You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નંદુરબારના ડૉ. રાજેન્દ્ર ભારુડ, જેમણે કોરોના મહામારીમાં જિલ્લામાં ઓક્સિજનની અછત ઊભી ન થવા દીધી
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઓક્સિજન માટે દરદીઓના પરિવારજનોએ ઠેરઠેર ભટકવું પડી રહ્યું છે અને તેના પુરવઠા માટે બુમરાણ મચી છે.
જેમાંથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરત જેવાં પ્રમુખ શહેરો પણ બાકાત નથી. પરંતુ સુરતથી માત્ર 200 કિલોમીટર દૂર મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો મહારાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, સમગ્ર દેશને માટે રાહ ચીંધનાર બન્યો છે.
'ડૉક્ટર બાબુ' રાજેન્દ્ર ભારુડની દૂરંદેશીને કારણે કોરોનાની બીજી ભયાનક લહેરની વચ્ચે પણ ત્યાં ઓક્સિજનની તંગી ઊભી થવા પામી ન હતી.
ભીલ સમાજમાંથી આવતાં ડૉ. ભારુડે નાનપણમાં દારુણ ગરીબી જોઈ હતી, જેના કારણે પૂરતી સુવિધાના અભાવે આદિવાસીઓએ કેવી મુસીબત ભોગવવી પડે છે, તેનો અંદાજ હતો, જેના કારણે તેમણે 'પાણી પહેલાં પાળ' બાંધી હતી.
ઓક્સિજન, અભાવ અને ઉપલબ્ધી
નંદુરબાર એ ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર આવેલો આદિવાસી બહુમતીવાળો વિસ્તાર છે. જેની તબીબી માળખાકીય સુવિધા પૂરતી સક્ષમ ન હતી.
વર્ષ 2020માં કોરોનાની પહેલી લહેર વખતે નંદુરબારમાં એક દિવસમાં મહત્તમ 190 જેટલા કેસ નોંધાયા હતા. ડૉ. ભારુડને અંદાજ આવી ગયો હતો કે આગામી સમયમાં ઓક્સિજનની જરૂર પડી શકે છે.
જ્યારે કોરોનાની પહેલી લહેર નબળી પડી ત્યારે સપ્ટેમ્બર-2020માં ડૉ. ભારુડે નંદુરબારની સરકારી હૉસ્પિટલમાં પ્રતિમિનિટ 600 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ નાખ્યો.
ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ બે પ્લાન્ટ નાખ્યા. રૂપિયા 85-85 લાખના ખર્ચે ત્રણ પ્લાન્ટ કાર્યરત છે, જે પ્રતિમિનિટ 1,800 લીટર ઓક્સિજન ઉત્પાદિત કરે છે અને બે ખાનગી પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે, જે 1,200 લીટર (પ્રતિમિનિટ) ઓક્સિજન ઉત્પાદનનો ઉમેરો કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ભારુડે આ પ્લાન્ટ ઊભા કરવા માટે જિલ્લા વિકાસ અને આયોજન ફંડ, સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા દાતાઓની મદદ લીધી.
મહારાષ્ટ્ર સરકારે અન્ય જિલ્લા કલેકટરોને 'નંદુરબાર મોડલ'ને અનુસરવાની કરવાની સૂચના આપી છે.
ડૉ. ભારુડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "મારી મેડિકલ પૃષ્ઠભૂમિને કારણે ઓક્સિજનનું મહત્ત્વ વધી શકે છે અને એટલે જ આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યાં."
નિઝર અને અન્ય સ્થળેથી ગુજરાતીઓ પણ અહીં સારવાર માટે આવી રહ્યા છે.
ડૉ. ભારુડ માને છે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ મુખ્ય ચાર બાબત પર આધાર રાખે છે.
"એક રાજકીય ઇચ્છાશક્તિ, બીજું ભંડોળની ઉપલોબ્ધતા, જનભાગીદારી તથા જિલ્લા વહીવટકર્તાની ઇચ્છાશક્તિ."
નંદુરબાર જિલ્લાના ડેશબોર્ડ મુજબ અત્યારસુધી 33 હજાર 688 કેસ નોંધાયા છે. હાલ ત્યાં આઠ હજાર 412 ઍક્ટિવ કેસ છે અને કોવિડને કારણે 566 મૃત્યુ થયાં છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે તા.15મી મે સુધી લૉકડાઉન જેવા નિષેધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
આ વખતે ઊલટી ગંગા
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ, ઓક્સિજનનું સ્તર ખૂબ જ ચિંતાજનક સ્તરે ઘટે તે પછી ઓક્સિજન આપવાના બદલે ઓક્સિજનમાં ઘટાડો થાય ત્યારથી જ તેમને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું.
જેને કારણે અસામાન્ય સંજોગોમાં જરૂર પડે, તેના કરતાં ત્રીજા ભાગના ઓક્સિજનની જ જરૂર પડી. શાળા તથા કૉમ્યુનિટી હૉલમાં કોવિડ-19ના દરદીઓને માટે સાત હજાર બેડ ઊભા કર્યાં.
એટલું જ નહીં, તેમણે ઓક્સિજનના વપરાશ અંગે સ્થાનિક તબીબોને તાલીમ આપી, જેથી કરીને તેનો વ્યાજબી ઉપયોગ થઈ શકે અને વેડફાટ ન થાય.
જ્યારે રસીકરણની શરૂઆત થઈ, ત્યારે સરપંચ તથા શિક્ષકો મારફત તેમણે નાગરિકો સુધી માહિતી પહોંચાડી. નાગરિકો કેન્દ્ર સુધી પહોંચે તેના બદલે વાહનો મારફત તેમણે રસીને નાગરિકો સુધી પહોંચાડી.
સામાન્ય રીતે નંદુરબાર, ધૂલે તથા અન્ય કેટલાક સરહદી વિસ્તારના મહારાષ્ટ્રીયનો વધુ સારી સારવાર માટે સુરતની વાટ પકડતા હોય છે, કારણ કે મહારાષ્ટ્રના નજીકના કેન્દ્ર કરતાં આ શહેર તેમને વધુ નજીક પડે છે.
પરંતુ આ વખતે કેટલાક ગુજરાતીઓએ નંદુરબારની વાટ પકડી હોવાના અહેવાલ પ્રકાશિત થયા છે. સુરતસ્થિત વરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલી આવા અહેવાલોને 'અર્ધસત્ય' જણાવે છે.
તેઓ જણાવે છે કે ધરમપુરમાં કોવિડના પેશન્ટની સારવાર માટે 80 બેડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 25 જેટલા મહારાષ્ટ્રના નાગરિકો છે.
ચોમેરથી પ્રશંસા
બાયોકૉનનાં વડા કિરણ મજુમદાર શોએ ડૉ. ભારુડની તૈયારી તથા દૂરંદેશીના માઇક્રૉ-બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર તેમનાં વખાણ કર્યાં હતાં.
એક દિવસમાં 75 ટકા સુધી કેસ ઘટાડવામાં તેમને સફળતા મળી હોવાનું કિરણનું કહેવું છે.
મહારાષ્ટ્રના માનવાધિકાર પંચના સચિવ તુકરામ મુંઢે સહિત અનેક નાગરિકો તથા પ્રબુદ્ધ નાગરિકોએ ડૉ. ભારુડના પ્રયાસોની પ્રશંસા કરી છે. મુંઢે પોતે આઈએએસ અધિકારી છે.
માતા, માસી અને જીવન
ડૉ. ભારુડ 2013ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઑફિસર છે. તેઓ ભીલ સમાજમાંથી આ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ છે.
પોતાના જીવનના સંઘર્ષ વિશે તેમણે 'મિ એક સ્વપન પાહેલ' નામથી મરાઠીમાં પુસ્તક લખ્યું છે. જેનો 'સપનો કી ઉડ્ડાન'ના નામથી હિંદીમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
ડૉ. ભારુડ પુસ્તકમાં લખે છે, "કેટલાક યુવાનોનું અંગ્રેજી નબળું હોય છે, તેમણે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ મેળવ્યું હોય છે, ગરીબી અને અછત વચ્ચે પસાર થયા હોય છે, તેમને પ્રેરણા મળે તે માટે તેમણે આ પુસ્તક લખ્યું છે."
ડૉ. ભારુડનાં માતા કમલાબાઈ ગર્ભવતી હતાં, ત્યારે પિતાનું અવસાન થયું.
સમાજ અગાઉ જ બે સંતાન હતાં અને ત્રીજા સંતાનને ઉછેરી નહીં શકે એવું માનીને તેમને ગર્ભપાત માટે દબાણ કરી રહ્યો હતો. પરંતુ માતા અને માસી મક્કમ રહ્યાં અને ડૉ. રાજેન્દ્રનો જન્મ થયો.
દાદી મહુડાના દારૂનો વેપાર કરતાં હતાં અને માતાએ પણ એ જ વેપાર શરૂ કર્યો. ઘરે કેટલાક આદિવાસી દારૂ પીવા માટે આવતા હતા. તે સમયે સોડા કે ફરસાણ લેવા માટે મોકલતા અને અમુક પૈસા આપતા હતા.
ભણવામાં હોશિયાર હોવાથી તેમને જવાહર નવોદય વિદ્યાલયમાં ભણવા માટે મોકલાયા. તેમણે પ્રિ-મેડિકલ ટેસ્ટની પરીક્ષા પાસ કરી અને મુંબઈની કે.ઈ.એમ. હૉસ્પિલ સાથે સંલગ્ન શેઠ હૉસ્પિટલમાં પાંચ વર્ષ માટે એમબીબીએસનો અભ્યાસ કર્યો.
ભારુડ ડૉક્ટર બનીને ગરીબ આદિવાસીઓની સેવા કરવા માગતા હતા, ત્યારે શેઠ હૉસ્પિટલના ડીને તેમને યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા. ડૉ. ભારુડ પ્રથમ પ્રયાસમાં પાસ થઈ ગયા અને ઇન્ડિયન રૅવન્યુ સર્વિસમાં તેમને પ્રવેશ મળ્યો.
તેમણે બીજી વખત પ્રયાસ કર્યો અને આઈએએસ અધિકારી બન્યા.
મહારાષ્ટ્રના એક અધિકારીના કહેવા પ્રમાણે, "કોઈ પણ વરિષ્ઠ અધિકારી ગઢચિરૌલી, નંદુરબાર કે નાંદેડ જેવા જિલ્લામાં પોસ્ટિંગ નથી ઇચ્છતા. જો તેમની નિમણૂક કરવામાં આવે તો પણ તેઓ ત્યાંથી નીકળવા માટે પ્રયાસ કરવા લાગે છે અને વહેલાસરથી નીકળવાની તાકમાં હોય છે."
"આથી આ પહેલાંની (ભાજપ-શિવસેના યુતિ સરકાર)એ તાજેતરમાં જ પાસ થયા હોય તેવા આઈએએસ અધિકારીઓને આવા વિસ્તારોમાં મૂકવાનું વિચાર્યું. જેથી કરીને નવી ઊર્જાનો સંચાર થાય."
"મહારાષ્ટ્ર કૅડરના અધિકારી અને નંદુરબારમાં ઉછરેલા ડૉ. રાજેન્દ્ર સહજ પસંદ હતા. તેમને નાંદેડમાં નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે સોલાપુરમાં કામ કર્યું."
તેઓ ઉમેરે છે કે સોલાપુરના સીઈઓ તરીકે શહેર જાહેરમાં શૌચમુક્ત બને તે માટે પ્રયાસ કર્યા, આ સિવાય શોષખાડા દ્વારા ગંદકીને દૂર કરવાનો પ્રયાસ કર્યો. નંદુરબારમાં પણ તેમણે મનરેગા તથા રૅશનકાર્ડનો વ્યાપ વધારવા માટે નોંધપાત્ર કામ કર્યું છે.
જોકે ડૉ. ભારુડના ટૂંકા કાર્યકાળમાં કેટલાક વિવાદ પણ જોડાયા છે.
તાજેતરમાં જિલ્લા ભાજપનાં નેતા ડૉ. હીના ગાવિતે આરોપ મુક્યો હતો કે ડૉ. ભારુડે શિવસેનાના પૂર્વ ધારાસભ્યને રેમડેસિવિરના ઇન્જેકસન વેચ્યાં હતાં.
જમ્મુ-કાશ્મીરના ગલવાનમાં ચીનના સૈનિકો સાથેની અથડામણ દરમિયાન 20 કરતાં વધુ સૈનિક મૃત્યુ પામ્યા ત્યારે તેમણે ચીનના સામાનનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, અધિકારીએ આ રીતે સંવેદનશીલ બાબતો વિશે જાહેરમાં અભિપ્રાય ન આપવો જોઈએ.
તેઓ સોલાપુરમાં હતા ત્યારે કેટલીક મહિલાઓને હાર પહેરાવતી તસવીરો વાઇરલ થઈ હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ રીતે જાહેરમાં શૌચ જતી મહિલાઓને અપમાનિત કરવામાં આવી હતી.
એ સમયે ડૉ. ભારુડે આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે જો કોઈ આ આરોપોને પુરવાર કરી દે તો તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે અને ડૉક્ટર તરીકે કામ કરવાનું શરૂ કરી દેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો