તાલિબાન : અફઘાનિસ્તાનના સૈનિકો જીવ બચાવી તાઝિકિસ્તાન ભાગ્યા, શું છે પરિસ્થિતિ?

અધિકારીઓનું કહેવું છે કે તાલિબાન ચરમપંથીઓ સાથે થયેલા સંઘર્ષ બાદ અફઘાનિસ્તાનના સંખ્યાબંધ સૈનિકો પાડોશી દેશ તાઝિકિસ્તાન ભાગી ગયા છે.

તાઝિકિસ્તાન તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે અફઘાન સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે સરહદ પાર કરીને ભાગી આવ્યા.

અફઘાનિસ્તાનમાં તાજેતરમાં હિંસા એકાએક વધી ગઈ છે અને મોટા ભાગના વિસ્તારો પર તાલિબાનનું નિયંત્રણ વધી રહ્યું છે.

તાલિબાનના સરહદના પ્રાંત બદાખ્શાનમાં તેમણે કેટલાંક ક્ષેત્રો પર કબજો જમાવ્યો છે.

બીજી તરફ તાઝિકિસ્તાનનું પ્રશાસન અફઘાન શરણાર્થીઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યું છે.

જેટલી ઝડપથી તાલિબાન વધુ વિસ્તારોને તેના નિયંત્રણમાં લઈ રહ્યું છે, તેનાથી એ ડરમાં વ્યાપક વધારો થયો છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની સંપૂર્ણ ઘરવાપસી બાદ અફઘાન સુરક્ષા દળ તેમની સામે ટકી નહીં શકશે.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષોથી નાટોના નેતૃત્વમાં સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે

સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનથી વિદેશી સૈનિકોની વાપસી થવાની છે જેમાંથી મોટાભાગના પહેલાંથી જ પરત ફરી ચૂક્યા છે.

નાટો અને અમેરિકાએ તાલિબાન સાથે એક સમજૂતી કરી હતી જેના હેઠળ એવું નક્કી થયું કે વિદેશી સૈનિક ત્યાંથી નીકળી જશે અને એના બદલામાં તાલિબાન ત્યાં અલ-કાયદા અથવા કોઈ અન્ય ચરમપંથી જૂથને વિસ્તારમાં ગતિવિધિ નહીં કરવા દે.

પાકિસ્તાનમાં અફઘાનના રાજદૂત રહેલા ડૉક્ટર ઉમર ઝખિલવાને બીબીસીને ન્યૂઝ ડે કાર્યક્રમમાં દાવા સાથે કહ્યું કે તાલિબાન એક પછી એક જિલ્લાઓમાં નિયંત્રણ મેળવી રહ્યું છે. પણ એવું લાગે છે કે કોઈ યોજના નથી બનાવાઈ.

તેમણે કહ્યું કે તાલિબાન વિશે કંઈ નક્કર ન કહી શકાય. હાલ તેઓ એવા જિલ્લાઓ પર કબજા કરી રહ્યા છે જ્યાં પહેલાં તેઓ કોઈ પણ જાતની રોકટોક વગર મજબૂત હતા અને આ સમગ્ર બાબતોને લીધે સુરક્ષા દળો નિરાશ છે.

તેમણે કહ્યું, “આ માત્ર કેટલાંક દળોની વાત નથી. તાલિબાનનો ડર શહેરો સુધી પહોંચી ગયો છે. સુરક્ષા દળોનું મનોબળ તૂટી રહ્યું છે અને તેઓ કોઈ પણ પ્રતિકાર વગર આત્મસમર્પણ કરી રહ્યા છે.”

તેમણે કહ્યું કે અફઘાન લોકોને આશા હતી કે અમેરિકા સંપૂર્ણ રીતે પરત ફરતાં પહેલાં તેમના દેશમાં શાંતિ સુનિશ્ચિત કરશે, પરંતુ તે સંભવ ન થઈ શક્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો