કોરોના વાઇરસ : ભારતીય વૅરિયન્ટ શું છે અને તેના પર રસીની અસર થશે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના કારણે ભારતમાં કોરોના સંક્રમણનું બીજું જીવલેણ મોજું ફેલાયું છે, જે હવે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું હોવાનું ચર્ચાય છે. શું આ વૅરિયન્ટ સમગ્ર વિશ્વ માટે જોખમ છે?

જોકે વાઇરસનો આ વૅરિયન્ટ કેટલો ફેલાયો છે અને ભારતમાં સંક્રમણના બીજા મોજા માટે એ જવાબદાર છે કે કેમ અંગે વિશ્વભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

વાઇરસનો ભારતીય વૅરિયન્ટ શું છે?

વાઇરસમાં સતત પરિવર્તન આવતું રહે છે, વાઇરસ જાતેજ પોતાના જુદા-જુદા વૅરિયન્ટ્સ અથવા સ્વરૂપો સર્જતો રહે છે. હાલમાં લૅમ્ડા વૅરિયન્ટના સંક્રમણના સમાચાર આવી રહ્યા છે.

મોટાભાગના મ્યુટેશન મામૂલી હોય છે, અને કેટલાક મ્યુટેશન વાઇરસને ઓછો ખતરનાક બનાવે છે, પણ કેટલાક મ્યુટેશન તેને વધારે ચેપી બનાવી દે છે.

સત્તાવાર રીતે આ કથિત 'ડબલ મ્યુટેન્ટ' વૅરિયન્ટ B.1.617 તરીકે ઓળખાય છે, જે પહેલી વખત ભારતમાં ઑક્ટોબર માસમાં મળી આવ્યો હતો.

વાઇરસનો ભારતીય વૅરિયન્ટ કેટલો ફેલાયો છે?

ભારતમાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં સૅમ્પલના જિનોમ સિક્વન્સિંગ એકત્ર કરવામાં આવ્યાં નથી. મહારાષ્ટ્ર રાજ્યમાંથી જાન્યુઆરી અને માર્ચ વચ્ચે લેવાયેલા 361 સેમ્પલમાંથી 220માં નવો વૅરિયન્ટ મળી આવ્યો હતો.

ઓપન શૅરિંગ ડેટાબેઝ GISAID મુજબ અત્યાર સુધીમાં આ વૅરિયન્ટ સ્ટ્રેઇન ઓછામાં ઓછા 21 દેશોમાં જોવા મળ્યો છે.

બે દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય પ્રવાસના કારણે ભારતીય વૅરિયન્ટ યુકે પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યાં આના 103 કેસ 22 ફેબ્રુઆરી બાદ નોંધાયા છે.

તેના કારણે ભારતને ‘રેડ લિસ્ટ’માં સામેલ કરવામાં આવ્યું છે અને યુકેમાં આવતા મોટા ભાગના પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ દ્વારા ભારતીય વૅરિયન્ટને 'તપાસ હેઠળના વૅરિયન્ટ' તરીકે નોંધવામાં આવ્યો છે, જોકે તેને 'ચિંતાજનક વૅરિયન્ટ' તરીકે હજી નોંધવામાં આવ્યો નથી.

વૅરિયન્ટ વધારે ચેપી અને ખતરનાક છે?

વૈજ્ઞાનિકો હજી ચકાસી રહ્યા છે કે આ વૅરિયન્ટ વધારે ચેપી હોય છે કે નહીં અને તેના પર રસીની ઓછી અસર થાય છે કે નહીં.

લુઝિયાના સ્ટેટ યુનિવર્સિટી હેલ્થ સાયન્સીસ સેન્ટર શ્રેવપૉર્ટ ખાતે વાઇરોલૉજિસ્ટ તરીકે કામ કરતાં ડૉ. જેરેમી કામિલ જણાવે છે કે આ વૅરિયન્ટનું એક મ્યુટેશન દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાંથી મળેલા વૅરિયન્ટના મ્યુટેશન સાથે મળતું આવે છે.

તેઓ કહે છે કે રસી રસીકરણ અથવા અગાઉ થયેલા કોરોના સંક્રમણના કારણે ઇમ્યુન સિસ્ટમમાં ઍન્ટિબોડીઝ તૈયાર થયા હોય તેમ છતાં આ મ્યુટેશન વાઇરસને મદદ કરી શકે છે.

જોકે હાલ તબક્કે વધુ ચિંતાજનક બાબત યુકેમાં ધ્યાને આવેલો વૅરિયન્ટ છે, જે 50 દેશોમાં ફેલાયો છે.

ડૉ. કામિલ કહે છે કે ભારતીય વૅરિયન્ટ યુકેના વૅરિયન્ટ કરતાં વધારે ચેપી છે કે નહીં, એ અંગે મને શંકા છે અને એ અંગે આપણે વધારે ગભરાવું ન જોઈએ.

આ વૅરિયન્ટ વિશે કેમ ઓછી જાણકારી છે?

ભારતીય વૅરિયન્ટ માટેનો ડેટા અધૂરો છે, વૈજ્ઞાનિકો કહે છે તકે ખૂબ જ જૂજ સૅમ્પલ પ્રાપ્ય છે. યુકે વૅરિયન્ટના 3,84,000 સિક્વન્સની સામે આ વૅરિયન્ટના 298 સૅમ્પ્લ્સ ભારતમાં અને 656 આખા વિશ્વમાં રજૂ કરવામાં આવ્યા છે.

ડૉ. કામિલ કહે છે કે ભારતમાં પ્રથમ કેસ નોંધાયા બાદ વિશ્વભરમાં આ વૅરિયન્ટના 400થી ઓછા કેસ નોંધાયા છે.

ભારતમાં સેકન્ડ વેવ માટે આ વૅરિયન્ટ જવાબદાર?

ભારતમાં 15મી એપ્રિલથી દરરોજ બે લાખ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે, ગયા વર્ષે આ સર્વોચ્ચ આંક 93 હજાર હતો. મૃતકાંક પણ આ વખતી વધ્યો છે.

કૅમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ક્લિનિકલ માઇક્રોબાયૉલૉજીના પ્રોફેસર રવિ ગુપ્તા કહે છે કે ભારતની અત્યંત વિશાળ અને ગીચ વસતી આ વાઇરસ માટે મ્યુટેશન પેદા કરવાનું આદર્શ સ્થળ છે.

જોકે બીજા વેવ પાછળ મોટા મેળાવડા અને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી બાબતો નહીં પાડવા જેવાં કારણો જવાબદાર હોવાનું પણ મનાય છે.

રસી કામ લાગશે?

અંતમાં વૈજ્ઞાનિકો કહે છે કે રોગ અટકાવવાની વાત આવે ત્યારે આ વૅરિયન્ટને નિયંત્રણમાં રાખવામાં વૅક્સિનથી મદદ મળશે.

પ્રોફેસર ગુપ્તા અને તેમના સાથી સંશોધકોએ ‘નૅચર’માં પ્રકાશિત કરેલા સંશોધનપત્ર મુજબ કેટલાક વૅરિયન્ટ હાલની રસીમાંથી ચોક્કસપણે બચી જશે. તેનો સામનો કરવા માટે વૈકલ્પિક વાઇરલ ઍન્ટીજનનો ઉપયોગ કરીને મ્યુટેટેડ સ્પાઇક સિક્વન્સ સાથે આપણે નવી પેઢીની રસી વિકસાવવી પડશે.

કોરોનાને ધીમો પાડવા અને તેનો ફેલાવો નિયંત્રિત કરવા માટે રસી વધારે મહત્ત્વની છે.

ડૉ. કામિલ જણાવે છે, “મોટા ભાગના લોકો માટે આ રસી મોટો ફરક લાવી શકે છે. રસીની મદદથી તેઓ બીમાર નહીં પડે અથવા સામાન્ય બીમાર થશે."

"રસી નહીં લીધી હોય તો હૉસ્પિટલમાં જવું પડે અથવા મૃત્યુ પણ થઈ શકે. તમને જે રસી સૌથી પહેલાં મળે તે લઈ લો. આદર્શ રસી શોધાય ત્યાં સુધી રાહ જોવાની ભૂલ ન કરશો.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો