કૅનેડાથી સાઇપ્રસ સુધી ભયંકર ગરમીના માર બાદ હવે જંગલોમાં આગ ભભૂકી

દુનિયાના અનેક દેશો ભયંકર ગરમીની ચપેટમાં છે, આમાં ઇંગ્લૅન્ડ, અમેરિકા અને સાઇપ્રસ સામેલ છે. ગરમીના કારણે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે.

સાઇપ્રસનાં જંગલોમાં લાગેલી આગ ઓલવવા માટે કેટલાક દેશોએ મદદ મોકલાવી આપી છે.

દેશના ઇતિહાસમાં આ સૌથી ભયંકર આગ છે. આગ પર કાબૂ મેળવવા માટે કેટલાક દેશોએ વિમાન પણ મોકલાવ્યાં છે.

સાઇપ્રસની વિનંતી બાદ ગ્રીસ, ઇટાલી અને ઇઝરાયલે મદદ કરવાની બાંયધરી આપી છે.

જંગલોમાં લાગેલી આગ જોરદાર પવનને કારણે વધારે વેગથી વધી રહી છે. આગને કારણે કેટલાંય ગામોને ખાલી કરાવવા પડ્યાં છે.

બ્રિટનના સૈનિકો પણ મદદ માટે પહોંચ્યા છે.

આગમાં ચાર લોકોનું મૃત્યુ

રવિવારે આગની ચપેટમાં આવીને ચાર લોકોનાં મૃત્યુ થયાની પુષ્ટિ કરાઈ હતી. માનવામાં આવે છે કે મૃત્યુ પામનાર લોકો ઇજિપ્તના શ્રમિકો હતા. તેમની કાર આગમાં ફસાઈ ગઈ હતી અને તે લોકો લાપતા હતા.

સ્થાનિક મીડિયા મુજબ ઓડોસ ગામમાં તેમની કાર મળી હતી અને તેમના મૃતદેહો ત્યાંથી 400 મીટર દૂર મળ્યા હતા.

સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ એનાસ્તાસિયાદેસે ટ્રુડ્રુસ પર્વતમાળાની તળેતીમાં લાગેલી આગને એક ત્રાસદાયી ગણાવી છે.

રાષ્ટ્રપતિ કહ્યું કે તેમની સરકાર પીડિતો અને તેમના પરિવારને તાત્કાલિક ધોરણે સહાય પહોંચાડશે. તેમણે રવિવારે એક રાહત કૅમ્પ અને પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

એ દરમિયાન પોલીસે આગ લગાવવાની શંકા હેઠળ 67 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું કે શનિવારે જ્યારે આગ લાગી, ત્યારે એક પ્રત્યક્ષદર્શીએ તેને અરાકાપાસ ગામમાંથી પસાર થતા જોયો હતો.

કૅનેડામાં આગ

કૅનેડામાં રેકર્ડતોડ ગરમીને કારણે જંગલોમાં આગ લાગ્યા બાદ સેનાને મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

ડર છે કે પ્રભાવિત વિસ્તારોની નજીકના સ્થાનિકો આગની ચપેટમાં આવી શકે છે.

કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં જબરદસ્ત ગરમી પડી રહી છે. હીટવેવને કારણે જંગલોમાં આગ લાગી ગઈ છે. તાત્કાલિક સેવાના અધિકારીઓએ કહ્યું છે કે તેમણે 170 સ્થળોએ આગ લાગવાની સૂચના મળી છે અને બધી જગ્યાએ આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

મદદનો ભરોસો

આ પહેલાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પ્રભાવિત વિસ્તારોના નેતાઓ અને મંત્રીઓ સાથે વાત કરી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે "અમે ત્યાં મદદ માટે પહોંચીશું." ગત રવિવાર પહેલાં સુધી કૅનેડામાં તાપમાન ક્યારેય 45 ડિગ્રીને પાર નહોતું ગયું.

નિષ્ણાતો મુજબ પર્યાવરણમાં આવેલા પરિવર્તનને કારણે હીટવેવ જેવી પ્રાકૃતિક વિષમતાઓનો સામનો વારંવાર કરવો પડી શકે છે. જોકે કોઈ એક ઘટનાને ગ્લોબલ વૉર્મિંગ સાથે જોડવી એ જટિલ સમસ્યા છે.

કૅનેડા અને અમેરિકાના પશ્ચિમ ભાગોમાં ગરમીનું કારણ કૅલિફૉર્નિયા અને આર્કટિક ક્ષેત્રથી આવનાર ગરમ હવાઓથી બનેલું દબાણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો