ભારતમાં કોરોનાની ભયંકર સ્થિતિ પરંતુ આ પાંચ દેશોએ કોરોના સામે મેળવી જીત, લોકો જીવે છે સામાન્ય જીવન

દુનિયાભરમાં કોરોના વાઇરસનો હાહાકાર છે. દુનિયાના આશરે 15 કરોડ કરતાં વધારે લોકોને ઝપેટમાં લેનાર કોરોના વાઇરસે ભારતની હાલત ખૂબ ખરાબ કરી નાખી છે જ્યાં દૈનિક કેસોનો આંકડો 4 લાખને પાર કરી ગયો છે.

એક તરફ ભારત દરરોજ કોરોનાથી હજારો લોકોનાં મૃત્યુનું સાક્ષી બની રહ્યું છે, તો બીજી તરફ એવા દેશ પણ છે જ્યાં કોરોના વાઇરસની લહેર બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે.

આ પાંચ દેશો એવા છે, જ્યાં લોકો તહેવારોની ઉજવણી કરે છે, ફરવા જાય છે, રજાઓ મનાવે છે, ચહેરા પરથી માસ્ક ઊતરી ગયા છે. અમે વાત કરી રહ્યાં છીએ બ્રિટન, ચીન, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ઇઝરાયલની.

આ પાંચ દેશોની તસવીરો જોઈને ભારત માટે પણ એક આશાનું કિરણ જાગે છે કે એક દિવસ આપણે પણ આ રીતે ફરી એક સામાન્ય જીવન જીવી શકીશું.

1. ચીન

ચીન એક એવો દેશ છે, જ્યાંથી કોરોના વાઇરસની ઉત્પત્તિ થઈ હતી પણ આજે ત્યાં લોકો ખુશીઓ મનાવતા જોવા મળે છે.

ડિસેમ્બર 2019માં કોરોના વાઇરસે ચીનમાં દસ્તક દીધી હતી, ત્યારબાદ આખી દુનિયામાં કોરોના વાઇરસનો ભય ફેલાયો હતો.

2. બ્રિટન

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે બ્રિટનમાં કોરોના વાઇરસના કારણે 1,27,782 લોકોનાં મૃત્યુ થયાં છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 44,34,157 છે.

પરંતુ બ્રિટનમાંથી હવે લાગે છે કોરોનાની લહેર પસાર થઈ ચૂકી છે અને હવે સંક્રમણની ગતિ ધીમી થતાં પ્રતિબંધો પણ હળવા કરી દેવાયા છે. હાલ જ યુકેમાં યોજાયેલા લિવરપૂલ ઇવેન્ટમાં આશરે 3 હજાર લોકોએ હાજરી આપી હતી.

ક્લબમાં આવેલા લોકોએ ન તો માસ્ક પહેરવાની જરૂર હતી, ન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જરૂર હતી. લૉકડાઉન બાદ પહેલી વખત યુકેમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

3. ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ એવો દેશ છે જ્યાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા માત્ર બે આંકડામાં છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અહીં કોરોનાથી માત્ર 25 લોકોનાં મૃત્યુ થયાં છે.

અહીં પણ લોકો એક સામાન્ય જીવન જીવે છે. પાર્ટી કરતાં જોવા મળે છે. હાલ જ અહીં યોજાયેલી એક ઇવેન્ટમાં આશરે 50 હજાર લોકોએ હાજરી આપી હતી.

કોરોનાની મહામારી સામે લડવા બદલ જેસિન્ડા આર્ડનની આગેવાનીમાં ચાલતી સરકારના દુનિયાભરના લોકોએ ખૂબ વખાણ કર્યાં હતાં.

4. ઑસ્ટ્રેલિયા

કોરોનાથી ઓછા પ્રભાવિત દેશોમાં ઑસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. અહીં અત્યાર સુધી કોરોનાથી કુલ 910 લોકોનાં મૃત્યુ થયાં છે.

હાલ જ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું હતું કે તેમનો દેશ કોરોનામુક્ત થઈ ગયો છે. જોકે, તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પોતાની સીમાઓ ખોલવામાં ઉતાવળ નહીં કરે.

5. ઇઝરાયલ

ઇઝરાયલમાં વ્યાપક સ્તરે વૅક્સિન અભિયાન ચલાવાયા બાદ અહીં રાહત છે. ઇઝરાયલે સ્કૂલ-કૉલેજોને ખોલી દીધી છે. તો ત્યાં મે મહિનાથી જ પર્યટકો માટે પણ દેશને ખોલવાની વાત કહેવામાં આવી હતી.

ઇઝરાયલમાં પણ હાલ જ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં હજારો લોકોએ માસ્ક વગર હાજરી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો