ફિલિપિન્સમાં સૈન્ય વિમાન ક્રેશ : અત્યાર સુધી 50 સૈનિકોનાં મૃત્યુ, 49 સૈનિક ઘાયલ

દક્ષિણ ફિલિપિન્સમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું છે અને એમાં 50 સૈનિકોનાં મૃત્યુ થયાં છે અને 49 સૈનિકો ઘાયલ થયાં છે. વિમાનમાં 96થી વધારે લોકો સવાર હતા.

મૃતકોમાં ગ્રાઉન્ડ પર હાજર ત્રણ સામાન્ય નાગરિકોનું પણ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં લાપતા તમામને ખોળી કાઢવામાં આવ્યા છે. ફિલિપિન્સની સેનાના પ્રમુખે આ જાણકારી આપી છે.

ફિલિપિન્સમાં સુરક્ષા દળોના પ્રવક્તાએ ન્યૂઝ સાઇટ એબીએસ-સીબીએનને માહિતી આપી કે વિમાનના ડેટા રૅકર્ડરની તપાસ ચાલી રહી છે જેનાંથી અકસ્માતનું કારણ જાણી શકાશે.

મેજર જનરલ એડગાર્ડ અરેવાલે વિમાન કોઈ હુમલાનો ભોગ બન્યું હોય એવી આશંકાનો ઇનકાર કર્યો છે.

જનરલ સિરિલિટો સોબેજાનાએ સમાચાર સંસ્થા એએફપીને કહ્યું કે, સી-130 વિમાન સુલુ પ્રાંતના જોલો ટાપુ પર લૅન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

આ અકસ્માતમાં 50 જેટલા લોકોને વિમાનના સળગી રહેલા કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

સી 130 હર્ક્યુલીઝ વિમાનના કાટમાળમાંથી કાળો ધુમાડો જોવા મળ્યો હતો.

ફિલિપિન્સની સમાચાર એજન્સીએ અનેક ઇમારતોની પાસે આવેલા વિસ્તારમાંથી સળગી રહેલા કાટમાળની તસવીરો પ્રકાશિત કરી છે.

સોબેજાનાએ કહ્યું કે, "રાહત અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે વધારે લોકોને બચાવી શકાય."

"આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. વિમાન રનવેથી ચૂકી ગયું, તેને સંભાળવાના પ્રયાસમાં નિષ્ફળ રહી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું."

એએફપી અનુસાર વિમાનમાં સવાર અનેક પ્રવાસીઓએ તાજેતરમાં સૈન્ય શિક્ષણમાં સ્નાતકની પદવી મેળવી હતી અને એમને મુસ્લિમ બહુમતીવાળા અશાંત વિસ્તારોમાં ચરમપંથીઓ સામેની એક ટાસ્ક ફોર્સમાં તહેનાત કરવામાં આવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ફિલિપિન્સમાં અનેક ચરમપંથી સમૂહો છે અને ત્યાં મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કરવામાં આવે છે.

જનરલ સિરિલિટો સોબેજાનાએ કહ્યું કે, ખૂબ દુર્ભાગ્યની વાત છે કે વિમાન રન-વે ચૂકી ગયું અને તેને સંભાળવાની કોશિશ નિષ્ફળ નીવડી.

અકસ્માત સમયે મધ્ય ફિલિપિન્સમાં વરસાદ હતો પણ આ ઘટના ખરાબ મોસમને કારણે બની છે નહીં તે હજી સ્પષ્ટ નથી.

સુલુના મુખ્ય શહેર જોલોમાં ઍરપોર્ટ પહાડી વિસ્તારથી નજીક છે. અહીં સેના અબૂ સય્યફ નામના એક ચરમપંથી સમૂહ સામે સંઘર્ષરત છે. આ જૂથના અમુક ચરમપંથીઓએ પોતાને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડી લીધા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો