You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Lambda વૅરિયન્ટ : કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ કેટલો જોખમી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કોરોના વાઇરસમાં સતત મ્યુટેશનના કારણે નવા વૅરિયન્ટ સામે આવી રહ્યા છે. ભારત સહિત વિશ્વમાં B.1.1.7 (આલ્ફા), B.1.351 (બૅટા), P.1 (ગામા) અને B.1.617.2 (ડેલ્ટા) વૅરિયન્ટના કેસ સામે આવ્યા છે, ત્યારે ડબ્લ્યુએચઓએ (વિશ્વ આરોગ્ય સંસ્થા) C.37 (લૅમ્ડા) વૅરિયન્ટ વિશે ચિંતા જાહેર કરી છે.
લૅમ્ડા વૅરિયન્ટ B.1.1.1ના પરિવારમાંથી આવે છે. ડબ્લ્યુએચઓ અનુસાર લૅમ્ડા વૅરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં સાત મ્યુટેશન છે, જ્યારે ડેલ્ટા વૅરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં ત્રણ મ્યુટેશન હોવાનું બહાર આવ્યું છે. આ જોતા કહી શકાય કે લૅમ્ડા વધુ ચેપી પુરવાર થઈ શકે છે.
નવો વૅરિયન્ટ કોરોના વાઇરસથી કરતાં વધુ ઝડપથી પ્રસરે છે કે કેમ તે વિશે હાલ સંશોધન ચાલી રહ્યું છે.
નિષ્ણાતો મુજબ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મારફત આ વૅરિયન્ટ ભારત આવી શકે છે. આ વૅરિયન્ટ જો ભારતમાં પગપેસારો કરે તો આરોગ્ય વ્યવસ્થાની ચિંતા વધારી શકે છે.
સૌપ્રથમ પેરુમાં દેખા દીધી
લૅમ્ડા વૅરિયન્ટે સૌપ્રથમ દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં દેખા દીધી હતી. ડિસેમ્બર 2020માં તેનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ પેરુમાં લૅમ્ડાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
અહેવાલ અનુસાર પેરુમાં કોરોના વાઇરસના નોંધાયેલા કુલ કેસ પૈકી 80 ટકા કેસ લૅમ્ડા વૅરિયન્ટના છે. દક્ષિણ અમેરિકાના બીજા દેશો ચીલી, આર્જેન્ટિના અને ઇક્વાડોરમાં પણ આ વૅરિયન્ટે દેખા દીધી છે.
ડિસેમ્બર 2020થી જૂન 2021 વચ્ચે 30 દેશમાં લૅમ્ડા વૅરિયન્ટના કેસ સામે આવ્યા છે, પરંતુ તેમની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી છે.
યુકે અને યુરોપના બીજા દેશોમાં પણ લૅમ્ડા વૅરિયન્ટના કેસ સામે આવ્યા છે. હાલમાં જ યુકેમાં લૅમ્ડા વૅરિયન્ટના છ કેસ સામે આવ્યા છે, જે બાદ પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઈ) હરકતમાં આવી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
WHOની સત્તાવાર યાદી પ્રમાણે 14 જૂન 2021ના રોજ તેમના વૈજ્ઞાનિકોએ C.37 (લૅમ્ડા)ને વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ (વીઓઆઈ) તરીકે જાહેર કર્યો છે.
શું હોય છે વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ?
WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) અનુસાર વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ (વીઓઆઈ) એટલે એવા અનુવંશિક ફેરફાર જે વાઇરસનાં મૂળ લક્ષણોમાં ફેરફાર લાવી શકે છે. આમાં વાઇરસનો પ્રસાર, બીમારીની ગંભીરતા અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને બાયપાસ કરવી સામેલ છે.
જ્યારે કોઈ વૅરિયન્ટમાં મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા હોય ત્યારે WHO તેને વીઓઆઈ તરીકે જાહેર કરે છે.
જો વૅરિયન્ટના કેસ સતત સામે આવતા હોય અને ઘણા બધા દેશોમાં એકસાથે કેસ આવવા લાગે તો તેવા સંજોગોમાં વૅરિયન્ટને વીઓઆઈ તરીકે જાહેર કરવામાં આવે છે.
કોઈ વૅરિયન્ટને વીઓઆઈ તરીકે જાહેર કર્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા વૅરિયન્ટના જાહેર આરોગ્ય પર પડનારા પ્રભાવ વિશે અભ્યાસ કરે છે. દેશો સાથે મળીને વૅરિયન્ટનાં લૅબોરેટરીમાં પરીક્ષણો કરવામાં આવે છે. વિશ્વમાં વૅરિયન્ટ કેટલા દેશોમાં હાજર છે તે વિશે પણ સંશોધન કરીને તેને અટકાવવા માટે પગલાં લેવામાં આવે છે.
અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન - CDC પ્રમાણે વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ માટે ઘણી બધી વસ્તુઓ પર તપાસ કરવામાં આવે છે. વાઇરસનો નવો વૅરિયન્ટ કઈ રીતે ફેલાયો, બીમારી કેટલી ગંભીર છે, સારવાર કેટલી અસરકારક છે અને શું વૅક્સિન અસર કરે છે કે કેમ વગેરે બાબતો સામેલ હોય છે.
ભારતમાં શું સ્થિતિ છે?
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, C.37 (લૅમ્ડા) વૅરિયન્ટે હજુ સુધી ભારતમાં દેખા દીધી નથી.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીના મેક્સિમમ કન્ટેન્મેન્ટ ફૅસિલિટીનાં પ્રમુખ ડૉ. પ્રજ્ઞા યાદવ જણાવે છે, "30 દેશોમાં લૅમ્ડા વૅરિયન્ટના કેસ સામે આવ્યા છે અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જે સૂચવે છે કે આ વૅરિયન્ટ અત્યંત ચેપી છે. આ બહુ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે."
"હાલમાં જ એક સંશોધનમાં બહાર આવ્યું છે કે mRNA વૅક્સિન લીધા બાદ જે ઍૅન્ટી બોડી તૈયાર થાય છે, તે લૅમ્ડા વૅરિયન્ટને ઓળખી કાઢે છે અને તે વૅરિયન્ટ પર સારું કામ કરે છે."
માઇક્રોબાયૉલૉજીના પ્રોફેસર ડૉ. ઉર્વેશ શાહે બીબીસીને જણાવ્યું કે લૅમ્ડાના કેટલાક કેસ ભારતમાં અગાઉ પણ નોંધાયા છે, પરંતુ ચેપ જોઈએ એટલી તીવ્રતાથી ફેલાયો નથી. પશ્ચિમ બંગાળ, હૈદરાબાદ અને તેલંગણામાં છૂટાછવાયા કેસ સામે આવ્યા છે.
કોરોના વાઇરસ સાથે સંબંધ
કોરોના વાઇરસ સંબંધિત તમામ પ્રકારોમાં એક લાક્ષણિકતા સર્વસામાન્ય હોય છે અને એ છે કોરોના. તમે વાઇરસની અણીવાળા દડા જેવી તસવીર જોઈ હોય તો આ અણીવાળા (સ્પાઇક) પ્રોટીનને કોરોના તરીકે ઓળખવામાં આવે છે.
નાગરિકોને વારંવાર 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવાની કે આલ્કોહોલવાળા સૅનિટાઇઝરથી હાથ સાફ કરવાની સલાહ આપવામાં આવે છે કે જેથી વાઇરસ પરની અણી બુઠ્ઠી થઈ જાય અને તે માનવકોષ સાથે જોડાણ પ્રસ્થાપિત ન કરી શકે.
તે માનવકોષ સાથે સંપર્કમાં આવવા માટે તથા તેમાં પ્રવેશવા માટે આ અણીવાળા ભાગનો ઉપયોગ કરે છે. ગ્રીક મૂળાક્ષર મુજબ, આલ્ફા, બિટા, ગૅમા અને ડેલ્ટા એમ ચાર પ્રકારના કોરોના વાઇરસ જોવા મળે છે.
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝના મતે કોરોના વાઇરસનાં સાત એવાં સ્વરૂપોને ઓળખી શકાયાં છે કે જે માનવશરીરને ચેપ લગાડી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે