કોરોના : ઓક્સિજન કૉન્સન્ટ્રેટર શું છે, જેને મંગાવવા સરકારે વિશેષ વિમાન મોકલ્યાં?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

હાલમાં સોશિયલ મીડિયા પર ઓક્સિજનના બેડ ક્યાં ઉપલબ્ધ છે, ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતાની સાથે ઓક્સિજન કૉન્સન્ટ્રેટરની માગ વધી ગઈ છે.

મંગળવારે યુકેથી સહાયની પહેલી ખેપ આવી, જેમાં 495 ઓક્સિજન કૉન્સન્ટ્રેટર ભારત પહોંચ્યા હતા, ઍર ઇન્ડિયાની અમેરિકાથી આવતી ફ્લાઇટ્સમાં પણ આવાં 600 જેટલાં મશીન ઇમ્પૉર્ટ કરયાં, એવા અહેવાલ છે.

આ સિવાય સ્પાઇસજેટના વિશેષ વિમાન મારફત હૉંગકૉંગથી આવા 800 મશીન ઇમ્પૉર્ટ કરવામાં આવ્યાં છે.

ભારતમાં ઓક્સિજનની વધતી જતી માગને પહોંચી વળવા સરકારે 10 હજાર ઓક્સિજન કૉન્સન્ટ્રેટર આયાત કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર હૉસ્પિટલો તથા ખાનગી વપરાશ માટે આયાત કરી રહી છે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા સરેરાશ ત્રણ લાખથી વધુ નોંધાઈ રહી છે. દેશમાં 28 લાખ 82 હજાર ઍક્ટિવ કેસ હતા.

શું છે ઓક્સિજન કૉન્સન્ટ્રેટર?

શરીરની વ્યવસ્થા જોઈએ તો નાક વાટે લીધેલો વાયુ આપણા ફેફસાં સુધી પહોંચે છે, જે ઓક્સિજન લઈને કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢે છે. જેને સરળ શબ્દોમાં શ્વાચ્છોશ્વાસ કહેવામાં આવે છે.

લોહી મારફત આ ઓકસિજન સમગ્ર શરીરમાં પહોંચે છે. જ્યારે આ સંતુલન ખોરવાઈ એટલે બહારથી ઓક્સિજન આપવાની જરૂર ઊભી થાય છે.

આપણા વાતાવરણમાં 78 ટકા નાઇટ્રોજન, 21 ટકા ઓક્સિજન તથા એક ટકામાં અન્ય વાયુ પણ હોય છે. ઓક્સિજન કૉન્સન્ટ્રેટર હવામાંથી પ્રાણવાયુ અલગ તારવી તેને દરદીને પૂરો પાડવાનું કામ કરે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના વિવરણ મુજબ, ઓક્સિજન કૉન્સન્ટ્રેટરમાં એક કૅબિનેટ હોય છે, જેની અંદર કમ્પ્રેશર, ફિલ્ટર, ટ્યૂબ, નાકનું (કે અને) મોં પરનું માસ્ક, બેટરી અને વીજપ્રવાહ સંબંધિત સંરચના હોય છે.

કૉન્સન્ટ્રેટ રૂમમાંથી હવા લઈને રજકણ, બૅક્ટેરિયા કે અન્ય અશુદ્ધિઓને દૂર કરી દે છે. બાદમાં કમ્પ્રેશર એક સિલિન્ડરમાં હવાને દાખલ કરે છે. જેમાં ગળણી હોય છે, જે નાઇટ્રોજનને શોષી લે છે અને ઓક્સિજન તથા અમુક ગૅસને છૂટા પાડે છે.

નાઇટ્રોજનને ફરી હવામાં છોડી દેવામાં આવે છે. પૂર્વનિર્ધારિત સમય પછી બીજા તબક્કામાં ગૅસના સિલિન્ડરની કામગીરી વિપરીત થઈ જાય છે, જેથી કરીને દરદીને ઓક્સિજનનો નિયમિત પુરવઠો મળી રહે.

ઓછાં મશીનના લાભાલાભ

એક વખત નિષ્ણાત દ્વારા આ મશીનને ગોઠવી દેવામાં આવે એ પછી પ્રમાણમાં ઓછી તકનીકી કુશળતા ધરાવનાર પરિવારજન કે નર્સિંગ સ્ટાફ પણ તેને ઑપરેટ કરી શકે છે.

તબીબો દ્વારા નક્કી કરેલા પ્રમાણસર નાકથી કે માસ્ક દ્વારા ઓક્સિજન આપી શકાય છે. સામાન્ય રીતે કોરોના ઉપરાંત ફેફસાં અને શ્વાચ્છોશ્વાસની બીમારીથી પીડાતા દરદીઓને આ મશીન રાહતરુપ રહે છે.

તે હવામાંથી જ ઓક્સિજન બનાવતો હોવાથી મોટા સિલિન્ડર રાખવાની, તેને વારંવાર રિફિલ કરાવવાની કે વર્તમાન સંજોગોમાં રિફિલિંગ માટે ઠેરઠેર રઝળવાની જરૂર નથી રહેતી. તે સામાન્ય રખરખાવ સાથે વર્ષો સુધી સેવા આપી શકે છે.

જોકે શુદ્ધિકરણની કામગીરી કરતા વાલ્વ અથવા તો શુદ્ધિકરણ માટેની સામગ્રી દૂષિત થઈ જવાથી આ મશીન યોગ્ય રીતે કામ નથી આપતું. આ સિવાય જે રૂમમાં મશીન રાખવામાં આવ્યું હોય ત્યાં પાણીની વરાળ વધુ હોય તો આ મશીન વપરાશયોગ્ય ગુણવત્તાવાળા ઓક્સિજનનું ઉત્પાદન નથી કરી શકતું.

આ સંજોગોમા દરદીને નાકમાં ખંજવાળ આવી શકે છે. વધુ પ્રમાણમાં કે નિર્ધારિત કરતાં વધુ પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવે તો પણ દરદીની સ્થિતિ બગડી શકે છે. લોહીમાં ઓક્સિજનના ઓછા પ્રમાણને કારણે મગજ તથા હૃદયને નુકસાન પહોંચી શકે છે.

આ મશીનને 'સંપૂર્ણ વિશ્વસનીય' માનવાને બદલે વીજવ્યવસ્થા ઠપ થાય કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તે સંજોગો માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી જોઈએ.

જ્યાં મશીન રાખવામાં આવ્યું હોય ત્યાં આજુબાજુમાં આગ ન હોવી જોઈએ અથવા તો આસપાસમાં કોઈને ધૂમ્રપાનની આદત ન હોવી જોઈએ, અન્યથા તે આગ પકડી શકે છે.

આ મશીનથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે તે લિક્વિડ મેડિકલ ઓક્સિજન દરજ્જાનું નથી હોતું, પરંતુ જે દરદીને સામાન્ય લક્ષણ હોય અથવા બહુ થોડી સમસ્યા હોય તો તેમાં મદદરૂપ થઈ શકે છે.

તબીબી ગુણવત્તાવાળા ઓક્સિજનને ખૂબ જ નીચા તાપમાને પ્રવાહીસ્વરૂપમાં ફેરવી દેવામાં આવે છે, જેને વિશેષ ક્રાઇજૉનિક ટેન્કરમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવામાં આવે છે. ત્યારબાદ તેને હૉસ્પિટલની ટાંકીમાં ઠાલવીને પાઇપ મારફત દરદીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તે 'વૅન્ટિલેટરનો વિકલ્પ' નથી અને આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)ની જરૂર હોય તેવા દરદીઓ માટે તે કારગર નથી.

જો વધુ ફોર્સથી વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોય તો તે માત્ર સિલિન્ડરથી જ મળી શકે અને તેના માટે કૉન્સન્ટ્રેટર કામ નથી આવતું.

જે દરદીઓને મિનિટના મહત્તમ 10 લીટર ઓક્સિજનની જરૂર હોય તેમના માટે આ મશીન કારગર નીવડી શકે છે. અલગ અલગ મોડલના આધારે તેના ભાવ હોય છે. તે રૂ. 40 હજારથી લઈને એક લાખ સુધી હોય શકે છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં તબીબી ઇન્સ્ટ્રુમૅન્ટના વેપાર સાથે સંકળાયેલા એક વેપારીના કહેવા પ્રમાણે, અગાઉ વર્ષે જેટલા નંગ વેંચાતા, એટલા નંગ મહીને વેંચાવા લાગ્યા છે અને આ પ્રોડક્ટની ઇન્ક્વાયરી પણ વધી છે.

તેમના કહેવા પ્રમાણે, હાલ ભારતમાં આંગળીની વેઢે ગણી શકાય એટલી કંપનીઓ આ પ્રોડક્ટ વેંચે છે, જેમાંથી ચાર-પાંચનો આ પ્રોડક્ટમાં દબદબો છે. છતાં જે ભારતીય કંપનીઓ તેનું ઉત્પાદન કરે છે, તે પણ અમેરિકા, જર્મની કે ચીનથી આયાતિત સામગ્રી ઉપર આધારિત છે. એટલે વધેલી માગને પહોંચી વળે તેમ નથી.

હાલ કેટલીક ઑનલાઇન ઈ-કૉમર્સ વેબસાઇટ ઉપર આ પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પરંતુ ખરીદી કરતી વખતે કંપની, તેની તકનીકી બારીકીઓ તથા રિવ્યૂનો અભ્યાસ કરવા માટે ચેતવે છે.

લિક્વિડ મેડિકલ ઓક્સિજન 99 ટકા સુધી શુદ્ધ હોય છે, જ્યારે આ મશીનમાંથી બનતો ઓક્સિજન 95 ટકા સુધી શુદ્ધ હોય છે. જોકે ગુણવત્તાનો આધાર રૂમની પરિસ્થિતિ પર પણ રાખે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો