાલયના મહામારી વિજ્ઞાન કેન્દ્રને ઇમેઇલ કર્યો, પરંતુ કોઈનો જવાબ મળ્યો ન હતો.

કેન્દ્ર સરકારના લોકો વાત કરવાનું શા માટે ટાળે છે તેનો જવાબ તો તેઓ જ આપી શકે. પરંતુ તેઓ વાત ન કરે તેના કારણે સરકારની નીતિઓ અને યોજનાઓની યોગ્ય જાણકારી મળી શકતી નથી.

વાઇરસ ક્યારે જશે તેની કોઈને ખબર નથી?

પ્રોફેસર રેડ્ડીનું કહેવું છે કે આ મહામારી ક્યારે ખતમ થશે તેની અમને ખબર નથી પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે થોડા-થોડા સમયે ફરી માથું ન ઊંચકે.

તેઓ એમ પણ કહે છે કે માત્ર કોરોનાની ત્રીજી લહેરની જ ચિંતા શા માટે કરવામાં આવે છે.

તેઓ કહે છે, "તમારે એક નવા વાઇરસની પણ ચિંતા કરવી પડશે. તેથી તમારે જાહેર આરોગ્યતંત્રને એવી રીતે તૈયાર કરવું પડશે કે તે કોઈ પણ પ્રકારની તબીબી ઇમર્જન્સીનો સામનો કરી શકે."

આ અંગે તેમણે એક સિસ્ટમ બનાવવા પર ભાર મૂક્યો હતો જે તમામ પ્રકારના રોગો પર નજર રાખી શકે.

તેઓ કહે છે, "વાઇરસ કેવા લોકોનો જીવ લઈ રહ્યો છે? એવા લોકો જેઓ વૃદ્ધ છે, અથવા જેમને ડાયાબિટીસ કે હૃદયની બીમારી છે અથવા શ્વાસને લગતી સમસ્યા છે."

"જેઓ વૃદ્ધ પણ છે અને પહેલાંથી આવી કોઈ બીમારી પણ છે. તમારું આરોગ્યતંત્ર આમાંથી અડધા લોકોની ઉપેક્ષા કરે અને તેમની સારવાર ન કરે તો તમે તેને કઈ રીતે મૅનેજ કરશો."

કોરોના મહામારી એક વૈશ્વિક રોગચાળો છે અને 1918ના રોગચાળા પછી સૌથી મોટો અને જીવલેણ રોગચાળો છે. તેણે વિશ્વભરમાં જાનમાલનું ભારે નુકસાન પહોંચાડ્યું છે.

ચેપી રોગ અને આરોગ્ય સુરક્ષાના નિષ્ણાત અમેશ અદલતા જણાવે છે, "આ એક પૂર્વાનુમાનિત રોગચાળો છે. ઘણા દેશોને ખબર હતી કે શું થઈ શકે છે. પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા. તેઓ ચીન, ઇટાલી અથવા સ્પેન પાસેથી બોધપાઠ નથી શીખી શક્યા."

રોગચાળાના વિજ્ઞાન પર કેટલો ભરોસો કરાય?

સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહે છે કે રોગચાળા વિજ્ઞાનના નિષ્ણાતો લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરે છે.

આ અંગે પ્રોફેસર મુખરજી કહે છે, "વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે ફરિયાદ કરતા લોકો હંમેશાં મળી આવશે. આપણે માર્ચ 2020થી આ રોગચાળા પર નજર રાખીએ છીએ."

"અમને અંદાજ હતો કે બીજી અથવા ત્રીજી લહેર આવી શકે છે. અમારા કોડ અને મૉડલ સ્પષ્ટ રીતે ઉપલબ્ધ છે. હું તે કોડની સમીક્ષા કરવા માટે કોઈને પણ આમંત્રિત કરી શકું છું."

"અમે સતત કામ કરી રહ્યા છીએ. અમે આ તારણો ઉતાવળમાં નથી કાઢ્યાં. તેથી મને આ મૉડલ પર ભરોસો છે. સરકારો અને સંસ્થાઓ અમારા કામમાંથી ફાયદો મેળવી રહી છે."

ભારતમાં એ વાતની ચિંતા છે કે સરકારી આંકડા વાસ્તવિકતા નથી દર્શાવતા. તેથી ડેટામૉડલ ભવિષ્ય અંગે ખરું અનુમાન નહીં લગાવી શકે.

આ અંગે અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના ભારતીય મૂળના રોગચાળા વિજ્ઞાનના પ્રોફેસર માધવ મરાઠે જણાવે છે, "મૉડલ્સ તો અમે બનાવી લઈએ છીએ, પરંતુ તમારી પાસે સાચો ડેટા ન હોય તો ગમે તેટલું સારું મૉડલ બનાવીએ તો પણ કોઈ ફાયદો નથી."

પોતાની ભવિષ્યવાણી અંગે રોગચાળા વિજ્ઞાનની સ્પષ્ટતા કરતા પ્રોફેસર મુખરજી કહે છે, "અમારું મૉડલ અનુમાન લગાવે છે. અમે આશા રાખીએ કે આ સાચું ન હોય."

"અમે ઇચ્છીએ છીએ કે આ અનુમાનોને જનતા અને નીતિ નિર્ધારકો ગંભીરતાથી લે. જેથી સરકાર યોગ્ય કદમ ઉઠાવે. તેમાં મોટી સભાઓ રોકવી, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક પહેરવું અને શક્ય હોય તો પ્રાદેશિક લૉકડાઉન લગાવવા જેવા પગલાં લઈ શકાય."

પ્રોફેસર માધવ મરાઠે કહે છે કે રોગચાળાના વિજ્ઞાનનો હેતુ એ હોય છે કે નીતિ ઘડનારા અને સરકારને તેમાં મદદ મળી શકે. પરંતુ સરકારો જ્યાં સુધી સામાન્ય જનતાને વિજ્ઞાન પર ભરોસો મૂકવાનો સંદેશ ન આપે, ત્યાં સુધી તમે ગમે તે પગલાં લેશો તેનો ફાયદો નથી થવાનો.

પ્રોફેસર મરાઠે કહે છે કે ભારત જેવા દેશમાં આરોગ્યતંત્ર સુધારવામાં લાંબો સમય લાગી શકે છે. સમય જ એક એવી ચીજ છે જે નેતાઓ અને સરકારો પાસે નથી.

નિષ્ણાતો કહે છે કે સરકાર પાંચ વર્ષ માટે ચૂંટાતી હોય છે અને તેમની યોજનાઓ પણ મોટા ભાગે આ સમયગાળા પૂરતી હોય છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના અમેશ અદલજા પાસે આ સમસ્યાનો ઉપાય છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે જે નેતાઓ ટૂંકા ગાળાનો વિચાર કરે છે, જે નેતાઓ ટૂંકી દૃષ્ટિ ધરાવે છે. તેમની પાસે ભવિષ્યની કોઈ નીતિ નથી."

"જેઓ માત્ર સત્તા ટકાવી રાખવા માગે છે તેમને જનતાએ ઓળખી લેવા જોઈએ અને તેમને મત આપવો ન જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો