You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્પુતનિક V : ભારતમાં કોરોનાની જે ત્રીજી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ એ કેટલા ટકા અસરકારક?
- લેેખક, રૅશેલ સ્ક્રેયર
- પદ, હેલ્થ રિપોર્ટર
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે હવે ત્રીજી રસીના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.
સોમવારે રસીસંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતી 'સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી' (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમરજન્સી ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડીઝ્ લૅબની અરજી સ્વીકારી લીધી.
કોરોના વાઇરસ સામે લડવા માટેની રશિયાની સ્પુતનિક V રસીની અસરકારકતા 92 ટકા હોવાનું પરીક્ષણોમાં પુરવાર થયું છે. લાન્સેટમાં પ્રકાશિત થયેલાં વિલંબિત તબક્કાનાં ટ્રાયલ પરિણામો મુજબ કોવિડ-19 સામે આ રસી 92 ટકા સુધી રક્ષણ પૂરું પાડે છે.
તેને સુરક્ષિત પણ ગણવામાં આવે છે. રસી લીધા પછી તે હૉસ્પિટલાઈઝેશન અને મૃત્યુ સામે સંપૂર્ણ રક્ષણ આપતી હોવાનું જોવા મળ્યું છે.
આ રસીની અંતિમ ટ્રાયલના ડેટા રિલિઝ થાય તે પહેલાં જ રસી બહાર પાડવામાં આવતા શરૂઆતમાં કેટલોક વિવાદ થયો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેના લાભો પુરવાર થયેલા છે.
તે ફાઈઝર, ઑક્સફર્ડ/ઍસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જૅન્સન જેવી પૂરવાર થયેલી રસીઓની હરોળમાં આવે છે.
સ્પુતનિક રસી કઈ રીતે કામ કરે છે?
સ્પુતનિક રસી યુકેમાં વિકસાવાયેલી ઑક્સફર્ડ/ઍસ્ટ્રાઝેનેકાની રસી તથા બેલ્જિયમમાં વિકસીત જૅન્સનની રસીની જેમ જ કામ કરે છે.
તેમાં શરદી જેવા વાઈરસનો ઉપયોગ થાય છે જે બિનહાનિકારક માનવામાં આવે છે. તે શરીરમાં અલ્પ પ્રમાણમાં કોરોના વાઈરસ પહોંચાડવા માટે કેરિયર તરીકે કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરીરમાં આ રીતે વાઇરસના જિનેટિક કૉડ પહોંચાડવાથી તે જોખમને ઓળખી શકે છે અને તેનો સામનો કરી શકે છે તથા બીમાર પડવાનું જોખમ રહેતું નથી.
રસી અપાયા બાદ શરીરમાં ઍન્ટીબૉડીઝ બનવા લાગે છે જે કોરોના વાઈરસ માટે ખાસ તૈયાર કરાયા હોય છે.
એટલે કે રોગપ્રતિકારક શક્તિ વાસ્તવમાં કોરોના વાઈરસના સંસર્ગમાં આવે ત્યારે તે તેનો સામનો કરવા સજ્જ હોય છે.
આ રસીને 2થી 8 ડિગ્રી સે. તાપમાને સંગ્રહ કરી શકાય છે. (સામાન્ય ફ્રીઝનું તાપમાન 3-5 ડિગ્રી સે. હોય છે.) તેથી આ રસીનું પરિવહન અને સંગ્રહ વધુ સરળ છે.
અલગ પ્રકારનો બીજો ડોઝ
બીજી રસીથી વિપરીત સ્પુતનિકની રસીમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સહેજ અલગ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવે છે અને 21 દિવસના ગાળે આ ડોઝ અપાય છે.
આ બંને ડૉઝ કોરોના વાઇરસના વિશિષ્ટ 'સ્પાઈક'ને ટાર્ગેટ બનાવે છે. પરંતુ તેમાં વેક્ટર- એટલે કે ન્યુટ્રલાઇઝ્ડ વાઈરસ જુદાજુદા હોય છે જે 'સ્પાઈક'નું શરીરમાં વહન કરે છે.
તેની પાછળની યોજના એવી છે કે એક સરખું વર્ઝન બે વખત આપવા કરતાં બે અલગ પ્રકારની ફોર્મ્યુલાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તેથી વધુ લાંબા સમય સુધી રક્ષણ પ્રાપ્ત થાય છે.
તે અસરકારક હોવા ઉપરાંત સુરક્ષિત પણ છે. ટ્રાયલ દરમિયાન આ રસીની કોઈ ગંભીર આડ અસર જોવા મળી નહોતી.
રસી મુકાવ્યા પછી કેટલીક આડઅસરની શક્યતા રહે છે, પરંતુ તે હળવી છે. તેમાં હાથમાં દુખાવો થવો, થાક લાગવો અને થોડો તાવ આવવો વગેરે સામેલ છે.
જે જૂથને આ રસી આપવામાં આવી હતી તેમાં મૃત્યુ અથવા ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.
ભારત ઉપરાંત સ્પુતનિકને બીજા કયા દેશોએ મંજૂરી આપી?
રશિયા ઉપરાંત આ રસી બીજા દેશોમાં પણ ઉપયોગમાં લેવાય છે. તેમાં સામેલ છેઃ
- આર્જેન્ટિના
- પેલેસ્ટાઈનનો પ્રદેશ
- વેનેઝુએલા
- હંગેરી
- યુએઈ
- ઈરાન
લાન્સેટ પેપરની સાથે પ્રકાશિત થયેલી ટિપ્પણીમાં પ્રોફેસર ઇયાન જૉન્સ અને પોલી રોયે જણાવ્યું કે, "સ્પુતનિક-V રસી વિકસાવવામાં વધારે પડતી ઉતાવળ, કેટલીક બાબતોની ઉપેક્ષા અને પારદર્શિતાના અભાવના કારણે તેની ટીકા કરવામાં આવી હતી."
"પરંતુ અહીં જે પરિણામ પ્રાપ્ત થયું છે તે સ્પષ્ટ છે અને રસીકરણનો વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રદર્શિત થાય છે. એટલે કે કોવિડ-19 સામેની લડાઈમાં વધુ એક રસીનો ઉમેરો થયો છે."
તેમણે જણાવ્યું કે આ રસી તમામ વયજૂથના લોકોમાં સારી એવી અસરકારક છે અને એક ડોઝ લીધા પછી બીમારીની અસરકારકતા ઘટે છે.
તેમણે કહ્યું કે, રસીનો પૂરવઠો મર્યાદિત છે ત્યારે આ બાબત "ખાસ પ્રોત્સાહક" હતી.
સ્પુતનિકને લઈને અગાઉ શંકા હતી?
લાન્સેટ પેપરના લેખકોએ જણાવ્યું કે આ વિશ્લેષણમાં કોવિડના માત્ર સિમ્પ્ટમેટિક કેસ સામેલ હતા.
તે બીજા ઍસિમ્પ્ટમેટિક કેસને અટકાવી શકે છે કે નહીં અને રસી અપાયેલા લોકો પર વાઈરસનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે વધારે કામ કરવું પડશે.
યુનિવર્સિટી ઑફ લૅસેસ્ટર ખાતે ક્લિનિકલ વાઇરોલોજિસ્ટ ડૉ. જુલિયન ટેંગે જણાવ્યું કે, "રશિયાની સ્પુતનિક V રસી જે રીતે બહાર પાડવામાં આવી તેના વિશે અગાઉ કેટલીક શંકા હતી તેમ છતાં હવે આ વલણ અમુક અંશે ન્યાયોચિત જણાય છે. ત્રીજા તબક્કાના ટ્રાયલની પૂરતી વિગત મળે તે પહેલાં સ્પુતનિકનો ઉપયોગ શરૂ કરાયો હતો."
તેમણે કહ્યું કે, "આવી મહામારી સંબંધિત રસીઓને યુકે વૅક્સિનેશન પ્રોગ્રામમાં પણ સામેલ કરવામાં આવેલ છે અને તેમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે વધારે લાંબો ગાળો રાખવામાં આવે છે."
"તેથી બીજા દેશોની રસીની વધારે પડતી ટીકા કરવામાં આપણે અત્યંત સાવધ રહેવું જોઈએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો