You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દર્શના જરદોશ : મોદી-શાહ કરતાં વધુ લીડથી જીતવાથી માંડીને નરેન્દ્ર મોદીના મંત્રીમંડળ સુધી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી એક મહિલા નેતાની પણ મોદીના મંત્રીમંડળમાં પસંદગી થઈ છે અને એ છે સુરતનાં સાંસદ દર્શના જરદોશ, તેઓ છેલ્લી ત્રણ ટર્મથી સુરતમાંથી લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ રહ્યાં છે.
ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ સુરતમાં ભાજપ માટે પડકાર ઊભો કર્યો હતો.
જ્યાંના મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉંગ્રેસ ખાતું ખોલાવી શકી ન હતી અને હવે આપ સમગ્ર રાજ્યમાં ચૂંટણી લડવા માગે છે, ત્યારે તેના કેન્દ્રબિંદુ એવા સુરતમાંથી દર્શનાબહેનને પસંદ કરવામાં આવ્યાં હોવાનું માનવામાં આવે છે.
પાટીદારોના વિરોધની વચ્ચે પણ તેમણે પાર્ટીનો પ્રચાર કર્યો હતો, જેની સ્થાનિક તથા કેન્દ્રીય નેતૃત્વે નોંધ લીધી હતી.
80ના દાયકાથી રાજકારણમાં સક્રિય
દર્શનાબહેન જરદોશનો જન્મ સુરતમાં 1961માં થયો હતો. તેઓ ઇકૉનૉમિક્સ અને કૉમર્સના વિષય સાથે બી.કોમ. થયેલાં છે.
લોકસભાની વેબસાઇટ પર દર્શનાબહેનનો જે પરિચચ છે, એમાં તેમની ઓળખ બિઝનેસપર્સન એટલે કે વ્યાવસાયી વ્યક્તિની પણ છે.
80ના દાયકાથી તેઓ રાજકારણમાં સક્રિય છે, 1988માં પ્રથમ વખત તેઓ સુરતની ભાજપની વોર્ડ નંબર 8ની સમિતિમાં ઉપપ્રમુખ બન્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1992માં તેઓ સુરત ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ હતાં અને 2000માં તેઓ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં સભ્ય થયાં હતાં.
2006થી 2008 સુધી ગુજરાતના ભાજપના મહિલા મોરચાના જનરલ સેક્રેટરીપદે હતાં.
જ્યારે કાશીરામ રાણાની જગ્યા લીધી
દર્શના જરદોશની રાજકીય કારકિર્દીમાં વધુ એક પ્રસંગનું પણ મહત્ત્વ છે, 2009માં તેમણે દિગ્ગજ નેતા કાશીરામ રાણાની જગ્યા લીધી હતી.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે માર્ચ 2009માં લોકસભાની ચૂંટમી માટે ભાજપ દ્વારા કાશીરામ રાણાને બદલે દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી હતી.
અહેવાલ પ્રમાણે 2009માં જરદોશે છ ટર્મથી સંસદસભ્ય તરીકે ચૂંટાતાં કાશીરામ રાણા માટે કહ્યું હતું કે "રાણાએ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે કામ ન કર્યું, એથી તેમને પક્ષે ટિકિટ આપી નથી."
2009માં તેઓ પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયાં, 2010થી 2013 સુધી તેઓ ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં જનરલ સેક્રેટરી હતાં. 2014માં બીજી વખત તેઓ લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યાં.
2019માં લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત પણ તેઓ ચૂંટાયાં, ત્રીજી વખત ચૂંટાયાં પછી તેઓ સરકારની બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટી, કમિટી ઑન પબ્લિક ડિમાન્ડ્સ, સ્ટેન્ડિંગ કમિટી ઑન ફાઇનાન્સ વગેરેમાં સભ્ય રહી ચૂક્યાં છે.
સૌથી મોટી લીડથી સાંસદ બન્યાં
દર્શના જરદોશ 2014માં સુરતમાં 5,33,190 કરતાં વધુ મતોથી ચૂંટાયાં હતાં, ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધી પછી કોઈ મહિલા દ્વારા મેળવાયેલી આ મોટી લીડ હતી.
હીરાઉદ્યોગ વધુ પ્રગતિ કરે એ માટે 2009માં તેમણે સુરતમાં ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સ્થાપવાની માગ કરી હતી.
કોરોનાએ કાળો કેર વર્તાવ્યો, ત્યારે સુરત સિવિલ હૉસ્પિટલમાં સાફસફાઈ અને પીવાનાં પાણીની સમસ્યા ઊભી થઈ હતી. જે અંગે એપ્રિલ મહિનામાં તેમણે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે સિવિલ હૉસ્પિટલમાં પીવાનાં અપૂરતાં પાણીની ફરિયાદો ઊઠી છે. ચોવીસ કલાક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. જે પ્રકારે દરદીઓ આવી રહ્યા છે, એની સામે તબીબો ઓછા પડી રહ્યા છે.
આવનારી વિધાનસભા ચૂંટણી માટેનું સમીકરણ?
ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડવાની વાત કરી છે અને તેઓ રાજકીય મેદાનમાં ઊતરી પણ ગયા છે. એવા સમયે સુરતમાંથી મોદી સરકારના મંત્રીમંડળમાં તેમની પસંદગીને અલગ રીતે પણ જોવામાં આવે છે.
તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના કૅમ્પનાં માનવામાં આવે છે. એથી આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે.
કળામાં રસ ધરાવતાં દર્શનાબહેન સંગીતમાં વિશારદ છે તેમજ નૃત્યની પણ જાણકારી ધરાવે છે.
ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી તેમજ ભારતનાટ્યમ્ તેમના રસના વિષયો છે. કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે હોળીના તહેવારમાં લોકો વચ્ચે દર્શનાબહેન માસ્ક વગર જોવા મળતાં વિવાદ થયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો