You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ હિટ ઍૅન્ડ રન : 'નિર્દોષ ઘાયલ બાળકોનો ચહેરો જ આંખો સામે ભમ્યાં કરે છે' - એક પત્રકારની જુબાની
- લેેખક, જયંતી ચૌધરી, વીટીવી ન્યૂઝ રિપોર્ટર
- પદ, બીબીસી ગુજરાતી માટે
29 જૂને મારી વહેલી સવારે 6 વાગ્યાનો નોકરીનો સમય હતો. ઑફિસ આવતાંની સાથે જ મને કહેવામાં આવ્યુ કે ગઈ કાલે રાત્રે શિવરંજનીમાં એક અકસ્માત થયો છે અને એ સમાચાર કવર કરવાના છે.
લગભગ સવારે 6.30 વાગ્યા હતા અને હું ત્યાં પહોંચ્યો. સૌથી પહેલા મારી નજરની સામે બે બાળકો આવ્યાં જેઓ આ અકસ્માતમાં ઘવાયાં હતાં. તેઓ ખૂબ તકલીફમાં હતાં. તેમને નજીકના રૈન બસેરામાં રખાયાં હતાં જ્યાં તેઓ દર્દની પીડાથી રડી રહ્યાં હતાં.
હું તેમની નજીક ગયો તો તેઓ મને જોઈને ડરી ગયાં, તો મેં તેમને દિલાસો આપ્યો કે હું તેમને કંઈ જ નહીં કરું.
તેમને ખૂબ જ ઈજા પહોંચી હતી. અકસ્માતના 6 કલાક બાદ પણ તેમને કોઈ સારવાર મળી ન હતી. મેં આસપાસના સગા સંબંધીઓ સાથે વાત કરી, તો તેમણે જવાબ આપ્યો કે આ માસૂમ બાળકોનાં માતા મૃત્યુ પામ્યાં છે અને તેમના પિતા હૉસ્પિટલમાં છે. બંને બાળકો ખૂબ ડરેલાં છે. એમની સાથે હૉસ્પિટલમાં રહે એવું કોઈ જ નથી, એટલે અમે તેમને દાહોદ જઈ હૉસ્પિટલ લઈ જઈશું.
પણ બાળકોની સ્થિતિ એટલી ખરાબ હતી કે હું રહી ન શક્યો. તેમનું વહેતું લોહી જોઈને મેં તરત 108ને ફોન કરવાનું નક્કી કર્યું. પણ તે લોકો હૉસ્પિટલ જવા તૈયાર ન હતા.
મેં વિચાર્યું કે તેમને કોઈ મેડિકલમાં લઈ જઉં જ્યાં તેમને કોઈ પાટા બાંધી દે, પણ વહેલી સવારે તે પણ શક્ય ન હતું. આ કામ મને પણ ફાવે તેમ ન હતું.
છેલ્લે મેં 108ને ફોન કરીને કહ્યું કે બાળકોને પાટા બાંધવા માટે પહોંચે, તેમને મદદની જરૂર છે. પણ 108 તરફથી જવાબ આવ્યો કે 108 ત્યારે જ આવે જ્યારે હૉસ્પિટલ જવું હોય.
સમય ન વેડફતા મેં ખોટું કહી દીધું કે હા હૉસ્પિટલ જવું છે ઍમ્બુલન્સ મોકલો. 108ની ઍમ્બુલન્સ ગણતરીની મિનિટમાં પહોંચી ગઈ અને મેં તેમાં હાજર વ્યક્તિને આખી પરિસ્થિતિ સમજાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકોને જોઈને તેઓ પણ સમજી ગયા અને તેમણે પણ નિયમો કરતાં વધારે માનવતા પર ભાર આપ્યો.
108ના ડૉક્ટરોએ આવી બાળકોને પાટા બાંધ્યા. મેં વિશ્વાસ અપાવ્યો કે હું બધી સારવાર ખાનગી હૉસ્પિટલમાં મફત કરાવીશ. પણ કોઈ હિસાબે બાળકો કે બાળકોનાં સગા હૉસ્પિટલ જવા માટે રાજી ન થયા.
તેનું કારણ હતું એક ડર. તેમને ડર હતો કે આપણી આધુનિક દુનિયામાં હવે તેઓ સુરક્ષિત નથી.
તેમણે જીદ કરી કે તેમને દાહોદ જ જવું છે. હું પણ માની ગયો અને તેમને એક નાની રકમ આપી કહ્યું કે તેઓ એક ખાનગી વાહન કરીને દાહોદ જાય અને સૌથી પહેલાં બાળકોની સારવાર કરવામાં આવે.
જ્યારથી એ બાળકોને જોયા છે, ત્યારથી સતત મારી આંખો સામે એ બાળકોનો નિર્દોષ ચહેરો જ ભમ્યા કરે છે.
વારંવાર મનમાં એ સવાલ થાય છે કે એ માસૂમ બાળકોએ એવી શું ભૂલ કરી હતી કે તેમણે આ રીતે પોતાની માતા ગુમાવવી પડી.
તેમની શું ભૂલ હતી કે તેમણે આટલી તકલીફ ઉઠાવવી પડી જે કદાચ ક્યારેય ઠીક નહીં થાય.
સવાલ છે કે જે લોકો આપણા ઘરના નિર્માણ માટે આખી જિંદગી ખર્ચી નાખે છે તેઓ પોતાના માથે કોઈ છત બનાવી શકતા નથી અને પોતાનું જીવન જોખમ સાથે ફૂટપાથ પર વીતાવવા મજબૂર બની જાય છે.
શું હતો આખો કેસ?
આ ઘટના 29 જૂનની છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં એક કાર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના લીધે ફૂટપાથ પર રહેતા લોકો પર ચઢી ગઈ હતી.
આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 3 વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાના અંદાજે 17 કલાક બાદ કારચાલક પોલીસ સમક્ષ હાજર થયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો