નરેન્દ્ર મોદી કૅબિનેટ : સરકારને મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં પહેલી વખત કૅબિનેટનું વિસ્તરણ થયું છે. 43 નવા મંત્રીઓએ આજે શપથ લીધા અને સાથે જ રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ડૉ. હર્ષવર્ધન જેવા 12 નેતાઓએ મંત્રીપદ પરથી રાજીનામાં આપી દીધાં.

ગુજરાતના ભાજપ નેતાઓ પૈકી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કૅબિનેટમાં બઢતી મળી હતી, જ્યારે દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાને પણ મંત્રીપદ મળ્યાં છે.

જોકે આ સમયે મંત્રીમંડળમાં થઈ રહેલા ફેરફારો અંગે વિપક્ષ દ્વારા ભાજપની ટીકા કરાઈ રહી છે અને કેટલાક સવાલો પણ ઉઠાવાઈ રહ્યા છે.

મોદી સરકારમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી?

મોદી સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે થયેલા ફેરફાર અંગે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતીના ઋષભ પટેલ સાથે વાત કરતાં જણાવે છે, "જે-તે રાજ્યોની અંદર ચૂંટણી આવતી હોય, ત્યારે એને ધ્યાનમાં રાખીને તે રાજ્યોના સંસદસભ્યોને મંત્રીપદ આપીને કોઈ જ્ઞાતિ, સમાજના મત મેળવવા માટે પ્રયત્ન થતા હોય છે."

"બીજું કારણ એવું પણ હોય કે પ્રધાનોની કામગીરીનું વિશ્લેષણ થઈ રહ્યું હોય."

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે, તે પહેલાં ગુજરાતના પાંચ સંસદસભ્યોને અને ઉત્તરપ્રદેશના સાત સંસદસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે.

આ સંદર્ભે સુરતના વરિષ્ઠ પત્રકાર મનોજ મિસ્ત્રી બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં કહે છે કે "મોદી સરકારને કોરોનાને લીધે સર્જાયેલી સ્થિતિને પગલે પણ આ ફેરફાર કરવાની જરૂર પડી."

તેમણે કહ્યું, "કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિથી લોકોમાં મંત્રીઓ પ્રત્યે નારાજગી હતી અને તેથી જૂના ચહેરા હઠાવવામાં આવ્યા છે. હવે મોદીએ નવા ચહેરા લીધા, જેથી એક નવી ટીમ હોય એટલે કામકાજમાં પણ તેનાથી ફરક જોવા મળી શકે."

વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી માને છે કે આની પાછળનું એક સીધું કારણ ઉત્તર પ્રદેશની ચૂંટણી છે.

તેઓ કહે છે, "પહેલાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની હાર થઈ, તેમાં ભાજપે ખૂબ જોર લગાવ્યું અને ભાજપને આશા પણ ઘણી હતી. છતાં ત્યાંના મતદારોએ મત ન આપ્યા."

"હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી રહી છે, આ વચ્ચે કોરોનામાં કામગીરીને લઈને પણ છબિને ઘણી અસર થઈ છે. દેશમાં ઘણો રોષ છે અને તેની અસર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર થઈ શકે તેમ છે."

"એથી અનેક કારણોને આવરી લેવાની સાથે જો તમે જુઓ તો 2024ની ચૂંટણીની તૈયારી થઈ રહી હોય તેમ પણ લાગે છે."

ગુજરાતની ચૂંટણી પર શું અસર થશે?

મનોજ મિસ્ત્રી કહે છે, "આ નવા ફેરફારથી ગુજરાતની રાજનીતિમાં અસર જોવા મળશે, એ વાત ચોક્કસ છે. ભાજપ મજબૂત થશે, કેમ કે તેમણે સમુદાયોમાંથી પ્રતિનિધિત્વ લેવાની કોશિશ કરી છે. કોળી પણ છે અને પાટીદાર પણ છે."તેઓ કહે છે, "રાજ્યની રાજનીતિમાં આની અસરથી આમ આદમી પાર્ટી માટે પણ પડકાર સર્જાશે, વળી સુરતમાંથી દર્શનાબહેન જરદોશને સ્થાન આપવાથી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વર્ચસ્વ મામલે પણ સ્થિતિ બદલાશે."

"દક્ષિણ ગુજરાતના દેસાઈ અને ઓબીસી મતદારો સંદર્ભે દર્શના જરદોશ મહત્ત્વનું પરિબળ છે. મહિલા ચહેરો છે અને ઓબીસી પરિબળ છે."

"મોદીજીની આદત રહી છે કે તેઓ નવા ચહેરાઓને તક આપે છે, તેમની રાજનીતિની આ એક શૈલી છે."

કોણ-કોણ છે નવા મંત્રી?

  • જ્યોતિરાદિત્ય સિંધિયા
  • સર્બાનંદ સોનોવાલ
  • કિરણ રિજિજુ
  • આરસીપી સિંહ
  • અશ્વિની વૈષ્ણવ
  • પશુપતિ પારસ
  • નારાયણ તનુ રાણે
  • ડૉ. વીરેન્દ્ર કુમાર
  • રાજકુમાર સિંહ
  • હરદીપસિંહ પુરી
  • મનસુખ માંડવિયા
  • ભૂપેન્દ્ર યાદવ
  • પુરુષોત્તમ રૂપાલા
  • જી. કિશન રેડ્ડી
  • અનુરાગસિંહ ઠાકુર
  • પંકજ ચૌધરી
  • અનુપ્રિયા સિંહ પટેલ
  • એસ. પી. સિંહ બઘેલ
  • રાજીવ ચંદ્રશેખર
  • શોભા કરંદજે
  • ભાનુપ્રતાપસિંહ વર્મા
  • દર્શના જરદોશ
  • મીનાક્ષી લેખી
  • અન્નપૂર્ણા દેવી
  • એ. નારાયણસ્વામી
  • કૌશલ કિશોર
  • અજય ભટ્ટ
  • બી. એલ. વર્મા
  • અજય કુમાર
  • દેવુસિંહ ચૌહાણ
  • ભગવંત ખુબા
  • કપિલ મોરેશ્વર પાટીલ
  • પ્રતિમા ભૌમિક
  • ડૉ. સુભાષ સરકાર
  • ડૉ. ભાગવત કરાડ
  • ડૉ. રાજકુમાર રંજન સિંહ
  • ડૉ. ભારતી પવાર
  • વિશ્વેશ્વર ટુડુ
  • શાંતનુ ઠાકુર
  • ડૉ. મહેન્દ્ર મુંજપરા
  • જોહ્ન બાર્લા
  • ડૉ. એલ. મુરુગન
  • નિશીથ પ્રમાણિક

રાજીનામાનો ક્રમ

મોદી સરકારની કૅબિનેટનું વિસ્તરણ થાય એ પહેલાં મંત્રીઓએ રાજીનામાં આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં આઈટી મંત્રાલય સંભાળતા રવિશંકર પ્રસાદ, પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકર, આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન જેવાં નામો પણ સામેલ હતાં.

સમાચાર એજન્સી રાષ્ટ્રપતિભવનને ટાંકીને લખે છે કે દેશના રાષ્ટ્રપતિએ 12 મંત્રીઓનાં રાજીનામાં સ્વીકાર્યાં છે. કૅબિનેટના વિસ્તરણના પગલે આ રાજીનામાં અપાયાં હોવાનું કહેવાય છે.

મોદી સરકારના કયા મંત્રીઓએ રાજીનામાં આપ્યાં?

  • ડૉક્ટર હર્ષવર્ધન - કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી
  • થાવરચંદ ગહેલોત - સામાજિક ન્યાયમંત્રી
  • સંતોષ ગંગવાર - કેન્દ્રીય શ્રમમંત્રી
  • રમેશ પોખરિયાલ નિશંક - કેન્દ્રીય શિક્ષણમંત્રી
  • સંજય ધોત્રે - રાજ્ય કક્ષાના મંત્રી - મહિલા તથા બાળકલ્યાણ મંત્રાલય
  • બાબુલ સુપ્રિયો - રાજ્ય કક્ષાના મંત્રી - પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલય
  • સદાનન્દ ગૌડા - કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય
  • પ્રતાપ સારંગી - રાજ્ય કક્ષાના મંત્રી - મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી મંત્રાલય

બાબુલ સુપ્રિયોએ કહ્યું, 'મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું'

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પણ બુધવારે સાંજે મોદી સરકારના મંત્રીમંડળમાં થનારા ફેરફાર પહેલાં રાજીનામું આપ્યું હતું.

સુપ્રિયોએ તેમના અધિકૃત ફેસબુક પેજ પર એક પોસ્ટ લખીને આ અંગે માહિતી આપી હતી.

તેમણે લખ્યું કે તેમને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમણે રાજીનામું આપી દીધું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો