Virgin Galactic : અંતરિક્ષની પ્રથમ યાત્રા પૂરી કરીને પાછા ફર્યા રિચર્ડ બ્રેનસન

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્જિન ગૅલેક્ટિકના રિચર્ડ બ્રેનસન પોતાના સ્પેસપ્લેન 'વર્જિન વીએસએસ યુનિટી' દ્વારા અંતરિક્ષની યાત્રા પર રવાના થયા હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને તેઓ પાછા ફરી આવ્યા છે.

રવિવારે પોતાની આ યાત્રા માટે બ્રેનસનના વિમાને ન્યૂ મેક્સિકોના દક્ષિણ ભાગે આવેલા રણથી અંતરિક્ષમાં જવા માટે ઉડાણ ભરી.

ભારતીય સમયાનુસાર આ યાત્રા રાત્રે આઠ વાગ્યે શરૂ થઈ અને લગભગ સવા કલાક બાદ રાત્રિના 9.12 મિનિટે તેઓ ધરતી પર પાછા ફર્યા.

આ યાત્રામાં તેમના ચાલકદળના તમામ સભ્ય કંપનીના કર્મચારી જ હતા. બ્રેનસન સાથે ભારતીય મૂળનાં ઍરોનૉટિકલ ઇજનેર શીરિષા બાંદલા પણ આ ફ્લાઇટનો ભાગ રહ્યાં.

પોતાની ઉડાણ પહેલાં વર્જિન ગ્રૂપના માલિક રિચર્ડ બ્રેનસને માન્યું કે તેઓ ઐતિહાસિક યાત્રા પહેલાં થોડા નર્વસ છે.

બ્રેનસનનું કહેવું છે કે તેઓ આવતાં વર્ષે અંતરિક્ષ પર્યટનને અનુમતિ આપતાં પહેલાં મુસાફર તરીકે આ અનુભવનું મૂલ્યાંકન કરવા માગે છે.

પાછલા દિવસોમાં બ્રેનસને ટ્વિટર પર આ ઉડાણની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની આ ઉડાણનો હેતુ અંતરિક્ષ પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે.

નોંધનીય છે કે બ્રેનસન ઘણાં વર્ષોથી આ પળની રાહ જોઈ રહ્યા છે.

રિચર્ડ બ્રેનસન વર્જિન ગૅલેક્ટિટ રૉકેટ પ્લેનને એટલી ઊંચાઈએ લઈ ગયા હતા જ્યાં આકાશ કાળું દેખાવા લાગ્યું અને પૃથ્વી ગોળાકાર દેખાવાનું શરૂ થઈ ગઈ હતી.

અહીં નોંધનીય છે કે આ મિશન જેટલું ખાસ અમેરિકા માટે હતું એટલું જ ખાસ ભારત માટે પણ હતું. ભારતીય મૂળનાં શિરીષા બાંદલા આ મિશનનો મહત્ત્વપૂર્ણ ભાગ હતાં.

શિરીષાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'યુનિટી 22'ની અદ્ભુત ટીમમાં સામેલ થવા બદલ મને ગર્વ છે.

છ અવકાશયાત્રીઓનું મિશન

આ મિશનમાં કુલ છ અવકાશયાત્રીઓ હતા, જેમાં વર્જિન ગ્રૂપના સ્થાપક રિચર્ડ બ્રેનસન પણ સામેલ હતા.

શિરીષા બાંદલા મૂળે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાથી છે અને અમેરિકામાં સ્થાયી થયાં છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ તેઓ અવકાશયાત્રા કરનારાં ત્રીજાં ભારતીય મહિલા બની ગયાં છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ પણ શિરીષા બાંદલાને શુભેચ્છા પાઠવી છે.

તેમણે ટ્વીટ કર્યું છે, "વધુ એક વખત ભારતીય મૂળનાં મહિલા પોતાની ક્ષમતાનો પરચો આપવા જઈ રહ્યાં છે."

"શિરીષા બાંદલા વીએસએસ યુનિટીમાં અવકાશયાત્રાએ જઈ રહ્યાં છે, જેનાથી દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવે છે."

2012માં સુનીતા વિલિયમ્સ ચાર મહિના માટે ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં રહ્યાં હતાં. મૂળ હરિયાણાનાં કલ્પના ચાવલા 16 દિવસ સુધી અવકાશમાં રહ્યાં હતાં અને વિવિધ સંશોધનો હાથ ધર્યાં હતાં. પૃથ્વી પર પરત ફરતી વેળાએ અવકાશયાનમાં આગ લાગી હતી, જેમાં તમામ અવકાશયાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં.

'યુનિટી 22' મિશન શું છે?

વર્જિનની સત્તાવાર યાદી મુજબ 'યુનિટી 22' એક કોડ આધારિત નામ છે, જે વીએસએસ યુનિટીની 22મી ટેસ્ટ ફ્લાઇટ માટે છે.

'યુનિટી 22' જેવું મિશન અગાઉ થયું નથી, આ મિશનમાં બે પાઇલટ અને કૅબિનમાં ચાર મિશન સ્પેશિયાલિસ્ટ બેઠાં હશે. કૅબિનમાં વર્જિનના સ્થાપક સર રિચર્ડ બ્રાન્સન પણ હશે.

કૉમર્સિયલ અવકાશયાત્રાને કઈ રીતે વધુ આરામદાયી અને આનંદદાયી બનાવી શકાય તે ચકાસવા આ ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવશે.

ફ્લાઇટ દરમિયાન કૅબિનના વાતાવરણ અને બેઠકવ્યવસ્થા અંગે નિરીક્ષણો કરવામાં આવશે. સાથે જ અવકાશયાનથી પૃથ્વીનો નજારો કેવો મળે છે, તેનો પણ અભ્યાસ કરાશે. યુનિટી 22નું જીવંત પ્રસારણ પણ જોઈ શકાશે.

કરોડોની અંતરિક્ષ મુસાફરી

બીબીસીના વિજ્ઞાન સંવાદદાતા જૉનાથન ઍમોસ અનુસાર આ ટેસ્ટ ફલાઇટ યુનિટી રૉકેટમાં કરવામાં આવશે. રૉકેટમાં બેસનારી વ્યક્તિને અમુક સમય માટે વજનરહિત હોવાની અનુભૂતિ થાય છે અને વ્યક્તિ પૃથ્વીને નરી આંખે જોઈ શકે છે.

600 લોકોએ અવકાશયાત્રા માટે પૈસા જમા કરાવ્યા છે. જો કંપની કૉમર્સિયલ યાત્રા શરૂ કરે તો એક ટિકિટની કિંમત 2.50 લાખ ડૉલર રૂપિયા સુધી હશે.

વર્જિન ગેલાટીક કર્મશીયલ અવકાશ યાત્રા ક્ષેત્રમાં ઝંપલાવવા માગે છે અને તે માટે કંપની છેલ્લા બે દાયકાથી પ્રયત્ન કરી રહ્યું છે. કંપની 2022માં કોર્મશિયલ સર્વિસ શરુ કરવાની યોજના ધરાવે છે.

કોણ છે શિરીષા બાંદલા?

શિરીષા બાંદલાનો જન્મ ભારતમાં થયો છે અને તેઓ ચાર વર્ષનાં હતાં, ત્યારે માતાપિતા સાથે અમેરિકા ગયાં હતાં. શિરીષાના પિતા ડૉ. બાંદલા મુરલીધર વ્યવસાયે વૈજ્ઞાનિક છે અને અમેરિકન સરકારમાં સિનિયર ઍક્ઝક્યુટીવ સર્વિસના સભ્ય છે.

શિરીષા અમેરિકાના હ્યુસ્ટનમાં મોટાં થયાં છે, તેમણે પરજ્યુ યુનિવર્સિટીમાંથી ઍરોનૉટિકલ અને ઍસ્ટ્રૉનોમિકલ ઍન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ શિરીષા કૉમર્સિયલ સ્પેસ ફલાઇટ ફેડરેશનમાં અને એલ-3 કૉમ્યુનિકેશનમાં કામ કર્યું છે.

2015માં શિરીષા વર્જિન ગૅલેક્ટિકમાં જોડાયાં અને હાલમાં તેઓ કંપનીના વાઇસ પ્રૅસિડેન્ટ છે. તેઓ અમેરિકન ઍસ્ટ્રોનૉટિકલ સોસાયટી અને ફ્યૂચર સ્પેસ લીડર્સ ફાઉન્ડેશનના બોર્ડ ઑફ ડિરેક્ટરમાં પણ સામેલ છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શિરીષાએ લખ્યું, "યુનિટી 22માં હું રિસર્ચરનો અનુભવ લઈશ, મને આશા છે કે ભવિષ્યના વૈજ્ઞાનિકો, ટેકનૉલૉજીનાા નિષ્ણાતો અને શિક્ષણવિદોને તેનો લાભ થશે. તેઓ પૃથ્વી અને અવકાશને વધુ સારી રીતે સમજવા માટે અવકાશયાનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે."

'શિરીષાને બાળપણથી આકાશ સાથે પ્રેમ છે'

જ્યારથી શિરીષાની અવકાશયાત્રાની વાત જાહેર થઈ છે, ત્યારથી આંધ્ર પ્રદેશમાં રહેતા શિરીષાના દાદા ડૉ. રગઇયાહનું જીવન બદલાઈ ગયું છે. તેમને સતત ફોન આવે છે અને પૌત્રીની સફળતા બદલ લોકો અભિનંદન પાઠવે છે.

સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા શિરીષાના દાદા જણાવે છેઃ "હું બહુ ખુશ છું. શિરીષા નાની હતી, ત્યારથી તેને આકાશ પ્રત્યે આકર્ષણ રહ્યું છે."

"તે અવકાશયાત્રાએ જઈ રહી છે, તે નીડર વ્યક્તિ છે અને તેની અંદર નિર્ણય લેવાની અસાધારણ શક્તિ છે. અવકાશયાત્રા પૂર્ણ કરીને શિરીષા સુરક્ષિત પરત આવે, તે માટે હું અને પરિવારજનો ઉત્સુક છીએ."

તેઓ કહે છે કે "શિરીષાએ અવકાશયાત્રા માટે બહુ તૈયારી કરી છે. અવકાશયાન અને પ્લેન તેને કાયમ આકર્ષિત કરતાં રહાં છે. તે મને કહેતી કે મારે અવકાશયાત્રી બનવું છે અને આજે એ વાત સાચી પુરવાર થઈ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો