વિમાન દુર્ઘટનાનું રહસ્ય સાચવી રાખતું બ્લૅક-બૉક્સ શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇન્ડોનેશિયાનું બોઇંગ 737 જકાર્તાથી 62 મુસાફરોને લઈને ઊડ્યું, એ બાદ ગાયબ થઈ ગયું હતું. હાલમાં આ વિમાનનું બ્લૅક-બૉક્સ સમુદ્રના પેટાળમાં ક્યાં છે, એની ભાળ મળી ગઈ છે.

આ બ્લૅક-બૉક્સ મારફતે વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તેની વિગતવાર માહિતી મળશે.

હવે સવાલ એ છે કે એક સામાન્ય બૂટના ખોખા જેવડા વિમાનના બ્લૅક-બૉક્સમાં એવું તે શું હોય છે કે જેનાથી વિમાનના અકસ્માતની તમામ માહિતી જાણી શકાય છે.

બ્લૅક-બૉક્સ શું હોય છે?

દરેક વિમાનના પાછળના ભાગમાં બૂટના સામાન્ય ખોખા જેવડું એક ઉપકરણ લાગેલું હોય છે, જેને બ્લૅક-બૉક્સ કહેવાય છે.

આ ઉપકરણને ભલે બ્લૅક-બૉક્સ કહેવાતું હોય પણ તેનો રંગ ઘાટો પીળો હોય છે. આ ઉપકરણનો રંગ ઘાટો પીળો રાખવા પાછળ એવો તર્ક છે કે તે સરળતાથી નજરમાં આવી જાય.

હવાઈ યાત્રાના ક્ષેત્રમાં બ્લૅક-બૉક્સને ફ્લાઇટ રેકૉર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે આ ઉપકરણ વિમાનની સફરને લગતી દરેક પ્રકારની માહિતી એકઠી કરી લે છે.

બ્લૅક-બૉક્સ કેવી રીતે કામ કરે?

બ્લૅક-બૉક્સમાં બે ડિવાઇસ મહત્ત્વનાં હોય જે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાનો તમામ ડેટા સાચવી રાખે છે. એક છે ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને બીજું કોકપીટ વૉઇસ રેકૉર્ડર.

ફ્લાઇટ રેકૉર્ડર ફ્લાઇટને લગતો ટેકનિક ડેટા સાચવે છે. જેમ કે ફ્લાઇટની તમામ માહિતી ઉપરાંત વિમાનની અંદરનું તાપમાન, વિમાનની ગતિ, ઇંધણનું માપ, ઓટો-પાઇલટ સ્ટેટસ, વિમાનની ઊંચાઈ અને ફ્લાઇટની હવામાં ગતિવિધિ. બ્લૅક-બૉક્સ 25 કલાક સુધીનો ડેટા રેકૉર્ડ કરી શકે છે.

હવે વાત કરીએ બીજી મહત્ત્વના ડિવાઇસ એટલે કે કોકપીટ રેકૉર્ડર વિશે.

વિમાનમાં જ્યાં પાઇલટ અને કૉ-પાઇલટ બેસે તેને કોકપીટ કહેવાય છે. આ જગ્યાએથી વિમાનનું સંચાલન કરવામાં આવે છે.

બ્લૅક-બૉક્સમાં રહેલું કોકપીટ રેકૉર્ડર કોકપીટમાં થતી વાતચીત, વિમાનના કર્મચારીઓની વાતચીત, ઍન્જિનનો અવાજ અને ઍર ટ્રાફિક કંટ્રોલ સાથે થતી વાતચીતને રેકૉર્ડ કરે છે.

આ ડેટાની મદદથી માલુમ પડી જાય કે દુર્ઘટના ઉપકરણીય ખામીને લીધે થઈ, માનવીય ખામીને લીધે થઈ કે પછી કોઈ અન્ય કારણોસર ઘટી છે.

બ્લૅક-બૉક્સની અંદર શું હોય?

બ્લૅક-બૉકસની અંદર વિદ્યુત અવરોધક થર્મલ બ્લૉક હોય છે, જ્યાં ફ્લાઇટનો તમામ ડેટા એકઠો થાય છે. આ બૉક્સ એટલું મજબૂત હોય છે કે તે 1 હજાર ડિગ્રી સુધીની તાપમાન પણ સહન કરી શકે છે.

મતલબ કે જો વિમાન બ્લાસ્ટ થાય તો તેના વિસ્ફોટથી આ બ્લૅક-બૉક્સના ડેટાને કોઈ અસર થતી નથી. આ સાથે આ ઉપકરણ દરિયાના ખારા પાણી કે અન્ય કોઈ પ્રવાહીમાં પણ લાંબો સમય સચવાઈ રહે છે.

હવે એ સવાલ ઊભો થાય કે જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારે બ્લૅક-બૉક્સ સમુદ્રના પેટાળમાં ક્યાં પડ્યું છે એ કેવી રીતે માલુમ પડે?

તો આનો જવાબ છે અંડર વોટર બીકન લોકેટર. બ્લૅક-બૉક્સમાં લાગેલું આ ઉપકરણ ખૂબ જ મહત્ત્વનું છે જે તેનું લોકેશન જણાવે છે.

અન્ડર વોટર બીકન લોકેટર પાણીના સંપર્કમાં આવતા જ ઍક્ટિવેટ થઈ જાય છે જેમાંથી અલ્ટ્રાસાઉન્ડ સિગ્નલ નીકળે છે. આ ઉપકરણ 30થી 90 દિવસ સુધી કાર્યરત રહે છે. આ સિગ્નલની મદદથી બ્લેક બૉક્સને શોધવામાં ખૂબ જ સરળતા રહે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો